ત્રણ ગઝલ ~ ભાવેશ ભટ્ટ
૧. “……ઉગ્યા છે…!”
તમારા સ્પર્શની જાદુગરીમાં ફૂલ ઉગ્યા છે
જરા દેખો કોઈની ચામડીમાં ફૂલ ઉગ્યા છે
હતી કમનીય કાયાઓ ગળા લગ જ્યારે પાણીમાં
થયું પળભર તો એવું કે નદીમાં ફૂલ ઉગ્યા છે
નિહાળી કૈંક વેળા છાંટ એમાં રંગબેરંગી
કહું તો કોણ માને વાદળીમાં ફૂલ ઉગ્યા છે !
પ્રસૂતિમાં કર્યો વચ્ચે ન પડદો, ઘરનો સમજીને
જો મારી એકલાની હાજરીમાં ફૂલ ઉગ્યા છે
ભલાઈનો જો છે પર્યાય તો કેવળ ભલાઈ છે
ઘણી વેળા તો ફૂલોની કમીમાં ફૂલ ઉગ્યા છે !
જગત આ ફૂલની નારાજગીને પણ નથી લાયક
કહો કોઈ કે કોની કાળજીમાં ફૂલ ઉગ્યા છે ?
કદી ખાલીપણાને ફૂટશે ફણગો ખબર નહોતી
ઘણા વરસોની ખાલી છાબડીમાં ફૂલ ઉગ્યા છે
– ભાવેશ ભટ્ટ
૨. “….લાડકી છે..!”
ભલે એમની ચુપકીદી ઠાવકી છે
ન બોલે કોઈ પણ દશા બોલકી છે
મને અવગણે નભથી આવેલો સમજી
ધરા એમ વરતે છે કે પારકી છે
રહે સ્થિર તો પણ કરે છે પ્રભાવિત
તમારી લટો ઉચ્ચતમ નર્તકી છે
કલા તત્વવાળું છે વેરાન સૌનું
ગમે તેમ ગાઓ, મધુર ગાયકી છે
વહે ના હવા તોય કાંપી રહ્યું છે
બને ક્યાંક કે આંસુની આંચકી છે
ઘણી વાર ઝટકાથી ખેંચે વળગવા
સડક એટલી કોઈની લાડકી છે
સમયનું છે પાલન જરૂરી ભલે પણ
પ્રતિષ્ઠાને માટે બહુ ઘાતકી છે
– ભાવેશ ભટ્ટ
3. .”…….હસાવો…..!”
કવનની તડપ ત્યાં સુધીની બતાવો
નડો જો તમે ખુદ, તો ખુદને હટાવો
ભલા કેમ એ બાળકે જન્મતા સાથ
તરત ચીસ પાડી,બચાવો બચાવો
બિચારી હવાનો નથી વાંક એમાં
તમે જો પતંગોને ઘરમાં ચગાવો
ચિરાયો છે બ્રહ્માંડનો આત્મા તો
આ શીશી મલમ લઈને ક્યાં ક્યાં લગાવો
હજી લાકડા ગોઠવાતા ચિતાના
ઘડી બે ઘડી છું તો થોડું હસાવો
મળી આંખ બે તો નજર પણ મળી બે
લઈ સાણસા જેમ કોને ફસાવો
પવન આવવાથી સિસોટી જો વાગે
પછી મોરનું પીંછ તડમાં ભરાવો
– ભાવેશ ભટ્ટ
બહેતરીન ગઝલ
વાહ…ખૂબ સુંદર ગઝલો…
ત્રણેય ગઝલ..મજાની…