‘સરદારની’ (મૂળ વાર્તા) ~ લે. ભિષ્મ સાહની ~ (ભાવાનુવાદ) ~ રાજુલ કૌશિક
(સત્ય ઘટનાને આધારિત ભિષ્મ સાહની લિખિત વાર્તા- “सरदारनी” નો ભાવાનુવાદ)
‘સરદારની’
અચાનક જ સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં જાતજાતની અફવાઓ આગની જેમ ફેલાવા માંડી હતી. કોઈ કહેતું હતું કે, શહેરની બહાર રાજપૂત રેજિમેન્ટની ટુકડી આવી પહોંચી છે. આ વખતના રામનવમીના સરઘસમાં દર્શન માટેની ગાડીઓમાં બરછી, ભાલા અને તલવારો ભરેલી રહેશે. હિંદુઓના મહોલ્લામાં મોરચાબંધી કરવામાં આવશે. દર પાંચ ઘરની વચ્ચે એક એક બંદૂકની વ્યવસ્થા હશે.
હિંદુઓના મહોલ્લામાં એવી હવા હતી કે જામા મસ્જિદમાં લાઠીઓના ઢગલા ખડકાવા માંડ્યા છે. નક્કી કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે.
જોત જોતામાં શહેરમાં ભયનું વાતાવરણ સર્જાયું. હિંદુ, શીખ કે મુસલમાન સૌએ એક બીજાના મહોલ્લામાં જવાનું બંધ કર્યું. લારીવાળા કે છાબડીવાળા નીકળે તો એ પણ સાંજ પહેલા ઘર ભેગા થઈ જતા. સાંજ ઢળતાં તો ગલીઓ સૂમસામ થઈ જતી.
ભાગ્યે બે-ચાર લોકો એકઠા થતા જોવા મળતા. તણાવ તો એટલો વધી ગયો કે કોઈ ટાંગાવાળો કે છકડો ઝડપથી પસાર થાય તો પણ દુકાનદાર પોતાની દુકાનો લગભગ બંધ જેવી કરી દેતા.
એવો સમય હતો કે કોઈના ઘરના ચૂલાની ચિનગારી ઊડે તો આખું શહેર ભડકે બળ્યા જેવું લાગતું. ઘરમાં કે બહાર, ક્યાંય શાંતિ નહોતી. અફવા માત્રથી શહેર તંગ થવા માંડ્યું હતું.
આવા તણાવને લીધે સમયથી પહેલા સ્કૂલો બંધ કરી દેવામાં આવી. વિદ્યાર્થીઓને બપોર પહેલા જ પાછા મોકલી દેવામાં આવ્યા. માસ્તર કરમદીને પણ ઘર તરફ પ્રયાણ કર્યું.
અમથા પણ કરમદીન માસ્તર તો સાવ ભીરુ. એમને તો ન કોઈથી દોસ્તી, ના કોઈથી દુશ્મની. માત્ર પુસ્તકો વાંચવાના અને ફિલોસૉફી વધારવાની. કરમદીન આવા જ સરળ હતા. નહોતી એમને પત્ની કે નહોતો પરિવાર, છતાં એ જીવ તો હતો ને જેને કપાઈને મરવાનો ડર હતો.
હાથમાં છત્રી ઉંચકીને ચાલ્યા જતા કરમદીન જરા અવાજ થાય તો પાછળથી કોઈ છરો ભોંકી દેશે એવા ભયથી કાંપી ઊઠતા. આટલા ભયનું કારણ એ હતું કે હિંદુ-શીખોની ગલીમાં એ એકલા જ મુસલમાન હતા.
વર્ષોથી પડોશીઓ સાથે માત્ર દુઆ-સલામનો સંબંધ હતો. એકલો જીવ પરિવારવાળા સાથે આવનજાવન કે ઊઠકબેઠકનો સંબંધ ક્યાંથી હોય? કદાચ કોઈ પાછળથી છૂરો ભોંકી દે તો માસ્તરનું શું થયું એ પૂછવાવાળું કોઈ નહોતું.
ઘર સુધી પહોંચ્યા ત્યાં બાજુવાળી સરદારની તરફ નજર પડી. સમજણ ના પડી કે રોજની જેમ આદાબ કરવી કે નહીં. એક તો એ એકલી અને હાલનો માહોલ, કદાચ કોઈ ખોટો અર્થ સમજે તો? માસ્તરજી આદાબ કરવાનો વિચાર માંડી વાળીને ઘરના બારણાનું તાળુ ખોલવા માંડ્યા. ત્યાં પાછળથી અવાજ આવ્યો,
“સલામ માસ્તર.”
