આસ્વાદકોના કલામને સલામ…! (૨) – ગઝલઃ ‘પૂછે નહિ!’: જયશ્રી મરચંટ અને ગઝલઃ ‘હોય છે!’: દેવિકા ધ્રુવ ~ આસ્વાદઃ સપના વિજાપુરા
૧) ‘પૂછે નહિ…….!’ ~ ગઝલ ~ જયશ્રી વિનુ મર્ચન્ટ
ભલે ખોટો તો ખોટો, પણ કદી એ હાલ પૂછે નહિ
ને વાંધો એમ પાડે, કેમ તું અહેવાલ પૂછે નહિ ?
નસીબોને લખે, એ કોઈ સરમુખત્યાર લાગે છે
કોઈને આપતા પ્હેલા, છે કોનો ભાલ, પૂછે નહિ
ભલે ને હોય બેસૂરું, છતાં સૌ ગાય છે ગાણું
ન કોઈ સૂરનું પૂછે , ને કોઈ તાલ પૂછે નહિ
ઝનૂની થઈને સીમાઓ ઉપેક્ષાની વળોટી છે
મિલન હો કે વિરહ હો,કોઈ મારો ખ્યાલ પૂછે નહિ
કબરમાં ‘ભગ્ન’ રહે છે એશથી ચૂપચાપ, જોઈ લો
ન એ પૂછે કશું, કે કોઈ એનેય સવાલ પૂછે નહિ
– જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”
આસ્વાદ ~ સપના વિજાપુરા
વ્યવસાયે રિટાયર્ડ ક્લીનીકલ લેબોરેટરી ડિરેક્ટર, જયશ્રી વિનુ મરચંટ કેલિફોર્નિયા સ્થિત સાહિત્યકાર છે. “ગુજરાતી લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા” સાથે તેઓ સ્થાપનાના પહેલા દિવસથી જોડાયેલા છે. એમની આ લખાણ યાત્રા મુંબઈથી શરૂ થઈ હતી. “કવિતા”, “નવનીત-સમર્પણ”માં એમના લેખ અને કવિતાઓ ત્યારે પ્રકાશિત થયા છે. ફિલાડેલ્ફિયાથી પ્રકાશિત “ગુર્જરી”માં છેલ્લા ૩૪ વર્ષોથી એમની કલમે વાર્તાઓ, ગઝલો, અછાંદસ કાવ્યો અને નિબંધો આપ્યા છે. હાલમાં, ૨૦૧૯માં એમની નવલકથા “પડછાયાના માણસ” ની ધારાવાહી “ગુજરાત ટાઈમ્સ”માં પ્રગટ થઈ હતી અને ખૂબ વખણાઈ હતી. ૨૦૨૨, ઓક્ટોબરમાં આ જ નવલકથા પુસ્તકારે નવભારત સાહિત્યમંદિર દ્વારા પબ્લીશ કરવામાં આવી છે. ૨૦૧૭ ડિસેમ્બરમાં એમનો ગઝલસંગ્રહ “વાત તારી ને મારી છે” અને કાવ્ચસંગ્રહ “લીલોછમ ટહુકો” મુંબઈની “ઈમેજ” સંસ્થાએ પ્રકટ કર્યા છે. ૨૦૨૦, ફેબ્રુઆરી થી ૨૦૨૦ ઓક્ટોબર “દાવડાનું આંગણું” બ્લોગમાં તેઓ એડીટર ઈન ચીફ તરીકે સેવા આપતાં હતાં અને આ જ બ્લોગને હવે નવા અવતારમાં, નવા નામે, “આપણું આંગણું” નામે નવેમ્બર ૧૩,૨૦૨૦ પ્રગટ કરવાની પરિકલ્પના સાકાર થઈ છે, જેની કમાન હવે યુવાન સાહિત્યકાર, કવિશ્રી હિતેન આનંદપરા સંભાળી રહ્યા છે. જાન્યુઆરી ૧, ૨૦૨૩માં એમને ‘વિશ્વ ગુર્જરી’ નો શ્રી ઉમાશંકર જોશી પુરસ્કાર પૂજ્ય મુરારિબાપુના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
કવયિત્રી જયશ્રી વિનુ મરચંટ ચોટદાર ગઝલ આપવામાં માહિર છે. એમની આ ગઝલ સરળ ભાષામાં પણ માર્મિક બની છે.
ભલે ખોટો તો ખોટો, પણ કદી એ હાલ પૂછે નહિ
ને વાંધો એમ પાડે, કેમ તું અહેવાલ પૂછે નહિ ?
