“મને સાંભરે રે…ધીરુબહેન-  માય સ્વીટહાર્ટ….!” – સંસ્મરણો – નંદિતા ઠાકોર

ધીરુબહેન એટલે ધીરુબહેન. તમે ભાગ્યશાળી હો તો જ તમે એ યુગમાં જન્મ્યા હો જે યુગમાં ધીરુબેન આ પૃથ્વી પર વસ્યાં. તમે વધુ ભાગ્યશાળી હો તો તમને સાહિત્યમાં રસ હોય અને ધીરુબેનને વાંચવાનો લ્હાવો મળ્યો હોય. પણ તમે ભાગ્ય ઉપરાંત વિશેષ આશિષ લઈને આવ્યાં હો તો તમને ધીરુબહેન સાથે અંગત નાતે જોડાવા મળ્યું હોય.

વડવાનલની ઝાળ પણ કોઈને ન અડકે એવી કાળજી રાખીને ભીતરમાં ને અન્યોમાં વાંસનો અંકુર ઉછેરનાર આ ધરા પરના એ આગંતુક ગઈકાલ સુધી હતાં અને આજે નથી એ સત્ય સ્વીકારવું ગમતું નથી. એમના વિષે લખી શકાય એવી તાકાત ક્યાંથી લાવવી?  જીવનના પંચાણુંમાં વર્ષે જે એમ કહે કે હજુ તો ઘણું કામ કરવાનું બાકી છે ત્યારે નવાઈ લાગે કે સર્જકતાનો આવો અજબ સ્ત્રોત એમનામાં ક્યાંથી પ્રગટતો હશે?

બહુ બધાં લોકોએ એમને માટે બહુ બધું કહી દીધું. એ કેવા ઊંચા માંહ્યલા સર્જક હતાં અને એમના  પ્રદાનથી ગુજરાતી સાહિત્ય કેવું અને કેટલું રળિયાત છે વગેરે વગેરે. એમના સર્જનોનો વ્યાપ, વિવિધ સ્વરૂપોમાં એમની કલમે સર્જેલી કમાલ અને દરેક માધ્યમ અને દરેક સર્જન પ્રકારનો કશા છોછ વગર સહજ સ્વીકાર એ જ સર્જક ધીરુબહેનની પ્રકૃતિ.

પણ, એ ઊંચા ગજાના સર્જકની વાત કરવા માટે મારી કલમ બહુ નાની પડે. એમની વાત કરવી હોય તો હૃદય ખોલ્યા વગર ન થઇ શકે. તો લો આ ઉઘાડ્યો હૃદયનો એક નાનકડો ખૂણો.

‘લખો.’- ધીરુબહેનનો એ એક જ મંત્ર. ‘કલમ ઉપાડો. તમારી અંદર ભરેલું જે કૈં છે એ બહાર કાઢો, વ્યક્ત થાવ. અને આ મંત્ર ખાસ તો બહેનો માટે. ભલભલાંને એમણે લખતાં કર્યાં. જે લખતાં હતાં એમને વધુ આગળ જવા પ્રેર્યાં. આ બધામાં હું ય ખરી જ સ્તો.

લગભગ વીસેક વર્ષ પહેલાની વાત. જે ધીરુબહેન પટેલને તમે અહોભાવથી વાંચ્યા હોય, ક્યારેક સાંભળ્યાં હોય અને જેમના ઉલ્લેખ વગર  ગુજરાતી સાહિત્યની વાત થઇ ન શકી હોય એ ધીરુબહેન આપણી સામે શ્રોતાગણમાં પહેલી હરોળમાં બિરાજ્યા હોય અને ત્યાં આપણે કાવ્યપાઠ કરવાનો હોય ત્યારે કેવી સંવેદનાઓ અનુભવાઈ હશે! કાવ્યપાઠ પણ એક બે રચનાઓ પૂરતો નહીં, પણ ખાસ્સો પોણો કલાક જેટલો!

એ કાર્યક્રમને અંતે ધીરુબહેન ઉઠીને પાસે આવ્યા, અને કહ્યું- ‘મૃત્યુની વાતો તો પછી કરીશું. પણ મૈત્રીની વાતો ઘણી બધી થઇ શકે એમ છે. હું તારી મિત્ર થઇ શકું?’
(મૃત્યુ અને મૈત્રીનો ઉલ્લેખ એટલે માટે કે એ દિવસે મેં મોટાભાગનાં કાવ્યો એ બે વિષય પરના પસંદ કરેલાં)

અને, બસ, એ દિવસથી એમણે મૈત્રીનો જે હાથ પકડયો તે પકડ્યો.

