“ગંગાથી રાવી સુધી” – ‘परोपकारायः वहन्ति नद्याः’ ~ પ્રકરણ ૫ ~ પૂર્વી મોદી મલકાણ

 

 

 

 

 

 

 

 

 

देश की जीवन रेखा कल कल छल छल बहती
क्या कहती गंगा 
धारा युग युग से बहता आता यह पुण्य प्रवाह हमारा

 પ્રાચીન કાળમાં જ્યાં ગંગા, યમુનાનું સ્થાન પ્રથમ હતું, તે નિયમ મધ્યકાલીન યુગથી બદલાઈ ગયો. અને, તેનું કારણ એ પ્રાકૃતિક ભાષાઓ બની. આથી જે વ્યક્તિ જે જગ્યામાં રહેતો હોય તેજ જગ્યામાં રહેલી નદીઓનું પૂજન અને તેનાં ગુણગાન ગાવામાં આ પ્રાકૃતભાષાઓ સહાયક બની. એ વાત અલગ છે કે; આ લોકમાતાઓનું આપણે ધ્યાન રાખી ન શક્યાં. પણ તેમ છતાં યે લોકવાણીમાં તો આ નદીઓ લોકમાતા જ રહી. માટે ચાલો તો હવે વિવિધ પ્રાંત, જિલ્લા, નગરોમાં રહેલ આ લોકમાતાઓને જોઈએ અને તેમને માટે લોકગીતો ને લોકકથાઓએ શું કહ્યું છે તે જાણીએ. લોકમાતાઓની મુલાકાતમાં સૌથી પહેલા પહોંચીએ સૂર્યપુત્રી અને કૃષ્ણપ્રિયા યમુના પાસે જે વ્રજભૂમિમાંથી વહી રહી છે.

नमामि यमुनामहं सकल सिद्धि हेतुं मुदा,
मुरारि पद पंकज स्फ़ुरदमन्द रेणुत्कटाम ।
तटस्थ नव कानन प्रकटमोद पुष्पाम्बुना,
सुरासुरसुपूजित स्मरपितुः श्रियं बिभ्रतीम

અર્થાત્:- શ્રી કૃષ્ણના ચરણાર્વિન્દની રજ થકી જે શોભી રહ્યાં છે, તે સિદ્ધિ અલૌકિક આપનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી યમુનાના તટે ખિલેલા પુષ્પોથી યમુનાજીની આસપાસ રહેલ જંગલ મહેકી રહ્યું છે. યમુના ઉપરથી વહેતા શીતલ પવનથી જળ પણ સુગંધિત થઈ રહ્યું છે. દેવો અને અસૂરો પણ જેને સ્નેહથી પૂજે છે તે દેવી યમુનાની કૃપા તો શ્રી કૃષ્ણને વહાલા દૈવી જીવો પર જે રીતે વરસી રહી છે તે જોઈને હું શ્રી યમુનાજીને વિનંતી કરું છું કે; આપ અમને સદાય કૃષ્ણનો આશ્રય શરણાગતિ આપજો.

જે કૃષ્ણપ્રિયા અને શ્રી રાધેસખીરી છે તેવી ભગવતી યમુનાનાં પવિત્ર જળમાં ભાઈબીજને દિવસે જે કુટુંબ ભેગું અને એકમત થઈ યમુનાજીમાં સ્નાન કરે છે તેને યમની યાતનાથી મુક્તિ મળી જાય છે. આથી કહ્યું છે કે;

जै जै जमुना मैया, जमराज तैने जीत लिया
चारो कुटुम मिली एकमत हौके
, जमुना किनारे असनान करै ।

યમયાતનામાંથી મુક્તિ અપાવનાર યમુના તીરે આવેલ કદંબની છાંવ નીચે કૃષ્ણ ગેડી અને ગેંદે ખેલી રહ્યાં છે. ત્યારે જમુનાજીમાં ગેંદ પડી જાય છે. તેને કાઢવા માટે મુરલીધારી કૃષ્ણએ જમુનામાં છલાંગ લગાવી છે. આથી કહ્યું છે કે;

जमुना किनारे कदम की छैँया, गेंदुआ खेले कृष्ण कन्हैया
उछलि के गेंद जमुना दह गिरल
, देखि कुदि परिया बालकनैया ।

ઉપરોક્ત લોકગીતમાં જ્યાં કદંબની છાંવ અને જમુના કિનારાની વાત કરવામાં આવી છે, ત્યાં નીચેનાં ગીતમાં રામની સરયૂ અને કદંબની વાત કરવામાં આવી છે.

