આસ્વાદકોના કલામને સલામ…! – ગઝલઃ ‘કેટલું!’: જયશ્રી મરચંટ અને ગઝલઃ ‘સ્મરણો લાવશે’: સપના વિજાપુરા ~ આસ્વાદકઃ દેવિકા ધ્રુવ

(૩૦ અઠવાડિયા સુધી “તાજા કલામને સલામ” શ્રેણીમાં દસ કવયિત્રીઓના ત્રણ ત્રણ કાવ્યોનાં આસ્વાદો આપ સહુ સાથે વહેંચતાં અમે, ત્રણ આસ્વાદકો, પણ કવિતાના આ સ્વાદની ગંગામાં સ્નાન કરતાં રહીને, શબ્દો અને અર્થો થકી વધુ સમૃદ્ધ થયાં છીએ. સહુ કવયિત્રીઓનો એમની કૃતિઓ સમયસર મોકલવા બદલ હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ. આ સાથે આસ્વાદના આ કાર્યમાં મારી સાથે હોંશેહોંશે જોડાવા બદલ કવયિત્રી દેવિકાબેન ધ્રુવ અને કવયિત્રી સપના વિજાપુરાની આભારી છું.  હવે બાકીના ત્રણ અઠવાડિયાં અમે ત્રણ આસ્વાદકો એકબીજાંની કવિતાના આસ્વાદો કરાવવાનાં છીએ. આપ સહુ ભાવકો પણ આપનો ભરપૂર પ્રેમ અમારાં કાવ્યોના આસ્વાદોને આપશો જ, એવી મનોમન ખાતરી પણ છે.  આજના કવયિત્રી છે, જયશ્રી મરચંટ અને સપના વિજાપુરા. એમની ગઝલોનો આસ્વાદ, જાણીતાં સાહિત્યકાર દેવિકાબેન ધ્રુવએ કરાવ્યો છે.)

૧. ગઝલઃ …કેટલું!…. જયશ્રી મરચંટ

જાળવો, ફૂટતું જાય છે કેટલું!
જોઈ લો, છૂટતું જાય છે કેટલું!

તૂટતો આયનો સાચવો તોય શું?
કોરથી બટકતું જાય છે કેટલું?

કોણ લઈ જાય છે સાથમાં કેટલું?
લોક જો, ઊઠતું જાય છે, કેટલું?

કેટલું નમ્ર છે રૂપ આ આપનું
સૌને એ ખટકતું જાય છે કેટલું?

એક દીવો કરી બેસશો ક્યાં સુધી?
તેલ જો, ખૂટતું જાય છે કેટલું?

આંખ ખોલી જરા જાગ જો કોણ છે?
કોણ આ, લૂંટતું જાય છે કેટલું?

  • જયશ્રી વિનુ મરચંટ

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

સાહિત્ય-જગતમાં ચારેકોર છવાયેલ, અમેરિકાસ્થિત જયશ્રીબહેન મર્ચન્ટની ઓળખ કોઈનાથી અજાણી નથી. ગાલગાના ૪ આવર્તનોમાં રચાયેલ આ ગઝલ ‘કેટલુ!’ના આશ્ચર્ય ચિન્હ સાથે જ વિસ્મય અને રહસ્યનાં અકળ વિશ્વ તરફ તેઓ વાચકને અવશપણે ખેંચી જાય છે.

અદભૂત મત્લાથી કવયિત્રી શરૂ કરે છે,

જાળવો, ફૂટતું જાય છે કેટલું!
જોઈ લો, છૂટતું જાય છે કેટલું!