એ કોના મિત્ર નહોતાં? દરેકને એમ જ લાગે કે ધીરુબહેન અન્ય કોઈ કરતા પોતાની વધુ નજીક છે. એમની એ જ તો ખૂબી હતી. જેને સ્નેહથી સ્વીકારે એને શત પ્રતિશત જ સ્વીકારે. અને એ વ્યક્તિને એમ જ લાગે કે ધીરુબહેન સુવાંગ એના જ છે. મને ય એમ જ લાગતું હોં.

એ કાર્યક્રમને બીજે દિવસે સવારે એમનો ફોન આવ્યો અને બહાર વરસતા ધોધમાર વરસાદને માણતા, મારી પ્રિય કોફીના ઘૂંટ ભરતાં ભરતાં, એમની સાથે દોઢ કલાક વાતો કરી અને એમાં  કઈ ક્ષણે એ મીઠડાં માજીના પ્રેમમાં હું પડી એ જ ખબર ના પડી. એ દિવસે અનાયાસ લખાઈ ગયું-
‘અહો તમારા સખીપણાની ઝરે અનેરી ધાર
ચલો સૈ, વરસ્યા કરીએ.’

અમારા ફોન વાર્તાલાપો અને પ્રત્યક્ષ મુલાકાતો વધતાં ગયાં. જાણે અજાણે હું આ ‘મુઠ્ઠી ઊંચેરા’ પણ  ભાર વગરના સર્જક અને સ્નેહલ વડીલ સાથે સ્નેહના અનોખા તાંતણે બંધાતી ગઈ. 

‘નવું શું લખ્યું?’ એ એમની હંમેશની પૃચ્છા. રચના નબળી હોય ને ફેંકી દેવી જોઈએ એવું પણ એ કહે તે ય બહુ સ્પષ્ટપણે પણ વહાલથી. 

“આપણે વધુ સારું લખી શકીએ એમ હોઈએ  તો નબળા લખાણથી શા સારુ સંતોષ માનવો? આને જવા દઈએ. બીજું વધુ સારું આવે એની રાહ જોઈએ.” અને રચના ગમી હોય તો રાજી થઇ જાય, વ્હાલ કરે અને બાળકની જેમ તાળી પાડે- ‘જો, કેવું સરસ થયું? હું નો’તી કહેતી?’

એ બધામાં ઉમેરાયું સંગીત. મારું  કાલું ઘેલું ગાન એમને તો મન તો સોનાનું! એમણે  મને આપેલું નામ -‘સોન્ગબર્ડ ‘ એ મારે માટે અતિ મૂલ્યવાન અવૉર્ડ સરીખું છે.

પછી તો અમે અમસ્તાં બેઠાં હોઈએ, કોઈ કાર્યક્રમ હોય કે જાગૃતિ અને નલિનીબહેન સાથે અમારી ચારેયની મહેફિલો જામતી હોય- કવિતા, ગીતો અને મસ્તી તોફાનનો દોર ચાલતો જ રહે…! મદદનીશ ચીમન પાસે એ પાછાં મને ભાવતો કંઈ નાસ્તો બનાવડાવે કે બહારથી કંઈ મંગાવે અને હા, આઈસ્ક્રીમ તો ખરો જ.

જે ક્ષણે એમણે જાણ્યું કે હું વિદેશમાં સ્થાયી થવા જઈ રહી છું, એ દિવસે બહુ ઉદાસ થઇ ગયા. બે દિવસ મારી સાથે બોલ્યાં પણ નહીં. પણ ત્રીજે દિવસે એ જ ધીરુબહેનનો ફોન આવે- ‘આ હવે તું જાય જ છે તો કંઈ નહિ, ખુશીથી જા, પણ જતાં સુધી રોજ મને મળવાનો વાયદો કર.’
ભારત છોડતાં પહેલાં જ મેં એમને નામ આપેલું- ‘સ્વીટહાર્ટ!’ પછી તો, હંમેશા મેં એમને એ નામથી જ સંબોધ્યાં. કનુભાઈ સૂચક, ખેવના અને હું -અમે ત્રણે ય પોતપોતાની રીતે કોઈ પણ વાતમાં એમનો વિરોધ કરી શકતાં, અને એમને વઢી પણ શકતાં! 

વિદેશથી દર વર્ષે ભારત આવીને પહેલો ફોન એમને કરવાનો, મળવા જવાનું. હંસરાજવાડીના ઘરની જાળીનું તાળું એ ખોલે કે તરત એમના વહાલભર્યા આલિંગનમાં ખરા અર્થમાં મને ઘેર આવ્યાનો સંતોષ મળતો.

