એમ કાંઇ જાવા નો દેવાય (વાર્તા) ~ સુષમા શેઠ
વેદરાજજી આજે સાતમા આસમાને વિહરતા હતા. પોતાના શુભલગ્નની કંકોતરી જોઈ હરખાતા હોય તેમ લાલ ચટ્ટાક કાર્ડ પર કોતરેલાં સોનેરી અક્ષરોવાળું ફિલ્મના પ્રીમિયરશૉનું આમંત્રણપત્ર વળી તેની સાથે મળેલ સૂટલેંથ, મોંઘી સાડી, મીઠાઈનો ડબ્બો જોઈ તેમણે સરલા સામે પોતાની ઊંચી ડોકને ટટ્ટાર કરી, શર્ટનો કૉલર સહેજ ઊંચો કર્યો.
“બળ્યું, બલાઉઝ અને સૂટની સિલઈ, સૂટમાં પેરવા હારા માઈલું સરટ ને વરી હાંધો દીધેલા ચંપલ પગમાં નૈ સોભે તે નવા બૂટેય આ લોકે આપડે માથે ઠપકાર્યા. આ મીઠાઈના ખોખાંની બદલે તેલ, દાર, સોખા આલતા હોય તો…” બળાપો કાઢતી સરલાનો એ કાયમનો કકળાટ અરીસા સમક્ષ ઊભેલા વેદરાજે કાને ધરવાની ખાસ તસ્દી લીધી નહીં.
‘ત્યાં બધાં ફિલ્મલાઇનના મોટા માથાઓ આવશે.’ વિચારી વેદરાજને બસમાં જવું ઉચિત ન જણાતાં તેણે ટેક્સી કરી; હા, જરુર પુરતી રકમ પાડોશી પાસેથી ઉછીની લઈને.
”તેમાં શું? વટ્ટ પડવો જોવે. પછી તો ચપટી વગાડતાં રુપિયાનો આમ ઢગલો થશે.” કહી તે મનોમન મલકાયો. આજે તે “લેખક વેદરાજજી” તરીકે શહેર આખામાં ખ્યાતિ પામેલ હતો.
ફોઈએ વેદરાજ નામ પાડેલું પરંતુ લોકો ખાનગીમાં તેને વેદિયો કહેતા. કહેજને. આંખો મીંચીને એકનું એક કામ દરરોજ કરવાનું હતું. ઓફિસની સાફસફાઈ થઈ જાય પછી સાહેબો માટે ચા બનાવવાની, પેન ધરી ઊભા રહી કાગળો પર સહીઓ કરાવવાની અને પછી તે કાગળો લાગતા-વળગતાને પહોંચાડવાના અથવા ફાઈલમાં ગોઠવવાના. તેને પોતાનેય નાનકડી સાધારણ ઓફિસમાં કારકુનગીરી કરી વેઠ ઊતારવી નહોતી ગમતી. અંદર કંઈક સળવળતું હતું. કેટલીયે ઊથલપાથલ મચાવ્યા બાદ મનમાં ધરબી રાખેલા વિચારબીજ ફૂટી જ નીકળતા. તેને કંઈક એવું કરવું હતું કે પોતાનું નામ થાય. લોકોય જાણે કે એ સૌ એને જેવો માને છે તેવો પોતે વેદિયો નથી, નથી અને નથી જ.
એક દિવસ કચરાના ડબ્બામાં ફેંકી દેવાયેલી પેન તરફ તેની નજર પડી. તેણે એ ઊપાડી લીધી. ભ્રષ્ટાચાર અને અનીતિની ધૂળ, કચરો ખંખેરી જોયું, ચળકતી મજાની, સોનેરી!
‘વાહ! આ તો સરસ ચાલે છેને.’
પછી તો સાંજે ઘરે જઈ તેણે મગજમાં દાટી દીધેલા વિચારોને ખોદીને તેનાં અંકુર બહાર કાગળ પર અવતરવા દીધાં. મહેનતની કલમમાં પરસેવાની શાહી પૂરાઈ અને એ ચાલી સડસડાટ. એવી ચાલી કે પછી જાણીતા છાપામાં અંદરના પાને તેના નાનકડા નામ સાથે તેણે લખેલો લેખ જ્યારે પહેલી વાર છપાયો ત્યારે તો તેની આંખમાં ચમકચમક હર્ષાશ્રુ ચમક્યા અને હરખપદુડા થઈ તેણે આજુબાજુમાં પેંડા વહેંચ્યા.
