સાહિત્ય સાધન છે કે સાધના … ?  ~ લેખ ~ ભાગ્યેશ જહા. 

સાહિત્ય સાધન છે કે સાધના … ?  ~ ભાગ્યેશ જહા. 

ત્રણ ચકલીઓ બેઠી છે, પીંછામાં કોઇ મોટા થાકનો ફરકાટ નથી. છોગું માત્ર શોભા ખાતર પહેરાવ્યું હોય એમ લાગે. બે ચકલીઓની આંખોમાં તરવરાટ છલકાય, ત્રીજીમાં કશુંક  સંતાયું હોય એવો ભાર લાગે. કદાચ થાકેલી હશે.

બાજુમાં બનતા તોતિંગ સ્કાયસ્ક્રેપરને અવગણવાની મસ્તી તો ત્રણેયમાં, દાણા મેળવવાની ખેવના માપની અને શબ્દો વિનાના ગીતમાં માથું હલાવવાની નખરાઈ પણ અકબંધ . ત્રણ જીવ જાણે ત્રણેય ભુવનનો સાર વહેંચવા આવી છે. ત્રણેય ભુવનની ભવ્યતા અને દેવની દિવ્યતાનું કાવ્ય ગાતા સ્તોત્રને મેં અટકાવી દીધું, કારણ સ્વયં સ્તોત્ર સામે હતું, કારણ સ્વયં મુઠ્ઠુી અજવાળું ઝળહળતું હતું, કારણ મારી શોધના રસ્તાનો અણસાર આળસ મરડીને નાનકડા શરીરમાંથી ત્રિપરિમાણીય મદ્રુામાં ખુલતો હતો, કારણ આ સમય આખા શરીરને મીંચી નાંખીને આંખોને તરતી ,મૂકવાનો  હતો. અદ્રશ્ય માછલીઓ બનીને મારી આંખો આ ત્રણ ચકલીઓની આસપાસ લહરાયે એવી એક સ્ફુરણા ફુટી રહી હતી. 

નિસર્ગનો એક જીવતં ટુકડો તમારા અસ્તિત્ત્વને ઝંઝોળે, એ વિચારનો આ ઓચ્છવ હતો અને છે. કારણ બાલ્કનીમાં ચકલીઓ ઉડી ગઈ હતી, પણ એ તો ક્યાં કશે ગઈ છે. આજે પાછી આ કમ્પ્યુટરના  સ્ક્રીન પર બેઠી અને આ શબ્દોમાં દોરાય છે. એ પાછી બાલ્કની ઉભી કરે છે જેને કારણે સૂરજનું કુણું અજવાળું ખેંચાઇ આવે છે, પે’લા સ્કાયસ્ક્રેપરના મજુરોના મ્યુટ કરેલા અવાજો, પે’લી સવારના છાપાની નહીં વંચાયેલી  હેડલાઇનો  અને સડસઠ વર્ષ જુની મારી ભાષાની એક નદીનો ખળખળ પ્રવાહ. 

આ ચકલીઓ કોણ છે ? દેવચકલીઓ કહીશું, કહીશું એમને ચૈતન્યની ત્રણ ઢગલીઓ, કે નાનપણના કો’ક સપનામાં મળેલી કોઇ રાજકુમારી જેવી કન્યાની ત્રણ ઢીંગલીઓ. જાણે એક વાર્તા બનવા લાગી. 

સાહિત્ય રચાશે? બહુ મોટો પ્રશ્ન ડોકાયો. પે’લું સ્કાયસ્ક્રેપર ઓલવાઇ ગયું શબ્દોની ખાણો નજરે પડી, સાહિત્ય સંભળાયું. શું છે સાહિત્ય અને કેવા છે એના ધર્મ, એના લક્ષણ ? અને આ સાહિત્યકારો કોણ છે ? બધા જે લોકો દાવો કરે છે એ બધા સાહિત્યકારો છે કે શબ્દકારો ! 

કેટલાક તો અઠંગ રાજકારણીઓ લાગે, અસ્સલ પીરસણીયાઓનો વેશ અને ચતુરાઇથી ભાષાને મરોડે. શેરીમાં ફરતા લારીવાળા જેવા જ લ્હેકાં અને મુગ્ધ ગૃહિણીઓને વસ્તુ વેચવાની  કુનેહ..! સાહિત્ય ક્યાં છે, આજે આ પ્રશ્ન નવેસરથી તપાસવો જોઇએ. કારણ ત્રણ ચકલીઓએ એક મસ્તીનું પડીકું આપ્યું છે, એને સહજ વહેતા શબ્દોના નિર્દોષ વસ્ત્ર પહેરાવવા કે માપ લઈ એને એજન્ડા પીવડાવીને બજારુ બને તેવા બનાવીને બહાર કાઢવા! આપણા સમયની આ મુંઝવણ છે. મમ્મટ આવીને કહે છે, સાહિત્ય ‘શિવેતર ક્ષતયે’ હોવું જોઇએ. જે શિવત્ત્વનું શંભુત્વ આકંઠ પામેલું હોય, જેમાં ભસ્મિત થવાની મસ્તી અને ફકીરી હોય એણે જ આ શબ્દપ્રદેશમાં આવવું પણ એવું તો જોવા નથી મળતું. 

