नमामि देवी गंगे ~ “ગંગાથી રાવી સુધી” (લેખમાળા: બે )~ गंगा का माहात्म्य – પ્રકરણ: ૨ ~ પૂર્વી મોદી મલકાણ

ભારતખંડમાં તીર્થોનું માહાત્મ્ય પુણ્યસલિલા ગંગાને કારણે છે, જેણે ધરતી પર ઉતરી માનવ જાતિને ઉત્થાનને માર્ગે દોરી છે. ઋગ્વેદથી લઈ રામાયણ, મહાભારત અને અન્ય પુરાણોનાં અધિકાંશ ભાગમાં ગંગાજીનું માહાત્મ્ય સમૃધ્ધ બતાવી કહેલ છે કે; જે જગ્યાએથી ગંગા પ્રકટ થાય છે તે ગંગોત્રી પાસે જઈને અથવા ગંગોત્રીને મન-હૃદયમાં ધારણ કરી જે વ્યક્તિ તર્પણ, ઉપવાસ, વ્રત કરે છે તે વ્યક્તિ વાજપેય યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે. શિવપુરાણમાં કહ્યું છે કે;
 गंगाद्वार समं तीर्थ न कैलाश समोगिरि ।
અર્થાત્:- પૃથ્વી પરની હરિદ્વાર અને કૈલાશ સમાન બીજું કોઈ તીર્થ નથી.

જ્યારે સંત તુલસીદાસજીએ ગંગાજીને તીર્થોનાં પ્રાણરૂપ બતાવતાં કહ્યું છે કે;
 तीरथ अवगाहन सुरसूरि जस ।
અર્થાત્:- જે સર્વે તીર્થો ગંગાજીમાં ડૂબકી લગાવે છે તે સર્વે તીર્થોનો જસ દેવો પણ ગાય છે. વસ્તુતઃ ગંગાનો મહિમા અને માહાત્મ્ય સર્વે દિશાઓમાં વ્યાપ્ત છે, પણ આ બધાંમાંથી ગંગોત્રી, ગંગાસાગર અને પ્રયાગની ગંગાની વાત જ અનોખી છે.

“त्रिषु स्थानेषु दुर्लभा । गंगोत्री दे प्रयाग च गंगासागर संगमे ।“
અર્થાત્:- જે ત્રણ સ્થાનેથી, ત્રણ દિશાએથી, ત્રણ પાવન નદીઓનાં જળથી પવિત્ર છે તેવાં ત્રણ સ્થાનો છે, જેમાં છે ગંગોત્રી, પ્રયાગ અને ગંગાસાગર. ત્રણ નદીઓ જે   ગંગોત્રીનાં ગ્લેશિયરમાંથી જન્મે છે તે છે ભાગીરથી, અલકનંદા અને મંદાકિની. આ ત્રણ નદીઓનું જ્યાં મિલન થાય છે અને જ્યાં તે સાગરમાં મળી જાય છે તે જગ્યાઓ પણ અનુપમ છે. જ્યારે ભગવદગીતામાં કહ્યું છે કે; 

धातुः कमंडलुजलं तदुरुक्रमस्य, पादावनेजपवित्रतया नरेंद्र ।
स्वधुर्न्यभून्नभसि सा पतती निमाष्र्टि
, लोकत्रयं भगवतो विशदेव किर्तिः।।
અર્થાત્:- પૃથ્વી, સ્વર્ગાદિને લાંઘી ( ઓળંગી ) સાક્ષાત ભગવાન યજ્ઞપુરુષ ત્રિવિક્રમ વિષ્ણુનાં વામપાદ ( ડાબા પગનાં ) અંગૂઠાને અને એમનાં ચરણકમળને સ્પર્શ કરતી ભગવતી ગંગા વિશ્વનાં પાપોને નષ્ટ કરતી સ્વર્ગથી હિમાલયનાં બ્રહ્મસદનમાં અવર્ણીત થઈ છે.

