પ્રકરણ:5 ~ સાહિત્યમાં રસ જાગ્યો ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
અમારું સંયુક્ત કુટુંબ હતું. બાપા-મા, કાકા-બા, દૂરના મામા-મામી, બીજા એક વિધવા મામી, અમે સાત ભાઈ બહેનો, બધાં સાથે.
અમારામાંથી કોઈને કુટુંબના ઇતિહાસની કે વંશવેલાની પડી નહોતી. મા-બાપાના કુટુંબની કોઈ માહિતી નહોતી. અરે, એમના માતા-પિતાનાં નામ સુધ્ધાં અમે જાણતા નહોતા. એવું જ બાના કુટુંબ વિષે.
બહોળા કુટુંબમાં ઊછર્યા છતાં કુટુંબીજનો પ્રત્યે પ્રેમ કે મમત્વની કોઈ ઊંડી લાગણી મને દેખાતી નહોતી. જાણે કે અજાણ્યા માણસો અકસ્માતે એક ઠેકાણે ભેગા થઈ ગયા હોય એમ અમે બધાં સાથે રહેતા.
પુખ્ત વયના લોકો ભાગ્યે જ કંઈ એકબીજા સાથે કોઈ કામ વગર બોલતા. લોકો જે રીતે ભાઈભાઈના અને ભાઈબહેનના ભીના પ્રેમની વાતો કરે, એવું મેં ક્યારે ય અનુભવ્યું નથી. હું કુટુંબમાં સહુની સાથે ઊછર્યો હોઉં એમ મને લાગતું જ નથી. કુટુંબમાં સૌથી અળગો જ ઊછર્યો હોઉં એમ લાગે છે.
અમે ચાર ભાઈઓ અને ત્રણ બહેનો. ભાઈઓમાં હું મોટો, બે બહેનો મારાથી મોટી, એક નાની. અત્યારે બે ભાઈઓ દેશમાં છે, અને એક અમેરિકામાં. બે મોટી બહેનો તો હવે ગુજરી ગઈ છે, પણ જ્યારે જીવતી હતી ત્યારે એમની સાથે કોઈ ગાઢ સંબંધ નહોતો. ત્રીજી બહેન મુંબઈમાં રહે છે. એને અમે અમેરિકા બોલાવેલી હતી પણ એને અને બાને અમેરિકા ન ફાવ્યું અને પાછા ગયાં.
મારો નાનો ભાઈ એની પત્ની, ઉપરાંત મારા બા, બહેન, સાળા અને એના કુટુંબને જે મેં અમેરિકા બોલાવ્યા હતા તે પણ મારી ફરજ છે તેમ માનીને જ, તેમાં પણ મોટો ફાળો મારી પત્ની નલિનીનો જ.
“તમે આટલાં વરસથી અમેરિકામાં મોજ મજા કરો છો અને તમારાં સગાંસંબંધીઓ હજી દેશમાં સબડે છે,” એવું સાંભળવું ન પડે એ ન્યાયે જ અમે એમને બધાંને અમેરિકા બોલાવ્યાં હતાં. એમાં ક્યાંય મારો કુટુંબપ્રેમ ઊભરતો નહોતો. સાળો અને તેનું કુટુંબ તથા ભાઈ અને તેની પત્ની એ બધાંએ પોતપોતાનો રસ્તો શોધી કાઢ્યો. મારા સંયુક્ત કુટુંબના અનુભવો બહુ સારા નથી. જો કે એમાં હું મુખ્યત્વે મારો જ વાંક જોઉં છું.
ગામના કિશોરોને સારા સંસ્કાર અને શારીરિક વ્યાયામ મળે તે માટે સંસ્કાર મંદિર (ક્લબ) અને વ્યાયામ મંદિર (અખાડો) નામની બે સંસ્થાઓ ચાલતી. આ બન્ને સંસ્થાઓ સાંજે સ્કૂલ પત્યા પછી છોકરાઓને રમત ગમત અને બીજી પ્રવૃત્તિઓમાં લગાડતી.