બધું વેરવિખેર ભાસે છે. જે લોકો બજારમાં બેઠા છે એ તો રાજકારણીઓ છે, ચિક્કાર ઉકરડાયેલું મન અને સામાન્ય લોક ઓળખી જાય એવી લુચ્ચાઈ! રાજકારણીઓ જેવું ખંધુ હાસ્ય, 

કહેવાનું એક અને કરવાનું બીજું. થાળીમિત્રો અને તાળીમિત્રોની પ્રસંગ પક્કડ હાજરી, કૃત્રિમતાની વાસ આવે એટલી હદે આહત હવા હોય ત્યાં ‘સહિતતા’નો મત્રં શોભે કેવી રીતે ? 

તુલસીદાસ સરસ રીતે સાહિત્યના બે મોટા ગુણધર્મો સમજાવે છે, ‘બુધજન વિશ્રામ’ અને ‘લોકમનરંજન’. અહીં એવું પ્રયાગતીર્થ રચવાનું હોય છે જ્યાં ‘ક્લાસ’ અને ‘માસ’નું મિલનસ્થાન હોય. બુધજનોની  ઓળખ માટે આંખ કેળવવી પડે. જ્યાં આંખમાં ઋગવેદનો પડઘો હોય,’આ નો ભદ્રા ક્રતવો યન્તુવિશ્વત:’ એવા મંત્રથી માંજેલા

કાન એક ધીરતાભરી અધીરાઇ બતાવે ત્યારે સરસ્વતીનો શબ્દ કાને પડે. નહીં તો સ્વાર્થ સાધવા આવતા લોકોનાં ટોળાં તો ઊભાં જ હોય છે. લોકરંજક સાહિત્ય જેટલું મનોરંજક હોય એટલું જ બુધજનોની  પરીક્ષામાં ખરું ઊતરે એટલું ખડતલ હોય એ જરૂરી છે. આપણે એક ‘ટિપીકલ’ યુગમાં છીએ, અહીં દરેકે પોતાનું ઢોલ જાતે જ વગાડવાનું હોય છે ત્યારે રવીંદ્રનાથની Creative Unityને કોણ ઓળખે ? આજે એમના જન્મદિવસની આસપાસ જ્યારે રવીન્દ્રકવિતાનો માહોલ જામ્યો હોય ત્યારે ગરુુદેવની ”અંતરતર હે  અંતર મમ વિકસિત કરો…’ એવી આર્તવાણીને આત્મસાત કરવાની અને એનાં પ્રમાણપતાસાં વહેંચવાનો  મંગલ શબ્દપ્રસંગ હોય ત્યારે સાહિત્ય પ્રગટે અને શોભે. અને, એરિસ્ટોટલનું ‘પોએટીક્સ’ વંચાતું હોય. જ્યાં સાહિત્યના બે મોટા  સિધ્ધાંતોનો મહિમા હોય. એક, મનુષ્યની લય અને સંવાદને  માટેની સહજવૃત્તિના જેવી અનુકરણ વત્તિૃ અને બીજી આનંદની ક્ષુધા.

આવી ‘અમૃત’ ભરેલી ક્ષણોને જીવતા કે જીવાડતા જણોએ સાહિત્યની ગોઠડી માંડવી. બાકીના તો તુચ્છતાની બાબતેણ સ્પર્ધામાં ઊભા રહેવાની ક્ષમતા વિસ્તારે. એનું સાહિત્યમાં કામ નહીં. આ શુદ્ધ પાણીનું પાણીયારું છે, અહીં શુચિતા એ જ જળ અને બળ બન્ને હોય છે. સાહિત્યને કાળના ખોખાં બનાવી વાંચવું અને એનાં પ્રારુપ-પાટિયાની ચર્ચાસભાઓ યોજવી એ ઉપકારક બની શકે જો મૂળમાં શ્વેતવસ્ત્રાવૃત્તાની પ્રતિષ્ઠા થયેલી હોય. જડતાને જડમળમાંથી  કાઢવી છે એની જાગરુકતા ના હોય એને સાહિત્ય સાથે જોડવો એ બાવળની ડાળી પરથી કેસરકેરીની અપેક્ષા રાખવા જેવું છે. સાહિત્ય પ્રાચીન કે અર્વાચીન, આમ તો શબ્દમેળો છે અને એના શબ્દોત્સવના ખોળિયાને પામવું તો સહેલી બાબત છે પણ એના મૂળમાં વહેતા  સત્યમ્, શિવમ્ અને સુંદરમ્ ની પ્રવાહિતાને પામવા એક સાધના કરવી જોઇએ. 

સાહિત્ય કોઇ સાધન નથી જેના થકી તમે તમારા ઉદઘોષ કર્યા કરો, પણ સાહિત્ય એક સાધના છે એ અંત:સ્રોતસ્વિની જ્યોતિ છે. એની સાધનામાં બ્રહ્માનંદ છે, પણ આવું કહીએ ત્યારે એ જ શ્વાસે કહેવું પડે કે ‘નહીં કાયરનું કામ જો ને !’ કદાચ ત્રણેય ચકલીઓની જે ભાષા હતી એ જો એક કવિતા છે તો એ સત્ય, શિવ અને સુંદરનું કાવ્ય છે. આવો, સાંભળીએ…!

અસ્તુ!

આપનો પ્રતિભાવ આપો..

One Comment