“આઈ લવ યુ..” લિ. તમારી અંજુ..!’ ~ લતા હિરાણી

(સાંપ્રત કાળમાં ગુજરાતી સાહિત્યના અત્યંત કર્મઠ અને પ્રતિભાવાન સાહિત્યકાર લતાબહેન હિરાણીના નામથી કોઈ ગુજરાતી ભાષાપ્રેમી અજાણ નથી. બે વર્ષથી પણ વધુ સમયથી, એકધારી લગનથી સતત ગુજરાતી બ્લોગ, ‘કાવ્ય વિશ્વ’ એકલપંડે ચલાવવો એ કંઈ નાનીસૂની વાત નથી.

લતાબહેન માત્ર આપણાં માટે જ નહીં, પણ આવનારી પેઢીઓ માટે એક ગુજરાતી કાવ્યોની દળદાર ‘સંદર્ભ વેબસાઈટ’ નો વારસો તૈયાર કરી રહ્યાં છે, એ બદલ તેઓ આભાર અને અભિનંદન, બેઉના અધિકારી છે. લતાબહેન સાહિત્યક્ષેત્રે, એક સફળ વાર્તાકાર, સક્ષમ કવયિત્રી, બાળવાર્તાકાર, કાબેલ સંકલનકાર અને જાગૃત સંપાદક તરીકે સતત કાર્યરત રહીને ઉત્તમ પ્રદાન કરતાં રહ્યાં છે.

એમનો જન્મદિવસ ૨૬મી ફેબ્રુઆરીએ જ ગયો. “આપણું આંગણું” બ્લોગની ટીમ અને સહુ વાચકો વતી લતાબહેન, આપને જન્મદિનની અઢળક શુભકામનાઓ.

આ પત્ર મને એટલો તો સ્પર્શી ગયો હતો કે એમના જન્મદિને હું સ્વયં એને મારી નોંધ સહિત મૂકવાની હતી. પણ, નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે એ બની ન શક્યું એ બદલ દિલગીરી.

જીવનસાથીની અણધારી વિદાય કેવી વસમી હોય છે, એને ક્યારેય સંપૂર્ણપણે વર્ણવી શકાતું નથી. કેટલું પણ લખો, તોયે એ અભિવ્યક્તિ અધૂરી જ રહે છે, અને એનાં વ્રણ કદી રૂઝાતાં નથી. હા, માત્ર વર્ષો એ ઘા પર ભીંગડાની જેમ બાઝતાં રહે છે પણ ઘા તો અંદરથી કાયમ ટીપે ટીપે લોહી નીંગળતો જ રહે છે.

આ પત્ર વાંચીને આંખો અને હ્રદય બેઉ ભીનાં થઈ જાય છે. આ પત્ર સાચા અર્થમાં એક સદ્ધર કલમની સર્વાંગ સુંદર નીપજ છે. લતાબહેન, તમે શબ્દો થકી બધાંનાં હ્રદયમાં વસી જાઓ છો. ~ જયશ્રી વિનુ મરચંટ

‘આઈ લવ યુ’
~ લતા હિરાણી

પ્રિય જયુ,

કેમ છો તમે? આમ તો મારે પહેલાં એ પૂછવું છે કે ક્યાં છો તમે? તમે આનંદમાં છો? કે પછી મારી જેમ જ? પરિસ્થિતિનો સ્વીકાર તમને સહજ છે એટલે તમે આ હકીકતનેય સ્વીકારી લીધી હશે.

અક્ષરો કાગળ પર પડતા જાય અને ધોવાતા જાય, આખુંય અસ્તિત્વ પ્રશ્નોના અઘોર અંધકારમાં અટવાયેલું રહે ત્યાં સુધી હું અટકી છું. અક્ષરોની આરપાર પ્રવેશી, એના થોડાંક અજવાળાને પામી શકાય કે નર્યા નીતર્યા એને કાગળ પર ઉતારી શકાય એ મુકામે હવે હું પહોંચી ત્યારે આ લખવાની હિંમત કરી છે.

સવાલોનો સાગર ઉછળ્યા કરે છે. તમે જાણો છો, દરિયો જોઇ મને સાદ પાડતા મોજામાં પ્રવેશ્યા વગર હું ન રહી શકું અને પછી એ ઘુઘવતા પાણી મને દૂર દૂર સુધી ખેંચ્યા જ કરે… શું કરૂં? હવે કાંઠે બેસીને મૌન ઓઢવાની નિરર્થક મથામણ કર્યા કરૂં છું…

હું લખવા તો બેઠી છું પણ જયુ, આ પત્ર તમને ક્યાં પોસ્ટ કરૂં? પ્રો. જગદીશ હિરાણી, રસ્તો બતાવવાનું તમારૂં કામ છે, ગુંચવવાનું નહિ!! મને ખબર નથી, તમે ક્યાં છો! તમે હવે અહીં કે ક્યાંય નથી એવું મન નથી માનતું તોયે મારે માનવાનું છે! અને નથીયે માનવાનું!

એવુંયે બને કે આમ તો આ શબ્દોમાંથી પસાર થઉં છું, પણ રહું છું સાવ કોરીધાકોર!! વિસ્તરવાનો અને વિકસવાનો તમારો સ્વભાવ, તમને પૃથ્વી ઓછી પડી… અનંત શક્યતાઓ અને અનંત ચેતનાનો ઝળહળાટ ધરાવતો જીવ અનંત સુધી વિસ્તરી ગયો!

મારી આસ્થા મને ગીતાવચનો તરફ દોરી જાય છે પણ એ અંદર ક્યાંય સ્પર્શતા નથી! મોતની કાતિલ સખ્તાઇએ શાસ્ત્રવચનોને બુઠ્ઠાં બનાવી દીધાં છે! એમાં ભરેલી સમજણ મારા સુધી પહોંચતા પહેલાં જ વરાળ થઇ જાય છે…

જયુ, મનની અંદર તમને કહેવાની વાતોનો દરિયો ઘુઘવે છે. કંઇ કેટલુંય આમ તેમ વમળાય છે. ક્યારેક છાતી ફાડીને બહાર આવી જશે એવુંયે લાગ્યા કરે છે.

એડિનબર્ગ જતાં પહેલાં સપ્ટેમ્બર મહિનાના એ દિવસે મેડિકલ ચેક અપ કરાવતી વખતે, જીવનમાં પહેલીવાર, ફોર્મ ભરતી વખતે ‘વિડો’ની કોલમ પર મારે ટીક કરવું પડ્યું ત્યારે તમે નહોતું જોયું? મારી આંખે અંધારા છવાઇ ગયા હતા અને મારા પગ ક્યાં પડે છે એની મને ખબર નહોતી….

