ચૂંટેલા શેર ~ પારુલ ખખ્ખર ~ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત ગઝલસંગ્રહઃ કલમને ડાળખી ફૂટી

અવાજ થાય નહીં સાવ આમ ભીતરથી
થઈ રહી છે કશી ધૂમધામ ભીતરથી
*
હતું જે બીજમાં તે વૃક્ષમાં કૂંપળ થઈને ઊગ્યું
ઉકેલાયાં ઉખાણાં રે કલમને ડાળખી ફૂટી
*
હવે તો છેક સુધી પહોંચવું જરૂરી છે
સફરની આખરી ટૂંકે થયું છે અજવાળું
*
એક પણ છેડો મળે ના ગૂંચનો
એટલું અઘરું કરી બેઠા છીએ
*
ગલી એ સાંકડી, તમારું કદ અને અહમ્ બડો
જનાબ, એટલી હતી દીવાનેખાસની કથા
*
હું જ અંદર જળકમળવત્, હું જ અંદર જોગણી
બહારથી રૂપ-રસની ફાંટ જેવી છું સજન!
*
અરીસો અભણ ને અભણ આંગળી છે
અને કંઈક અઘરું છપાયું લલાટે
*
માંગ્યા કરે છે ભોગ ને ધૂણ્યા કરે છે સાંજ
વાગ્યા કરે છે યાદ એની ડાકલાંની જેમ
*
નવેસરથી બધું આલેખવા તૈયાર છું હું
ગમાડી ના શકો તે છેકવા તૈયાર છું હું
*
જાતે જગાય એ જ થશે જાગરણ ખરું
બાકી ઉછીના ઢોલ વડે જાગવું નથી
*
ખુલાસામાં ઘણું લાંબુંલચક બોલી ગયા’તા એ
અમે તો `પણ’ પછીનાં ત્રણ ટપકાં સાચવી રાખ્યાં
*
જીવ ચાંચૂડી ઘડાવીને થઈ જા સાબદો
ઊડવું પડશે, દિશાનો દાબ વધતો જાય છે
*
વિચારભેદ છે છતાં સંબંધ તોડવો નથી
પરંતુ એક શખ્સને હું મન ધરું ન આજથી
*
ચાલ્યા જવું સરળ છે, પણ ધ્યાનમાં રહે
પાછા વળી શકો છો, આવી શકો નહીં
*
અડાબીડ શ્વાસના જંગલ વચાળે નામ રોપીને
પછી એ નામ પરથી સેંકડો સગપણ ઉતારી દઉં
*
‘પ્રવેશ બંધ’ લખી સાવ દ્વાર વાસ્યાં’તાં
છતાંયે એમની આરત ફરીથી જાગી છે
*
વારતા બદલી ગયાના દાખલા છે
વારતાનું યોગ્ય શીર્ષક રાખવામાં
*
ઉત્તર અને વિકલ્પમાં ગયું છે આયખું
હોવા વિશેનો પ્રશ્ન એક વાર થઈ ગયો
*
હું સમિધા, હોમદ્રવ્યો, હોમશાળા, હોમકૂંડી હું જ છું
હું મને હોમી શકું એવા હવનમાં લઈ જજે આવીશ હું
*
નથી ગાંઠ જેવા, નથી ગૂંચ જેવા
જો હળવેથી ખોલો, ઉકેલાઈ જઈશું
*
હા, દવાઓ છે, દુવાઓ છે, પરેજી સાથમાં
તે છતાં વકરી જશે આ રોગ ત્યારે બોલશું
*
જે નેમપ્લેટ પર હતો એ જણ ગયો છે ક્યાં?
મૂંગી હજાર અટકળો બાંધ્યા કરે મકાન
*
બધે એકસરખું વલણ દાખવીને
વમળમાં રહું છું, કમળમાં રહું છું

~ પારુલ ખખ્ખર (અમરેલી)
~ ગઝલસંગ્રહઃ કલમને ડાળખી ફૂટી
~ સંવર્ધિત આવૃત્તિ: એપ્રિલ ૨૦૨૩
~ પ્રકાશકઃ આર. આર. શેઠ ઍન્ડ કંપની
Whatsapp no.: +91 7016741485

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. સુંદર મજાનું શેરનો સોહામણો સંપુટ…