“જુઓ, મારું નામ છપાયું.” તેના હરખથી ઊછળતા એ વાક્ય પર સરલાએ ઠંડુ પાણી રેડતાં પૂછ્યું, “હું મલ્યું?”
“નિજાનંદ, આત્મસંતોષ, સન્માન અને વળી મારું નામ થયું તે નફામાં”
“એટલે? નામ તો છેજ તે, લે અત્તાર લગી હઊ તમને વેદભાઈ બોલાવતા’તા ઈ હું હતું?”
“હું સાવ વેદિયો નથી. જવા દે, તે તને નહીં સમજાય. ધીરજ રાખ. બધુંય મળશે. આ તો શરુઆત છે.” તે કહેતો. સરલાને ખરેખર નહોતું જ સમજાતું.
વેદરાજ ધીમે ધીમે વેદિયામાંથી “વેદરાજજી” તરફ આગેકૂચ કરતો ગયો. છાપાઓમાં, સામયિકોમાં, ચોપાનિયાઓમાં, સોશિયલ મીડિયામાં તેના લેખો, વાર્તાઓ, નિબંધો છપાતાં. પ્રશંસકો તરફથી પ્રશંસાના પત્રો અને અભિનંદન આપતા ફોનના ઢગલા થતા ગયા. વેદરાજના આંખ, કાન, મન જાણે લાડુ જમતા. તંત્રીઓ સામે ચાલીને લખાણો મંગાવતા. વેદરાજ રાજીરાજી. તનતોડ ઊજાગરા, મનતોડ મહેનત અને જાત નીચવીને કરેલી મગજમારી પાછળ વ્યતિત કરાતા સમયના બદલામાં મળતા હતાં, નામ, પ્રસિદ્ધિ, ઓળખ, મેડલ, માન અને પ્રશસ્તિપત્રો. વળી ક્યાંક ખૂણેખાંચરે છપાતો પોતાનો નાનકડો ફોટો નીરખી વેદરાજ ધન્ય બની જતો.
“ખાંડ ખાવ છો ખાંડ.” સરલા મોઢું કટાણું કરી બબડતી.
“આ પસ્તીમાં નો જાવા દેતી. મેં મારો જીવ રેડ્યો છે આમાં. મારી લાગણીઓ, સંવેદનાઓ નીતરી છે આમાં. વિચારોમાં ગજબની શક્તિ છે. સરલા, એ છે તો જિંદગી છે.” તેણે પત્નીને કહ્યું.
“તે તમે આવી પસ્તીની લ્હાયમાં નોકરી નો ગુમાવતા. જેવીતેવી તોય પેટ તો ભરાયછ. બાકી આ લોકોને કિયો કે હો રૂપયડીના માનધન હાયરે ખાંડ, ઘઉં, સોખા એવુંય મોકલી આલે તો કાંક પેટ તો ભરાય. તમારા વિચારોની સક્તિથી નૈ જીવાય.” સરલાએ સામી ચોપડાવી.
‘આપો, આપો, આપો’ની રાડારાડ અને સામે અપાતી અભિનંદનોની વર્ષાનું મહાસુખ માણતા વેદરાજની આનંદથી છલકતી મોસમમાં ધર્મપત્ની સરલા મોટા મોટા બાંકોરા પાડી દેતી.
“કઊં છું, આ છતમાંથી પાણી ટપકે સે ઈ તાબડતોબ રીપેર કરાવું પડસે. પાસાં એમ નો કે’તા કે હમણા હગવડ નથી.” છોને ઓછું ભણેલી હતી પરંતુ સરલા કશું જ સરળતાથી જવા દે તેવી નહોતી.
વેદરાજ નામના કમાતો ગયો, ફક્ત નામના! તે સાથે જરુરી દામ ન મળતાં ઘરની પરિસ્થિતિઓ એક સાંધતાં તેર તૂટે જેવી હતી તે તેવી જ રહી. શરમાઈને સામેચાલીને માગ્યા પછી દામ એવા મળે જાણે ચણામમરા. વેદરાજને કહેતાંય શરમ આવે પરંતુ વધુ માગે તો લખાણ સાભાર પરત કરી દેવાય, “રાખો તમારી પાસે. આવાં તો બીજા ઘણાં છે અને મળી રહેશે.”