सरयू किनारे सुहाए कदम की छैंया हो,
ताहि तर झूले हिंडोला दिए गल
बैंया हो ।

અર્થાત્:- સરયૂ કિનારે કદંબની છાંવ સુહાઈ ( સુંદર ) રહી છે, ત્યારે કદંબની ડાળીએ બાંધેલ ઝુલામાં સિયા અને રામ ગલબૈયા ( ગળાની આસપાસ હાથ વીંટાળી ) દઈ ઝૂલી રહ્યાં છે.

અગર શ્રી રામની સરયૂને યાદ કરી તો સિયાની નગરી મિથિલા પાસેથી વહેતી કમલા નદી કેમ રહી જાય? આથી કહ્યું છે કે; સ્વયંવર શરૂ થાય તે પૂર્વે સિયા પોતાની બધી જ બહેનો સાથે કમલા પૂજન અર્થે ગઈ.

कमलागवरी पूजन जात सिया चारों बहिनी, संग में सुहागिनी मात सुहात
सोनथि ठार में अछत अगर चननवा का ठार है सिया कै हाथ,
धूप, दीप, नैवेद्य विविध पकवनवाँ अउर फल-फूल तुलसी है मातु के पास
ब्यंजन बनल के पात है मांडवी कै हाथ, सोभा निरखि जनकपुर की सुर बरसावे सुमनवाँ ।

ઉપરોક્ત લોકગીતમાં બે શબ્દ એવા છે જેમાં ત્રણ અર્થ છે. પ્રથમ શબ્દ કમલા એટલે વિષ્ણુ પત્ની, કમલ સિંહાસનધારિણી લક્ષ્મીની વાત કરવામાં આવી છે, બીજો અર્થ કમલા એટલે લોકનદીની વાત કરવામાં આવી છે, ત્રીજો અર્થ કમલા નામની ગાયના પૂજનની વાત કરી છે. હવે ઉપરોક્ત ગીતનો અર્થ જાણીએ.

અર્થાત્:- વિષ્ણુ પત્ની કમલામાતા અને શ્રી વિષ્ણુને પ્રિય એવી કમલા ગાયનું પૂજન કરવા સિયા તેમની ચારે ય બહેનો સાથે ગઈ ત્યારે તેમની સાથે તેમની સુહાગી માતાઓ પણ સંગમાં હતીસિયાના હાથમાં રહેલ સોનાની થાળીમાં અગર, ચંદન અને અક્ષત હતાં, જ્યારે ધૂપ, દીપ, નૈવેદ્ય, વિવિધ પકવાનો, તુલસી અને ફળફૂલનાં થાળ તેમની સુહાગી માતાઓએ પકડેલા હતાં. માંડવીનાં હાથમાં વ્યંજન બનાવેલ વાસણો હતાં. જનકપુરની સ્ત્રીઓની, તેમની માતા કમલા ( વિષ્ણુ પત્ની – ગૌ માતા , ગ્રામ્ય નદીનું નામ પણ કમલા ) માટેની શ્રધ્ધા જોઈ દેવતાઓ આકાશમાંથી ફૂલ વરસાવી રહ્યાં છે.

  જેવી રીતે કૃષ્ણરામ, સિયાનાં નગરમાંથી વહેતી નદીઓનો ઉલ્લેખ થયો છે તો, માળવા ક્ષેત્રમાં આવેલ અને જ્યાંથી ક્ષિપ્રા નદી વહે છે તે ભગવાન ઓમકારેશ્વર શિવની ઉજ્જૈની કેમ રહી જાય?. શૃંગાર અને વૈરાગ્યને એકસાથે જોડતી આ ક્ષિપ્રા નદીનો મહિમા શિવપંથીઓએ ખૂબ ગાયો છે.

