આસ્વાદકોના કલામને સલામ…! (૩) – ગઝલઃ ‘વિચારું છું’ અને કાવ્યઃ ‘આ સાંજ ઝળહળતી’ ~ કવિઃ દેવિકાબહેન ધ્રુવ ~ આસ્વાદઃ જયશ્રી મરચંટ

વિચારું છું….!

વિચારું છું, ન વિચારું છતાં પણ હું વિચારું છું.
વિચારીને પછી મિથ્યા ગણી મનને મનાવું છું.

નથી કૈં સત્ય કે ના તથ્ય, છે માયાવી જાળો આ
ને અંતે એ વિચારીને પછી સઘળું વિસારું છું.

જગતમાં જાત છે ને જાતમાં આખું જગત પણ છે.
ફરક તોયે ધરા ને આભના જેવો નિહાળું છું.

કદી ના ઊડવું ઉપર, કહે છે ઉડતું પંખી!
નથી માળો થતો આભે, તો હું વૃક્ષો સજાવું છું.

હતું મનમાં, પડી જળમાં, તરી જાશું વિના નૈયા
નદી સૂકાય જો વચમાં, ઉરે સાગર સમાવું છું.

નગારાં સૌ વગાડે નિજનાં ચારે દિશાઓમાં,
જઈ એકાંત, રાખી મૌન, બસ, અક્ષર ઉતારું છું.

                             — દેવિકા ધ્રુવ

આસ્વાદઃ  જયશ્રી વિનુ મરચંટ

“વિચારો, વિચારો અને આ વિચારો
થયાં કોઈનાં ક્યાં સગાં આ વિચારો?”

આ વિચારોની સાથે પોતાપણું જોડવું કે ન જોડવું, એ નિર્ણય કદી આપણો નથી હોતો. શ્વાસોની જેમ જ, જીવતે જીવ વિચારો, – સારા કે ખરાબ, ખરા કે ખોટા, -આજીવન આવતા જ રહેવાનાં છે.  વિચારો સાથે એક જાતની સંવાદિતા મન અને આત્મા જો સાધી શકે તો એ વિચારો ફળદાયી નિવડે છે પણ માણસનું મન એટલું અવળચંડું છે કે વિસંવાદિતાના ઘેરાવામાં અજાણે જ ઘેરાઈને પોતા માટે જ દ્વિધા અને વ્યથા ઊભી કરવાનું એને ગમતું હોય છે! માણસના મનમાં ટેકનીકલર ફિલ્મ સમા ચાલતાં આ વિચારોમાં મિથ્યાપણું કે તથ્ય છે, એ નક્કી કરવું સહેલું નથી. મિથ્યાપણામાં લિપ્ત થવું, એ ઢાળ ઊતરવા જેવું છે. એકવાર એ ઢાળની છંદે ચઢી ગયાં, તો પછી “શતમુખ વિનિપાત છે નિર્મેલો…!”. પણ, એનાં પહેલાં, જો પોતાને સંભાળીને, સ્વચ્છંદી વિચારો પર આધિપત્ય સ્થાપીને વિચારીએ, કે, “મારાથી યે કાબેલ અને ઉર્ધ્વગામી અભિગમ રાખનારાં અનેક છે” ત્યારે જ સમજાય છે કે આપણે ખુલ્લા મનથી ખુદાની ખુદાઈને જોઈને જાણવી આવશ્યક છે ,એ સમજવા કે આપણે કંઈ જ નથી.

અહીં ફરાગ રુહવીનો એક શેર યાદ આવે છે.
“મુઝ કો થા યે ગુમાં કિ મુઝ હી મેં હૈ એક અદા
દેખી તેરી અદા તો મુઝે સોચના પડા ..!”

સત્ય અને તથ્યની એરણ પર જીવનની ઘટનાઓને, એના પર આવતાં વિચારોને કસવાની વાત કવયિત્રી કરે છે. તો, એનું હાંસિલ શું, એનો જવાબ પણ ઈશાવાસ્યવૃત્તિથી, આપતાં કહે છે કે જિંદગી વિચારોની માયાજાળ બિછાવે છે. પણ, સંભાળજો, એમાં ફસાયા તો ઘસાયા! આથી બહેતર તો એ છે કે, આ ભ્રમિત કરતાં વિચારોને વિસારી દેવાં.

