અનકહી ~ એપિસોડ: ૧ ~ નંદિની ત્રિવેદી (ભાગ ૧) ~ લેખકઃ નંદિતા ઠાકોર

આમ જુઓ તો એ ગાયિકા નથી પણ એને ગાવું બહુ ગમે છે. માત્ર એટલા માટે નહીં કે એનો અવાજ મીઠો છે અને એ ખૂબ સરસ ગાઈ શકે છે. પણ એટલા માટે કે સંગીતના અગાધ  દરિયામાં એણે આંગળી ઝબોળી છે.

સારું સાંભળ્યું છે, માણ્યું છે. એના વિષે અભ્યાસ કર્યો છે, થોડી તાલીમ લીધી છે અને આ બધાના પરિપાકરૂપે સંગીત વિષયક પુસ્તકો પણ લખ્યાં છે, જે સંગીતપ્રેમીઓ માટે પોતાની અંગત ખજાનામાં ઉમેરવું જ પડે એવું મઝાનું નજરાણું છે.

તો એની ઓળખાણ શું?

ખરેખર તો એ પત્રકાર છે. લેખક છે, સંગીતપ્રેમી છે. વાચક છે, ભાવક છે અને એ બધાથી ય વધુ- મારી દ્રષ્ટિએ- એક દ્રષ્ટા છે. હું તો એમ કહું કે એની પાસે જબરદસ્ત ફળદ્રુપ ભેજું છે અને એને જાતભાતના તુક્કાઓ આવ્યા જ કરે છે.

તુક્કાનો અર્થ એવો નહીં કે કશું અર્થ વગરનું એ વિચારે છે કે આચરે છે. એની પાસે સરસ મઝાના વિચારો છે, કન્સેપ્ટ્સ છે. અને એને એ પોતાની ગતિ, મતિ, શક્તિ મુજબ સાકાર કરવાનાં પ્રયાસો કરતી રહે છે.  જેમકે ફિલ્મી ગીતો, ગઝલ, સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત વગેરે આધારિત અનેક કાર્યક્ર્મોની પરિકલ્પના એણે  કરી અને અનેક સરસ કલાકારોને એમાં જોડીને સફળ કાર્યક્રમોના આયોજનો કર્યાં. સરસ માહિતીપૂર્ણ લેખો લખ્યા, વ્યક્તિવિશેષની મુલાકાતો લીધી, અનુભવો વહેંચ્યા. પોતાની કલમને એણે ઘડી અને પછી કલમે એને.

આમ જોતાં પત્રકારત્વ એનું મુખ્ય ક્ષેત્ર અને લોકોમાં આજે એની પહેલી ઓળખાણ પત્રકાર તરીકેની જ  છે.

અને..  એ છે નંદિની ત્રિવેદી.

No photo description available.
નંદિની ત્રિવેદી

મુંબઈ સમાચાર, મેરી સહેલી વગેરેનો વાચક વર્ગ આ નામથી અજાણ નથી. વિવિધ વિષયોમાં એની કલમે સુપેરે પ્રવાસ કર્યો છે.

No photo description available.

વિવિધ વિષયો પર કૉલમ લખવાથી માંડીને કોઈ વિશેષ વસ્તુની, વાતની કે વ્યક્તિની કથાઓ પણ એની કલમથી આલેખાતી રહી છે. પુસ્તકોની દુનિયાને પણ એ કલમનો સ્પર્શ મળ્યો.

સેહત કે સુર - લેખક : નંદિની ત્રિવેદી | "Sehat Ke Sur" is a refreshing book to read, think, enjoy and fathom as well as give gifts to music lovers. - GujaratiBooks.com

પ્રિન્ટ મીડિયામાં તો કામ કર્યું જ પણ પછી ડિજિટલ માધ્યમના  ઉપયોગની સુવિધા અને આવશ્યકતાને ઓળખીને એનો પણ સરસ મઝાનો ઉપયોગ  નંદિનીએ કર્યો.

હવે વાત જરા ઊંધેથી કરીએ.