આહાહા. આ ફૂટવા,છૂટવાની સાથે જ અર્થોના વિવિધરંગી પડદાઓ મનના મંચ પરથી સરવા માંડે છે. ગમે તેટલું જાળવીએ પણ કેટકેટલું જાણે અજાણે ફૂટે છે અને છૂટે છે. અહીં કોઈ ભૌતિક વસ્તુનો સ્થૂળ અર્થ લેશમાત્ર નથી. ક્યાંક ઇચ્છાઓની બરણી ફૂટે છે, ક્યાંક જીવતરના ગોખલે ઝળહળતા દીવા જેવો આખો ને આખો માણસ છૂટે છે; ને આપણે જોતા રહી જઈએ છીએ. કોઈ કશુંયે ક્યાં કરી શકે છે?! એવું તો કેટલું બને છે? એકદમ ઉચિત રદીફથી રસાયેલ મત્લા કાબિલેદાદ છે.

આગળના શેરમાં તૂટવાના ભાવને રજૂ કરતા કવયિત્રી કહે છે કે, અરીસો તૂટે અને સાચવી રાખો તો પણ ધીરે ધીરે, ખબર પણ ન પડે એ રીતે, આયનો કોરેથી રોજ રોજ તૂટતો જાય છે. જીવનનો આયનો કોઈનો જુદો નથી. ગમે તેટલો રોજ જુઓ પણ પોતાનું જ પ્રતિબિંબ બદલાતું જતું ક્યાં દેખાય છે! આયનો તૂટે છે કે આપણે?!!

તૂટતો આયનો સાચવો તોય શું?
કોરથી બટકતું જાય છે કેટલું?
અહીં ‘બટક્તું ‘ શબ્દ ભાવને જાળવતો હોવા છતાં ગઝલના છંદને જરા બટકાવે છે. અન્ય સરળતાથી ઉપલબ્ધ પર્યાયી શબ્દ અપેક્ષિત ખરો.

પ્રથમ બે શેરમાં  ફૂટવા, છૂટવા અને તૂટવાની વાત કર્યા પછી હવે ત્રીજા શેરમાં જુઓ.
ઊઠી જવાનો એક ગંભીર ભાવ પ્રગટ થાય છે. એક પળની એવી વાસ્તવિક્તા છે કે કોઈ કશું ત્યારે લઈ જઈ શક્તું નથી. બસ, એમ જ ‘ચેકઆઉટ’ થઈ જવાનું હોય છે. સમય નિશ્ચિત્ત છે પણ જાણ નથી. ગમે તેટલું ભેગું કર્યું હોય પણ કશું સાથે લઈ જવાતું નથી. “લોક જો  ઊઠતું જાય છે કેટલું?”  સાની મિસરાના આ શબ્દો ‘કોવિદકાળ’ના કપરા સમયમાં પટોપટ ઊઠી જતાં લોકની સ્મૃતિઓને તાજી કરાવે છે. દિલ દ્રવી ઊઠે છે અને આંખ ભીની થઈ જાય છે.

આગળના શેરમાં એક નવો વિચાર આવે છે. થોડો સામાજિક મનોદશાનો સૂર નીકળે છે. ઘણા લોકો સુંદર હોય છે પણ એમાં વિનયી કેટલાં? અને એ વિશે અન્યોને ખૂંચે છે કેટલું? અરે ભાઈ, જે છે તે છે. એને સમભાવે સ્વીકારો ને? આપણે કેવાં છીએ કે કેવાં રહી શકીએ છીએ તે અગત્યનું છે. પ્રકૃતિ તરફ નજર કરો. દરેક ઋતુનો ચૂપચાપ સ્વીકાર, કશોયે નકાર નહિ. નરી સ્વીકૃતિ.

અહીં વળી એક ઑર અર્થ ઉઘડે છે અને તે એ કે, એ સુંદર છે પણ વિનયી પણ કેટલાં બધાં છે? પણ તોયે લોકોને તો એ પણ ખૂંચે છે!!! કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે, અવળચંડા માણસોને બધું વાંકુ જ દેખાય. સારામાં પણ ખોટું જ દેખાય. કદાચ એટલે જ કહ્યું હશે ને કે, દૃષ્ટિ તેવી સૃષ્ટિ?!! આ શેરમાં કશીયે શિખામણ નથી. માત્ર માનવીની સાહજિક મનોદશાનો, કવયિત્રીએ એક અછડતો લસરકો કરી છોડી દીધો છે! વાચકને વિચારતાં કરી દીધા છે! કવિકર્મ અહીં કેટલું કલામય જણાય છે?