क्षिप्रा के नीर से भरी भभूत पिचकारी,
भभूतधारी भभूत 
लगा के खेलेंगा फाग जी  

અર્થાત્:- ફાગણમાં હોળીખેલનો ઉત્સવ આવે ત્યારે શિવ પણ પોતાની પિચકારીમાં ભભૂત યુક્ત જળ ભરે છે અને પછી આપ ફાગ ખેલે છે.
ભારતથી લઈ પાકિસ્તાન સુધીનાં પંજાબ પ્રાંતમાં રાવી, ચિનાબ, જેલમ, બિયાસ અને સતલજ એમ પ નદીઓ વહે છે. પણ પાકિસ્તાનમાં રહેલ રાવી, બિયાસનાં પાણી ઘણી જગ્યાએથી સુકાઈ ગયાં છે, આથી એક કથા આવી કે, એક દિવસ આ પંજાબની નદીઓનાં મનમાં પ્રશ્ન આવ્યો કે; આપણાં હાલ આ છે તો ચાલો બીજી સખીને ય પૂછીએ કે તારા શું હાલ છે.

राबी तो चनाब पूछदा की,
कि हाल है सतलुज दा,
हाये कि हाल है सतलुज दा !

રાવી, ચિનાબ ને સતલજની આપણે વાત જોઈ હવે તામિલનાડુમાં જઈએ જ્યાંથી વહેતી કાવેરી નદીને ઉત્તરભારતની ગંગાના પર્યાય તરીકે જોવામાં આવે છે. આથી કાવેરી નદીને “દક્ષિણી ગંગા” તરીકે ઓળખવામાં આવે છે. તેથી જ્યારે રામ, લખન, સુગ્રીવ જ્યારે સિયાની શોધ અર્થે આ દક્ષિણી ગંગાને તીરે આવ્યાં ત્યારે તેમણે આ નદીને ગંગા સ્વરૂપ માની તેનું પૂજન કર્યું. આ કથાને દોહરાવતાં કહ્યું છે કે;

गंगा जल अरघवा ना, राम-लखन, सुग्रीव ना
दखिन सुमिरियै नै गे माय दखिनी गंगा
गंगा स्तुति मैया भल ना ।

બિહારમાંથી વહેતી કોસી નદી માટે કથા છે કે; મહર્ષિ વિશ્વામિત્રની બહેનનું નામ સત્યવતી હતું. સત્યવતીએ તેનાં પતિનાં મૃત્યુ પછી લોકપરોપકાર અર્થે પોતાનો દેહ ભગવાન બ્રહ્માને અર્પણ કર્યો. પછી ભગવાન બ્રહ્માએ સત્યવતીનાં દેહને કૌશિકા નદીમાં પરિવર્તિત કરી તેને ફરી પૃથ્વી પર મોકલી આપી. આ કૌશિકા શબ્દમાંથી કોસી શબ્દ એ અપભ્રંશ થયો છે. આ કથા પછી હવે આપણે કાવ્ય જોઈએ જેમાં કોસીને કહે છે કે;

कहाँ नहेले कोसी माय, कहाँ लट झारले
कहाँ कइले सिंगार हे
, कुमारी कोसी माय
गंगा नहेले
, जमुना लट झारले कोसी माय
कौन फूल ओरहन कोसी माय कौन फूल पहिरन
कौन फूल कयले सिंगार हे कोसी माय
ऐली फूल ओरहन कोसी माय, बेली फूल पहिरन

चम्पा फूल कयले सिंगार हे कोसी माय
सेवकजन करत बिनती दुहु कर जोड़ी,
विपत्ति के बेरी मैया कोसी होखु ने सहाय ।


અર્થાત્:-
કોસી માતાએ ગંગામાં સ્નાન કર્યું, યમુના તટ્ટે આપે કેશ સૂકવ્યાં છે પછી દેવતાઓનાં ગૃહમાં બિરાજી ચંપાનાં ફૂલથી શૃંગાર કર્યો છે અને પછી કેશમાં એલી બેલીનાં ફૂલ સજાવ્યાં છે. આ સેવક બે હાથ જોડી આપને વિનંતી કરે છે કે વિપત્તિનાં સમયમાં આપ અમારી સહાયતા કરજો. હવે આપણે ગુજરાત તરફ જઈએ ત્યાં પણ નદીઓનાં લોકગીતો પણ કશુંક કહી રહ્યાં છે.