ઉપરોક્ત કહી તે તો ધર્મગ્રંથોની વાત છે, આમેય ગંગા અને ગંગોત્રી બંનેનો મહિમા અપાર જ છે તેથી આધુનિક યુગનાં કવિ શ્રી ધર્મવીર ભારતીજી કહે છે કે; 
धरा के पापतारण हित, प्रकृति की कोख से उतरीं
सगर के मुक्तिकामी वंशजो के शोक से उतरीं
भगीरथ के अखंडित तपजनित आलोक से उतरीं
अमर सुर देवताओं के परम ध्रुवलोक से उतरीं
किनारा ये स्वयं शिव ने
, जगत हित शिश -धारा हे
यह गंगा का किनारा है
, यह गंगा का किनारा हे।

જ્યારે એક ગઢવાલી લોકગીતમાં કહ્યું છે કે,
चलली गंगोत्री से गंगा मैया जग के करे उद्धार और

मांगी ला हम वरदान हे गंगा मैया,  मांगी ला हम वरदान ।।
અર્થાત્: ગંગોત્રીથી ગંગા જગનો ઉધ્ધાર કરવા નીકળી છે, ત્યારે અમેય માતા પાસેથી વરદાન માંગી લીધું કે હે માતા અમારા અંતિમકાળમાં તું અમારી પાસે અને સાથે રહી અમને મોક્ષ પ્રદાન કરજે.

જગનો ઉધ્ધાર કરનાર ભગવતી ગંગાએ મોક્ષઇચ્છુકો માટે પરમ સાધન છે. આજેય કાશી-બનારસમાં ગંગા કિનારે અંતિમ મુક્તિધામ ભવનો આવેલાં છે. આ ભવનોમાં એવાં લોકો આવે છે જેઓ જાણે છે કે તેઓ મૃત્યુને દ્વારે પહોંચેલાં છે. આ લોકો એક ગુજરાતી કહેવત- “સુરતનું જમણ અને કાશીનાં મરણ” ને સાર્થક કરે છે. આથી તેઓ મૃત્યુ આવે ત્યાં સુધી ગંગાનાં અમૃત સમાન જળનું આચમન કરવા અને ગંગા કિનારાથી શિવમાં સમાવા માટે આ મુક્તિધામોમાં આવીને રહે છે. આવા લોકોને માટે ધર્મવીર ભારતીજી આગળ વધતાં કહે છે કે;
खिलौने साथ बचपन तक, जवानी बस रवानी तक
सभी अनुभव भरे किस्से बुढ़ापे की कहानी तक
जमाने में सहारे है बस जिंदगी भर के
,
मगर यह जिंदगी के आखिरी पल का सहारा है

यह गंगा का किनारा है
, यह गंगा का किनारा है।

પણ ભારતીજીએ જે સ્થળની વાત કરી છે તે તો શિવ નગરી કાશી વારાણસીની છે, પણ હિમાલયથી ઉતરી ગંગા હરિને મળવા આવે છે તે હરિદ્વાર નગરીની વાતે ય અનોખી છે. સ્કંદ પુરાણ અનુસાર આ હરિદ્વારનું પ્રાચીન નામ માયાપુરી નગરી હતું એટ્લે કે; જ્યાં ભગવાન વિષ્ણુની માયા રહેલી છે તે માયાપુરી. આ માયાપુરી હરિદ્વારનું નામ સાત મોક્ષદાયિની પુરીમાંનું એક ગણવામાં આવ્યું છે.
(સાત પુરીઓ- અયોધ્યા, કાશી, હરિદ્વાર, કાંચી, ઉજ્જૈન, દ્વારકા અને મથુરા)
 काशी कांची च मायाख्या त्व्योध्या द्वारवत्यपि ।
मथुरावान्तिका चैताः सप्तपुयोँ
sन्न मोक्षदा ।। 

જ્યાં ઋષિઓનો વાસ છે તેવા સ્થાન ઋષિકેશ અને હરિદ્વાર યુગો યુગોથી પ્રસન્નતા અને મુક્તિ ફલ એવં મોક્ષ પ્રદાન કરે છે.
हरिद्वार, ऋषिकेशं महापुण्यं श्रुणु देवर्षिसन्तम ।
यत्रं गंगा वहत्येव तन्नेक्यं तीर्थमुक्तं ।।
 
અર્થાત્:- ગંગા અને હરિદ્વાર પુણ્ય સલિલા નદીનો સંસ્કૃતિ અને આસ્થા સાથે વિશેષ સંબંધ છે તે બાબતનું સ્પષ્ટ પ્રમાણ હરિદ્વારમાંથી મળે છે.