આપણી જિંદગીની ગતિના અવરોધક પણ આપણે અને સારથી પણ આપણે જ છીએ. નકામા, અને વિરોધાભાસી – Conspiracy-ના વિચારવમળમાં, વહી પણ જવાય અને સમજણપૂર્વક રોકવા હોય તો રોકી પણ શકાય. અહીંયા, મનોભૂમિના કુરુક્ષેત્રમાં યોદ્ધા પણ આપણે જ અને સારથી પણ આપણો આત્મા જ છે. વિચારોમાં સમજણ અને સમભાવનું સાયુજ્ય કેળવાય, ત્યારે જ મન અને આત્મા દ્વૈત ન રહેતાં, અદ્વૈતની સફર પર નીકળી પડે છે. અને તે ઘડીએ નર અને નારાયણ એક બની જાય છે.

ચતુઃશ્લોકી ભાગવતમાં શ્રીકૃષ્ણ કહે છે એમ, “સત્ અને અસત્ કે પછી અ-ક્ષર અને ક્ષર બંને મારી માયાના સ્વરૂપ જ છે.” આ જગતમાં જે પણ ચર-અચર છે, એમાં નારાયણ જ વસે છે. સ્થૂળ દ્રષ્ટિએ તો આપણે આ જગતમાં વસીએ છીએ, જેને શ્રી હરિએ જ બનાવ્યું છે. પણ આ જગતના કણકણમાં હરિનો જ નિવાસ છે. જો અણુએ અણુમાં એનો જ અંશ છે, અને, આત્મા એ જ પરમાત્માનું સ્વરૂપ છે, તો, એ હિસાબે શિવનો વાસ દરેક જીવમાં છે. આપણા શરીરના રોમરોમમાં જ સમષ્ટિ, – કે જે પરમાત્મા સ્વયં છે – એનો જ વાસ છે. અહીં ફરીથી એ જ, દ્વૈત અને અદ્વૈતના ફરકને Conceptulaize – પરિકલ્પના કરીને કવિ કહે છે કે, આ બધું ખબર છે છતાં પણ, દ્વૈતભાવ હાવી થતાં જગત અને જાત એકમેકમાં ઓગળી નથી શકતી. અને બેઉ વચ્ચેનો ફરક તો આભ અને ધરતી જેમ ઉપસી આવે છે.
અહીં અનાયસે યાદ આવે છે, “શૂન્ય” પાલનપુરી.
“તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઈચ્છા
કરે છે તુ પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી”

કવયિત્રીએ એક પ્રકારના Trans State of Mind માં આ ગઝલના આ બે શેર લખ્યાં છે-
“કદી ના ઊડવું ઉપર, કહે છે ઉડતું પંખી!
નથી માળો થતો આભે, તો હું વૃક્ષો સજાવું છું.

હતું મનમાં, પડી જળમાં, તરી જાશું વિના નૈયા
નદી સૂકાય જો વચમાં, ઉરે સાગર સમાવું છું.”

ઉપર ને ઉપર, આભને આંબી જવાની આપણે કેટલીયે મહત્વાકાંક્ષા રાખીએ તો પણ, ઊડાન પૂરી થતાં, આ ધરતી પર તો આવવું જ પડે છે, બિલકુલ આભમાં ઊડતાં પંખીને જેમ દિવસભર આભમાં ઊડી ઊડીને અંતે ધરતી પર ઊગેલાં વૃક્ષ પરનાં માળામાં આવવું જ પડે છે. આકાશને આંબતી ઊડાન ભરો તો ભલે, પણ નીચે, ધરતી પરના કોઈ એક વૃક્ષ પર વિસામા માટે એક માળો રાખજો. કારણ,  આકાશની ઊડાન પણ શાશ્વત નથી. હા, એ સમજાય તો છે, પણ, એક પ્રકારનો અંતરનો અજંપો મનને જંપવા પણ ક્યાં દે છે? ક્યારેક એવુંય થાય છે કે આ ભવની નદીમાં, સાગર સુધી પહોંચવામાં નાવના અવલંબનનીયે જરૂર શું કામ? આપણે પણ મસ્તીમાં કંઈ પણ ઉપકરણ વિના ઊડતાં પંખીની જેમ, જીવતરની નદીને, નૌકા કે હલેસાં વિનાં જ પાર કરી જઈએ! ત્યારે એ ભૂલી જવાય છે કે આ ભવની નદીનું વહેણ પણ નશ્વર છે. એક મુદ્દત સુધી તો નીર વહે છે, પછી સાગર તરફ ધસમસતી નદીનું આયુષ્ય પૂરૂં થતાં કાં તો વહેણ સૂકાય છે અતહવા નદી સ્વયં દરિયામાં આત્મસમર્પણ કરી દે છે. અને, ત્યારે સમજાય છે કે ઈશ્વર ખુદ સાગર બનીને આપણા અંતરમાં જ તો ઘૂઘવી રહ્યો છે…! અહીં ગઝલ પરમતત્વની સમક્ષ પલાંઠી વાળીને, “ઓમ”ના ધ્યાનમાં બેસી જાય છે. આના પછી, ઉર્ધ્વગામી બની ગયેલી આ ગઝલના અર્થોને કોઈ શબ્દોમાં આગળ ઢાળી શકવા શક્ય નથી.