સોશિયલ મીડિયા પર બહુ લોકો જાતજાતની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, વહેંચી રહ્યા છે. કમ્પ્યુટરની સુવિધા કે સ્માર્ટફોનની થોડી ખાસિયતો જો પલ્લે પડી જાય તો માણસ ધારે તે કરી શકે એવું છે. નંદિનીએ આ માધ્યમ અને સુવિધાનો સરસ ઉપયોગ કર્યો. એના સતત સર્જનશીલ જીવને તો કંઈક નવું કરવું હોય. એમાંથી જન્મ્યો વિચાર ‘સ્વરગુર્જરી’નો.

‘આઈ લવ એક્સપેરિમેંટિંગ’ એવું કહે છે નંદિની. અને એ વાત સાવ સાચી છે. એ સ્વભાવે જ એને વીસ વર્ષની મુંબઈ સમાચારની અને પછી મેરી સહેલીની નોકરી છોડવા પણ પ્રેરી. અને એ સ્વભાવે જ એને આ ‘સ્વરગુર્જરી’ નામે યૂટ્યૂબ ચૅનલ શરુ કરવા પણ  પ્રેરી.

અહીં અગત્યનું એ છે કે આમ તો મીડિયા પર કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે પોતાની મરજી પ્રમાણેનું ગાણું ગાઈ જ શકે છે. એવામાં કશુંક સત્વશીલ આપવું એટલું જ નહીં, માત્ર પોતાની આસપાસ જ પરિક્રમા કર્યા કરવાને બદલે અન્યોને પણ એમાં ભેળવીને કશું કામ ઉપાડવું સહેલું નથી. પણ ખંતીલી અને મહેનતુ છે નંદિની. એણે એ કર્યું.

વારુ, અહીં તમે કહેશો” આમાંનું ઘણુંબધું આમ તો જગજાહેર છે એમાં નવી શું વાત કરી?

વાત અમુક અંશે સાચી. પત્રકાર તરીકે નંદિનીએ લખેલા અસંખ્ય લેખો, મુલાકાતો કે અન્ય લખાણો વગેરેથી જેમ તમે પરિચિત છો એમ જ તમે સાહિત્ય અને સંગીતના રસિયા હો, અને  ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરતાં હો તો તો સ્વરગુર્જરીથી પણ પરિચિત હોવ જ.

પણ અહીં વાત કરીએ પેલી ‘અનકહી’ની….!

કોઈ પણ નવો વિચાર કે સાહસ એના પોતાનાં ભાગની મુશ્કેલીઓ કે પડકારો લઈને જ આવે. સ્વરગુર્જરીની  વાજતેગાજતે સુંદર શરૂઆત થઇ. કેટલાંક દિગ્ગજ ગાયકો, સંગીતકારોની સુંદર મુલાકાતોના થોડા ઍપિસોડ્સ તૈયાર થયા. પણ આ શું એટલું સહેલું હતું? ચૅનલનું નામ નક્કી કરીને એનું રજીસ્ટ્રેશન કરાવવાથી માંડીને એપિસોડ માટે કલાકાર પસંદ કરવા, એમનો સંપર્ક કરવો, વિચાર સમજાવવો, પ્રશ્નોત્તરી તૈયાર રાખવી અને ઉભયપક્ષની અનુકૂળતાએ વિડિઓ રેકોર્ડિંગ કરવું… એ બધું આ લખી નાખવા જેટલું સહેલું નહોતું.

પણ પડકાર ઝીલવાની અને શિસ્તબદ્ધ રીતે કામ કરવાની નંદિનીની આદત એને કામ લાગી. હા, પ્રશ્ન હતો-રેકોર્ડિંગ કોણ કરે? વ્યાવસાયિક વિડીયોગ્રાફર મળે તો ખરા, પણ એમને નાણાં પણ ચૂકવવાના હોય, તે ક્યાંથી કાઢવા? એટલે સ્પોન્સર્સ શોધવા પડે!

આ બધું નંદિનીએ એકલે હાથે કર્યું. એ બાબતના કોઈ પણ પ્રકારના અનુભવ વગર. ક્યાંક મિત્રોની, જાણકારોની, પોતાના મોટાભાઈની સલાહ કે મદદ મેળવી અને આખરે થોડા સરસ ઍપિસોડ્સ તૈયાર થયા. હજુ એનું વિધિવત પ્રસારણ થાય એ પહેલાં કોરોનાની મહેરબાનીથી લોકડાઉન ત્રાટક્યું અને બધું સ્થગિત. કામ અટકે તો પણ જેમની પાસેથી અત્યાર સુધી કામ લીધું છે એને નાણાં તો ચૂકવવા પડે! એમાંય જયારે સ્પોન્સર્સ નાણાંકીય સહાયનો એમનો વાયદો ન પાળે ત્યારે શું?