મને please તમારૂં સરનામું આપો. મારે તમને મોકલવા છે અનેક પ્રશ્નો, અને સાથે મોકલવી છે, સાથ નિભાવવાના વચનની સ્મૃતિઓ… અંધારામાં વહ્યે જતાં અને અજવાળામાં મોટેભાગે સરહદ પાર ન કરતા આંસુઓ તમને પોસ્ટ કરવા છે. વ્યથાના વંટોળ, જે મને આમતેમ ફંગોળ્યા જ કરે છે, તમને એની એક ઝલક મોકલવી છે. ક્યાં મોકલું? કહો ને, ક્યા અકળ મુકામે તમારો વાસ છે!

આંખમાં તગતગે છે, કિનારા વગરનો સ્મરણોનો દરિયો. જે કંઇ થાય એને સહજતાથી અને સ્વસ્થતાથી સ્વીકારી લેવાનું તમે શીખવ્યું છે એટલે હું પ્રયત્ન કરૂં છું પણ જરા મારી જગાએ તમારી જાતને મૂકી તો જુઓ, તમને પણ આવી સ્થિતિ જીરવવી કપરી થઇ પડી હોત!

જિંદગીનો આખરી પ્રવાસ તમે કેવી રીતે માંડ્યો હતો? શરીરની તો તમને સુધ નહોતી રહી. 2009ની ઓગણીસમી ઓગસ્ટ, એ અમાસી કાળી રાત અને બંધ આંખોએ ઓઢેલું અંધારૂં તમે ઉતાર્યું જ નહિ.. અદીઠ હવા એ અંધારાનો જ લાભ લઈ તમારા શ્વાસ લેતી ગઈ.. અજવાળું થતાં પહેલાં તો તમે ચાલી નીકળ્યા…. કદાચ એટલે જ કે મારી સાથે આટલા કઠોર થવાની તમારી હિંમત નહોતી!

શાસ્ત્રો કહે છે, બાર દિવસ સુધી જીવ જ્યાં રહ્યો હોય ત્યાં જ આસપાસ ભમ્યા કરે છે. સાચું કહો, મારું આક્રંદ તમારા કાળજાને વલોવી નહોતું નાખતું? પુત્રોની સાથે પુત્રવધુનીયે કાંધે ચડવાનું તમને ભાંગીને ભૂક્કો નહોતું કરી નાખતું? આર્યન અને શ્રીનો કાલોઘેલો અવાજ તમારા હૃદયને હચમચાવતો નહોતો? કાળજું કઠણ કરીને ઊભા રહેલા દીકરાઓ નિસર્ગ-પાર્થ, અને હિના-વિશાખાની માથે હાથ ફેરવી લેવા તમે વ્યાકુળ નહોતા થતા? મને લાગે છે કે અસહાય મનનો દાહ, શરીરદાહ કરતાં ક્યાંય વધારે બાળતો હશે!

કેટલો આપણો સાથ? 1973ની પંદરમી મેએ અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા પછી, 2009ની વીસમી ઓગસ્ટની વહેલી પરોઢ… છત્રીસ વર્ષ, ત્રણ મહિના અને ચાર દિવસ પૂરાં થયા… અઢળક સ્મરણોની સંપદાથી રળિયાત છું ખરી પણ એ પ્રજાળકને બદલે હૂંફાળી બને એવા મુકામે હું પહોંચી નથી. અચાનકની તમારી વિદાય અને એને નહિ સ્વીકારવાની મનની હઠ….આ હઠ કોઇ સભર, સુંદર ક્ષણને સ્મૃતિમાં ટકવા દેતી નથી અને અફસોસની, દુખની દરેક વાતનો વલોપાત જાત પર ખડક્યે જ જાય છે.

‘જે પણ આવી પડે એ પરિસ્થિતિને સ્વીકારી લેવી’ એ વાક્ય નવા નિશાળિયાની જેમ ગોખ્યા કરૂં છું પણ આ શબ્દોના અર્થ ક્યાં ખોવાઇ ગયા? તમારા ફોટા સામે નજર જાય છે ને એમ જ થાય છે કે તમે પ્રવાસમાં છો અને પાછા આવી જશો !! ઘરના બારણાં સામે નજર જાય છે અને આભાસ થયા કરે છે કે હમણાં ચાવીથી દરવાજો ખુલશે અને તમે અંદર આવશો. વિશ્વાસ નથી જ આવતો… હજી તો તમારે કેટલાય શિખરો સર કરવાના હતા!

હું એકલી ન રહું એની ચિંતા સહુ કર્યા કરે છે પણ એકાંતનો બધો સમય જાણે તમારી સાથે ગાળવાની પળો બની જાય છે. ભલેને આંસુ છલકાતાં, એમાં સુખ મળે છે! સૌની સાથે રહેવાથી “આમ કેમ જવાય?” આ એક જ સવાલના મનમાં ઉછળતા ભયાનક, પ્રચંડ મોજાંઓને ઓછાં નાથી શકાય? દેખીતી રાહત પાછળ કેટલી ગુંગળામણ ધુમાડે ચડે છે!

એમ તો આ સવાલનો જવાબ મને મળનારા દરેક લોકો આપ્યા કરે છે. ઉપાય સૌ ચીંધે છે. કેટકેટલાં આશ્વાસનો અને કેટકેટલી રાહત! બળવાન ઇશ્વરેચ્છા અને કુદરતના ક્રમના સ્વીકારની શીખનો વરસાદ પણ મારા કાન બહેરા બની ગયા છે…. “ચિંતા ન કરશો. કામકાજ હોય તો જરુર કહેજો.” કેટલા બધા લોકોએ આવા શબ્દો કહ્યા!

કોઇનો શબ્દ ક્યાંય સ્પર્શ્યો નથી. અને એ પણ ખરું કે લોકો કહી કહીને બીજું શું કહે ? આવી ઘટનામાં મનને મનાવવાની કે સમજાવવાની કેટલી મર્યાદા છે! હા, ક્યાંક, કદીક કોઈના સ્પર્શથી શાતા જરૂર મળી. કોઇના ચુપચાપ હાથ પકડીને બેસવાથી કે આવીને ભેટી પડવાથી ખૂબ રાહત મળી. એનાથી અંદરના વંટોળને નિકળવાનો રસ્તો મોકળો થાય અને એની જ ઓથ!
**
તમને તો યાદ જ હશે. આવું તો અનેક વાર થયું હતું…

મારી આંગળીઓ કીપેડ પર આંકડાઓ સાથે ટકરાય,  9825048932.

“બોલ, શું કામ હતું?”

“કેટલી વાર તમને કહ્યું, જરા ઘરમાંથી બહાર નીકળો ત્યારે કહીને જતા હો તો!”

“બોલ્યો હતો, તું સાંભળતી નથી.”

