“જળને તરસ મૃગજળની” – (એકાંકી – ભાગ ૨) – વસુધા ઈનામદાર
(ગઈ કાલે મૂકાયેલા આ એકાંકીના પ્રથમ ભાગમાં વાંચ્યું કે મહાભારતના યુદ્ધ પહેલાં, કૃષ્ણએ સઘળા પ્રયત્નો કરી જોયા કે જેથી આવનારું ભીષણ યુદ્ધ ટાળી શકાય. શ્રીકૃષ્ણ હવે છેલ્લો પ્રયાસ કરે છે અને રાજમાતા કુંતીને કર્ણ પાસે જઈને એના જન્મની હકીકત કહેવા માટે સમજાવે છે. શ્રીકૃષ્ણ જાણે છે કે કર્ણની મૈત્રી અને બાહુબળ પર દુર્યોધન મોટો મદાર રાખે છે. જો કર્ણ પાંડવો સાથે ભળી જાય તો આ યુદ્ધ રોકવામાં અને જંગને કારણે થતો માનવસંહાર રોકવામાં માધવ સફળ થાય. કુંતી આ જ વાત કરવા ગંગા તટે સ્વારના સ્નાન કરીને દાન આપતા કર્ણ પાસે આવે છે અને એને જણાવે છે કે કર્ણ જ્યેષ્ઠ પાંડુપુત્ર છે. કુંતી અને કર્ણ વચ્ચે આ સંવાદ ચાલતો જ હોય છે. કુંતીનાં આંસુ કે આજીજીની કર્ણના ક્રોધ, અસ્વસ્થતા કે દુર્યોધન માટેની વફાદારી પર કોઈ અસર નથી થતી. કૃષ્ણ હવે એ બેઉની પાસે આવીને કર્ણને સમજવવાની કોશિશ કરે છે.
ગઈ કાલે આપણે છેલ્લે વાંચ્યું કે –
શ્રીકૃષ્ણ : (આવેશથી ધ્રુજતા કર્ણની પીઠ પર હાથ મૂકીને ) તારો ક્રોધ જરાયે અસ્થાને નથી. પણ, એકલવ્યની બાબતમાં જેમ અર્જુન નિર્દોષ છે, તેમ, ફોઈબાની બાબતમાં પાંડવો અજ્ઞાત છે. હવે તો તું પોતે પણ જાણે છે કે તું સૂર્યપુત્ર છે. ઉચ્ચકુળમાં તારો જન્મ થયો છે. વિશેષ તો તું કૌંતેય છે!!!
કર્ણ : ઉચ્ચકુળમાં જન્મ્યો તેથી શું થયું? ગંગાનું મધુર, પવિત્ર જળ મહાસાગરને મળ્યા પછી તે ગંગાજળ નથી રહેતું!! માધવ, આજે હું કૌરવોના મહાસાગરમાં ભળી ગયો છું. કૌરવોના સર્વ ગુણ-દોષથી જ્ઞાત હોવા છતાં વહી ગયેલા નીરને પાછાં વાળવાનો વ્યર્થ પ્રયત્ન ના કરો …ચાલો પ્રણામ!
હવે અહીંથી વાંચો આગળ….)
કુંતી : ચાલો માધવ. મારા કારણે તમને વ્યર્થ ફેરો પડ્યો! એને મારા વહેતા આસુંની વ્યથા ક્યારેય નહીં સમજાય!!
કર્ણ : (પ્રણામ કરીને બે ડગલાં આગળ નીકળી ગયેલો કર્ણ ઝટ પાછા ફરીને ઉગ્રતાથી ) ભડકે બળતા દાવાનળ અશ્રુથી ભીંજાતા નથી કે ઓલવાતાં નથી! મારા મરૂભૂમિ જેવા જીવનમાં શીતળ છાંયડાની જરૂર હતી, જાણો છો ક્યારે? મને દ્રૌપદીએ અપમાન્યો હતો ત્યારે! એ સમયે મને પ્રેમભર્યા આશ્વાસનની જરૂર હતી. મારી જન્મદાત્રી હોવાં છતાંય તમને મારી પીડા કેમ ના દેખાઈ?