ચા પર ચા ગટગટાવી, ઊજાગરા કરી લાલ થયેલા ડોળા પત્ની સામે કાઢી શકાય તેમ નહોતા. વેદરાજ જાતજાતના વિચારોથી વીંટળાઈ રહેતો. વાહવાહી મેળવતાંની સાથે તેની ઊત્સાહવર્ધક કલમની ધાર તેજ થતી ગઈ. જાતભાઈઓની ટાંટિયાખેંચની અણગમતી રમતમાંય તે નછૂટકે સામેલ થઈ ગયો. ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવા તેની કલમે કદમબોસી કરવા માંડી.
‘લે, બેશરમ કલમને હવે તો ઊઠાંતરીનોય છોછ ન રહ્યો?’ વેદરાજ પોતાની જાતને પૂછતો અને સામે જવાબ પણ આપતો, “એ માથાકૂટમાં પડવું જવા દે.’ પરંતુ સરલા…
અરે! બીજા જાણીતા નામેય વેદરાજની કલમ દોડવા માંડી. વેદરાજ પોતે અમુલ્ય પુસ્તકને બદલે નિર્માલ્ય પસ્તી બની ગયો. છેવટે વેદરાજ વેચાઈ ગયો અને સરલા તે જોઈ રહી.
“વાહ વાહ, વાહ વાહ. હાંભરો ઘરમાં ટીપુંય તેલ નથી. વાહ વાહ સુણો, કાલથી ચામાં ખાંડ નહીં મળે. બા’રે વાહવાહ હોંભરવાની ટેવ પડી છે તે હવ્વ ઘરમાંય હોંભરો.” સરલાની સરળતા હવે છાપરે ચડી પોકારતી. પતિ સામે એક પત્નીને છાજે તેવી માગણીઓ મૂકાતી.
માગણીઓ તો તંત્રીઓ તરફથી પણ આવતી, “કંઈક ચટપટું લખો. આમાં મરી મસાલા છાંટો.”
“વધુ ડહાપણ કરવાની જરુર નહીં, કલમમાં શાહી અમે પૂરીએ છીએ માટે તમને કહેવામાં આવે તેવું લખો.”
“એ બહુ મોટા માણસ છે જરા સમજો, એમની વિરુધ્ધ ન લખાય.”
વેદરાજ લખતો ગયો પછી, એ સોનેરી કલમમાં ચાંદી પુરાતી ગઈ. “આપું તે લો”ને બદલે “માંગો તે આપું” એ વેદરાજનો નવો મંત્ર બની ગયો.
ખણખણતી ચાંદીની ચમકથી અંજાઈ ગયેલા વેદરાજે તીખું તમતમતું, ખાટું, મીઠું અને ગલીપચી કરાવતું ગળચટું ઘસડવા માંડ્યું. કંડારેલા અક્ષરોની જગ્યા ચિતરામણે હડપ કરી લીધી. ચિતરામણ પણ કેવું? વેંચાય તેવું. રૉયલ્ટીનો “ર” ઘૂંટતા નાકે દમ આવી જતો. પોતાના નિર્ભય વિચારોની સ્વતંત્રતાને બદલે સામાની માગણીઓમાં તેની કલમ કેદ થઈ કાગળ પર કોતરાતી ગઈ. વેદરાજની કલમ વાચકોની ઈચ્છાઓની મોહતાજ બની ગઈ. જે કલમ વેદરાજને દોરતી હતી તેને વેદરાજ દોરવા માંડ્યો હતો. લોકોને બહારથી મહાન દેખાતો “વેદરાજજી” ભીતરથી ખોખલો અને વેદિયો થતો ગયો. તેને હવે નામ સાથે દામ મળવાની ખેવના જાગી. નટી ગમેતેવી હોય, તેણે લોકોને ખુશ કરવા નાચવું જ પડે.
એકવાર એક ફિલ્મ નિર્માતાના હાથમાં વેદરાજે ચિતરેલું મરી મસાલાથી ભરપૂર ચિતરામણ આવ્યું.