“પણ એમ સાવ જતી વખતે બારણામાં ઊભા રહીને બોલી દો તો મને ક્યાંથી સંભળાય? તમને ખબર છે, હું રસોડામાં કામ કરતી હોઉં ને બાજુમાં રેડિયોય વાગતો હોય. અહીં આવીને કહેતાં શું થાય છે? મને કામ પડે ને હું તમને બૂમો માર્યા કરૂં! જવાબ ન મળે ત્યારે ખબર પડે કે તમે ઘરમાં નથી! જરા કહીને જતા હો તો! મને બહુ જ ગુસ્સો આવે છે.”

હું ગુસ્સામાં ફોન કાપી નાખું…

અને ફરી તમે કહ્યા વગર જ જતા રહ્યા છો, મારો ગુસ્સો પ્રવેશી જ ન શકે એ હદમાં…

હું રસોડામાં છું ને રેડિયો મૌન છે, ગુસ્સો તો નામનોય નથી.. કાન દરવાજે ટીંગાયેલા છે, આજ સુધી કરેલા તમામ ગુસ્સાની હું માફી માગી લઉં છું… એકવાર તમે બોલો ને, ‘અંજુ, હું જાઉં છું’… એકવાર માત્ર આટલું તો કહો…
**
ગઇકાલે જમતી વખતે મારે પ્રવાસે જવાની વાત ચાલતી હતી. મેં દીકરાને કહ્યું,

“પાર્થ, બીજા કોઇની કંપની શોધવી એનાં કરતાં હું વિશુને જ લઇ જાઉં તો? તું થોડાક દિવસ ચલાવી લે, તારી બધી વ્યવસ્થા કરીને જઇશું.”

”ના હોં મમ્મી, વિશુને લઇને જવું હોય તો જજે પણ મહેરબાની કરીને મારી ‘વ્યવસ્થા’ ન કરીશ (અર્થાત, હું ક્યાંય જમવા નહિ જાઉં.)!”

એણે કહ્યું એવી રીતે કે પહેલાં તો હું ખડખડાટ હસી પડી અને હસતાં હસતાં બીજી ક્ષણે કોળિયો ગળામાં અટકી પડ્યો. અદ્દલ તમારી જ ટેવ! આંસુએ આંખોનો અને ડુસકાંએ ગળાનો કબજો લઇ લીધો…
**
ત્રણ મહિના હું નિસર્ગને ઘરે એડિનબર્ગ રહી હતી ત્યારની વાત. એ સાંજે નિસર્ગે જમ્યા પછી કોમેડી પિક્ચર જોવાનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો. બધાંનો એ પ્રયત્ન હોય છે કે હું આનંદમાં રહું. અમે આરામથી બેઠાં બેઠાં મુવી જોતા હતાં. અચાનક સમયના ટુકડાની અદલાબદલી થઇ ગઇ! તમેય હમણાં હમણાંથી સાંજે નવરાશમાં ડીવીડી મુકીને મુવી જોવા બેસી જતા હતા…

“કામ પડતું મૂક ને બેસ અહીં મારી સાથે….”

આંખ સામે ચાલતી કોમેડી ક્યાંય ખોવાઇ ગઇ..

“થાકી ગઇ છું, ઊંઘ આવે છે.” કહીને હું મારા રૂમમાં જતી રહી. ઓશિકા ઉપર સ્મૃતિઓનો દરિયો વહી ચાલ્યો…
**

આપણાં લગ્નનાં એક વર્ષ પછીની વાત. એ મારૂં બી.એ.નું છેલ્લું વર્ષ હતું. મારી કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા હતી. તમે મને આગ્રહ કરીને એમાં ભાગ લેવડાવ્યો હતો.

“એમાં શું? તારાથી કેમ ન બોલાય? તૈયાર કરીને જવાનું અને યાદ આવે એટલું બોલવાનું, પણ સ્પર્ધામાં ભાગ જરુર લેવાનો.”

મેં મહેનત કરીને તૈયાર કર્યું. મને લખવામાં તકલીફ નહોતી, સ્ટેજ પર જઇને બોલવામાં હતી. અને બન્યું એ જ. સ્ટેજનું પગથિયું ચડતાં જ હું બધું ભૂલી ગઇ. માઇક પાસે બે-ત્રણ મિનિટ ઊભી રહી. આંખ સામે ઝળઝળિયાં સિવાય કશું જ નહોતું. કદાચ કોઇ હસ્યું હશે કે મજાક કરી હશે. મને કંઇ ખબર નથી. ઘરે આવીને હું કેવું ધોધમાર રડી હતી અને તમારી સાથે ઝઘડી હતી, “તમે જ મને આવી ક્ષોભજનક સ્થિતિમાં મૂકી ! શા માટે મને ભાગ લેવડાવ્યો?”

ત્યારથી માંડીને હું સારી વક્તા થઇ ત્યાં સુધીની સફર. તમે કહેતાં,

“બસ, એવા સમયે માઇક છોડી દેવું કે જ્યારે ઓડિયન્સનો રસ હજી અકબંધ રહ્યો હોય! આપણે ખસીએ ત્યારે શ્રોતાઓને એમ થાય કે હજી બોલ્યા હોત તો સારું હતું.”

જયુ, જિંદગીમાંયે તમારે આ સાબિત કરવાનું હતું?

તમે જાણો છો કે મારા પગ નીચેની ધરતી તમે હતા. મને ચાલતાં તમે જ શીખવ્યું. તમે જાણો છો કે હું તમારા પર કેટલી ડિપેન્ડન્ટ છું! ‘તું તારી જાતે કરતાં શીખ’ એવી જીવનભર તમે દીધેલી શીખ છતાં મને તમારી પાસે નાના રહેવું ગમતું હતું. આમેય તમે મોટા હતા ને, મારા કરતાં પૂરાં આઠ વર્ષ! હું જાતે કરી શકું એવા કામમાં પણ તમારી મદદ લેવાનો મારો હક છોડવો નહોતો ગમતો. અરે એ બદલ ગુસ્સો કરવોયે ગમતો હતો… મારી સફળતા-નિષ્ફળતા તમારા ઉપર ઢોળી હું નિરાંતની નિંદર લઇ શકતી.

તમે કહેશો, “ના હવે તું નાની નથી. બધી મોટી જવાબદારીઓ પૂરી થઇ ગઇ છે. તારે કશાની ચિંતા નથી. સંતાનો બહુ સમજદાર અને પ્રેમાળ છે. તને કોઇ મુશ્કેલી નથી પડવાની!”

અને મારે હંમેશની જેમ એ જ કહેવું છે, “તમને નહિ સમજાય. મોટી મુશ્કેલી તો કદી આવી જ નથી. મારું કામ પણ જાતે કરી શકું છું. પણ મારી નાની નાની અને મને પજવ્યા રાખતી કેટલી મુસીબતો…. એ તમને સમજાશે જ નહિ!”