કુંતી : કૌંતેય તેં જ્યારે જ્યારે પીડા ભોગવી છે , ત્યારે ત્યારે મારા અંતરમાં મેં પણ તારી પીડા, અનુભવી છે,! પણ તું એ નહીં માને તેથી એ કહેવાનો અર્થ નથી. કૌરવોના સહવાસમાં રહીને દુર્યોધન અને દુઃશાસન જેવું બોલતી વખતે તું ભૂલી જાય છે કે, વજ્ર જેવી છાતી સ્ત્રી પાસે નથી હોતી. મારી વ્યથાને વર્ણવવા મારી પાસે શબ્દો નથી. મારા કુંવારા માતૃત્વને વરીને હું વણકથી સજા ભોગવતી હતી ને તરત જ મને વિવાહના બંધનમાં બંધાવું પડ્યું. દેવો દ્વારા શાપિત થયેલા પતિને કારણે જુદા જુદા દેવો દ્વારા મને પુત્ર પ્રાપ્તિ થઈ. અને અચાનક પછી મને વૈધવ્ય પ્રાપ્ત થયું. રાણી માદ્રીને તો મહારાજ સાથે સતી થવાનું સૌભાગ્ય મળ્યું પણ તારા બધાં ભાઈઓને ઉછેરીને મહારાજ પાંડુના સાચા હકદાર વારસ બનાવવાનું મારા નસીબે આવ્યું. તને એનું કારણ ખબર છે બેટા?
કર્ણ : પણ આ બધી હકીકત સાથે મારે શું લેવા-દેવા છે?
કુંતી : છે, કર્ણ. મારી દરેક પીડાને સમયે તું સદાય મારી નિકટ હતો. માત્ર તું જ! એટલું જ નહીં, યુધિષ્ઠરને સ્તનપાન કરાવતી હોવું ને ખોળામાં કવચ કુંડલવાળો તને હું કલ્પતી અને એકીટશે જાણે તને જ નિહાળતી. પણ, જવા દે એ બધી વાત! નથી ગાવી મારે એ વીતકકથા. એ પાંચેય મોટા થયા પછી પણ હું તને સદા સ્મરતી. કૂટ રાજનિતિથી લાક્ષાગૃહમાં થયેલી તારા બાંધવોની ફસામણી, ને વનમાં અન્નપાણી વિના ભટકતાં ત્યારે, મારું મન તારો સહારો ઝંખતું. પણ…
કર્ણ : (અચાનક લાગણીશીલ બનીને કુંતીના નજીક જઈને ઘૂંટણે બેસી, એમના બંને હાથ પકડીને) પણ શું રાજમાતા? બોલો ને માતા? એવું હતું તો ત્યારે મને કેમ બોલાવ્યો નહીં?
કુંતી : (હર્ષઘેલી થઈને બે હાથો વડે કર્ણને છાતી સરસો ચાંપીને) તેં મને માતા કહી? કર્ણ તેં મને મા કહી …તેં મને માતા કહી… ઓ મારા દીકરા, દાનવીર કર્ણ…………!
કર્ણ : (પછી માતાથી છૂટા પડીને ) હા, માતા. હું કૌંતેય….સૂર્ય પુત્ર કર્ણ…કૌંતેય તમને પ્રણામ કરું છું માતા!
શ્રીકૃષ્ણ : (ઉત્સાહિત થઈને ) આ માતા -પુત્રનું મિલન ઈતિહાસ સદૈવ યાદ રાખશે. ધન્ય છે કૌંતેય ને ધન્ય છે તારી માતા!
કુંતી : આજે મારા જીવનનો એક બોજ હળવો થયો છે. સાંભળ, દીકરા કર્ણ, કૌરવોએ ખાસ કરીને દુર્યોધને તારા હ્રદયમાં પાંડવો વિષે સતત વિષ ઘોળ્યું છે. ચાલ, તું તારા બંધુઓને હજુ ઓળખતો નથી. ચાલ, અમારી સાથે. મારી આજ્ઞાથી પત્ની વહેંચીને જીવનારા તારા ભ્રાતાઓ, મારા એક વચન પર એમના મસ્તક તારા ચરણોમાં ઢાળી દેશે !!
કર્ણ : (થોડો કૂણો પડીને) મા, મને મારી કબૂલાત કરી લેવા દો. સાંભળો. મેં પણ અપરાધો કર્યા છે. હું પાંડવોનો જ નહીં , દ્રૌપદીનો પણ ગુનેગાર છું. હું ક્યા મોઢે મારો હક જમાવું? તમારા સહુથી હું દૂર છું, એ જ મારા અપરાધની સજા છે. મા, હવે મને તમારી સાથે આવવાનો આગ્રહ ના કરશો !
શ્રીકૃષ્ણ : (સ્વગત- આ જ ક્ષણે તક ઝડપી લેવા દે ) કૌંતેય, સમ્રાટોના સમ્રાટ તરીકે આર્યાવર્તના વંશજો તારું શુભ નામ સુપ્રભાતે ઉચ્ચારશે. તારું જીવન ખરેખર સફળ થઈ જશે. તને સમજાય છે ને હું શું કહું છું તે?