હા, એ જ. ગાંઠનું ગોપીચંદન જ તો! આપણા નંદિનીબહેને ખિસ્સામાંથી કાઢીને હજારો રૂપિયા ચૂકવ્યા!

શેને માટે? તો કે એક સુંદર વિચાર અને પેશનને માટે કામ કરવું હતું! તે ય એવા સમયે કે કશું જુદું નવું કામ કરવા, પૅશન પ્રમાણે જીવવાનું જે સપનું એણે ઉછેરવા માંડ્યું હતું એને માટે વ્યવસ્થિત આમદનીવાળી નોકરીને તો રાજીખુશીથી તિલાંજલિ આપી દીધી હતી!

લોકડાઉને પ્રત્યક્ષ  મુલાકાતો અને રેકોર્ડિંગ પર બ્રેક લગાવી. પણ તેથી કંઈ અટકી જવાય? બહાર જવાનું, બહારથી મદદ મેળવવાનું અટક્યું તો ઘેર બેઠાં ફોનની મદદથી વિડીયો બનાવતાં, એડિટિંગ કરતાં, જુદી જુદી ફોન ઍપ્સની મદદથી જરુર મુજબનું સ્વરૂપ આપતાં શીખવા માંડ્યું.

લોકડાઉનના કાળની ભયાવહતા ઓછી કરવા સંગીતની આંગળી તો ઝાલી જ રાખેલી. સરસ સંગીત સાંભળવું, રિયાઝ કરવો, રાગ આધારિત ગીતો ગાઈને સૌ સાથે વહેંચવા એ બધું કરતાં કરતાં ‘સ્વરગુર્જરી’ને જીવંત રાખવાનું ભગીરથ કામ એ વખતે તો ખરા અર્થમાં એકલા હાથે જ ઉપાડ્યું.

આજે જુઓ કે એ યાત્રા કેવી સરસ રીતે ચાલી રહી છે અને બે, બાર કે બાવન નહીં, પણ બસ્સો ઍપિસોડ્સ એ શ્રેણીના થઇ ચૂક્યા છે.

વાત માત્ર એક સરસ વિચાર અને એના અમલીકરણ પૂરતી સીમિત નથી. મનને એક જ ઘરેડમાં પૂરાઈ રહેવાને બદલે કશું નવું કરવાની, કશુંક નોખું વિચારવાની ભૂમિ પર લઇ જવાનું પણ ખરું, એને અમલમાં મૂકવા પહેલાં જરુરી હૉમવર્ક પણ કરવાનું, અને એને પાર પાડવામાં આવતી અડચણોમાંથી રસ્તો પણ કાઢવાનો. આમ તો જીવનમાં ડગલે ને પગલે આપણે આવું કરવું જ પડે છે પણ જયારે આ બધું માત્ર અંદરની પૅશનને અનુસરીને કરવામાં આવે ત્યારે એના સમીકરણો અને સ્વરૂપ બંને બદલાઈ જતાં હોય.

આવાં કામ કરનારને સ્વાભાવિકપણે જ પૂછાતો પ્રશ્ન એને પણ પૂછાતો રહ્યો જ છે:  આ બધાંનો અર્થ શું? એમાંથી શું મળે?

નંદિની જરાય અકળાયા વગર હંમેશની મધુરતાથી એનો જવાબ આપે: બસ, મને આ કરવામાં આનંદ આવે છે. સંતોષ મળે છે.

No photo description available.

અલબત્ત, એક બીજું પણ કારણ છે. એક મંચ પર આટઆટલા કલાકારો સાથેની અને એમના વિશેની વાતો, એમની રજૂઆતો વગેરેનો ખજાનો ભેગો થતો હોય તો ભવિષ્યને માટે એ એક સંદર્ભ સ્થાન બની રહે. આવનારી પેઢીને માટે એ બહુ ઉપયોગી નીવડી શકે એ વિચાર પણ એના મનમાં રમતો હતો. પોતાની ભાષા અને સંગીત માટે કંઈક કરી શકવાની ખેવના હતી.