સાંભળો છો ને તમે ?? તમે ક્યાં છો એ ખબર નથી પણ તમે ક્યાંક તો છો જ. ભગવદ્ ગીતા ખોટું ન કહે, તમે ક્યાંક જરૂર છો અને તમારા સુધી મારી વાત પહોંચે છે ખરી… કદાચ તમારેય મને આવું જ કંઇક કહેવું હશે પણ હવે તમારા ફોનનું એકાઉન્ટ બંધ થઇ ગયું છે. લાઇન કપાઇ ગઇ છે અને તમે મારો નંબર નથી ડાયલ કરી શકતા…..
**
…..વર્ષ 2009ના નવેમ્બરનો એકાદ દિવસ. એડિનબર્ગથી અમદાવાદ, નિસર્ગના ઘરેથી મારે પાર્થ સાથે વાત કરવાની જરૂર પડી. સામાન્ય રીતે પાર્થ-વિશાખા મને નવરાશે, નિરાંતે ફોન કરતા હોય. હું ફોન કરૂં ત્યારે ઘરના નંબર પર કરતી હોઉં. આજે મારે પાર્થનું જ કામ હતું અને એ આ સમયે બહાર હોય એટલે એને મોબાઇલ પર કરવો પડે.

હું નંબર લગાવું છું, 0091 9825048932! હવે તમારો મોબાઇલ પાર્થ પાસે છે અને મારે એનું જ કામ હતું. પણ હાથમાં ફોન લીધો ત્યાં સુધી મારે ‘તમારો નંબર ડાયલ કરવાનો છે’ એની સભાનતા નહોતી. 2009ની વીસમી ઓગસ્ટ પછી એ પહેલી વાર બની રહ્યું હતું.

હું ફોન નંબર ડાયલ કરતી હતી કે કોઇ દુર્ગમ પહાડના કપરા અંધારિયા ચઢાણો ચડી રહી હતી! હજારો વાર આ નંબર ડાયલ કર્યો છે તોયે આજે આ કામ કેટલું કપરું થઇ પડ્યું? સામે છેડેથી તમારો જ અવાજ સાંભળવાની ઝંખના રુંવે રુંવે પંડમાં પ્રલય થઇને ફરી વળી… એ થોડીક ક્ષણો, મનને સાવ સ્મૃતિભ્રંશ કરતી, ઝંઝાવાત બની ગઇ. સમયના એ ટુકડાએ ફરી એક વાર મનમાં તાંડવ સર્જ્યું.

સામે છેડે દીકરો જ હતો. “બોલ મમ્મી. શું કામ હતું?”

પાર્થનો અવાજ સાંભળી એ દિવસે ફોન ફેંકી દેવાનું મન થયું. તમારો અવાજ સાંભળવા મન જીદે ચડી ગયું હતું. બાળક ચાંદો લેવા હઠ પકડે અને પછી કાળું કલ્પાંત કરે એમ!

કંઇક એવું 24 ઓગસ્ટે થયું હતું. એ બેસણાનો દિવસ હતો. વહેલી સવારે સાડા પાંચે તમારા મોબાઇલમાં રીંગ વાગી. મારી પથારીની બાજુમાં ટેબલ પર ફોન પડ્યો હતો. રીંગ સાંભળતાં જ હું સફાળી જાગી અને જાણે ‘તમે જ મને ફોન કર્યો છે’, લાગણીના એવા પ્રચંડ આવેગથી મેં ઉંચક્યો. સામે છેડે તમારો જ અવાજ સાંભળવાની ઇચ્છા ત્સુનામી બની આખા શરીરમાં વ્યાપી ગઇ…. ફોન પર કોઇ બીજું જ હતું, બેસણાની જાહેરખબર જોઇને આટલી વહેલી સવારે ડોનેશન માંગવા માટે…

હું દુઆ દઉં છું એ ફોન કરનારને, ભલું થજો એનું કે જેણે બે ક્ષણ માટેય મને ઝંઝેડી, હચમચાવી, આકળવિકળ કરી દેતો અહેસાસ આપ્યો કે ‘તમે મને ફોન કર્યો છે… ફોન પર સામે છેડે તમે જ છો’… આ તમારો ફોન છે એટલે એના પર તમારો અવાજ ન હોય એવી સામાન્ય સમજણ એ સમયે ક્યાંથી હોય?
**
તમને ફોન કરવાની કેવી જબરદસ્ત આદત હતી!

પપ્પાને ત્યાં હું પહોંચુ ને રીંગ વાગે એટલે પપ્પા કહેશે, ‘લે તારો જ ફોન હશે…’

તમે અમેરિકા, યુરોપ ગયા ત્યારે કે હું સ્કોટલેન્ડ ગઇ ત્યારે આપણે લગભગ દરરોજ વાત કરી છે! એ સમયે વોટ્સ એપ નહોતું અને ફોન ઘણા મોંઘા હતા તો પણ… તમે ઘરમાંથી નિકળ્યા હોય ને પાંચ મિનિટ પણ ન થઇ હોય ને તમારો ફોન આવે…. “ફલાણો રિપોર્ટ કાઢી રાખજે ને!” (યાદ છે ને કે હું તમારી પત્ની કમ સેક્રેટરી પણ હતી)

કંઇક કહેવાનું થાય ને તમે તરત ફોન ઉપાડો…. સાંજે ઘરે આવવાનો સમય હોય તોયે રીંગ વાગે..

“સાંભળ….”

“અરે, પણ તમે ક્યાં છો?”

”બસ અહીં વસ્ત્રાપુર પહોંચ્યો!”

”તો પાંચ મિનિટમાં ઘરે પહોંચી જશો, ઘરે આવીને વાત ન કરાય?”

“પછી વળી ભૂલી જઉં, એનાં કરતાં કહી દેવું સારૂં…”

”શું સારું ? આ તમારા મોબાઇલનું બિલ કેટલું આવે છે, ખબર છે?”

”જો, મારે એક પૈસાનોય ખિસ્સાખર્ચ નથી. ગાડીમાં પેટ્રોલ પુરાવું એટલું જ. મારે ન જોઇએ ચા કે કોફી, ન પાન, બીડી કે સિગારેટ… લોકોને કંઇ ને કંઇ વ્યસન હોય છે…. આ ફોન મારું વ્યસન છે એમ માનીને ચલાવી લે, બીજું શું!”

…..અને હવે તમને મારી સાથે જરાય વાત કરવાનું મન નથી થતું? એક વાર.. પ્લીઝ એક વાર વાત કરશો મારી સાથે ? બસ એક જ વાર.. ગુસ્સો નહિ કરૂં…. સાચે જ.. પછી ભલે ‘ચાલ, આવજે’ એટલુંયે કહ્યા વગર ફોન કાપી નાખજો બસ, પણ એક વાર પ્લીઝ…

આ એક નહિ, કેટકેટલી વાતો, અને હું મારી જાતને માફ જ નથી કરી શકતી.
**
….“મારે પાયલોટ બનવું છે પપ્પાજી” સી.એન. વિદ્યાલયમાં ચોથા ધોરણમાં ભણતા નિસર્ગે તમને કહેલું. તમે એને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર લઇ ગયા, ત્યાં એને વિમાન વિશે બધું બતાવ્યું અને બહુ થોડા દિવસોમાં એક પછી એક સંપર્કો દ્વારા તપાસ કરી, એક એરફોર્સ પાયલોટની સાથે એનો મેળાપ કરાવી દીધો, “તારે પાયલોટ બનવું છે ને! મળ આમને અને જે પૂછવું હોય એ પૂછ!”