વીસથી વધુ વર્ષોના આ સખ્યની વાત કરવી તો કરવી કઈ રીતે? પોતે આટલા મોટા સર્જક પણ એ સર્જકતાના કશાય ભાર વગરનું એમનું વ્યક્તિત્વ. આવી સહજતા મેં બહુ ભાગ્યે જ જોઈ છે.

મારા કાવ્યસંગ્રહનું નામકરણ તો એમણે જ કર્યું. મારી જ પંક્તિઓ લઈને- ‘મારામાં તારું અજવાળું’.  એ પુસ્તકના પ્રકાશનનું કામ બધું જાગૃતિ ફડિયા એકલે હાથે સંભાળે. કારણ કે હું તો વિદેશમાં, પણ ધીરુબહેન એને સતત સહાય અને સૂચનો આપ્યા કરે. બૅક કવર માટે મારો ફોટો મંગાવ્યો. જાગૃતિએ તો પસંદ કર્યો પણ ધીરુબહેનનો તરત ફોન આવ્યો,

‘-આ ફોટો કઈ રીતે ચાલે?’

‘-કેમ? મેં પૂછ્યું, હમણાં થોડા દિવસ પહેલાંનો, નવો જ ફોટો છે!’

‘-હા, ફોટો સારો તો છે, પણ આપણે લોકોને છેતરવા શા માટે?’

‘-એટલે? આમાં છેતરવાનું ક્યાં આવ્યું?’

‘-ના, એટલે એમ કે આમાં તો તું એકદમ ડાહી અને ઠાવકી લાગે છે, જે તું  છે તો નહીં, એટલે લોકોને તો બિચારાને નાહક ભ્રમ થાય ને…!’

  લ્યો બોલો! હું હસી હસીને ઢગલો થઇ ગઈ.

રમૂજવૃત્તિ અને મસ્તી આ આવડા મોટા લેખકમાં ભારોભાર ભર્યા હતાં એના સાક્ષી  મારા જેવાં અનેક લોકો છે.
મારા પત્ર સંપાદનના પુસ્તક ‘અનુભૂતિના અક્ષર’ માટે આવકારના શબ્દો લખ્યા એની શરૂઆત કરી-

‘નંદિતા એટલે મૂર્તિમંત તોફાન’… હું ભડકી ગઈ. આવું તે લખાતું હશે?તો મર્માળુ હસીને મને કહે- ‘જો ભઇ, હું તો જે કહું તે સત્ય જ કહું, સત્ય સિવાય કશું નહીં.’!

પછી મલકતાં જાય અને જાગૃતિ કે નલિની માડગાંવકરને  પૂછતાં જાય- ‘કેમ, કંઈ ખોટું કહ્યું છે?’

મારી અંદરની મસ્તીખોર અળવીતરી નંદિતાને  ધીરુબહેને જેટલી ચાહી અને ચગાવી છે, એટલી તો કદાચ મેં પોતે પણ નહીં કરી હોય. અમે ગૉસિપ પણ કરતાં અને ગુસપુસ પણ. એ વખતે યાદ જ ના રહેતું કે તેઓ એક અત્યંત આદરણીય સાક્ષર છે, વડીલ છે. યાદ રહેતું તો બસ એટલું જ કે એ આપણને બેતહાશા ચાહે છે.

મારી દાદાગીરી અને ડિમાન્ડથી એ ઘડીકવારમાં ગીત લખી આપે, મને ગીત નાનું પડે તો એમાં અંતરો બે અંતરા ઉમેરી પણ આપે! મિત્ર પ્રીતિ જરીવાલાને ઘેર બેઠાં બેઠાં એક રાતમાં મને એકાંકી પણ લખી આપે, અહીં વિદેશમાં, મિત્રો સાથે ભજવવા માટે! મારી કવિતાઓની ફાઈલ દુબઇ ઍરપોર્ટ પર ખોવાઈ ગયાનું દુઃખ મારાથી વધુ એમને હતું.

‘પેલી લેઈક પોએમ્સ તો મળી જ નહીં ને?’

‘-ના સ્વીટહાર્ટ.’

‘-તો બીજી લખી નાખને!’

‘- નથી લખાતી…!’

‘-કૈં નહિ, તો વાર્તા લખ અને નવલકથા તો લખ જ.’

હું ચિડાઉં.
‘- ખરાં છો યાર! આ પણ લખો ને તે પણ લખો! બધામાં કંઈ તમારા જેવી સર્જનશીલતાના ધોધ વહેતાં હશે જાણે!’

પણ ધીરુબહેન જેમનું નામ! ના ચિડાય, ન અવાજ ઊંચો થાય, પણ વાતનો તંત મૂકે તો નહીં જ.
 ‘-હોય જ. ધોધ નહીં ને ઝરણું. પણ એને વહેતું તો રાખવાનું ને?’