કેટલું નમ્ર છે રૂપ આ આપનું
સૌને એ ખટકતું જાય છે કેટલું?

આ ચોથા શેરમાં ‘ખટકતું’ને બદલે ‘ખૂંચતું’ શબ્દ વધુ બંધબેસતો લાગત.

અંતિમ બે શેર અદભૂત છે, લાજવાબ બન્યા છે. કેટકેટલું ભર્યું છે એમાં? ઓહ…. એકસામટા કંઈ કેટલા ભાવ/અર્થના એકસામટા દીવડા પ્રગટી ઊઠે છે એમાંથી? સવાલ તો ભાવક કરે છે કે, ‘કેટલું?!!’  કવયિત્રી જયશ્રીબહેન?! કેટલું?

એક દીવો કરી બેસશો ક્યાં સુધી?
તેલ જો, ખૂટતું જાય છે કેટલું?

મરીઝ આવીને સામે ઊભા જ રહી જાય છે કે, “એક તો ઓછી મદીરા છે, ને ગળતું જામ છે.”

ઘડીભર લાગે કે જિંદગી તો ખૂબ જ લાંબી છે; પણ ના…ના.. એવું નથી, એવું નથી જ. પરપોટા જેવી આ પળ… ન જાણ્યું જાનકીનાથે…સવારે શું થવાનું છે? ઊંડા વિચારે ચડી જવાય. ઇચ્છા તો ખૂબ હોય કે ઉંઘમાં જ ઉંઘી જવાય. પણ કવયિત્રી સિફ્તપૂર્વક નજરને ક્યાંક બીજે જ દોરી જાય છે.

આંખ ખોલી જરા જાગ જો કોણ છે?
કોણ આ, લૂંટતું જાય છે કેટલું?

હસતાં સંતના શબ્દો પડઘાય છેઃ “નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો..”
કોણ, કેટલું અને કેવું… આ બધાં સદીઓથી દોહરાતાં સવાલો છે અને એવાં જ હૃદયમાંથી નીસરે છે જેને આત્મસાત થયાં હોય છે. સતત પરમ સાથેનું જોડાણ હોય તો જ અને ત્યારે જ આટલી સુંદર રીતે આવી સંવેદના પ્રગટ થાય.

કવિ શ્રી નરસિંહ મહેતાના અસ્સલ ઝુલણા છંદને મળતો આ ૨૦ માત્રાનો મુત્દારિક છંદ ભાવને અનુરૂપ ઊંચા શિખર પર લઈ જઈ ચિંતનના ઝુલણે ઝુલાવે છે.

કવયિત્રીને  સો સો સલામ અને વંદન.

–અસ્તુ.

દેવિકા ધ્રુવ

૨. ગઝલઃ સ્મરણો લાવશેઃ સપના વિજાપુરા

મંદ મઘમઘતો  પવન તારા જ સ્મરણો લાવશે,
ફૂલની આ ઓસ પ્રિય, તારા જ સ્મરણો લાવશે.

ચાંદની આ રાત, ભીંજાતા તડપતા એ ચકોર,
રૂપથી રૂપેરી નદી, તારા જ સ્મરણો લાવશે.

સાંજ અજવાળા કરે ગુલાબી મજાના એ છતાં,
આભનાં ઓજસ હવે તારા જ સ્મરણો લાવશે.

છે હવામાં ગુંજતો કલરવ પક્ષીઓનો, પ્રિતમ,
પ્રેમનાં એ ગીત હા, તારા જ સ્મરણો લાવશે.

રેતનાં પગલાં સ્મરણને હચમચાવી નાખશે,
રેત પરનું નામ પ્રિય તારા જ સ્મરણો લાવશે.