કર્ણ : (ઉદાસીનતાથી ) હે કેશવ, સૂર્યના કિરણો એક દિશામાં ગયા પછી પાછાં ફરતાં નથી. અંધકારને પ્રકાશિત કર્યા પછી પ્રકાશ પાછો નથી ખેંચાતો!
શ્રીકૃષ્ણ : પણ દુર્યોધનના પક્ષે અધર્મ છે છતાં?
કર્ણ : એ હું જાણું છું માધવ. પણ, ધર્મ અને સત્ય શું સાપેક્ષ નથી? જુઓને ભીષ્મ પિતામહ! લાચાર બનીને કૌરવના પક્ષે રહીને કૌરવોની અધોગતિ નિહાળી રહ્યાં છે. શું તેઓ ધર્મ અને અધર્મ નથી જાણતા, એવું તમને લાગે છે? દુર્યોધને અનેક કપટ અને ષડયંત્ર રચી પાંડવોનો નાશ કરવા પ્રયત્નો કર્યા પણ સામે પક્ષે રંગાગારમાં મને પાંડવો દ્વારા સૂતપુત્ર કહેવામાં આવ્યો ત્યારે પળનોય વિલંબ કર્યા વિના મને અંગદેશનો રાજા બનાવ્યો. તે જ દિવસથી મેં મારા ‘સ્વ’ને દુર્યોધનના ચરણે મૂકી દીધો.મારા કહેવાતા કનિષ્ઠ કુળના કાદવ-કીચડમાંથી એણે મને બહાર કાઢ્યો. માતા, તમે જો મારો જન્મ વૃતાંત મને વહેલો જણાવ્યો હોત તો મેં અને અર્જુને, ના, ના, અમે છ ભાઈઓએ સમગ્ર ધરતી જીતી લીધી હોત..!
શ્રીકૃષ્ણ : કર્ણ, તે હજુ પણ શક્ય છે. હવે ઝાઝો વિચાર ન કરીશ. ચાલ, અમારી સાથે. વિપ્લવ વનમાં. તારા શૂરવીર બંધુ પ્રતિ ગતિ કર. જ્યેષ્ઠ બંધુ તરીકે તારો જ રાજ્યાભિષેક થશે! એટલું જ નહીં, યુધિષ્ઠિર તારી સેવામાં રત રહેશે. સામર્થ્યશાળી ભીમ તારા મસ્તક પર છત્ર ધરશે અને અર્જુન તારા બાણોને તિક્ષ્ણ બનાવી તારી શૂરવીરતાને બિરદાવતો રહેશે. નકુલ અને સહદેવ સહિત પાંડવો તારું નેતૃત્વ સ્વીકારશે!
કર્ણ : નહીં …નહીં. દુર્યોધને મારા જ બળે જો યુદ્ધના નગારાં વગાડ્યાં હોય તો મેં કુરુઓનો અંતિમ ક્ષણે વિશ્વાસઘાત કર્યો કહેવાય! હું હારી જઉં કે મારા પ્રાણ જાય, તોય હવે હું એમનો જ! આપદાના સમયે મદદે આવે તે જ ખરો મિત્ર. એણે મારો હાથ વિપદ ટાણે ઝાલ્યો હતો. હું પણ એને જરૂર પડે સાથ આપીશ. એણે આપેલ રાજ્ય અને તે દ્વારા પ્રાપ્ત થયેલ સુખ, વૈભવ અને રાજસી વિલાસને હું ઉપભોગતો રહ્યો છું. હવે આ ક્ષણે હું એનો દ્રોહ કરું? મા ગંગાએ મારા પ્રાણ બચાવ્યા, સૂર્યદેવે મને શૌર્ય અને શ્રદ્ધા બક્ષ્યા, શું મિત્રદ્રોહ અને રાજદ્રોહ કરવા માટે?
શ્રીકૃષ્ણ : તો માતા કુંતીએ તને કશું જ નથી આપ્યું?
કર્ણ : તેથી જ કહું છું ,મારે હવે માતા કુંતીનો પુત્ર તરીકે શોભી રહું એમ વર્તવાનું ને લડવાનું છે. એટલું જ નહીં, સૂર્યપુત્ર થઈને ગર્જવાનું છે. માધવ, તમે જેમ પાંડવોના તેમ હું હવે કૌરવોનો!!
શ્રીકૃષ્ણ : તો તું નહીં જ માને, અંગરાજ?