નિસર્ગ અને પાર્થને લઇને દર રવિવારે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર જવાના તમારા ક્રમના અનુસંધાનમાં એકવાર રસ્તામાં એક બંગલાની ઉપર સોલર સિસ્ટમ ગોઠવેલી જોઇને નિસર્ગે પૂછેલું,

“આ શું છે પપ્પાજી ?”

“એ સોલર સિસ્ટમ છે પણ ચાલ આપણે એ જોઇને જ સમજીએ.” કહીને તમે એ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. બાળકની જિજ્ઞાસાને સંતોષવાનો આવો પ્રયાસ મકાનમાલિકને પણ ગમ્યો હતો અને એનો નાનકડો સવાલ મોટા સંતોષ સાથે વિરમ્યો હતો.
**
…. કાલે જ પાર્થ સાથે મારે બાળઉછેરની વાત થતી હતી.. એ કહે,

“અમારો વિશ્વાસ જળવાઇ રહ્યો અને વિકસ્યો એની પાછળનું મુખ્ય કારણ હતું, આપણા ઘરમાં સવાલો પૂછવાની આઝાદી. પોતાની મરજી બતાવવાની છૂટ હતી. પપ્પાજી કદી અકળાયા નથી. ક્યારેક, ખોટું જ કહી શકાય એવું અમારૂં વર્તન પણ એમણે શાંતિથી સ્વીકારી લીધું છે અને પછી ‘આ ખોટું છે’ એમ અમે જાતે સમજીએ એવું વર્તન કર્યું છે.”

મનના બંધિયાર બારણાં ખોલી આપી એને ખુલ્લામાં વિહરતા મુકી દેવાનું, એની પોતાની સમજણ વિકસવા દેવાનું, એ તમારા સ્વભાવનું જબ્બર પાસું હતું.

પ્રોફેસર તરીકેના વ્યવસાયમાં તમારી ત્રણ કોલેજ, મોરબીની એલ.ઇ. એન્જિનિયરીંગ કોલેજ, રાજકોટની વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન એટલે કે ‘વીવીપી’ એંજિનિયરીંગ કોલેજ અને વિદ્યાનગરની એ.ડી.પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, આ ત્રણે કૉલેજના તમારા સમયના વિદ્યાર્થીઓને અનેક તબક્કે એમના પ્રો. જગદીશ હિરાણીએ આપેલું આ ભાથું કામ લાગતું હશે.

બહુ પાયાની વાતો તમે એમના જીવનમાં રેડી છે. વિદ્યાર્થીઓ સાથેની તમારી નિસ્બત મેં જોઇ છે અને અનુભવી છે. એટલે, વિદ્યાર્થીઓ જ નહિ, એક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકેના રોલમાં, તમારા ક્લાયન્ટનેય તમારા ચરણસ્પર્શ કરવાનો ભાવ થયો હોય, એવાં અનેક દૃશ્યો મારી આંખ સામે આજેય તરવર્યા કરે છે, મારા આકાશમાં ઉઘડતી તમારી ઊંડી સમજણ અને એની હળુ હળુ સુગંધ ફોર્યા કરે છે, જેને મારે માત્ર અનુભવવાની જ છે, એના સુધી પહોંચવાના મારા બધા જ પ્રયત્નો હવાતિયાં સાબિત થઇ જાય એ હદે.

જીવનની ઉછળતી ચેતનાને અને પાંગરતી સર્જનાત્મકતાને તમે હંમેશા પ્રથમ સ્થાન આપ્યું, નિયમો, કાયદા-કાનૂન..અને શિસ્ત આ બધું પછી… સ્ટાફ તો ઠીક પણ પ્રિન્સીપાલનેય તમારી વાત સાથે સહમત થતાં આખરે સંતોષ થતો. તમારી આ સૂઝને પોતપોતાના અનેક અનુભવોની મહોર મારનાર કેટલાય લોકો મળશે. પણ સૌને સવાલો કરતાં શીખવી તમે પોતે આમ અચાનક મૌન થઇ જાઓ એ મારે કેમ સ્વીકારવું?…
**

“મને આ નથી સમજાતું પપ્પા” પાર્થ કહેતો.

”શું નથી સમજાતું? લાવ તારી ચોપડી અને મારી સામે બેસી મોટેથી મને સંભળાય એમ આખુંય વાંચ.”

પાર્થ કહે છે, “પપ્પાજીની સામે બેસી મોટેથી વાંચુ એટલે એ સમજાઈ જ જાય કેમ કે મોટેભાગે મેં એ ધ્યાનથી વાંચ્યુ જ ન હોય. કેટલીક વાર એવું બને કે એમ વાંચ્યા પછીય ન સમજાય તો પપ્પાજી કહેશે, ‘બીજી ચોપડી લાવ’ પછી એમાંથી કે પોતે લાયબ્રેરીમાંથી એકાદ ચોપડી લાવીને કહેશે, ‘લે, હવે આ મોટેથી વાંચ’. બસ આ પ્રોસેસમાં બધું સમજાઇ જાય.

હું મોટો થયો પછી પપ્પાજી કહેતા હતા કે તું વાંચતો ત્યારે હું મોટેભાગે સાંભળતો પણ નહોતો કેમ કે મને ખબર હતી કે એકવાર જાતે ધ્યાનથી વાંચીશ એટલે તને આવડવાનું જ છે!

…. ને ખબર છે, તમે કહેશો, “ખોલ, આપણાં સ્મરણોની પોથી ખોલ ને મોટેથી હું સાંભળું એમ વાંચ.” .

“તમે સાંભળો છો ને?”
**
…..ગયા વરસે આપણે મુંબઇ ગયા હતાં અને સાંજે ગોદરેજ કંપનીના ગેસ્ટ હાઉસની બાલ્કનીમાં શાંતિથી બેઠાં બેઠાં આપણે ઘેઘૂર વૃક્ષો પર પોતાના માળામાં પાછાં ફરી રહેલાં અસંખ્ય પક્ષીઓનો ચહચહાટ ચુપચાપ માણતા હતા અને અચાનક મૌન તોડી તમે કહ્યું’તું,

“જીવનની સાંજ પણ આવી રળિયામણી હોય તો કેવું સરસ!”

ઢળતી, પણ હજી 62 વર્ષની પૂરેપૂરી પ્રવૃત્ત બપોરે ‘સાંજ’ની વાત ભલે સાવ અપ્રસ્તુત નહોતી તોયે જીવનના અંતનો નિર્દેશ કરતી હતી એટલે મનને ધ્રુજાવી ગઇ હતી!