કવયિત્રીને કોઈ સ્વજન પાસે મીઠાં શબ્દોની આશા છે. ભલેને ખોટો તો ખોટો પણ હાલ પૂછે. બે મીઠાં બોલ માણસના જીવનમાં કેવો ઉત્સાહ લાવી શકે છે. આપણે જાણીએ છીએ કે મનોવિજ્ઞાનિક પહેલા પેશન્ટ સાથે વાતો જ કરે છે. હાલ પૂછે છે. ક્યારેક ફોન ઉપાડીને, ક્યારેક નાની એવી નોટ મૂકીને તો ક્યારેક વોટ્સએપ કરીને ખાલી ખાલી પૂછી લેવું કે કેમ છે? વ્યક્તિને થાય કે કોઈ મારી ફિકર કરે છે. પણ આ તો પોતે ખોટો ખોટો હાલ ના પૂછે, પણ વાંધો એમ પાડે કે ભાઈ તું તો મારો એહવાલ પૂછતી જ નથી. ઘણાં લોકોને જીવનમાં ઘણાં વાંધા હોય છે. મનમાં વિચાર્યું પણ ના હોય એવાં વાંધા કાઢીને બેસે! એવાં લોકોને ખુશ કરવા અઘરાં છે.
નસીબોને લખે, એ કોઈ સરમુખત્યાર લાગે છે
કોઈને આપતા પ્હેલા, છે કોનો ભાલ, પૂછે નહિં
હાં , નસીબ લખવાવાળો સરમુખત્યાર જ છે. એ કોઈનું ભાલ જોઈને કિસ્મત લખતો નથી. દરકેના ભાલ પર એ પોતાની છાપ છોડી દે છે. અને જેનાં નસીબમાં જેટલું છે તે મળી જાય છે. ક્યારે મૃત્યુ, કેટલું જીવન, કેટલાં બાળકો કેટલો સંસાર! પોતાની મરજી પ્રમાણે લખે છે. જેનાં લલાટે જે લખાયું એ જીવનભર ભોગવતો રહે છે. સરમુખત્યારી એની જ ચાલે છે. પછી કોઈ તકદીર સાથે ગમે તેટલી તકરાર કરે ધાર્યું તો ધણીનું જ થાય! કોઈને આપતા પ્હેલાં ભાળ પૂછે નહિ.
ભલે ને હોય બેસૂરું, છતાં સૌ ગાય છે ગાણું
ન કોઈ સૂરનું પૂછે , ને કોઈ તાલ પૂછે નહિ
કોઈને બીજાની વાત સાંભળવી નથી. પોતાનો કક્કો સાચો એમ સાબિત કરવા પ્રયત્ન કરે છે. વાતમાં કોઈ ભલીવાર હોય કે નહિ! ના સૂરની પડી રાખે ના તાલ ની બસ પોતાનું બેસૂરું ગણું ગાયાં કરે. વાતમાં કોઈ તથ્ય હોવું જોઈએ. બીજાને સમજાવવાની કળા હોવી જોઈએ. કોઈને રસ હોવો જોઈએ! પોતાની વાત બીજાની સામે મૂકતાં પહેલા વાતમાં કેટલું વજન છે જાણી લેવું જરૂરી છે. પણ ઘણાં લોકોને પોતાના જ ગાણાં ગાવામાં રસ હોય છે, કોઈ સાંભળે કે ના સાંભળે!
ઝનૂની થઈને સીમાઓ ઉપેક્ષાની વળોટી છે
મિલન હો કે વિરહ હો,કોઈ મારો ખ્યાલ પૂછે નહિ
કોઈ પ્રિય વ્યક્તિ સતત તમારી ઉપેક્ષા કરતી રહે તો શું ઝનૂની થઈને એ સીમાઓ ઓળંગવી જોઈએ? તો પરિણામ શું આવશે? જે વ્યકતિને તમારી કદર જ ના હોય તો ઉપેક્ષાને ઉપેક્ષા જ રહેવા દો. એ તમારી ઉપેક્ષા સિવાય કશું નહિ કરે! પછી એ વ્યક્તિને તમારા મિલન કે વિરહ તમારો ખ્યાલ નહિ પૂછે! કારણકે એ વ્યક્તિને તમારા મિલન કે વિરહથી કશું લાગતું વળગતું નથી. બહુ સ્પષ્ટ રીતે કવયિત્રી પોતાની થયેલી અવગણના અને મિલન અને વિરહની અંદર ઉપેક્ષા ને દર્શાવે છે.
