હિમાંશુ જોશીની વાર્તા  પર આધારિત ~ ‘भगवान नहीं हैं’ આધારિત ભાવાનુવાદ ~ ‘ઈશ્વર’ ~ રાજુલ કૌશિક

હિમાંશુ જોશી લિખિત વાર્તા  ‘भगवान नहीं हैं आधारित भावानुवाद ‘ઈશ્વર’

 હજુ તો સવાર પડી હતી. વાદળોય છવાયેલાં હતાં, ઝાકળને લીધે જમીન પર ઠરેલી ભીનાશ અકબંધ હતી. ઠંડીના લીધે કોઈનાં ઘરની બારીઓ ખુલી નહોતી. રસ્તાઓ પર છાપાંના ફેરિયા કે દૂધ દેવા- લેવાવાળા સિવાય ઝાઝી અવરજવર શરૂ નહોતી થઈ પણ વિજયનગરના એક ચાર રસ્તા પર ભીડ જામવા માંડી. ભેગા થયેલા બેચાર જણાના અવાજમાં આક્રોશ હતો. એ આક્રોશનું કારણ હતો રસ્તા પર ઉંધા મોંઢે પડેલો એક બુઢ્ઢો આદમી. એણે પાંવરોટીની ચોરી હતી.

“પાંવરોટી? પાંવરોટીની તે ચોરી હોય ભઈસાબ!”

“હા ભાઈ હા, એણે પાંવરોટીની ચોરી કરી છે. નજરોનજર મેં જોયું છે, અને પાછો એ ભાગવાના બદલે બગલમાં રોટી દબાવીને રસ્તા પર ઊભો ઊભો બૂમો મારતો હતો, મેં ચોરી કરી છે, મને સજા આપો.”

“હેં..?

“હા..ભાઈ હા…એ બુઢ્ઢાએ ચોરી તો કરી છે સાથે ચોરીનો આરોપ કબૂલ કરીને ઈમાનદાર બનવા જાય છે. બોલો, કેવી અજબ વાત !”

“ભાઈ, આ કોઈ અજબ વાત નથી. આવા લોકો દેખાય ભોળા પણ હોય પાક્કા ઠગ. ક્યારેક ચોરી, ક્યારેક હાથસફાઈ તો વળી ભીખ માંગવાથી માંડીને તક મળે તો બાળકોને ઉપાડી જવા સુધીના કામ કરી લે. જેલ થાય તો જાણે બેચાર દિવસ સાસરે ગયાનું સુખ માણી આવે, વળી પાછા એ જ ગોરખધંધાએ લાગી જાય. મારો એને એક લાત એટલે થાય સીધો.”

મેલી દાઢી, લાંબા ગંદા વાળ, નામ પૂરતાં કહેવાય એવાં કપડાંમાં રસ્તા પર ઉંધા મોંઢે પડેલા એ બુઢ્ઢા આદમીના છોલાયેલા હાથપગમાંથી લોહી અને આંખોમાંથી આંસુ ઝમતાં હતાં આવી બેહાલ દશામાંય એની બગલમાં દબાવેલી રોટીને એણે કસીને પકડી રાખી હતી.

દિલ્હીનો દરેક વિસ્તાર એવો છે જ્યાં અમીર અને ગરીબની વસ્તી છે. અહીં સારીખોટી ઘટના બન્યા વગર દિવસ પસાર થતો હોય એવું ભાગ્યે બનતું. દિલ્હીનાં વિજયનગરની વસ્તીમાં પણ આવી ઘટનાઓ સામાન્ય હતી. આ વિસ્તારમાં રંગરૂપ અને બોલી પરથી કોણ પંજાબી, બંગાળી, મદ્રાસી છે એ પરખાતું. અહીંના આદમીઓ સામાન્ય રોજીરોટી કમાવવા મથે છે. સ્ત્રીઓ સારા ઘરોમાં કામ કરે છે. કશું કરી શકતા ન હોય એવા બુઢ્ઢા લોકો ભીખ માંગે, એમનું જોઈને બાળકો પણ ભીખ માંગવાનું શીખે છે. આવા અનેક બુઢ્ઢાઓની જમાતમાંનાં આ એક બુઢ્ઢાની પાછળ સવારમાં આ ઝમેલો થયો હતો.

સવાર સવારમાં ખુલેલી ગોપીની દુકાનમાંથી એણે રોટી ચોરીને ભાગવાનો મિથ્યા પ્રયાસ કરતા “મેં રોટીની ચોરી કરી છે,મને પકડી લો, જેલમાં નાખો, મારી ચોરી માટે લાંબી સજા આપો.” જેવી બૂમરાણ મચાવતો હતો. બસ, પછી તો બાકી શું રહે? ગોપીનું જોઈને ત્યાંથી પસાર થતા લોકોએ પણ એના પર હાથ-પગ અજમાવવા માંડ્યાં.