ગઝલના મક્તા સુધી આવતાં, કવિ એક એકરાર કરી લે છે, વિચારો થકી, સર્વથી શરૂ થયેલી ‘ક્ષર’ સફરમાં, અંતે પોતાની જાત સાથે તાદાત્મ્ય સાધીને, ‘અ-ક્ષર’માં પોતાને ઉતારવાની વાત કરે છે
“નગારાં સૌ વગાડે નિજનાં ચારે દિશાઓમાં,
જઈ એકાંત, રાખી મૌન, બસ, અક્ષર ઉતારું છું.”

આમ, ‘ક્ષર’ વજૂદને ‘અ-ક્ષર’માં ઉતારવાની આ યાત્રાના મૂળમાં રહેલા અદ્વૈતનો કવયિત્રી અંતે પોતાના અંતરમનમાં “અહમ્ બ્રહ્મોસ્મિઃ” સ્વરૂપે સાક્ષાત્કારના ઉંબર પર ગઝલને લાવીને મૂકી દે છે.

દેવિકાબહેન ધ્રુવ એ ડાયસ્પોરા સાહિત્યમાં એવું નામ છે કે જેને ચાતરી ન જ શકાય. એમની ગઝલોમાં છંદની ચુસ્તતા અને શબ્દાર્થની જુગલબંધીની મજા અલગ જ હોય છે. આ આખી ગઝલમાં જે વિરક્તિ છે તે અનાયસે આવી હોવાથી, એ પોતાના અર્થો ભાવક પાસે પોતે જ કરાવી લે છે.  દેવિકાબેનની કલમની આ છુપી તાકાત છે. એમની પાસેથી ગુજરાતી ભાષાને ખૂબ અપેક્ષા છે. બસ, મને એટલી તો ખાતરી છે જ કે આવા સુંદર કાવ્યો એમની પાસેથી સદાય મળતાં રહેશે. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, દેવિકાબહેન. આપે આપનો સમય કાઢીને “આપણું આંગણું'” માં આ પ્રોજેક્ટ પર સમય આપ્યો એને બદલ અમારી સમસ્ત ટીમ અને ભાવકો બદલ આપનો આભાર માનું છું.

૨. “આ સાંજ ઝળહળતી…!”

સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો  અરે  સૂરજ, ન લાવો રાત ધસમસતી.

હજી  હમણાં  જ  ઉતરી  છે, બપોરે બાળતી ઝાળો,
જરા  થોભો  અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.

હવે   મમળાવવી  મારે  અહીં    કુમાશ  કીરણોની,
જરા  થોભી, ફરી  ખોલું  હતી બારી જે ઝગમગતી..

અહો   કેવી  મધુરી   સ્‍હેલ  આ   સંસાર  સાગરની,
જરા થોભો તમે નાવિક, ભલે આ નાવ ડગમગતી.

કટુ  કાળી   અને   અંતે  જતી  અણજાણ   નિર્વાણે,
જરા  થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!

  • દેવિકા રાહુલ ધ્રુવ…

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટઃ

ગીતનો રુમઝૂમતો રણકાર, ગઝલની ગુલાબી ગઝલિયતથી સભર ગુફતેગુ, અને છંદની અસ્ખલિત પ્રવાહિતા લઈને આવેલું આ કાવ્યનું સૌષ્ઠવ અને વૈવિધ્ય એને એક “સર્વપ્રકાર સંયોજિતતા” ના Unique Category – આગવા પ્રકારમાં ઢાળે છે.

માનવીની સવારનો સમય એટલે હસતું રમતું બાળપણ જેને કલાકોની અવધિમાં જીવી જવાય છે. સવાર હજી તો ઊગીને આંખના પલકારામાં જ બપોરમાં આવર્તિત થઈ જાય છે. હજી તો જીવીને વાગોળીએ એ સવારની હૂંફાળી ઉષ્મા ત્યાં સુધીમાં બપોરના પગરણ મંડાઈ જાય છે અને પછીનું જીવન આખું ધોમધખતા બપોરના તાપ સમી જિંદગીને સહન કરવામાં વિતી જાય છે. કેટકેટલું આપણે આપણા જીવનના મધ્યાહ્નમાં જીવી જઈએ છીએ? કિશોરવસ્થામાંથી મુગ્ધાવસ્થાનો “દુનિયાની તમા આપણે કેમ રાખવી” ના તબક્કામાંથી જન્મે છે નવયૌવન. આ યુવાનીની મસ્તીના સમયમાં હ્રદયની મસ્તી પર પણ યુવાનીનો કેફ છવાય છે અને એ સાથે પ્રણયના પગરણ પણ થાય છે. કદીક પ્રેમ પરવાન ચડે છે તો કદીક નિષ્ફળ થાય છે. પ્રણય, પરિણય, કૌટુંબિક જવાબદારીઓ, વ્યાવસાયિકતા, સામાજિક જાગરૂકતા, સફળતા અને નિષ્ફળતા, આ બધાનો નિભાવ એક સમતોલન અને સંતુલન સાથે જીવનની બપોરી વ્યસ્તતામાં કરવાનો હોય છે!