સરદારનીનો અવાજ સાંભળીને માસ્તરના મનનો તણાવ ઓછો થયો.
સરદારની હતી એકદમ હસમુખી. અભણ, વાતોડિયણ અને મ્હોંફાટ. ઊંચી પહોળી સરદારની કપડાં ઘરની બહાર ધોતી હોય કે ગલીના નળની નીચે નહાવા બેઠી હોય, ના સરદારનીના દુપટ્ટાનું ઠેકાણું હોય કે ન કપડાંનુ. કોણ એને જુવે છે કે કોણ એને સાંભળે છે એની પરવા પણ નહોતી. માસ્તરજી એને પસંદ કરતા, છતાં સંકોચના લીધે દૂર જ રહેતા.
પણ અત્યારે એનો અવાજ સાંભળીને માસ્તરજીને સારું લાગ્યું. એમને થયું કે જો આ ઔરત આટલી નિશ્ચિંત છે તો એનો અર્થ શહેરમાં માત્ર મનઘડત અફવાઓ જ હશે. કોઈ તણાવ નહીં હોય. વળી પાછો વિચાર આવ્યો કે આ મહોલ્લો તો હિંદુ અને શીખોનો છે એને શું ડર?
“માસ્તર, વાત સાચી છે કે શહેરમાં ધમાલ છે?”
માસ્તર કરમદીન બારણાં પાસે જ ખોડાઈ ગયા.
“ હા, ધમાલ તો છે જ. સાંભળ્યું છે કે તળાવ પાસે કોઈની લાશ મળી છે.” સાંભળીને સરદારની ખડખડ હસી.
“એટલે આમ ડરીને ઘરમાં ઘુસી રહ્યા હતા? ફિકર ના કરતા માસ્તર, અમે છીએ ત્યાં સુધી કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે. સારું કર્યું લગન નથી કર્યા. એકલા છો તો ય આટલું ગભરાવ છો તો બીબી-બચ્ચાં હોત તો તમારું હાર્ટ ફેઇલ થઈ જાત.”
માસ્તરનો જીવ જતો હતો અને સરદારનીને મઝા પડતી હતી. જો કે માસ્તરને સારું તો લાગ્યું. આખો દિવસ જે વાતો સાંભળી હતી એના કરતાં આ જુદી વાત કરતી હતી. એના અવાજમાં ડર નહોતો. પ્રસન્નતા હતી. એના અવાજમાં દિલને સ્પર્શી જાય એવી આત્મીયતા હતી જેની કોઈ પરિભાષા નહોતી. માસ્તરને લાગ્યું કે, જાણે હવે આ ઔરત છે તો એમને કોઈ વાતનો ભય નથી.
“હું વિચારું છું કે, આ મહોલ્લામાંથી મુસલમાનોના મહોલ્લામાં ચાલ્યો જાઉં.”
“આજે બોલ્યા એ બોલ્યા. ફરી આવી વાત ના કરતા.”
એના અવાજમાં આત્મીયતા હતી! એના ઠપકામાં ય સ્વજન જેવી લાગણી હતી. માસ્તરને સાચે જ સારું લાગ્યું.
“ટંટા-ફસાદ શરૂ થશે પછી તો ક્યાંય નહીં જઈ શકું. અત્યારે જ નીકળી જઉં એ ઠીક રહેશે.”
“આરામથી બેસી રહો. કશું થવાનું નથી. જો થશે તો સરદારજીને કહીશ કે તમને મુસલમાનોના મોહલ્લામાં મૂકી આવે. બસ?”
માસ્તરના મનનો ડર થોડીક વાર માટે તો ચાલ્યો ગયો. ઘરમાં પ્રવેશતા જ મનમાં પાછી ગડમથલ શરૂ થઈ ગઈ.
“એ તો બોલે પણ એનો ઘરવાળો મને મારી નાખે તો કોઈ શું કરવાનું છે? વાતો તો મીઠ્ઠું હસી હસીને કરે છે પણ આ સરદારજીઓનો શો ભરોસો? જીવતા માણસોને સળગતી આગમાં ફેંકી શકે એવા છે. અરે, પડોશમાં કેટલાય લોકો એવા છે જે મારું ગળું કાપતા અચકાય નહીં. અત્યારે નીકળી ગયો તો કદાચે બચી જઈશ. અહીં પડ્યો રહીશ તો મારી લાશનો પત્તો પણ નહીં લાગે.”
આખી રાત પથારીમાં પાસા બદલવામાં ગઈ. રાતની શાંતિમાં દૂરથી તોફાનોનો અવાજ સંભળાતો હતો.