કર્ણ : હે માધવ , તમે જ કહો ,પ્રેમ અને સ્વાર્થ ખાતર પાંડવોના પક્ષે રહી હું કઈ રીતે લડું? એ શું કૌંતેયને શોભા આપશે? લડતાં લડતાં મળેલા મૃત્યુને હસીને સ્વીકારી લઈશ પણ મારા અંતર આત્માને નહીં મરવા દઉં.
કુંતી : ( થોડીક અસ્વસ્થતાથી ) તો શું તારા સહોદરની સામે તું શસ્ત્ર ઉપાડીશ?
કર્ણ : માતા, યુદ્ધની શરૂઆત થાય પછી આપણી સાથેના પહેલેથી જોડાયેલાં સંબંધો, જેમ કે, નજીકનાં કે દૂરનાં, ગુરુ કે શિષ્યનાં, મિત્ર કે દુશ્મનના- એવા કોઈ ભેદ રહેતા નથી. માતા આપણી સામે જે જે લડવા ઊભો રહે તે તે આપણો શત્રુ……બસ, આટલી જ વાત રહે છે. અને મા, હું, શસ્ત્રો મારા ધર્મને માટે ઉપાડીશ!
કુંતી : કર્ણ બેટા, તું શું કૌરવોને કોઈ પણ રીતે ના ત્યજી શકે, તારા બાંધવો ખાતર?
કર્ણ : ના માતા. હું તેમને મારા ખાતર પણ ના ત્યજી શકું !
કુંતી : માતૃૠણ ચૂકવવા, મારી ખાતર પણ નહીં ?
કર્ણ : મારી વાત સાંભળો. મને જ્યાં સ્નેહ મળ્યો ત્યાં ઢળી પડ્યો. જ્યાં વિદ્યા મળી તે સ્વીકારી. એમ કરતા શાપ મળ્યો તો તેને પણ વરદાન સમજીને સ્વીકારી લીધો. જેણે જે માગ્યું તેને તે આપવામાં મેં કદી આનાકાની નથી કરી! કાલ ઊઠીને કોઈ કવચ કુંડલ માંગી લેશે તોય શું? હું દરેક પરિસ્થિતિને સદૈવ સ્વીકારતો રહ્યો છું. તો હવે આ જીવન સંધ્યાએ…
કુંતી : (પ્રેમવશ થઈને ગદગદ્ કંઠે) એમ ન કહે પુત્ર. હજુ તો સમગ્ર જીવન તારી સમક્ષ છે!
કર્ણ : માતાશ્રી, જયારે યુદ્ધના નગારાં વાગતાં હોય ત્યારે નશ્વર જીવનનો મોહ શો ? અને એનો શો ભરોસો?
કુંતી : આ સમયે તો સર્વસ્વ તારી સમક્ષ છે ત્યારે એને ઠોકર ના મારીશ પુત્ર!
કર્ણ : (ફરી નૈરાશ્યમાં સરી પડતાં ) જીવનના નિર્વાણ સમયે મારે એનો શો ખપ? જન્મથી જ માતૃસુખ ન પામેલો અને જીવનના ઐહિક સુખનો અધિકાર પણ અન્યની દયા પર પામેલો હું..!
કુંતી : એમ ન કહે કર્ણ ! વીતેલો સમય તો ફરી નહીં લાવી શકાય ,પરંતુ તારી હકની દુનિયા તારી સમક્ષ જ છે. હાથ આગળ કર અને પામી લે. એટલું જ નહીં પણ જન્મથી માતૃસુખથી તું વંચિત ભલે રહ્યો હોય પણ તું સાથે આવીશ તો હસ્તિનાપુરની શેરીએ શેરીએ તું મારો પુત્ર છે એમ હું કહેતી ફરીશ.
કર્ણ : તમારી બધી વાત સાચી પણ હવે ખૂબ મોડું થયું છે. ને રહી યુદ્ધની વાત, એ તો થશે જ.
કુંતી: યુદ્ધ ટાળવા માટે જ કહું છું,ચાલ મારી સાથે ……!
કર્ણ : (હસીને) રાજ માતા , ક્ષત્રિયાણી થઈને યુદ્ધથી ડરો છો?
કુંતી : (કર્ણની વાત સાંભળી ન સાંભળી ) તમે સહોદર થઈ એકબીજા સામે શસ્ર લઈને
ઊભા રહેશો ,એમજ ને ? દાનવીર તરીકે તારા નામે ઢંઢેરો પીટાય છે !