એ જ ટ્રીપમાં આપણે મુંબઇથી પાછા વિદ્યાનગર આવતા હતા અને વહેલી સવારે સાડા ચારે આપણો સામાન એકઠો કરી, ઉતરવાની તૈયારી કરતા હતા, કેમ કે આણંદ સ્ટેશન સવારમાં પાંચ વાગે આવવાનું હતું. ઊંઘમાંથી ઊઠ્યા પછી તરત અને કોઇ સંદર્ભ વિનાય તમે કહેલું ”આટલી નાની સફરમાંયે ઉતરવાનો સમય આવે એટલે આપણે કેવા બધું સમેટવાની તૈયારી કરવા લાગીએ છીએ અને જિંદગીની ટ્રેનમાંથી ઉતરવાની કોઇ તૈયારી નહિ કરવાની?” હું આખેઆખી પ્રશ્નાર્થ બની ગઇ હતી.

હા, એ વર્ષ 2009નું જ, તમારી વિદાયનું વર્ષ હતું !!!! આ વાક્ય તમારા મોંએ કોણે બોલાવ્યા હતા?

એમ તો અનેક પ્રોજેક્ટ-પ્લાનીંગથી ભરચક વીંટળાયેલા અને કેટલાયે નવા આઇડિયાને અમલમાં મૂકવા માટે એકશન પ્લાન કરતાં કરતાંયે બેએક વારના તમારા ઉચ્ચારણો..

‘હવે મારે કેટલું જીવવાનું છે?’

અને મને ધ્રાસ્કો સરખો પડે ત્યાર પહેલાં તો નવા કામની ચર્ચામાં તમે ડૂબી જતા. પછીથી આવા શબ્દો કાંટા બનીને અંદર વાગ્યા કરતા પણ વળી ‘એ તો ખાલી અમસ્તું જ’ મારું મન એમ જવાબ આપી દેતું.

સ્મરણોની પોથી ફરી ફરીને વાંચ્યા પછીયે તમારી આ ઠોઠ વિદ્યાર્થિની–પત્નીને કંઇ નથી સમજાતું. એ આ એકના એક સવાલનો પહાડ નથી ઓળંગી શકતી,

“કોઇ અગમચેતી નહિ, કોઇ અણસાર નહિ, છેલ્લે સુધી કોઇ બિમારી નહિ, કોઇ સારવાર નહિ, બસ થોડો દુખાવો અને તમે સુઇ ગયા… એમ જ સુઇ ગયા… ન કોઇ વાત-ચીત, ન કોઇ ભલામણ, ન કોઇ સુચના, ન જરા સરખું વ્હાલ… અરે, છત્રીસ વર્ષના સહજીવન પછી એક નાનકડું ‘ચાલ આવજે અંજુ’ પણ નહિ!
***
થોડીક, માત્ર આપણી જ ક્ષણો…

ફૂલો બધાં જ મને ગમે પણ મોટાં લીલાં પાંદડાઓ વચ્ચે આછાં પીળાશ પડતાં ચંપાના ફૂલોનાં ગુચ્છાદાર ઝૂમખાં મને કેવાં પ્રિય! આપણા પૌત્ર આર્યનના જન્મને વધાવી સ્કોટલેન્ડથી હું પાછી આવી અને ઘરમાં પગ મૂકતાં જ આંખ સુગંધી થઇ ગઇ હતી…. બાલ્કનીના કૂંડામાં હળું હળું હસતો, પીળચટ્ટા પ્રકાશને ઝીલતો, ટટ્ટાર ઊભેલો ચંપો ફૂલો સાથે ફોર્યો’તો!!

તમારા અનેક પ્રવાસો દરમિયાન હોટલની રૂમમાં બેગમાંથી શર્ટ-પેન્ટ કે રૂમાલ–મોજાં કાઢતાં અંદરથી જુદી જુદી રીતે ‘આઇ લવ યુ’ કહેતાં હસીને સરી પડતી મારી નાની નાની ચિઠ્ઠીઓ તમને હજીય નજરે તરવરતી હશે… અને એય યાદ છે ને, મારો વાંક આવે એટલે હું ગીત ગાવા માંડતી જેથી તમે તરત ભૂલી જાવ!
**

નેશનલ બુક ટ્ર્સ્ટના વર્કશોપમાં મને છેલ્લી ઘડીએ, એ જ દિવસે સવારે સૂચના મળી. મારે  એકલાં જ નીકળવું પડે, બસમાં સમયસર પહોંચાય નહિ અને તમે કેટલી સહજતાથી કહી દીધું, “એમાં શું ? ગાડી લઇને પહોંચી જા!” વાત વલ્લભવિદ્યાનગરથી અમદાવાદ પહોંચવાની હતી. મારા રસના ક્ષેત્રે હું ચુકું નહિ, એ તમારી હોંશ અને મારા ડ્રાઇવિંગ પરનો ભરોસો. એમ તો કન્સલ્ટન્ટ તરીકેની તમારી કારકિર્દીમાં શરૂઆતનો કેટલો સમય હું વઢકણા બોસના મારા હંમેશના રોલ ઉપરાંત કલાર્ક, કેશિયર, એકાઉન્ટટ, પિયુન અને ડ્રાઇવર થઇને તમારી પડખે રહી’તી એ તમે થોડા ભૂલો!

અને આવું તો કેટલુંયે….તોયે….

છતાંય છેલ્લા થોડાક વરસોમાં કયો અભાવ આપણને પીડતો હતો !! જીવનમાં યાંત્રિકતા પેસી ગઇ હતી! એમાંથી છૂટવાનો પ્રયત્ન એ જ આપણા બંનેનું કામગરાપણું? આપણી વચ્ચેનો સેતુ નિશબ્દ કેમ બનતો જતો હતો? વાણી શાંત પડતી ગઇ અને મૌન મુખર થતું ગયું !! કદીક પૂરી તો કદીક અધૂરી સમજણનો ફાંસલો! વિદ્યાનગર ADIT કેમ્પસનાં ફૂલોની તમે બનાવેલી વિડિયોમાં ફૂલોના સ્પર્શ ગુમાવ્યાનું ગાન કેમ અનુભવું છું! સુખના છલોછલ સરોવર પર ઇચ્છાઓનાં વૃક્ષો પરથી ખર્યા કરતાં નાની નાની ફરિયાદોના અનેક સુકાં પાંદડા એની તરલતાને અંધારે ઢબૂરી જ રાખે! એની ઠંડકથી, એની ભીનાશથી અસ્તિત્વને અળગું જ રાખે!