જરા અળગાં થઈને જોઈએ તો આ કામ કેટલું કપરૂં લાગે છે, પણ આપણે તોયે જીવીએ છીએ. કેટકેટલું કરતાં, કરતાં, આપણે મધ્યાહ્નકાળની ઘરેડમાં જીવાતી જિંદગીમાં ઘડી બે ઘડી ઊભા રહીને પોરો ખાવાનો વિચાર પણ નથી કરતાં. સતત ભાગતી, દોડતી આ જિંદગીમાં જો બે ચાર ક્ષણો પણ થંભી ગયા તો કોઈ અદીઠ રેસમાં પાછળ પડી જઈશું અને આવા એક છાના ભયમાં જ આપણે દરેક પળમાં બસ ભાગતા જ રહીએ છીએ. ન જાણે એવી તે કઈ લાચારીનો ઓછાયો આપણને જિંદગીની પળોને માણતાં રોકે છે?

“હજી હમણાં જ ઉતરી છે, બપોરે બાળતી ઝાળો,
જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.”

કવિ અહીં કહે છે કે સૂરજ જરા ધીમા તપો, અટકો, થોભો અને શ્વાસ તમે પણ ખાઈ લો અને અમને પણ આ સમયનો સ્વાદ ચાખવા પૂરતું તો ઊભા રહેવા દો. વિતેલી સવારની કુંવારી કુમાશ પર પડેલાં પગલાંને પાછાં ફરીને એકવાર જોવા માટે પણ થંભો. દેખીતી રીતે કહેણ સૂરજ માટે છે પણ વાત પોતાના અંતર સાથે જ કરી છે. જીવનને ભરપૂર ગતિમાં જીવો, ગતિનો આનંદ માણો, સુખના સમયમાં સ્નેહીઓ સાથેના સમાગમમાં સૈર કરો અને દુઃખની પળને સ્વીકારીને, એનો પણ ઉત્સવ ઉજવતાં હો એમ જીવવું એ જ તો જિંદગી છે.

જીવનની આ સુખદુઃખની બારીને સદા ઝળહળતી રાખીએ અને આગળ જોતાં રહીએ પણ પાછળ ઘણું બધું જીવાયું છે, જીવી ગયા છીએ, એનો વૈભવ માણવાની હવે આ ઢળતી સાંજે જે મઝા છે એને માણ્યા વિના આ ધરતી પરથી એમને એમ કેમ વિદાય લેવાય? સાંજ પડી ગઈ છે, રાતની કાળાશનો મહાસાગર પાર કરીને ક્ષિતિજની પેલે પાર જવાનું જ છે, એ નિશ્ચિત છે, તો તન અને મનથી એ મુસાફરી કરવા માટે પોતાને તૈયાર કરવાની બહુ મોટી વાત કવિ અહીં કહી જાય છેઃ

“કટુ  કાળી  અને  અંતે  જતી  અણજાણ   નિર્વાણે,
જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!”

સવાર, બપોર, સાંજ અને રાતની મુસાફરી કરતા સૂરજની સફરને જ માત્ર નથી વર્ણવી, સાચા અર્થમાં જિંદગીની સફરનો શિલાલેખ પણ કવિ લખી જાય છે.

કાવ્યોના શબ્દોની સંગીતમયતા આ કાવ્યને ભારી ન બનાવા દેતા, હસતા, રમતા ઝરણાં સમું, નિર્દોષ, નમણું અને નિર્મળ રાખે છે. આ નખશીખ સુંદર કાવ્ય બદલ દેવિકાબહેનને ખૂબ ખૂબ અભિનંદન.

 

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. સુંદર ગઝલોનો આસ્વાદ એટલો જ આસ્વાદ્ય…

  2. દેવિકા, સરસ રચના. “નથી કૈં સત્ય કે ના તથ્ય, છે માયાવી જાળો આ
    ને અંતે એ વિચારીને પછી સઘળું વિસારું છું.”