પદ્મપુરાણ એવં મહાભારતમાં કહ્યું છે કે;
स्वर्गद्वारेण तत् तुल्यं गंगाद्वारं न संशयः
तत्रेभिषेक कुवीत कोटितीर्थ समाहितः ।
लभते पुंडरीकं च कुल चैव समुध्धरेत
,
तत्रेकरात्रिवासेन गोसहसाफल लभेत् ।।
सप्तगंगे
, त्रिगंगे च शक्रावर्ते च तर्पयन्,
देवान पितृमश्च विधिवत् पुण्ये लोके महियते
ततः कनरवले स्नात्वा त्रिरात्रेपोषितो नरः
अश्वमेघमवाप्नोति स्वर्गलोकं च गच्छति ।।
 
અર્થાત્:- હરિદ્વાર અને તેની ગંગા સ્વર્ગનાં દ્વાર સમાન છે એમાં કોઈ સંશય નથી. તેથી ત્યાં કરેલ એક અભિષેકમાં કોટિ તીર્થો સમાયેલ હોય છે. આ સ્થળમાં જે એકાગ્ર થઈ સ્નાન કરે છે તેને પુંડરીક યજ્ઞનું ફળ મળે છે અને પોતાનાં કુળનો ઉધ્ધાર કરે છે. આ સ્થળમાં જે કોઈ એક રાત રહે છે તેમને સૌ ગૌદાનનું ફળ મળે છે. આ ઉપરાંત ત્રિગંગા, સપ્તગંગા અને શકાવર્તમાં જે વિધિપૂર્વક પિતૃતર્પણ કરે છે તેનો વાસ પુણ્યલોકમાં થાય છે.

યાત્રા માનસિક હોય, શારીરિક હોય કે શાબ્દિક હોય યાત્રા એ યાત્રા છે માટે એ યાત્રા પૂર્ણ રીતે કરવી જોઈએ. તો ચાલો આપણે સૌ નીકળી પડીએ “હર કી પોડી” તરફ જે ગંગાજીને મળવાનું દ્વાર છે અને ત્યાં ભક્તજનો દ્વારા ગંગાજીની આરતી થાય છે.
गंगाद्वारे कुशावर्ते बिल्वफे नीलपर्वते ।
स्नात्वा कनखले तीर्थे पुनःजन्म न विद्यते ।।

અર્થાત્:- ગંગાદ્વાર ( હર કી પોડી, હરિ કી પોડી ) કુશાવર્ત, બિલ્વેશ્વર, નીલ પર્વત અને કનખલ એ પાંચ તીર્થ હરિદ્વારમાં છે. અહીં સ્નાન -દર્શન કરવાથી જીવોનો પુનઃજન્મ થતો નથી.

અગર નગર વિશેષ વાત કરવામાં આવે તો હરિદ્વાર કાશી ભલે પવિત્ર ગણાતાં હોય, પણ આ પવિત્ર નગરોમાં જઈને ય મન પવિત્ર ન થાય તો પવિત્ર નગરોમાં રહ્યાંનો ય અર્થ શું છે? આથી કહ્યું છે કે;
गंगा न्हाने हरिद्वार काशी गया, गंगा न्हाते ही मन में यह ख्याल आ गया,
तन को धोया मगर मन को धोया नहीं
, फिर गंगा न्हाने से फायदा क्या? 

ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે; ચાહે કોઈ મનુષ્ય ગંગાનાં મહત્ત્વને માને કે ન માને પણ જો ભૂલથી યે તે ગંગાની સમીપ આવી જાય અને ક્ષણ પૂરતો પણ ગંગાનો, ગંગા જળનો, ગંગા તટ્ટ પરથી ઊડતી રજને, કે ગંગા પરથી ઊડતી હવાનો સ્પર્શ કરી લે તો પણ તે મનુષ્ય શિવનાં ચરણને પામે છે.
सर्वेषाँ चैव भूतानाँ पापोपहतचेतसाम् ।
गतिरन्यत्र मतर्यानाँ नास्ति गंगसमा गतिः ।।

અર્થાત્:- જેનાં ચિત્ત, મન પાપોથી દૂષિત છે, તેવા પ્રાણીઓને ગંગાનાં કિનારા સિવાય ક્યાંય ગતિ મળતી નથી.