કર્ણ : (સ્મિત કરીને )માંગો માતાશ્રી …
કુંતી :(ગૌરવ પૂર્વક ) હું ક્ષત્રિયાણી છું , મને આમ ……
(કુંતી વાક્ય પૂરુ કરે તે પહેલાં શ્રી કૃષ્ણ વચ્ચે બોલે છે.)
શ્રીકૃષ્ણ : (કર્ણની નજીક જઈને) શું તું એમ માને છે કે આ યુદ્ધ માત્ર કૌરવો અને પાંડવો વચ્ચે છે કે પછી, તારા અને અર્જુન વચ્ચે છે? કે પછી ભીમ અને દુર્યોધન વચ્ચે છે? યુદ્ધમાં ન જાણે કેટકેટલાય નરવીરોનો સંહાર થશે!! એટલું જ નહીં, આ જીવતાં નગરો સ્મશાનમાં પલટાશે અને રક્તની નદીઓ વહેશે. આ નગરની સ્ત્રીઓ પતિ, પિતા, પુત્ર કે ભાઈને ગુમાવશે. આ મહાભારતનું યુદ્ધ યુગોના યુગો સુધી માનવ સંહારની ગાથા ગાશે, પણ જો તું ખસી જઈશ તો આ યુદ્ધ અટકાવવાની શક્યતા વધી જશે .
કર્ણ : હવે વધુ કંઈ ના કહશો કેશવ. ભાવિને કોણ ટાળી શક્યું છે? તમને શું લાગે છે કે હું આ ભીષણ યુદ્ધનાં પરિણામોથી અજાણ છું? હે કૃષ્ણ, તમે મારા સુધી આવવામાં ખૂબ મોડું કર્યું છે. યુદ્ધના ગગનભેદી ધ્વનિ મારાં કાનોમાં સતત સંભળાય છે , જે મને યુદ્ધ તરફ પ્રેરે છે …!
કુંતી : પણ દીકરા, તું મારો પણ વિચાર નથી કરતો? જીવન આખું તારા વિયોગે ઝૂરીઝૂરીને વીતાવ્યું. હવે મારા પુત્રો મારે સહીસલામત જોઈએ છે !
કર્ણ : (અતિ ઉત્સાહથી) માતા કુંતીદેવી, તમારાં પાંચેય પુત્રો સુરક્ષિત રહેશે. આ કૌંતેયનું તમને વચન છે.
કુંતી : (કાન ઉપર હાથ મૂકીને) ના ….ના .., દીકરા, મારે તો મારા છ એ છ પુત્રો જોઈએ છે.
કર્ણ : (કુંતીની નજીક જઈને) કર્ણની માતા કહેવડાવતી સ્ત્રીના શબ્દો વારંવાર બદલાય નહીં, તેમાંય તે જયારે રાજમાતા હોય ત્યારે તો ખાસ ! હું તમને મારો શબ્દ આપું છું. તમારા ચાર પુત્રો સાથે હું યુદ્ધ નહી કરું, પણ અર્જુનને..
કુંતી : (ભયભીત થઈને) અર્જુનને શું …?
કર્ણ : માતા, જેમ ગુરૂ દ્રોણાચાર્યએ બતાવેલ પંખીની આંખ અર્જુનનું લક્ષ્ય હતું, તેમ મારા ચક્ષુ, મારું લક્ષ્ય, મારું ધનુષ, મારું શૌર્ય અને મારું નિશાન એક માત્ર અર્જુન જ હશે …..!કેમ કે, અર્જુન એટલે ચૈતન્યનો ભંડાર ,શૌર્યનો ચમકાર, એ બધું જ માત્ર એક લક્ષ્ય ને એક નિશાન રાખીને, હું બુઝાવી દઈશ!
કુંતી: શું મારો જ્યેષ્ઠ કૌંતેય એવું ઈચ્છે છે કે એની માતા જીવનભર કોઈ એક પુત્ર વિના હંમેશ ટળવળતી રહે? આખું આયુષ્ય તારા વિયોગે પસાર કર્યું ને હવે મારા અર્જુન વિના ……
કર્ણ : (હસીને ) અર્જુન નહીં હોય તો હું હોઈશ માતા ! ને, આમ તમારાં પાંચેય પુત્રો તો રહેશે જ. પણ, અર્જુન કાં તો કર્ણ, બેમાંથી એક જ!