‘સ્વરગુર્જરી’એ શરૂઆત તો કરી ગુજરાતી ભાષા અને સંગીતનાં ક્ષેત્રે કાર્યરત કલાવંતો વિશેની વાતો માંડીને. પણ પછી એને પણ દાયરો મોટો કરીને કળાના અન્ય સ્વરૂપો અને ક્ષેત્રોમાં કામ કરતાં લોકોની સાથે પણ સહુને જોડ્યા.

જયારે આવું કોઈ કાર્ય આપણી સમક્ષ રજૂ થતું જોઈએ ત્યારે ભાગ્યે જ આપણને ખ્યાલ આવે છે કે આ મકામ પર પહોંચવા માટે કેટલા ઉંબર ઓળંગવા પડ્યા હશે, કેટલીય વાડ  ઠેકવી પડી હશે અને કેટલાંય પિંજરા તોડવા પડ્યા હશે! એને નંદિનીની મોટપ ગણવી,  સ્વભાવ કે નસીબ તે કોણ જાણે પણ એટલું ખરું કે બહુ જ મુશ્કેલીઓ પડી હોય કે કડવા અનુભવો થયા હોય એવું નંદિનીને ફાળે સદનસીબે ઓછું જ આવ્યું છે.

નંદિનીની આટલા વર્ષોની પત્રકાર તરીકેની ઓળખ એને જરૂર કામ લાગી છે. પણ એ યાદ રાખવું ઘટે કે એ ઓળખ એમ ને એમ નથી બની. એની કલમ અને એના કાર્ય વડે એની ઓળખ ઊભી થઇ છે. મુશ્કેલીઓ આવી પણ હોય કે કટુ અનુભવ થયા પણ હોય તો ય એને કેટલું મહત્વ આપવું કે ન આપવું અને એવી પરિસ્થિતિને કઈ રીતે સંભાળી લેવી એ તો પોતાના હાથની વાત હોય છે; એ સમજ નંદિનીની પ્રકૃતિમાં છે. એના સ્વભાવનું એક લક્ષણ એટલે ગુણગ્રાહીપણું. જે એના કાર્યમાં દેખાય અને અનુભવાય જ.

No photo description available.

વાત સ્વરગુર્જરીની કરીએ છીએ પણ પત્રકારત્વ ક્ષેત્રે પણ એણે ગાળેલા આટલાં વર્ષોમાં બધા જ અનુભવો સરસ જ રહ્યા હોય એમ તો ન જ બને ને! પણ એવી અનકહી વાતો વિષે પૂછતાં ફરિયાદો કે બળાપાનો પટારો ખોલી બેસવાને બદલે નંદિની એના વ્યક્તિત્વની સહજ સરળતા દાખવીને એટલું જ કહે; “એ બધું તો સ્વાભાવિક છે, જિંદગીનો એક ભાગ જ છે. આપણે બસ આપણી રીતે સચ્ચાઈથી કામ કરતાં રહેવું”

જે નંદિની પત્રકારત્વ અને ખાસ તો જાહેર જીવનમાં આટલી કાર્યરત હોય, એ નંદિની ક્યારેક ડોકું ધુણાવવાથી ચાલતું હોય તો મોઢું ખોલીને એક શબ્દ પણ ના બોલે એટલી ઓછાબોલી કે શરમાળ હતી એવું કહીએ તો તમે માનો? અરે પોતે કલમ ઉપાડશે ને લેખન અને પત્રકારત્વ જેવાં ક્ષેત્રમાં આટલી સરસ રીતે ગૂંથાશે એવું એણે પોતે ય ધાર્યું નહોતું એમ કહીએ તો તમે માનો?

ના જ માનો ને! પણ એ વાત કરવા હજુ થોડા વધારે પાછળ જવું પડશે. જે નંદિનીના અત્યારના સ્વરૂપને આપણે જાણીએ છીએ એની પાછળ કે પડખે એક બીજી નંદિની પણ છે. એ નંદિનીની થોડી વધુ અનકહી વાતો કરીશું, હવે પછીના ભાગમાં. જેને માટે કાલનો ઈંતજાર….!

No photo description available.

(ક્રમશઃ)

~ નંદિતા ઠાકોર 

આપનો પ્રતિભાવ આપો..

2 Comments