ગુજરાતમાં આવીએ ત્યારે જેની પ્રથમ નમવાનું મન થાય છે તે છે ગુજરાતની જીવાદોરી નર્મદા મૈયા.    

नर्मदायै नम: प्रात: नर्मदायै नमो निशि |
नमस्ते नर्मदे देवी ! त्राहि मां भवसागरात् ||
सबिंदु सिन्धु सुस्खल तरंग भंग रंजितम 
द्विषत्सु पाप जात जात कारि वारि संयुतम ।।
कृतान्त दूत काल भूत भीति हारि नर्मदे 
त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे ।।

અર્થાત્:- હે દેવી નર્મદે આપને અમે નમન કરીએ છીએ. પ્રાતઃકાળમાં આપનું સ્મરણ, દર્શન પવિત્ર ગણાય છે, જે ભવસાગર પાર કરાવે છે. દેવી નર્મદે આપ જ્યાં જ્યાં ચરણ મૂકો છો ત્યાં ત્યાં એક એક પંકજ ખીલે છે તે દરેક પંકજને અમે નમન કરીએ છીએ કારણ કે હે માતા એક આપ જ છો જે કાળભૂતને હરાવનારા છો.

જોવાની વાત એ છે કે; જેમ ગંગાજીનો સંબંધ શિવ સાથે રહેલો છે તેમ નર્મદાનો સંબંધ પણ શિવ સાથે રહેલો છે. આથી કહ્યું છે કે;

नर्मदे त्वं महाभागा सर्वपापहारि भव
त्ववप्सु याः शिलाः सर्वाः शिवकल्पा भवन्तु ताः

અર્થાત્:- હે નર્મદે આપ ઘણાં જ ભાગ્યશાળી છો, કારણ કે આપ સંસારના પાપોને હરનારી દેવી છો. હે દેવી આપના જલમાં સ્થિત સર્વ પાષાણ શિવતુલ્ય છે સર્વે લોકો આ પાષાણોની લોકો શિવ માની પૂજન કરશે.  

આ નદીઓને માનવ સમાજે જેમ પૂજનીય બનાવી છે, તેમ આ નદીઓને કાંઠે માનવસમાજે ઉત્સવો ઉજવવાનું કારણ પણ બનાવી છે, નહીં તો પૂનમની રાતનો રાસડો નદીને કાંઠે જામ્યો ન હોત, અને માનવોએ ગાયું ન હોત કે; મારી મહીસાગરને કાંઠે ઢોલ વાગે સે. કે પછી પેલો ભીડુમાં ઓગાળી નાખનારો જન્માષ્ટમીનો મેળો ય ત્યાં ભરાયો ન હોત ને એમે ય ન ગવાયું હોત કે; ઠાકરધણી તારા મેળે મારી ચુંદડી ખોવાઈ ગઈ. આવી નાની મોટી વાતો ને ફરિયાદો સાંભળીને લોકગીતકારોએ કહ્યું છે કે; જે દિવસે નદીને કાંઠલે જામેલ માનવમહેરામણનાં હૃદયમાંથી ગીતો નીકળે છે તે દિવસે નદીઓનું સૌંદર્ય અને સમૃધ્ધિ વધી જાય છે. આવા જ કોઈક ભાવને લઈ ભોજપુરી બટોહિયા ગાયક શ્રી રઘુવર નારાયણે લખ્યું છે કે;  

गंगा रे जमुनवा के पनिया झगमग से, सरजू झमकि लहरावै बटोहिया
ब्रह्मपुत्र पंचनद घघरात निसदिन
, सोनभद्रिका मीठे स्वर गावै रे बटोहिया ।

અર્થાત્:- ગંગા, જમુનાનાં પાણી ઝગમગ થઇ રહ્યાં છે, સરયૂનાં પાણી લહેરાઈ રહ્યાં છે, બ્રહ્મપુત્રાનો પંચનાદ રાતદિવસ ઘઘરાઈ રહ્યો છે, ત્યારે સોનભદ્રિકાનાં જળ મીઠે સ્વરે ગીતો ગાઈ રહ્યાં છે.