સવારમાં ઉઠતાંવેંત ‘ગુડ મોર્નિંગ ડિયર’ કહેતાં ભેટી પડવાનો ઉમંગ ક્યારે ઓજપાઇ ગયો, મને ખબર નથી રહી! સાંજ પડે ઘરે આવતાં, રસોડામાં ડાઇનીંગ ટેબલ પર બેસીને આખા દિવસની વાતો કરવાનો ક્રમ ડિલિટ થઇને એની જગ્યાએ સોફા પરની એકલી બેઠકમાં ટીવી ને લેપટોપના સ્ક્રીનનો સહવાસ ક્યારે પેસ્ટ થઇ ગયો, મને જાણ ન રહી…. સુવાના સમયે તમારા પડખામાં મારી જગ્યાએ ઓશિકું ક્યારે મુકાઇ ગયું એની મને સુધ સરખી નથી રહી અને પછી એ બધું ટેવ થઇ માલિક બની બેઠું… !

મ્યુઝિક સિસ્ટીમમાં લાઉડ વોલ્યુમ રાખી એની સાથે હું ગાયા રાખતી હોઉં ને તમે સાંભળ્યા રાખતા હો, એ દિવસો ક્યારે, કેમ ગાયબ થઇ ગયા? યાદ છે, એક વાર મેં તમને પૂછ્યું હતું, “મને ગાવાનો કેટલો શોખ છે, અને તમે કદી કહેતા નથી કે તું ગા!”

તમારો જવાબ હતો, “તું ગાતી બંધ થા એટલે કહું ને!”

ખરા સુખને નગણ્ય બનાવી દઇ, નાની નાની નજીવી વાતો જીવને કેમ જકડ્યા કરતી હતી! કેમ એટલું નહોતું કહી શકાતું, જે જીવનનું પરમ અને એકમાત્ર સત્ય હતું કે ‘હું તમને અનહદ પ્રેમ કરું છું. તમારા પ્રેમના મૂળિયાં મારા અસ્તિત્વના ઊંડાણમાં કેવી જડ નાખીને બેઠા છે….’

ઉપરનો વાદ અને અંદરનો સંવાદ ઓછોવત્તો બંને છેડે હતો. અલબત્ત તમારે પક્ષે સમતા ઘણી હતી. એમ તો રાગદ્વેષથી તમે ઘણા દૂર હતા. રાગ ખરો પણ દ્વેષ તો મેં તમારામાં કદી નથી ભાળ્યો હા, મૌન બેઉ તરફી હતું. અનેક ફરિયાદોની વચ્ચેય ટહુકા મનમાં જરૂર ઉગ્યા કરતા હતા.. કાશ, હું કહી શકી હોત! તમેય કંઇક કહી શક્યા હોત! એવો કોઇ મોટો વિસંવાદ આપણી વચ્ચે નહોતો જ, તોયે શબ્દોથી વ્યક્ત થવા આડે કે એને કોરાણે મૂકી, વ્હાલથી ભેટી પડવાને આડે કયો પહાડ આવીને ઊભો રહેતો હતો?

આ વલોપાત તમારોય હોત જો આવી વરવી એકલતા તમારે જીરવવી પડી હોત!

કોઇ કહેશે, “આવા શબ્દોની જરૂર નથી હોતી.”

“ના, હોય છે. શબ્દોનીયે જરૂર હોય છે. મનને કેવી અગાધ શાંતિ આપે છે આવા શબ્દો! અથવા તો વ્હાલથી ભરેલો સ્પર્શ! કેમ કે વાંધા-વિરોધની વાત, બહાર નીકળવાની એકેય તક નથી ચુકતી હોતી, (એય મારા તરફથી જ કેમ કે તમારી અનુકુલન શક્તિ અજબ હતી) તો પછી આ સાચા મરહમ કેમ ચુકાય?”

તમે હતાં શાલીન, સમજણભર્યા ને સંવાદી. હું રહી અધૂરી, આકરી ને ઉતાવળી. આ સાથેય આપણે બંન્ને નર્યા માનવી હતાં. મારામાં જરા જેટલી સારપ તો ખરી ને તમારીય થોડીક મર્યાદાઓ… પણ પ્રેમ પામવાની અને પ્રેમ વહાવવાની ઝંખના આપણા બેયની એકસરખી તીવ્ર! એટલે હવે મને અહીં ને કદાચ તમને ત્યાં, એકલાં રહ્યાં રહ્યાં, પાર વગરનો સંતાપ પીડે છે….  એમ થાય છે ને કે બીજું કંઇ ચુક્યા હોત તો ચાલત પણ છેલ્લે છેલ્લે રહી ગયું, અરસપરસ બસ વ્હાલ કરવાનું જ રહી ગયું…
**

લગ્નસંસ્કારમાં ગોર મહારાજ ચાર કોળિયામાં કંસારનું પ્રાશન કરાવે છે. 1. ‘તારા માંસ સાથે મારું માંસ જોડાઓ.’ 2.‘તારા રુધિર સાથે મારું રુધિર જોડાઓ.’ 3. ‘તારી ત્વચા સાથે મારી ત્વચા જોડાઓ.’ 4. ‘તારા આત્મા સાથે મારો આત્મા જોડાઓ.’…. ‘આત્મના આત્મનમ તે સંદધામિ’ આપણો શરીરયોગ સધાયો. મનોયોગ સધાયો. આત્મયોગ સધાવાની પ્રક્રિયા ચાલતી હતી અને તમે અચાનક…… એ હવે એ આ રીતે પૂર્ણ કરવાનો?

પ્રેમ એટલે અનુભુતિ. વાણી નહિ, શબ્દો નહિ. જીવનભર આપણે આવી અઢળક ક્ષણો માણી. કદીક શબ્દોમાં તો કદીક મૌનમાં. ભાવમાં ને અભાવમાં. પ્રત્યેક પળે સ્નેહનું ઝરણું અતલ ઊંડાણમાં વહ્યા જ કર્યું, એના સ્પંદનો, એની ભીનાશ પણ અનુભવાતી રહી પણ એ અહેસાસને  અનેકાનેક રીતે વ્યક્ત કરી શકવાની કેટલીય પળો કેટલીયે વાર ચુકી જવાઇ. હવે તમે મને નરી અનુભુતિના જગતમાં મૂકી દીધી છે ત્યારે કહું છું,..

“હું તમને પ્રેમ કરું છું. કોઇ જ ફરિયાદ વગર, કોઇ જ અપેક્ષા વગર, ભરપૂર પ્રેમ કરું છું…… “

જયુ, આ તમારા સુધી પહોંચે છે ને!