શ્રીકૃષ્ણ : (ખેદથી પણ દ્રઢતાપૂર્ણ ) તથાસ્તુ! તું જેમ ઇચ્છશે, એમ જ થશે, પણ હે કૌંતેય , મારા મનથી પાંડવોની જીત નિશ્ચિત છે. અને તે જ ન્યાય છે. અધર્મ અને અસત્યનું પરિણામ સમગ્ર વિશ્વ વ્યાકુળ થઈને નિહાળશે! જઈએ ત્યારે મિત્ર. હવે તો યુદ્ધભૂમિમાં જ મળીશું !
કર્ણ : (અસ્વસ્થ થઈને, ગળગળા સાદે) પાંડવોને પ્રિય એવા કેશવ …(..અને આગળ કશું કહેતા મુંઝાય છે)
કુંતી: (આશા બંધાય છે ) બોલ, કર્ણ, બોલ. હજુય કશું કહેવું છે ? આવે છે ને, અમારી સાથે?
(કુંતી એનો હાથ પકડવા જાય છે. કર્ણ બે ડગલાં પાછળ ખસી જાય છે. )
કર્ણ : નહીં માતા. તમે સમજ્યાં નથી. (પછી કૃષ્ણની સામે જોઈને) પાંડવોનું હિત ઈચ્છનારા હરિહર! કૃપા કરી મારા જન્મનો ઈતિહાસ પાંડવોને કહશો નહીં. એ લોકો જો એ વાત જાણશે તો યુધિષ્ઠિર યુદ્ધને છોડી કોઈ તીર્થ કે વનવાસે ઉપડી જશે. ગાંડીવધારી અર્જુન એના ધનુષ્યનો ટંકાર કરવાનું ભૂલી જશે. અને ભોળો ભીમ? એ તો એની ગદા ફેંકીને મને એની વિશાળ ભૂજામાં સમાવી લેશે ….. હું એ બંધુપ્રેમને લાયક નથી.
શ્રીકૃષ્ણ : કર્ણ …..! મારી આ વાત સાંભળ ………
કર્ણ : હવે વધુ કશું કહેશો નહી ! આ મહાભારતના યુદ્ધમાં હું મારા દેહની સમીધ હોમિશ. હું લાચાર છું, ગોવર્ધન ! (એક નબળી ક્ષણમાં ઘૂંટણીએ બેસી પોતાનો ચહેરો બે હાથ વડે ઢાંકી દે છે.) માતાશ્રી, કર્ણ અને પાંડવના સખ્યનો સમય તો કયારનોય ગંગાના નીરમાં વહી ગયો છે !! નિયતિએ મારે તમને ‘ના’ માં જવાબ આપવાનું નક્કી કર્યું હશે. મને ક્ષમા કરો સુદર્શન ચક્રધારી !!
શ્રીકૃષ્ણ : (થોડી રૂક્ષતાથી) કર્ણ, યુદ્ધ તો થશે જ અને એમાં કૌરોવોના જ નહીં, પાંડવોના પક્ષે પણ શૂરવીરો હણાશે. એ વિનાશ ટાળવા જ હું ફોઈબાને લઈને અહીં આવ્યો હતો !
કર્ણ : (અત્યંત દુઃખી થઈને) હવે મારી એક વાત સાંભળો. હવે મારું યુદ્ધ અંગરાજ કર્ણ, કે ધનુર્ધારી કર્ણના આવેશથી નહીં હોય!! અંધારાના ઉદરપટલને છેદતાં પ્રકાશના કિરણોની જેમ હું લઢવાનો હતો. હું સૂર્યપુત્ર, મારા રક્તથી સૂર્યને અર્ધ્ય ચઢાવવાનો હતો. પણ, આજે તમે જાણેઅજાણે આ અંતિમ પ્રહાર કરીને મારા હાથ પગનું શૌર્ય જ હણી લીધું છે. મારા ગાત્રોને શિથિલ કર્યાં છે. હું સૂતપુત્ર તરીકે મોટો થયો. પિતા અધિરથનો પ્રેમ પામ્યો અને રાધામાનું નિસ્વાર્થ માતૃત્વ પામ્યો. સૂતકૂળના જ સંસ્કાર લીધા અને સૂતકન્યાને પરણ્યો. એણે મારો સંસાર માંડ્યો ને મારો વંશ વધાર્યો ! મને ક્ષત્રિય હોવા છતાંયે ક્ષત્રિયના સંસ્કાર ન મળ્યાં, છતાં પણ, જીવનની અંતિમ ઘડીએ તો મને મારું ક્ષત્રિયપણું ઉજાગર કરવા દો.
શ્રીકૃષ્ણ : તે કઈ રીતે ? તારી વાત મને સમજાતી નથી !