આથી બ્રહ્માજીનું કથન છે કે;
तीर्थानाँ तु परं नदीनामुत्तमा नदी, मोक्षदा सर्वभूताननाँ महापातकिनामपि ।।
અર્થાત્:- આ ભૂલોકમાં ગંગાનાં સમાન તીર્થ, શ્રી વિષ્ણુ સમાન દેવતા અને બ્રાહ્મણો સિવાય કોઈ પૂજ્ય કોઈ નથી.
વસ્તુતઃ ગંગા હિન્દુ ધર્મ એવં ભારતીય સંસ્કૃતિ સાથે ભાવનાત્ત્મક એવં ધાર્મિકરૂપથી જોડાઈ છે તેને કારણે ગંગા, લોકમાતા ગંગાને પાપનિવારિણી તરીકે સંબોધી છે જેનાં નામોચ્ચાર એવં સ્પર્શ માત્રથી સમસ્ત પાતકનો નાશ થઈ જાય છે.

हरनिपाप त्रिविध ताप सुमिरत सुरसरित,
विलसति महि कल्पबेल मुद मनोरथ फरित
,
सोहत ससि धवलधार सुधा सलिल भरित
,
विमलतर तरंग लसत रघुवर से चरित
तो बिनु जगदंब गंग कलिजुग का करीत
घोर भव अपारसिंधु तुलसी किमि तरित
 ?
અર્થાત્:- સંત તુલસીદાસજી આ પદમાં કહે છે કે; ત્રિવિધ પ્રકારનાં પાપને હરનારી, દેવતાઓ દ્વારા જેનું સ્મરણ સતત થયાં કરે છે તે ઊછળતી, કૂદતી વિલસતી ગંગાની વાત ન્યારી છે. ચંદ્રનાં કિરણોમાં પોતાની ધવલધાર સાથે જે સોહી રહી છે, જેનાં અમૃત સમાન નીર છે, જેનાં વિમલ તરંગ ઉપર શ્રી રઘુવરનો સ્પર્શ છે તેવી સર્વેનાં મનોરથને પૂર્ણ કરનારી, જગદંબા ગંગા વગર આ કલિયુગમાં કોણ ઉધ્ધાર કરે અને કોણ આ ઘોર ભવસાગરમાંથી બહાર કાઢે?

हो गंगा मैया अगम लहराय, शिव की जटाजूट से निकरीं
पाप औ ताप नसाय
, एक लहर हमें देहु वरदानी
जुग जुग जीवन केरि कल्याणी
, जो पावै तरि जायँ ।।
શિવની જટાઓમાંથી નીકળેલી ગંગા મૈયા વાત નિરાળી છે તેથી જ તેનો પરચમ ચારે દિશાઓમાં લહેરાઈ રહ્યો છે. શિવ સુધી લઈ જનારી ઓ મૈયા ગંગા આપ અમારા પાપ અને તાપનો નાશ કરો, કારણ કે આપ જગત કલ્યાણી છો તેથી જે જીવ આપની પાસે આવે છે તે આપમાં સ્નાન કરી તેનાં દેહને નિર્મળ કરે છે.
जगदंबा गंगा, जीव उध्धारिणी जगतारिणी,
गंगा नहइला से पाप कटईबे हो राम
,अउर निरमल हो जाईबे देहिया ।

આમ જોઈએ તો ભગવતી ગંગાનો મહિમા જેટલો ગાઈએ તેટલો ઓછો છે તેથી ગંગા માહાત્મ્યનાં વિષયને વિરામ આપી આપણે પણ હવે ગંગોત્રીથી નીચે ઊતરીએ અને ગંગાકિનારે વસેલ સમાજને જોઈએ જેઓ ભગવતી ગંગા, દેવી ગંગા, માતા ગંગા, દીકરી ગંગા સાથે વાત કરી રહ્યાં છે.
सखी री मैं तो पूजन जाऊँ गंगा

हाथ में मेरे कलश विराजे
चुड़ियाँ छन छन बाँह में बाजे
माथे पे बिंदिया लाल चुनरिया
गोटा लगाया है सतरंगा

Copyright ISBN-978-1500299901
© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..

One Comment