જોઉ છું હું રાહ, મારી આંખ પળ ભર જો મળે,
આજ સપનાં આંખનાં તારા જ સ્મરણો લાવશે.

—સપના વિજાપુરા 

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

મૂળ મહુવાના અને હાલ અમેરિકાસ્થિત સપના વિજાપુરા એક જાણીતાં કવયિત્રી છે. પ્રસ્તૂત ગઝલ દ્વારા તેમણે સ્મરણોની શેરીમાં સ્હેલ કરાવી છે.

સ્મરણોની તો વાત જ ન્યારી. આમ જુઓ તો દરિયાકિનારે વેરાયેલાં છીપલાં જેવાં. તેનું મૂલ્ય કશુંયે નહિ છતાં પણ ખૂબ અમોલાં, મહામોંઘા! સ્મરણો ગમે તે સ્થાન,વસ્તુ કે વ્યક્તિના હોઈ શકે. પ્રથમ શેરમાં અહીં ‘પ્રિય’ શબ્દ દ્વારા સ્પષ્ટતા થઈ જ જાય છે કે આ સ્મરણો તો મીઠાં, મધુરા

છે કારણ કે, એ પ્રિય પાત્રનાં છે, ગમતી વ્યક્તિનાં છે. એને કાર્ય કે કારણો સાથે કાંઈ જ સંબંધ નથી. એ તો બસ આવે છે, એમ જ. તે પણ ક્યાં ક્યાંથી અને કેવી કેવી રીતે આવી શકે છે? કવયિત્રીએ નરી સાહજિકતાથી કુદરતને આમાં જોડી દીધી છે. એ કહે છે કે, શીતળ અને સુગંધીદાર પવન હોય કે નાજુકડા ફૂલ પરનું ઝાકળનું બિંદુ હોય પણ પ્રકૃત્તિના એ તત્વો પણ તારી જ યાદ લઈને આવશે.

મંદ મઘમઘતો  પવન તારા જ સ્મરણો લાવશે,
ફૂલની આ ઓસ પ્રિય, તારા જ સ્મરણો લાવશે.

એટલું જ નહિ, આગળના બે શેરમાં ચાંદની રાત, સાંજના અજવાળાં, નિર્મળ નદીના નીર, તડપતા અને ભીંજાતા ચકોરને પણ નજર સામે ધરી દીધાં છે, એકલતાની ભીડમાં આ કેટલા બધાંને આંખમાં ભરી દીધાં છે! પંખીઓનો કલરવ પણ કેવો? સાથે ગાયેલાં પ્રેમના ગીતોને યાદ કરાવે છે. એ પતંગિયાની જેમ ઊડીને એક ડાળેથી બીજી ડાળે ઊડવા માંડે છે. સાથે સાથે એક ઘટનાની યાદ સાથે જોડાયેલી સ્મૃતિ, બીજી અનેક યાદોને તાજી કરતી જાય છે. સ્મરણોના આવા અંકોડાનું વિસ્મય છેક પેલા ઊર્દૂ શેર સુધી નથી લઈ જતા?!

“યાદે ફલક મેં આજ કોઈ યુઁ આ ગયા હૈ, કિ માહોલ માયુસી કા હર તરફ છા ગયા હૈ l

ચોથા શેર સુધી કોના અને કયા સ્મરણનો આ ભાવ છે તેનો ઘટસ્ફોટ થતો નથી. કવયિત્રીને ઘણું બધું કહેવું છે પણ મોઘમ મોઘમ ઈશારા ચલાવે છે. ખુલીને કે ખીલીને અભિવ્યક્તિ કરવાને બદલે ભાવક પર છોડી દીધું છે એમ લાગે. પણ પાંચમાં શેરમાં ગઝલની નાયિકા દ્વારા યોજાયેલ પ્રિતમ શબ્દ પેલા ઊર્દૂ શેરને પૂરવાર કરે છે. એ  ખુલેઆમ  પ્રિતમની અને પ્રેમના સ્મરણની વાત કરે છે કે,

છે હવામાં ગુંજતો કલરવ પક્ષીઓનો, પ્રિતમ,
પ્રેમનાં એ ગીત હા, તારા જ સ્મરણો લાવશે.