કર્ણ: (વ્યથિત થઈને) માધવ તમે તો જાણો છો, કે ક્ષત્રિય મૈત્રીમાં લંબાવેલો હાથ કોઈ પણ ભોગે પાછો ખેંચતો નથી. (પછી કુંતી દેવીને ઉદ્દેશીને ) માતાશ્રી, મનેઆશીર્વાદ આપો. હું કૌંતેય આપને પ્રણામ કરું છું.
કુંતી : (ગદગદ કંઠે કર્ણના માથે હાથ મૂકીને ) પુત્રપ્રેમથી સદા ઝૂરતી રહેલી આ માતાના દરેક શ્વાસને આશીર્વાદ સમજજે !
શ્રીકૃષ્ણ : (કુંતીનો હવે આગળ કંઈ બોલવાનો અર્થ નથી એમ સમજાતાં ) ચાલો ફોઈ બા, જઈશું ?
કર્ણ : (બે ડગલાં આગળ દોડીને ) માતાશ્રી, મારે એક વિનંતી કરવી છે !
કુંતી : (ઊભી રહી જઈને) કહો, કર્ણ ….!
કર્ણ : માતાશ્રી, તમે પાંડવોને ખૂબ સંભાળ્યાં. પાંચેય જણાને પ્રેમથી મોટા કર્યાં. તમારાં છલોછલ માતૃ વાત્સલ્યનો તેઓ લાભ પામ્યાં. માતાશ્રી, પાંડવો તો માતૃસુખથી તૃપ્ત છે. એક હું જ તમારી મમતાથી વંચિત રહ્યો છું , માતા તમે જ ચાલોને મારી સાથે? કુંતીદેવી નહીં, રાજમાતા નહીં, પણ માત્ર કર્ણની માતા સમજીને લોકો તમને વંદન કરશે, એટલું જ નહીં મારા પરમ મિત્રો તમારી સમક્ષ નત મસ્તક ઊભા રહેશે ….! મા, તમે ચાલો.(કૃષ્ણની સામે જોઈને ) આ કર્ણનું તમને વચન છે કે હું યુદ્ધ નહીં કરું …..! મા બોલો, મા બોલો, આવશોને ? આ અકિંચન કૌંતેયની સાથે? માત્ર મારી માતા બનીને ચાલો. મારે યુદ્ધ ના જોઈએ, અંગદેશનું રાજ્ય પણ નહીં. હું યુદ્ધ નહીં કરું એવું વચન હું આ કવચ કુંડળની સોગંદ ખાઈને આપું છું !!!
શ્રીકૃષ્ણ : (હસીને) કર્ણ, તું તો ખરો યુક્તિબાજ નીકળ્યો !
કર્ણ : ના માધવ, હું તમારી જેમ રાજ નીતિજ્ઞ નથી, સીધી સાદી ધનુષ્યનાં તીર જેવી સચોટ વાત કરું છું …. મારા હ્રદયમાંથી નીકળેલી આ વાતમાં કોઈ ભેદ નથી – કોઈ ચાલ નથી …આવો છો ને માતાશ્રી?
કૃષ્ણ : (કર્ણની વાતનો કુંતીમાતા કોઈ જવાબ આપે એ પહેલાં એમનો હાથ પકડીને ) ચાલો
ફોઈબા, જઈએ હવે !!
(કુંતી કૃષ્ણએ પકડેલો હાથ હળવેથી વિવેકપૂર્વ છોડાવીને કહે છે.)
કુંતી : કર્ણ બેટા , જે હું ઈચ્છા છતાં આખી જિંદગી ન કરી શકી એ હવે મારી આથમતી જીવન સંધ્યાએ કઈ રીતે કરી શકું ?
કર્ણ : (ઉદાસીનતાથી) હું સમજી શકું છું. ભલે માતાશ્રી. આપની જેવી ઈચ્છા. જો મેં અવિનય કર્યો હોય તો મને ક્ષમા કરો! તમે શૂર પુત્રોને જન્મ આપનારાં, એક રાજમાતા અને એક ક્ષત્રિયાણીને શોભે એમ પાંડવોને યુદ્ધ માટે પ્રોત્સાહિત કરજો. દ્રૌપદી સાથેના અવિનય માટે મને ક્ષમા કરવાનું કહજો ……ને મારી તમને હાથ જોડીને વિનંતી છે કે મારા જન્મના રહસ્યનો પડદો એમ જ રહેવા દેજો !! (કર્ણ પળવાર થંભી જાય છે )
કુંતી : (પુત્ર સ્નેહથી અસ્વસ્થ બનીને) બીજું કઈ કહેવું છે પુત્ર?