“આ માલ ખપી જશે.” વિચારી તેમણે ફિલ્મ બનાવવા માંડી. એ તો છેલ્લે વેદરાજને “નૈતિક ફરજ” સમજી તેમણે જણાવ્યું કે, “માનનીય વેદરાજજી, તમે રાંધેલી મજ્જાની વાનગી અમે જમીએ તો તમને વાંધો તો નથીને ભાઈ? હા, તમને તેમાંથી જરાતરા ચાખવા જરુર આપીશું. અરે! મોટા પડદે તમારું નામ ચમકશે નામ. એ તમે બનાવી છે તેવું દુનિયા આખી જાણશે.”
વેદરાજ હવામાં એક ફૂટ અધ્ધર ચાલવા લાગ્યો. પત્નીને કહે, “સરલા, જો, આવતા મહિને આપણે પૉશ એરિયામાં ઘર લઈ લઈશું. કામ કરવા માટે કામવાળી રાખીશું, એક સરસ ગાડી બુક કરાવી દેવી છે. તારા નસીબ ઊઘડી ગયા સમજ.”
હાથ જરા છૂટો રહે માટે હવે તેમના હાથ ઝડપભેર ચાલવા લાગ્યા, કલમ છોને પાછળ રહી જાય. સરળ સરલા સમજી ગઈ. તે કશું જ સરળતાથી જવા દે તેવી નહોતી. કહે, “એડવાન્સ માંગો.”
“હોય કાંઈ? એ તો ફિલમ ઊપડે પછી… અત્યારે એમનેય બચાડાને તકલીફ છે. વાનગી ખવાયા પહેલાં ક્યાંથી પચે?” બોલતાં તેમનું મોઢું શીરો ખાધા જેવું થઈ ગયું.
આમંત્રણ પત્રિકા પાકીટમાં દબાવી, બંને ટેક્સી કરી ઊપડ્યા ફિલ્મના પ્રીમિયરશૉમાં. ઓહોહોહો… ગજ્જબ! બધું ઝળાંહળાં. સૌ કલાકારો, હીરો, હિરોઈનને માનભેર આવકાર અપાતો હતો. જોકે ત્યાં તેમને બંનેને કોઈ ઓળખતું નહોતું. તેઓ એક બાજુએ ખસી ગયા.
“વાંધો નહીં, આવા મોટા લોકો વચ્ચે બેસવા મળ્યું એય ઘણું.” કહી તેઓ છેવાડાની સીટો પર ગોઠવાયા. અંધકાર છવાયો અને ફિલ્મ શરુ થઈ. રુપેરી પડદા પર મોટા મોટા નામ ચમક્યાં. છેલ્લે, ‘અમે આભારી છીએ, શ્રી. વેદરાજજીની નવલકથા “ઘેલછા” પર આધારિત…’
નાનકડા અક્ષર હજુ તો પૂરા વંચાય તે પહેલાં આંખ સામેથી ઓઝલ થઈ ગયાં. વેદરાજનું મોઢું પડી ગયું. આજુબાજુ બેઠેલાને તેમનું “આ હું” સાંભળવામાં બિલકુલ રસ નહોતો. ફિલ્મ શરુ થઈ. ઢંગધડા વગરના ગીતો, આઈટમ સોંગ અને તોડી મરોડી દેવાયેલા સંવાદો આવતા રહ્યા. મૂળ વિષય પર કાતર ફરી ગઈ હતી. વેદરાજને લાગ્યું કે આમ જનતાને મોજ પડે તેવી જાતની ઈસ્ટમેન કલરની ફિલ્મ ચીતરવામાં તેનો પોતાનો મૂળ રંગ ક્યાંક ખોવાઈ ગયો હતો. ગજવામાં મૂકેલી કલમ લોહીના આંસુ સારતી રડી રહી હતી. પોતાનું અધ:પતન નીરખી વેદરાજને ગ્લાનિ થઈ આવી.
“ચાલો ઘરે.” મધ્યાંતર પહેલાં તો લાલ કીડીઓ ચટકા ભરતી હોય તેમ વેદરાજ બેઠક પરથી સટાક કરતો ઊભો થઈ ગયો.