આપણો ધર્મ કહે છે, સંસારની મોહ માયા છોડો! રાગ દ્વેષ છોડો. મમતાના બંધન પણ છોડો. એ વાત મને નથી સમજાઇ. કેટલો સુંદર આ સંસાર છે !! મને વારંવાર આ જગતમાં જ જન્મ જોઇએ અને કદી મુક્તિ નહિ! ભગવદગીતાની વાતને પ્રમાણ માનીને ચાલીએ કે આત્મા અવિનાશી છે અને આપણે હજી જન્મ-મરણના ચક્રમાં ફસાયેલા માનવી! દેહ છૂટ્યા પછી જીવની મર્યાદાઓ દૂર થઇ જાય. એ સઘળું જાણી શકે, ભુત-ભવિષ્ય પણ એ જાણી શકે. તો એ જીવને ફરી જન્મ ન મળે ત્યાં સુધી એને પોતાના પૂર્ણ થયેલ જન્મની સ્મૃતિઓ, કદાચ આગલા જન્મોનીયે, કેટલો સંતાપ આપે? કેમ કે જીવન આખુંયે રાગ-અનુરાગ, તૃષ્ણાઓથી ભરેલું હોય છે. મૃત્યુ તો સાવ અચાનક જ આવે છે, ત્રાટકે છે અને પલકવારમાં ઊંચકીને લઇ જાય છે.

અંતકાળ સુધી માનવીને ઇચ્છાઓ પૂરેપૂરી વળગેલી હોય એટલે મૃત્યુ પછી આત્મામાં જીવભાવ રહે. સુખ-દુખ, મોહ-માયા, પ્રેમ-દ્વેષ, બધા જ ભાવો, જે સ્વભાવ સાથે જડાયેલા હોય એને એ સાથે લઇને જાય. અધૂરી ઇચ્છાઓ, અધૂરી ઝંખનાઓ, અધૂરું વ્હાલ…. પોતાંના સ્વજનો-સ્નેહીઓનું સાચું સ્વરૂપ! આત્માને પાર્થિવ શરીરની સીમાઓ નથી નડતી. એ બધા જ ભાવો અનુભવે પણ સ્થૂળ દેહ વગર એ કંઇ કરી ન શકે,.. એ કેવી ગુંગળાવનારી, પીડાદાયક સ્થિતિ બને! શું આ જ ગતિ કે અગતિ હશે? શું આ જ સ્વર્ગ કે નરક હશે ? શું આટલા માટે જ જીવનને ધીમે ધીમે વિતરાગ, સમભાવ, અનાસક્તિની અવસ્થાએ પહોંચાડવાનું ગીતામાં કહ્યું હશે?

મને એ એક વાતની રાહત છે કે ઇચ્છાઓ હોવા છતાં વિરક્તિની એક ચોક્કસ અવસ્થા તમારામાં હંમેશા જળવાયેલી હતી. મારા જેવા તદ્દન સામાન્ય માનવ કરતાં ખાસ્સી ઊંચી કક્ષાનો તમારો જીવ હતો. અને એટલે જ તમારા જીવને એટલી પીડા નહિ હોય. તમે એ જગતમાંયે સઘળું સ્વીકારી લીધું હશે. આવું શાંત અને નિરાંતવું મૃત્યુ કોને મળે?

તમને યાદ છે ને મારા શબ્દો,

“જો હું પુરુષ હોત તો આવા સિમેંટ કોંક્રીટના જંગલમાં કદી ન વસત! હિમાલયના ખોળે જઇ, દાલ-રોટીની જોગવાઇ કરી, ઝરણાં સાથે ખળખળ જીવતી હોત!”

હવે ઇંટોની આ દિવાલ ફાડી તમારા સ્મરણોના લીલાંછમ્મ વન ઉગ્યાં છે, એને સાથે લઇ હવે પહાડોમાં હૈયું ખોલતી રહીશ..નદી-સાગર સાથે ડૂબતી રહીશ અને જેમ પેલા પક્ષીઓનું ચહેકવાનું તમને ખૂબ ગમ્યું હતું એવા જંગલોમાં જાતને ખોતી રહીશ….મારા શબ્દો તો હંમેશ મારી સંગાથે જ છે, એ મને છોડીને ક્યાંય નહિ જાય..

દાદાજી કહે છે “ઇશ્વર એમની સાથે છે. મોત તો બધાંને એક દિવસ આવવાનું જ છે પરંતુ લોકો વર્ષોના વર્ષો બિમાર રહે, લાચારી ભોગવે, અનેકવાર એમના સ્વજનોયે એમની મુક્તિ માટે પ્રાર્થતા હોય. જ્યારે જગદીશભાઇએ એમની તમામ સાંસારિક જવાબદારીઓ પૂરી કરી અને કોઇ બિમારી કે પીડા વગર એમનો દેહ છૂટ્યો. ભાગ્યશાળીને જ આવું મોત મળે!”

દાદાજીની વાત સાચી છે. પણ હું અધૂરી, કાચી અને ઉતાવળી. સમજણની પ્રાથમિક કક્ષાએય હજી નથી પહોંચી અને એટલે માયાથી ભરપૂર અને સ્વાર્થી પણ ખરી. આ પત્ર પૂરો કરું છું ત્યારે, આજે પંદરમી મે 2010, આપણા લગ્નની સાડત્રીસમી વર્ષગાંઠ, અને અત્યારે સમય પણ એ જ છે જ્યારે આપણે બેય છલકાતા હૈયે મંડપમાં જવાની તૈયારી કરતા હતા !! કંઇક માગી લઉં તમારી પાસે !
**
…..એક સાંજે આપણે પરદેશ જવાની વાત કરતા હતા. બંને દીકરાઓનાં ઘર, નિસર્ગનું સ્કોટલેન્ડમાં અને પાર્થનું અમેરિકામાં. મને યાદ છે, તમે કહ્યું હતું,

”નિસર્ગ-પાર્થ મોટાં થઇ જાય એ પહેલાં એમના ઘરે જઇને રહેવું છે…”
………………….

”જયુ, પાર્થ હજી નાનો છે, અને હવે એ ઇન્ડિયામાં પાછો આવી ગયો છે. હું રાહ જોઉં છું, તમે એના ઘરે રહેવા આવશો ને!….

તમારી અંજુ

(પ્રકાશિત ‘અહા જિંદગી’ > 8-2010, ના સૌજન્યથી)

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. કોઈ પણ સંવેદનશીલ હૃદયને હચમચાવે, આંખોને ભીંજવે અને મનને વલોવે એવો એક સાચો પત્ર, સાચી વ્યકિત દ્વારા, વિદાય લઈ ચૂકેલા પતિને! પ્રિય જયુ, મને ખબર નથી, તમે કયાં છો! હું લખવા તો બેઠી છું પણ જયુ, આ પત્ર તમને કયાં પોસ્ટ કરું? મને કહો પ્રો. જગદીશ હીરાણી, તમે હંમેશાં સૌને સાચો રસ્તો બતાવ્યો છે અને મને ગુંચવો છો!
    .
    વાંચતા આંખ ભીની થાય…પણ સાંપ્રત સમયની સ્વસ્થતા અને પ્રગતિ જોઈ વેદના વિગલીત થઇ

  2. આ પત્રને હું પત્ર નહીં કહી શકું.આ તો ધોધમાર વહેતી સંવેદનાઓનું મહાકાવ્ય છે.