કર્ણ : હા માતાશ્રી, જો હું યુદ્ધમાં હણાઇશ ,તો મારી અંતિમ ઈચ્છા છે …… (કૃષ્ણની નજીક જઈને )
હે કૃષ્ણ, હે કેશવ! (સહેજ વાંકા વળીને વંદન કરીને) તમે મારા અંતિમ સંસ્કાર એક એવી ખડતલ ભૂમિ પર કરજો, જ્યાં કદી તૃણનો અંકુર પણ ફૂટ્યો ના હોય , ધરતીનો એવો ખૂણો જ્યાં મારા દુઃખો ,મારી પીડા ફરી કદીએ આ મૃત્યુલોકમાં ઊગી ન શકે, તે પુનર્જન્મ ના લે !!! મારો આ દેહ કુંવારી ધરતી પર વિલીન થાય એવું કરજો !!! મારી આ અંતિમ ઈચ્છા પુરી કરશોને મધુસુદન?
કુંતી : (ગળગળા સાદે) એમ ન કહે પુત્ર …… ,
કર્ણ : (કુંતીને ઉદ્દેશીને) માતા કુંતી, જો હું યુદ્ધમાં હણાઉં તો તમે પણ મારા માટે એવું રૂદન કરજો કે તમારા એ પશ્ચાતાપી રૂદનથી દશયે દિશામાંથી માનવોથી માંડીને પશુ ,પંખી ,સહુ કોઈ પોતાના સંતાનોની સાર સંભાળ લેવા દોડી આવે! ફરી હવે કોઈ કુંતી ના બને ,એટલું જ નહીં કોઈ કુંતી કર્ણનો ત્યાગ ના કરે! માતાશ્રી, તમારું એ રૂદન મને સ્વર્ગમાં શાતા આપશે! માતાશ્રી, કરશો ને અંતરને ચીરી નાખે એવું રૂદન? તમારા અભાગી, ત્યજાયેલા ને સૂતપુત્ર કહેવાયેલા સંતાન ખાતર? આ જન્મમાં મારું અને તમારું આ પ્રથમ અને અંતિમ મિલન! હવે આપણે છૂટાં પડીએ એ પહેલાં, આ જન્મમાં તમારા આ અભાગી પુત્રના પ્રથમ અને અંતિમ પ્રણામ સ્વીકારો માતાશ્રી! કેશવ, મને મારા અંતિમ સમયે તમારું સાનિધ્ય અને અંતિમ દર્શન હજો. ઓ કૃષ્ણ , અંતિમ સમયે તમારા દર્શન ………તમારા દર્શન… બસ…
(પડદો પડેછે. )
લેખિકા – વસુધા ઇનામદાર
(સંદર્ભ ગ્રંથ – પરિત્રાણ – (ગુજરાતી નાટક )- દર્શક ,
મૃત્યંજય (મરાઠી નવલકથા )- શિવાજી સાવંત,
યુગાન્ત -ઈરાવતી કર્વે ,
તેમજ અન્ય મહાભારત આધારીત કથાઓ અને લેખો)
સરસ એકાંકી ! શાળા જીવનમાં એક પાઠ ભણવામાં આવતો , તેની બે પંક્તિ આજે અચાનક જ યાદ આવી :
તાહરા પાંચ ના પાંચ પુત્રો રહેશે યશસ્વિની
વિના અર્જુન હું થી , કે તે અર્જુનથી હું મર્યે !!
વસુધાબેને સરસ રીતે કર્ણ નું પાત્ર વિકસાવ્યું છે :
“ગંગાનું પાણી પણ એક વખત સમુદ્રને મળે છે પછી એ સમુદ્ર જ કહેવાય છે ! “કર્ણ કહે છે .
અને એ જ રીતે આખું જીવન સુત પુત્ર તરીકે રહ્યા પછી એ હવે પાંડવ પક્ષમાં આવવાનો નથી એ જણાવવા
એ કહે છે ; “સૂર્યનું કિરણ ગયા પછી
પાછું વળતું નથી ..”
કર્ણના ઘણા બધાં સંવાદો ધારદાર છે – કુંતી ઝાંખી જ પડે છે
ક્રુષણની રાજનીતિ પણ એટલી ચોટદાર નથી ; પણ લેખકને એ જ તો દર્શાવવું છે , જળને તરસ છે મ્રુગજળની!
આ એક એવું ધર્મયુદ્ધ છે જ્યાં કર્ણ વિજયી બન્યો છે, ને ક્રુષણની રાજનીતિ નિષ્ફળ !
Thanks Geeta bahen 🙏