એમને વચન આપ્યા પ્રમાણે નવલકથા શરુ કરી અને પછી આગળ લખવાનું ફાવ્યું જ નહીં એટલે ચિડાઈને ફાડી નાખી. મેં એ લખાણ એમને બતાવ્યા વગર ફાડી નાખ્યું અને પછી ક્યારેય નવલકથા લખી નહીં એ માટે એમણે મને ક્યારેય માફ ના કરી.

એમના પુસ્તક ‘ચોરસ ટીપું ‘ના લોકાર્પણ વખતે એમણે સરસ્વતી વંદના લખી જે કાર્યક્રમના પ્રારંભે મારે ગાવી એવો પ્રેમાગ્રહ. કાર્યક્રમ શરુ થતાં પહેલાં મેં એમના કાનમાં ધીરે રહીને કહ્યું-

‘સારું તો ગવાશે ને?’

એ કહે- ‘મારુ સોન્ગબર્ડ જે કરશે, તે સરસ જ કરશે.’

-મેં આંખો નચાવીને કહ્યું- ‘ના, ના હું તો તમારી વાત કરું છું!’

એટલે હસી પડ્યા અને પછી કહે- ‘જવા દે ને, નકામા લોકો દુઃખી થઈ ચાલતી પકડશે!’

ધીરુબહેન, તમારી વાતો, વ્હાલ, અને તમારી સાથે મળેલા આટલાં વર્ષોની મૂડી એવી તો ભરપૂર છે કે એમાંથી શું યાદ કરું ને શું નહીં, શું વહેંચું ને શું નહીં?

શ્રદ્ધાંજલિ મારે આપવી નથી, કારણકે તમારી વિદાય સ્વીકારવા મન તૈયાર નથી. એટલે, મારાં જેવાં અનેકો કે જેમની સાથે તમે  હ્રદયનાં તારજોડ્યા છે એમની સાથે આમ થોડી વાતો વહેંચતાં તમારાં વ્હાલપભર્યાં ભીનાં સ્મરણોની ઉજાણી કરી લઉં એ જ બરાબર, ખરું ને?

હરિ હવે હિંચકેથી હેઠે ઉતારો’ લખીને, મારી પાસે ગવડાવી ગવડાવીને તમે તો હિંચકેથી ઉતરીને ચાલી જ ગયાં! જનારને કોણ રોકી શકે એવું તમે મને કહેતાં હતાં -એટલે મારે ય એ જ કહેવાનું ને!

ભલે, હવે કર્યા કરજો ત્યાં શિબિરો અને લખાવજો નવલકથાઓ  ને કવિતાઓ.  હું તો હવે છુટ્ટી. લેઈક પોએમ્સનું પુસ્તક થાય કે ના થાય, નવલકથા લખાય કે ના લખાય, હવે ક્યાંથી આવશો મારો હિસાબ લેવા?

બોલો, આપો જવાબ!

– નંદિતા ઠાકોર 

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

 1. ધીરુબેનની શ્રધ્ધાંજલિ વાંચીને મને ચંદ્રકાંત બક્ષીનું સ્મરણ થયું. ધીરુબેન વિશે અતિઅલ્પ માહિતી. હું, નંદિતા ઠાકોર.

 2. ઉદયનભાઈ સાથેનો ધીરુબહેનનો સદાબહાર તાજગીભર્યો વાર્તાલાપ હજી તો કાનમાં ગુંજતો જ
  હતો ને ધીરુબહેન તો લીલાં તોરણે નીકળી પડ્યાં. નવનીત માં ધીરુબહેનની વાર્તા આવે એટલે
  પહેલી જ વાંચી લેવાની. ધીરુબહેનની દરેક વાર્તા અવનવી જ હોય. માત્રા મજમુંદાર. અમેરિકા.

 3. 💕દિલની જ વાતો આ તો,યથોચિત શ્રદ્ધાંજલિ 🙏🏼

  1. નંદિતા, સીધું તારા હ્રદયમાંથી અહીં ઊતરી આવ્યું છે. ધીરુબહેન ક્યાંય ગયાં નથી. જો એ બેઠાં આપણાં સહુનાં હ્રદયમાં અડ્ડો જમાવીને. એટલે એ તો તારી પાસે લૅકપૉઓમ્સનું પુસ્તક પણ કરાવશે અને નવલકથા પણ લખાવીને જ રહેશે. આપણાં ધીરુબહેન છે એ તો!

   1. નંદિતા, તું તો ‘ ક્યાંથી આવશો?’ કહી અટકી ગઈ, હું તો હજુયે ‘આવો ને!’ કહીને બેઠી છું. (બધાને ચાટ પાડવા)!