હું સંસ્કાર મંદિરમાં જોડાયો હતો, પણ ત્યાં રમતગમત કરતાં મારું ધ્યાન બીજે હતું. એક નાના કબાટમાં સમાય જાય તેટલાં પુસ્તકોની લાઇબ્રેરી હતી તે હું ચલાવતો. મેં એનો ઉપયોગ ઘણો કર્યો. ત્યાં મેં પહેલો કાવ્યસંગ્રહ જોયો–મણિશંકર ભટ્ટ કાન્તનો ક્રાઉન સાઈજનો ‘પૂર્વાલાપ’!
કાન્તના છંદ પ્રભુત્વ અને એમનાં ખંડકાવ્યોના મહિમાની તો વરસો પછી ખબર પડી, પણ ત્યારે તો હાથમાં આવતા સમજ પડે કે નહી છતાં એ વાંચી ગયો હતો. એ લાઇબ્રેરીનો હું જાણે કે માલિક બની ગયો હતો. યાદ નથી કે કોઈ એકેય ચોપડી વાંચવા લઈ ગયું હોય.
સંસ્કાર મંદિરનું એક હસ્તલિખિત મેગેઝિન ‘સંસ્કાર’ પણ હું ચલાવતો હતો. મારા અક્ષર સારા એટલે જ તો મને એ કામ સોંપાયું હશે. એનાં હસ્તલિખિત વીસેક પાનાં હું જ ભરતો અને પછી ગામની લાઇબ્રેરીમાં હું જ જઈને મૂકતો! જો કોઈ લાલો ભૂલેચુકેય એ ઉપાડે તે જોઈને હું રાજી થતો. મારા સાહિત્ય વાંચવા લખવાના પહેલા પાઠ મને આ સંસ્કાર મંદિરમાં મળ્યા.
પ્રાથમિક શિક્ષણ માટે એક ધૂળી નિશાળ હતી અને એક હાઇસ્કૂલ. શિક્ષકોમાં માત્ર એક મુકુંદભાઈથી જ હું પ્રભાવિત થયેલો. ગોરો વાન, સ્વચ્છ કફની, બંડી અને લેંઘો, પગમાં સ્ટાઈલીસ્ટ ચપ્પલ. અસ્ખલિત વાણી. ગુજરાતી ભાષા આવી સુંદર રીતે બોલાતી મેં પહેલી જ વાર સાંભળી. એમણે મને સાહિત્યનો શોખ લગાડ્યો. એ પોતે હાસ્યલેખો લખતા. એમના લેખોનો એક સંગ્રહ પણ પ્રગટ થયેલ એવું યાદ છે.
મુકુન્દભાઈ અમને ગુજરાતી સાહિત્યકારોની, ખાસ કરીને કવિ ઉમાશંકર જોશી અને નવલકથાકાર કનૈયાલાલ મુનશીની રસપ્રદ વાતો કરતા.
ગુજરાતી કવિતાનો મને ચસકો લગાડનાર પણ એ જ હતા. એ ગુજરાતીમાં એમ. એ. થયેલા. અમારી સ્કૂલમાં એમના જેટલું ભણેલા શિક્ષકો ઓછા. એ જ્યારે લળી લળીને ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારોની વાત કરે ત્યારે મને થતું કે હું પણ કોલેજમાં જાઉં અને સાહિત્યકાર થાઉં.
બીજા એક લક્ષ્મીકાન્ત ભટ્ટ. એ ટૂંકી વાર્તાઓ લખતા. એમની એક ટૂંકી વાર્તા ‘ટીપે, ટીપે’ ઉમાશંકર જોશીએ એમના પ્રખ્યાત માસિક ‘સંસ્કૃતિ’માં છાપીને એમને ગુજરાતના અગ્રગણ્ય વાર્તાકારોની હરોળમાં બેસાડી દીધા.