કબરમાં ‘ભગ્ન’ રહે છે એશથી ચૂપચાપ, જોઈ લો
ન એ પૂછે કશું, કે કોઈ એનેય સવાલ પૂછે નહિ
કબરમાં પહોંચી ગયા પછી તો એશ અને એશ જ છે ! ના કોઈ સવાલ, ના કોઈ જવાબ! એક વાતની ચોકકસ કબરમાં શાંતિ થઈ જાય કે હવે કોઈને જવાબ આપવાનો નથી. ” સુને ના જાતે થે મેરે દિનરાત કે શિકવે , કફન સરકાવો મેરી બેઝુબાની દેખતે જાઓ. કવયિત્રી એક ચોટદાર ગઝલ આપે છે.
~ સપના વિજાપુરા
૨) ‘હોય છે……!’ ~ ગઝલ ~ દેવિકા રાહુલ ધૃવ
જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
આવે કદી હોંશે અહીં,ઇચ્છા ઘણી સપના લઇ,
માનો કે ના માનો બધી, તરસાવવાની હોય છે.
ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળ પળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે.
જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી,
કોને ખબર ક્ષણ માત્રમાં, તરછોડવાની હોય છે.
બાંધી મૂઠી છે લાખની,ખોલી રહો તો રાખની,
શાંતિભરી રેખા નવી, સરજાવવાની હોય છે.
પામી ગયા, એ પથ્થરો પૂજાય છે દેવાલયે,
બાકી રહેલી વાત શું સમજાવવાની હોય છે ?
હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.
આસ્વાદ ~ સપના વિજાપુરા
હ્યુસ્ટનના નિવાસી દેવિકા ધ્રુવ સાહિત્ય પ્રત્યે પ્રેમ રાખે છે. એમણે ગુજરાત યુનિવર્સિટી માં સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે પ્રથમ વર્ગમાં ડિગ્રી મેળવી હતી.એમણે પ્રથમ રચના ૧૫ વર્ષની ઉંમરે. ૧૯૬૮માં કાવ્યપઠન કરી હતી. આ સ્પર્ધામાં શ્રી ઉમાશંકર જોશીના હસ્તે ઈનામ મેળવ્યું હતું. .એમના ત્રણ કાવ્યસંગ્રહ ૧. ‘શબ્દોને પાલવડે’-સંવાદ પ્રકાશન-૨૦૦૯૨. ‘અક્ષરને અજવાળે’-(ઈબૂક-૨૦૧૩)૩.’ કલમને કરતાલે ‘–૨૦૧૭ ‘ગૂર્જર પ્રકાશન’ દ્વારા પ્રકાશિત થયા છે.એમની આ ગઝલ મેં ફેઈસબુક પર વાંચી અને મને ખૂબ ગમી ગઈ. આ ગઝલ એક સંદેશ આપી જાય છે .
ચાલો એમના એક એક શેરમાંથી પસાર થઈએ!
જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
શું આપણે આપણી પસંદથી જિંદગી જીવી શકીએ છીએ? શું આપણી મરજી પ્રમાણે દુનિયા ચાલે છે? શું જે ઇચ્છીએ એ આપણને મળી જાય છે? જવાબ ના માં આવશે. તો મત્લા નો શેર આપણને આજ શીખવી જાય છે. જેવી જિંદગી ઈશ્વરે આપણને આપી જીવી જવાની હોય છે! જે નથી મળ્યું એનો અફસોસ કરવા કરતા જે મળ્યું છે એ સાથે મળીને શણગારવાની હોય છે. ફેઈસબુક પર એક ગરીબ ચીંથરેહાલ બાળકનો હસતો ફોટો કોઈએ મૂકેલો શું સુખદુઃખ આપણે નક્કી કરતા હોઈએ છીએ? એ ગરીબ બાળક પાસે હસવાનું શું કારણ છે ? પણ હસે છે. સ્વીકારની ભાવના બતાવે છે. આનંદ નો ડાયલોગ પણ યાદ આવી ગયો. ” બાબુ મોશાય હમ સબ રંગમંચકી કઠપુતલીયા હૈ હમારી ડોર ઉપરવાલેકે કે હાથમે હૈ કબ કિસકી ડોર ખીચેગી ક્યાં પતા !” બસ તો આપણી કોઈ પસંદગી નથી. જે ઈશ્વર આપણા માટે નક્કી કરે એ રીતે જીવી જવાનું હોય છે. પણ ખરાબ કામ કરવું હોય તો એ તમારી પસંદગી છે.આવે કદી હોંશે અહીં,ઇચ્છા ઘણી સપના લઇ,માનો કે ના માનો બધી, તરસાવવાની હોય છે. ઈચ્છાઓ પ્રગટે અને ઈચ્છાઓ પણ પણ ક્યાં બધી પૂરી થાય છે? ઈચ્છાઓ સપના જગાવે છે! પણ ધાર્યું તે ધણીનું થાય એમ દરેક ઈચ્છાઓ પણ પૂરી થતી નથી. અંગ્રેજીમાં એક કહેવત છે કે Man prapose and God despose !માણસ ઈચ્છા પ્રગટ કરે છે અને ઈશ્વર એનો નાશ કરે છે . જિંદગી ફૂલોની સેજ નથી. હર કદમ એક નયા ઈમ્તેહાન હૈ!
ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળ પળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે.
વળી આશ્વાસન રૂપે કવયિત્રી કહે છે કે તમે ઇન્સાન, ભગવાન કે કિસ્મતને દોષ ના દો! જિંદગીને તમારે પળ પળ દુલ્હનની જેમ સત્કારવાની હોય છે. જે નથી મળ્યું એના માટે કોને દોષ દેવો? કિસ્મત લાખાવાવાળાને? કે પછી ઘરના માણસોને જેને તમારા માટે નિર્ણય લીધા છે એને ? કે પછી ભગવાનને? પણ જે તમારા નસીબમાં છે એ તો તમને મળવાનું જ છે તો પછી દોષ શા માટે? અને ઘણીવાર મરજીનું મળી જાય તોય એ લાંબુ ચાલતું નથી તો પછી કોને દોષી માનવા?
જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી,
કોને ખબર ક્ષણ માત્રમાં, તરછોડવાની હોય છે.
વરસાદ પહેલાનું દ્રશ્ય કેવું સોહામણું લાગતું હોય છે! આભ અને વાદળ જાને એકબીજામાં સમાઈ જવા માગતા હોય એવું લાગે છે! બંને ભેગા થઈને સૂરજને ઢાંકી દે છે. જાણે જન્મોજન્મની પ્રીત! પણ થોડીવારમાં આકાશમાંથી અનરાધાર વરસાદ તૂટી પડે છે. આકાશ સ્વચ્છ નિર્મળ થઇ જાય છે. વાદળી સાથ છોડી દે છે! ફરી એજ જૂનો પ્રેમ સૂરજ અને ચાંદ આવી પહોંચે છે. વાદળી તરછોડીને ચાલતી થાય છે! જે સંબંધ ક્ષણિક હોય તેનો શો ભરોસો કરવો?
બાંધી મૂઠી છે લાખની,ખોલી રહો તો રાખની,
શાંતિભરી રેખા નવી, સરજાવવાની હોય છે.
કોઈ ના રહસ્ય એ આપણી અમાનત છે. કોઈએ કહેલી વાત આપણા હ્દયમાં અકબંધ રહેવી જોઈએ. જ્યા સુધી એ વાત હ્દયમાં છે એની કિંમત છે પણ જેવી વાત બહાર આવી એવી એ વાત રાખની થઇ જશે. એટલે જિંદગીમાં ઉતાવળિયા પગલાં ભરવા કરતા શાંતિથી કામ લેવું સારું ! શાંતિની રેખા સરજાવવાની હોય છે.
પામી ગયા, એ પથ્થરો પૂજાય છે દેવાલયે,
બાકી રહેલી વાત શું સમજાવવાની હોય છે ?
જે લોકોને જીવનનો અર્થ મળી ગયો એ લોકો જીવનમાં સફળતા મેળવી ગયા. જેમકે પથ્થર જેવા પથ્થર પણ દેવાલયે જઈને ઉચ્ચ સ્થાન પામી પૂજાય ગયા. પણ જે લોકો જીવિત છે છતાં જેવું જીવન મૃત કરતા પણ વધારે ખરાબ છે એ લોકો વિષે શું કહેવાનું?
હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.
મક્તાના શેરમાં કવયિત્રી પોતાની પાસે જે કાંઈ છે ખુશી કે સમૃદ્ધિ બધું ખોબો કરીને રાખવાની વાત કરે છે. આ બધું જ ખુશી સમૃદ્ધિ બધું વહેંચવાનું હોય છે. અપને લિયે જીયે તો ક્યાં જીયે ! બધાને સાથે લઈને ચાલીએ તો આ વિશ્વ કેવું રૂપાળું બની જાય? શું આપણા ઘરે કામ કરતી બાઈ હોય કે મોહલ્લામાં રમતો ફાટેલાં કપડાં પહેરેલો દીકરો હોય. એ લોકો ના માથા પર પ્રેમથી હાથ મૂકો એની ભૂરી આંખોમાં આંસુ સાથે સ્મિત દેખાશે! ઈશ્વર તો બધાને આપવા બેઠો છે પણ પોતે નથી આપતો લોકો પાસે અપાવે છે . શું ખબર કદાચ તમે એ લકી વ્યક્તિ હો!
આભાર દેવિકા સુંદર ગઝલ માટે!
~ સપના વિજાપુરા