ઉપરોક્ત આપણે ગુજરાત ને બિહારની લોકમાતાઓની વાત કરી હવે આપણે સૌરાષ્ટ્ર તરફ જઈએ. જ્યાંની લોકમાતા અને જીવાદોરી આજી, ભાદર, મચ્છુ, હિરણ, સાતલડી વગેરે નદીઓ ગણાય છે. જેમાં સાતલડી માટે કહ્યું છે કે;

સાતલડી તું સાતા આપતી જાને,
કોઈ દરિયાવ મળે તો એને નાં કહેતી જાને.

ને રાજકોટની આજી માટે કહ્યું છે કે;

આખું વરસ ભરપૂર રહે છેકાંઠાઓ છલકાવી વહે છે
તુ જીવનની માતાતું છે અન્નની દાતા
ભાદર, આજી, આજી તું જ અમારી દાતા

 ઉપરોક્ત લોકગીતમાં બે વાર ‘આજી, આજી’ શબ્દનો પ્રયોગ થયો છે જેનાં બે અર્થ છે. પ્રથમ આજી એ નદીનું નામ છે, બીજું આજીનું સંબોધન તે દાદી નાની માટે કરવામાં આવ્યું છે. જેમ દાદી નાની ઘરનાં બાળકોને સંભાળીને બેસે છે તેમ અહીં પણ આજીએ પોતાની આસપાસ રહેલ જિંદગીઓને સંભાળી છે. પણ અહીં પ્રશ્ન એ છે કે; આજી એવું નામ આ નદીને મળ્યું શી રીતે? આ બાબત માટે એમ કહી શકાય કે; એક સમયે સૌરાષ્ટ્ર સહિત ગુજરાત એ મહારાષ્ટ્રનો ભાગ ગણાતો હતો. જેથી કરીને આ નદીને આજી એવું નામ મળ્યું. ૧૯૬૦ માં ગુજરાત -મહારાષ્ટ્રમાંથી અલગ પડ્યું, પણ નામ ન બદલાયું અને તે સૌરાષ્ટ્રની માતા હંમેશા રહી.

આજી, ભાદરની સરખામણીમાં શેત્રુંજી ને હિરણ નદી નાની નદી છે, પણ કથાકારોએ તેને ય નાની નથી આલેખી તેથી માટે શેત્રુંજી અહીં કહે છે કે;

 પંચકલ્યાણી મારી ઘોડી આજ્ય શેત્રુંજીએથી પાર ઉતરી
ઘોડી આવી મારે ગામ, સરતાને પાછી મોકલી શેત્રુંજ્યને ડુંગરીયે.

–    ઘોડાની ૫૧ જાત કહી છે જેમાંથી પંચકલ્યાણી ઘોડીનું મોં, પગ, કપાળ, પૂછડી અને છાતી સફેદ રંગનાં હોય છે.

–    સરતા એ ગ્રામ્ય શબ્દ સરિતા માટે વપરાયો છે. જ્યારે ઘોડી શેત્રુંજીનાં નીરમાંથી પગ ખંગાળતી નીકળી ત્યારે શેત્રુંજીનું થોડું પાણી ગામમાં આવી ગયું હતું, તેથી અહીં કહ્યું છે કે; સરિતાને મારા ગામમાં ન રાખતાં પાછી શેત્રુંજ્ય પર્વત પાસે મોકલી. ( કારણ કે નદી પર કોઈ એક વ્યક્તિનો ઇજારો નથી હોતો. આમ કહી અહીં નદી પર આખા સમાજનો અધિકાર છે તે વાત મભમમાં બતાવવામાં આવી છે. )