મારા હસ્તાક્ષર બહુ સારા, એટલે ભટ્ટસાહેબ મને એમની વાર્તાઓ કોપી કરવા આપે અને પછી જુદા જુદા મેગેઝિનોમાં મોકલે. વર્ષો પછી મુંબઈમાં હું એ જ મરોડદાર અક્ષરોમાં નોકરી માટે એપ્લીકેશન કરતો. એ જમાનામાં મારી પાસે ટાઈપરાઈટર ક્યાંથી હોય? જે શેઠે મને નોકરી આપેલી તેમણે મને કહ્યું હતું કે ઘણાએ એપ્લાય કરેલું, પણ એ બધામાં તારા અક્ષર બહુ સારા હતા એટલે તને નોકરી આપી!
ભલે હું ગામમાં રહેતો હતો પણ મારું મન તો દિવસરાત ગામની બહાર જ ભમતું. ગામમાંથી છટકવા માટે મારી પાસે બે જ રસ્તા હતા. એક તો મુંબઈથી આવતી મૂવીઓ અને બીજો રસ્તો એ અમારી જૂની લાઇબ્રેરી. એના ભાંગ્યાતૂટ્યા બાંકડાઓમાંથી માંકડનું ધણ ઉભરાય. છતાં હું ત્યાં રોજ જઈને બેસતો. ત્યાં ચટકા ભરતા માંકડોને મારતા મારતા મુંબઈ, અમદાવાદ, અને દિલ્હીની દુનિયામાં ખોવાઈ જતો.
મુંબઈ, અમદાવાદના છાપાઓ વાયા વિરમગામ થઈને ટ્રેનમાં ટહેલતા, ટહેલતા ચોવીસ કલાકે આવે. લાઇબ્રેરિયન મોઢામાં ભરેલ પાનનો ડૂચો ચાવતો ચાવતો છાપાનું એક એક પાનું છૂટું કરીને કાચના ઘોડામાં ગોઠવે જેથી લોકો બંને બાજુ ઊભા ઊભા વાંચી શકે.
લાઇબ્રેરીમાં ઊભા ઊભા મેં દર અઠવાડિયે ‘ગુજરાત સમાચાર’માં ધારાવાહિક આવતી ઈશ્વર પેટલીકરની લોકપ્રિય નવલકથા ‘તરણા ઓથે ડુંગર’ વાંચી હતી.
‘જન્મભૂમિ પ્રવાસી’ના તંત્રી મોહનલાલ મહેતા ‘સોપાન’નું અમેરિકાનું પ્રવાસવર્ણન પણ એવી જ રીતે વાંચ્યું હતું. એમાં અમેરિકાના સામાન્ય લોકોની સગવડતાની વાત વાંચતા થયું કે કેવો સમૃદ્ધ એ દેશ હશે, અમેરિકા! ત્યાં જવાનું મળે તો કેવું!
મુંબઈ, અમદાવાદ, વડોદરા વગેરેથી આવતા ગુજરાતી સાહિત્યના અનેક મેગેઝિનો મને ગુજરાતી સાહિત્યની દુનિયામાં લઈ જતા. ‘અખંડ આનંદ,’ ‘સંસ્કૃતિ’, ‘કુમાર,’ ‘ઊર્મિ નવરચના,’ ‘નવચેતન,’ ‘બુદ્ધિપ્રકાશ,’ ‘ક્ષિતિજ’- આવાં મેગેઝિન સમજાય કે ન સમજાય તોય હું વાંચી જતો. ગુજરાતી નવલકથાઓ, નાટકો, વાર્તાસંગ્રહો, કાવ્યસંગ્રહો, વગેરે પણ હું વાંચવા માંડ્યો.