આ સ્મૃતિઓ સમયથી પરે છે. એને વર્તમાનકાળ સાથે કશી જ નિસ્બત નથી અને ભવિષ્યની તો પરવા જ ક્યાં છે? છતાં ખૂબી તો એ છે કે, સ્મૃતિઓ ભૂતકાળને લઈને વર્તમાનમાં જીવે છે. એ મનમોજી છે. એને જ્યારે આવવું હોય ત્યારે જ અચાનક આવી જાય છે. ઘણી વાર કારણો મળે તો પણ સંતાઈ જાય છે. કદાચ સમૃદ્ધિમાં! અને ક્યારેક વગર કારણે આવી જાય છે અને ખસવાનું નામ પણ નથી લેતી. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે. મોટે ભાગે બુદ્ધિને નેવે મૂકી દે છે અને દિલને વળગી જાય છે.

રેતનાં પગલાં સ્મરણને હચમચાવી નાખશે,
રેત પરનું નામ પ્રિય તારા જ સ્મરણો લાવશે.

એક મઝાનું ભીનું ભીનું રોમાંચક દૄશ્ય ઊભું થાય છે. ઉછળતો દરિયો, એનાં મોજાં, કિનારાની રેતી પર બેઠેલ યુગલ, રેતી પર લખાતું એકમેકનું નામ, પંખીઓના કલરવ સમા મધુર સ્નેહના ગીતો, ભરતી પછીની ઓટ, અંતે રેતીની જેમ સરી જતો સમય અને હાથમાં રહી ગયેલાં છીપલાં જેવાં માત્ર ને માત્ર સ્મરણો.. અહીં છૂટા પડ્યાની એક ઊંડી ટીસ સંભળાય છે!

સરળ શબ્દોમાં ઘેરા ભાવો ઉઘડે છે. આંખોમાં દર્દનો દરબાર ભરાયો છે અને એમાં છે સ્મરણોનો રાજ્યાભિષેક! અને તે પછી હજી રાહ છે. કોની? ના…પ્રિતમની નહિ. જે વેરાન થઈ ગઈ છે તે નીંદની. આંખ પળભર મળવાની રાહ છે. હકીકતમાં સૂવાની માનસિક તૈયારી નથી. એને તો થાય છે કે આંખ મળે તો સપના આવે અને સપનામાં તું આવે તો પછી, એ પણ તારા જ સ્મરણો લાવશે. દૂર દૂર સુધીની યાદોના સાગરમાં ડૂબવાની ખ્વાહીશ છે.

જોઉ છું હું રાહ, મારી આંખ પળ ભર જો મળે,
આજ સપનાં આંખનાં તારા જ સ્મરણો લાવશે.

કવયિત્રીના નામને સાર્થક કરતો ભાવભીનો મક્તા ગઝલને યથાર્થતા બક્ષે છે. આમ જોઈએ તો ગઝલ સાદ્યાંત સ્મરણોને જ વાગોળે છે પણ ખુબી એ છે કે, એ ઝાઝુ કશું કહ્યા વિના ઓછા રૂપકોમાં મનનું દર્પણ અને સ્મરણોનું સમર્પણ ધરી શક્યાં છે. એકાદ સ્થાને થયેલ છંદદોષને બાદ કરતા, ગઝલ આસ્વાદ્ય બની શકી છે. સપના વિજાપુરાને અભિનંદન સાથે અનેક શુભેચ્છા.

—-દેવિકા ધ્રુવ

 

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. વાહહ… સુંદર મજાની ગઝલ અને એટલો જ સુંદર આસ્વાદ…