મહર્ષિ વિશ્વામિત્રના સગા હોય એમ સૌ એની પર ધૃણા વરસાવવા માંડ્યા. બેચાર પહેલવાન જેવાઓએ તો અખાડામાં ઉતર્યા હોય એવું શૌર્ય દર્શાવવા બાવડાં કસવા માંડ્યા. એકઠાં થયેલાં ટોળામાંથી વળી એકનાં મનમાં ડહાપણ જાગ્યું.

“છોડો, આ મારપીટ. કાયદો હાથમાં લેવા કરતાં પોલીસને જાણ કરવી સારી.”

પાસેનાં થાણાં પર જાણ કરતાંની સાથે ડ્યૂટી પરનો પોલીસ હાજર. જાણે જીવ સટોસટની બાજી ખેલીને કોઈ ખૂંખાર ડાકુને પકડવામાં સફળ થયો હોય એમ એ બુઢ્ઢાનો હાથ પકડીને સાથે ખેંચવા માંડ્યો.

“તેં ચોરી કેમ કરી?” થાણાં પર પહોંચતા હાથમાંનો ડંડો ઉગામીને સવાલ કર્યો. માર ખાઈને બેહાલ થયેલો બુઢ્ઢો એક અક્ષર બોલી શકે એમ નહોતો.

થાણેદારનો ક્રોધ સાતમા આસમાને. હરામખોર, મક્કાર જેવા અનેક શબ્દોની સાથે ડંડાબાજીથી બુઢ્ઢાને નવાજ્યો. અંતે હાંફીને કાગળિયામાં વિગતો ભરવા બુઢ્ઢા સામે નજર કરી. મારપીટની ભયંકર પીડાને લીધે જમીન પર કોકડું વળીને પડ્યો કરાંજતો હતો.

“બોલ, હવે ચોરી નહીં કરું.” પોલીસે રોફ જમાવ્યો.

“હા, કરીશ. ચોરી તો શું ખૂન પણ કરીશ.” બુઢ્ઢાના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો.

“હેં શું બોલ્યો, કોનું ખૂન કરીશ?” પોલીસની રાડ ફાટી.

“જે સામે મળશે એનું.” બુઢ્ઢાએ અવાજમાં જોર ભેળવ્યું.

“કે…મ?”

“કારણ કે, મારે જેલમાં જવું છે. લાંબી સજા જોઈએ છે.”

“પણ, તારે જેલમાં કેમ જવું છે?”

“મારે રોટી જોઈએ છે. માથે છાપરું જોઈએ છે. તન ઢાંકવાં એક કાંબળો જોઈએ છે. હવે હું ઘરડો થયો છું. મરું ત્યાં સુધીનો એક આશરો જોઈએ છે.” પાગલની જેમ અટ્ટહાસ્ય કરતા એ બોલ્યો. “જેલ સિવાય આ દુનિયામાં મને આ બધું ક્યાં મળવાનું છે એટલે મને સજા જોઈએ છે. રોટી ચોરવી એ અપરાધ હોય તો એના પર પણ મને સજા ઠોકી દો.” એટલા ભોળા ભાવે એ બોલ્યો કે સૌ એને જોતા રહી ગયા.

“દિમાગ ખરાબ છે આનું, બંધ કરી દો એને.” થાણેદારનું માથું ઠમક્યું.

બુઢ્ઢાનો કરચલી ભરેલો ચહેરો ચમકી ઊઠ્યો. કૃતજ્ઞતાથી થાણેદારનાં પગ પકડી લીધા.

“હાશ! મારી આખરી ઇચ્છા પૂરી કરી. તારો પાડ હું ક્યારેય નહીં ભુલુ. તારાં બચ્ચાંઓ સલામત રહે. દિવસરાત તારી પ્રગતિ થાય. જેલમાં રાખીને તમે મારશો, ધીબશો પણ એક ટુકડો રોટી, ઓઢવા કાંબળો, માથે છત તો આપશો ને? કોણ કહે છે કળિયુગ છે, ભગવાન ક્યાંય નથી પણ જોયું ને ભગવાનના ઘેર દેર છે, અંધેર નહીં.”

ત્યાં ઊભેલાં સૌ જોતાં રહ્યાં અને આંખોમાંથી આંસુની વહેતી ધાર સાથે એ બુઢ્ઢો આદમી જમીન પર ઢળી પડ્યો. એક ક્ષણ પહેલાં બોલતો એ આદમી હાથમાં કસીને પકડેલી રોટી સાથે જ હંમેશ માટે શાંત થઈ ગયો.

ભાવાનુવાદઃરાજુલ કૌશિક

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. બહુ સરસ ભાવાનુવાદ. એક ઇચ્છા. આ વાર્તાનું પઠન કરું? પરવાનગી આપો તો

    1. વાર્તાનો ભાવાનુવાદ આપને ગમ્યો એનો આનંદ. પઠન કરશો તો એ આનંદ બેવડાશે. જરૂર પઠન કરો.