હું લાઈબ્રેરીમાં દરરોજ જતો અને લાઇબ્રેરિયન પાસે પુસ્તકો માંગતો. બધાં પુસ્તકો એ કબાટોમાં તાળાકૂચી નીચે રાખતો. એ લાયબ્રેરિયન પણ એક નમુનો હતો. એના ગંજી વગરના અડધા બીડેલા બટન વાળા શર્ટમાંથી છાતીના વાળ ડોકિયું કરે. ગળે સોનાનો છેડો લટકતો હોય. મોઢાના એક ગલોફામાં પાનનો ડૂચો ભર્યો હોય. લાઇબ્રેરી એના બાપની હોય એમ વર્તે. એ આળસુને મને પુસ્તક આપવા માટે કબાટ સુધી જવું પડે, ચાવી ગોતવી પડે, કબાટ ઉઘાડવું પડે. એ એને કેમ ગમે? એણે કાકાને ફરિયાદ કરી કે તમારો છોકરો લાઇબ્રેરીમાં બહુ આવે છે, એને શું ઘરમાં કંઈ કામકાજ નથી કે તમે એને લાયબ્રેરીમાં રોજ ધકેલો છો? ત્યારે કાકા મને વઢેલા!
લાઇબ્રેરીમાંથી હું ગુજરાતી પુસ્તકો લઈ આવતો અને ભૂખ્યા ડાંસની જેમ વાંચતો. ખાસ કરીને નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ. કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઈ, ધૂમકેતુ, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલ વગેરે જે કંઈ હાથમાં આવ્યું તે હું આડેધડ વાંચી કાઢતો.
મુનશીની આત્મકથાઓએ મને ઘેલો કરી નાખ્યો. જેવી રીતે અનેક સંઘર્ષોનો સામનો કરીને એ એક સમર્થ વકીલ થયા અને સાથે સાથે એવા જ મોટા નવલકથાકાર પણ થયા એ મારે માટે અજાયબીની વાત હતી.
એમની ‘સ્વપ્નદ્રષ્ટા’એ મને દેશસેવાની ભારે ધૂન લગાવી. ‘સ્વપ્નદ્રષ્ટા’માં આક્રમક પરદેશીઓએ, ખાસ કરીને અંગ્રેજોએ દેશની જે અવદશા કરી અને ભારતીયોની જે સ્વમાનહાનિ કરી હતી તે મને બહુ કઠી હતી. થતું કે મોટો થઈશ ત્યારે એનું વેર વાળીશ.
રમણલાલ દેસાઈની ‘ગ્રામલક્ષ્મી’ અને પીતાંબર પટેલની ‘ખેતરને ખોળે’ વાંચીને થયેલું કે ગામડાંઓમાં જઈને ગ્રામોદ્ધારની સેવા કરવી જોઈએ.
ગાંધીજીની આત્મકથા તો અદ્દભુત લાગી હતી. નાનપણથી જ સાચું બોલવાનો અને સાચું જ કરવાનો એમનો આગ્રહ, લંડનમાં ભણવા ગયેલા ત્યાંના એમના અનુભવો, દક્ષિણ આફ્રિકામાં રંગભેદને કારણે એમણે સહન કરેલાં અપમાનો, ત્યાંની જેલોમાં એમણે સહન કરેલો અત્યાચાર – આ બધું વારંવાર વાંચીને હું ખૂબ પ્રભાવિત થયો હતો.
મનુભાઈ પંચોળી ‘દર્શક’ની શકવર્તી નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’એ પણ મારા પર મોટી ભૂરકી છાંટી હતી. એનાં પાત્રો ખાસ કરીને સત્યકામ અને અચ્યુતે પરદેશમાં જઈને જે પરાક્રમો કરેલાં તે હું વારંવાર વાંચતો. એવી જ રીતે યશોધર મહેતાની નવલકથા ‘સરી જતી રેતી’ એમાં આવતી લંડનની વાતોને કારણે મને બહુ ગમી ગઈ હતી. આ બધું વાંચીને થતું કે મને પરદેશ જવા ક્યારે મળશે?
(ક્રમશ:)