જ્યારે હિરણ નદી માટે કહ્યું છે કે;

હિરણ મારી વૈરી થઈ ગઈ રે નાના દીયરીયા
મારે ઘૂંટણીયે આવીને એવી તે અટકી
,
કે
, મારી સોનેરી સાડલો આખો ભીંજાય ગયો રે નાના દીયરીયા

ભાદર, હિરણ, મચ્છુ વગેરે નદીઓ સૌરાષ્ટ્રની જીવાદોરીઓ ભલે ગણાતી હોય, પણ તેમ છતાં જે સ્થાન હિરણ, આજી -ભાદરનું છે તે સ્થાન મચ્છુને નથી આપ્યું તેથી અહીં લોકગીત કહે છે કે;

મચ્છુ તારા પાણીએ મારી મોરબી મસાણ થઈ ગઈ રે
મોરબી મસાણ થઈ કજાગણ
, તું તો કંઈક ને ભરખી ગઈ રે 

જોવાની વાત એ છે કે; જે રીતે મચ્છુને મસાણમાં સ્થાન આપ્યું છે તે જ સ્થાન મધ્યપ્રદેશની ચંબલને ય મળેલું છે આથી કહ્યું છે કે;

 चंबल तू तो खून की पियासी, तेरे पानी में पानी ना खून ही बहे ज्यादा
कितनों के खून चूस के निकली, फिर कैसे पूजन तेरा करू ये बता दे जरा ।

આમ વિવિધ નદી ઉપરનાં લોકગીતોની વાત આપણે એટલાં માટે કરી કે; મોટાભાગની આ પ્રાંતીય લોકમાતાઓનું સ્થાન પણ ગંગા કરતાં ઉતરતું નથી. કદાચ ગંગા, યમુનાની સરખામણીમાં આ લોકમાતાઓનો વિસ્તારવ્યવહાર નાનો હશે પણ તેમ, તેમ છતાં યે આ નદીઓ જીવનદાયિનીઓ કહેવાઈ છે. રહી વાત મચ્છુ -ચંબલની તો તેઓ ભલે બદનામ નદીઓ ગણાતી પણ જીવનની દૃષ્ટિએ જોઈએ તો આ નદીઓએ જીવનદાયિની તો છે જ ભલે આપણે તેમને તે સ્થાન આપ્યું ન હોય. નદીઓ માટેની માનવજગનાં આવાં જ વિવિધ વિચારથી એક નદીએ કહ્યું છે કે;


મારે તે કાંઠડે આવી આજે સંક્રાંતિ નાહી લે,
ને સંક્રાંતિને નામે ગંગા જમુના નાહી લે
આગલું વરસ આવે ત્યારે ગોદાવરી ગંડકીએ જાજે
,
ને ત્યાં જઈ નવી સંક્રાંતિ ન્હાજે.

આપણી નદીઓની જેમ રશિયાની વોલ્ગા નદીને માટે કહ્યું છે કે;  

 

ઉગો હે લાલ સૂર્યકરો પ્રકાશિત તમારી વોલ્ગા માતાને
મોકલો તમારા માતા પિતાનેમળવા વોલ્ગા માતાને.

અહીં લાલ શબ્દનાં બે અર્થ છે, પ્રથમ લાલ એટ્લે રંગ લાલ અને બીજો લાલનો અર્થ પુત્ર તરીકે કર્યો છે.

આમ લોકમાતા નદીને માટે લોકગીતકારોએ અનેક ગીતો રચ્યાં છે, પણ આજે અહીં જ અટકીને ભારતભરનાં સમગ્ર ત્રિવેણી સંગમસ્થાનોને યાદ કરી સ્નાન કરીએ અને પુણ્ય પામીએ.  

 जमुना नहइली गौरा छूटल झोरी,
भँगीए थारी गौरा मोतिया हेरवली
बड़की कहे हम गंगा नहइबो
छोटकी करे जमुना-सरस्वती की तयारी । 
 

Copyright ISBN-978-1500299901

© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ – ૪ -૪-૨૦૨૩
purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..

One Comment