તેઓ બહાર નીકળતા હતા તેવામાં તેનો એક રડ્યોખડ્યો ચાહક સામે મળ્યો અને તેને ઓળખી જતાં બોલ્યો, “અરે! સાહિત્યના સેવક અને પ્રસિદ્ધ લેખક વેદરાજજી તમે જ ખરુંને? ઑટૉગ્રાફ પ્લીઝ.” કહી તેણે સામે ડાયરી ધરી. મ્લાન વદનના વેદરાજની ધ્રૂજતી કલમે હસ્તાક્ષર કરી આપ્યા.
તે જોઈ સરલા બોલી ઊઠી, “હેં! કલમ બુઠ્ઠી થઈ ગઈ? તમારા અકસર પેલ્લાં આવાં નોતાં હોં.”
“હા. બગડી ગયા છે.” કહી વેદરાજ સરલાનો હાથ ઝાલીને ચૂપચાપ દાદરો ઊતરી ગયો.
“તો સુધારી લો. સોનાને કાટ નો લાગે. બગડી જાય ઈ હાલે પણ અકસરને હાવ કોરાણે તગેડી મૂકો ઈ નો હાલે. દેવી સરસતીના આસીરવાદ એળે નો જાવા દેવાય.” સરલાએ સરળતાથી સમજાવ્યું, “મને તો તમારા એ મરોડદાર, ધારદાર અકસરો બવ ગમતા.”
ઘરે પહોંચી વેદરાજે, લોકોને બતાવવા ખીસામાં રાખેલી સોનેરી કલમ કચરાટોપલીમાં ફેંકી દીધી. સરલાએ તે જોયું. સરલા કશું જ સરળતાથી જવા દે તેવી નહોતી.
સરલા ધૂળ, કચરો સાફ કરી દઈ પાછી એ કલમ ઊપાડી લાવી.
“નામ અને દામ તો આ સરીર હાયરે બરી મરસે પણ કામ? કામ એવું કરો કે ઈ હંધાયને યાદ રીયે. નામ કે દામ માટે નહીં, હવે લોકો હારું કામનું કાંક લખો. જવાબદારી સે તમારે માથે. કલમમાં તાકાત સે રામાયણ અને મહાભારત રચવાની. સબ્દો ક્રાંતિ લાવી હકે ઇ હૌને બતાવી દ્યો.” કહી તેણે વેદરાજના હાથમાં એ કલમ પાછી પકડાવી. હા, સરલા કશું જ સરળતાથી જવા દે તેવી નહોતી.
“હું તમારી ઘરવાળી સું. પગથી તે માથા લગીન તમને જાણું. તમારી પડખે રહી સું અને રહીસ. લો લખો હવે, એવું લખો કે માણાની આંઈખ્યુ ઊઘડી ઝાય. ઈ સસ્તી પસ્તી નૈ પણ મોંઘી હસ્તી બને. કોઈની સેહસરમ નો રાખતા. બે ટંક પેટ ભરાય એટલુ આપડે ઘણુ પણ જે ભૂખ્યું હુવે સે ઇની ભૂખ ઠારો તો ઊપરવાળો આસીરવાદના વરસાદ વરસાવહે. બીજું હું જોવે અને હા, તમારી અંદર બેઠેલા માંહ્યલાને આમ મારીને સીદને જીવાય?”
સરલાની વાગ્ધારાએ જાણે શાહીના ખડિયાની જગ્યાએ તેજાબની શીશી ગોઠવી દીધી. સાવ અવાક્ બની વેદરાજ તેને જોઈ રહ્યો અને તેણે તેજાબમાં કલમ બોળી લખવા માંડ્યુ. તેની ભીતર અચાનક ઊર્જાનો અદ્ભુત પ્રવાહ વહેવા માંડ્યો અને સંવેદનાની સરવાણી ફૂટી.
હા, તેને સમજાઈ ગયું. સરલા કશું જ સરળતાથી જવા દે તેવી નહોતી, પતિ પરત્વેનો પ્રેમ, સમજ અને વિશ્વાસ પણ.
~ સુષમા શેઠ.
વાર્તા ખૂબ જ જબરદસ્ત…એક લેખકની જીંદગી ખૂબ ટૂંકમાં બાખૂબી આલેખી .