એક બાજુથી ‘હર હર મહાદેવ’ અને બીજી બાજુથી ‘અલ્લાહ ઓ અકબર’ના અવાજની સાથે ભાગદોડના અવાજ ભળી જતા હતા. હવે તો નીકળીને ક્યાંય જવું એટલે સીધા મોતના મ્હોમાં જ. એવું લાગતું હતું કે જાણે બજારમાં લાગેલી આગ એમના રૂમ સુધી પહોંચી છે. દરેક અવાજ એમના ઘર તરફ આવતો હોય એવું લાગતું. આખી રાત માનસિક ત્રાસ અને ધૃણામાં પસાર થઈ. સતત એવી ભ્રમણા થતી કે કોઈ કુલ્હાડીથી બારણાં પર ઘા કરીને બારણું તોડીને એમનું કામ તમામ કરી દેશે.
“અરેરે, પેલી પંજાબણની વાતોમાં આવીને ખોટો રોકાઈ ગયો. કાલે નીકળી ગયો હોત તો બચી જાત.” અંતે અંધારી રાતનું હાંફવાનું બંધ થયું અને બારીમાંથી પ્રભાતનો હળવો ઉજાસ રેલાયો. આખી રાત જાગેલા માસ્તને ઝોકું આવ્યું અને એ પથારીમાં ઢળી પડ્યા. ઊંઘમાં એવો ભાસ થયો કે જાણ મોહલ્લાના લોકો ઘરની પાસે આવીને બોલી રહ્યા છે કે” અહીં એક મુસલો રહે છે.” અને આવીને બારણાં તોડવા માંડે છે.
માસ્તર ગભરાઈને જાગી ગયા. સાચે જ કોઈ બારણાં ઠોકતું હતું. કદાચ દૂધવાળો હશે? પણ એ તો બારણું નહીં, સાંકળ ખખડાવે છે.
“માસ્તર ઓ માસ્તર, બારણું ખોલ.” સરદારનીનો અવાજ હતો. પણ રાત દરમ્યાન માસ્તરે એટલી માનસિક યાતના ભોગવી હતી કે એનું મન જડ થઈ ગયું હતું. સમજાયું નહીં કે દોસ્તનો અવાજ છે કે દુશ્મનનો.
“ખોલ બારણું અને બહાર નીકળ.”
માસ્તરે અલ્લાહનું નામ દઈને બારણું ખોલ્યું. સામે સરદારની ઊભી હતી. એના હાથમાં લાંબી ચમકતી કટાર હતી. પરસેવે નીતરતા માસ્તરનો ચહેરો પીળો પડી ગયો.
“શું થયું બહેન?”
“બહાર આવ.”
માસ્તરને વિશ્વાસ નહોતો આવતો કે કાલે સાંજે હસી હસીને વાત કરતી હતી, એમને આરામથી રહેવાનું આશ્વાસન આપતી હતી આ એ જ ઔરત છે ? માસ્તર બહાર આવી ગયા.
“ચલો મારી સાથે.” હુકમ કરતી હોય એમ બોલી.
આગળ ઊંચી પહોળી ત્રીસ પાંત્રીસ વર્ષની સરદારની અને પાછળ જાણે શૂળી પર ચઢવા જતા હોય એમ ઉઘાડા પગે માસ્તર ચાલ્યા. ગલીના નાકે પહોંચ્યા ત્યાં જોયું તો હાથમાં બરછી અને લાઠી લઈને કેટલાક લોકો ઊભા હતા.
“બસ, હવે મારો સમય પૂરો.” માસ્તર મનમાં બબડ્યા. “મને રક્ષણ આપવાની વાત કરીને એ દગો કરી ગઈ. માસ્તરના શરીરનું લોહી થીજી ગયું. પગ પાણી પાણી થવા માંડ્યા.
માસ્તરને જોઈને ટોળું એમના શિકાર તરફ આગળ વધ્યું. બસ હવે તો મોત બે ડગલાં જ દૂર હતું ને સરદારની ટોળા અને માસ્તરની વચ્ચે આવીને પોતાની કટાર કાઢીને ઊભી રહી ગઈ.
“આ ગુરુ ગોવિંદસિંહની તલવાર છે. જેને જીવ વહાલો હોય એ મારી સામેથી ખસી જાય.” સરદારનીના અવાજમાં પડકાર હતો. ટોળું અને માસ્તર બંને સ્તબ્ધ. માસ્તર માટે તો આ નિર્ણાયક ક્ષણ હતી. એમને થયું કે આ જીવનનું સત્ય છે એક સપનું?
“આ મુસલો તારો શું સગો થાય છે? એને ક્યાં લઈ ચાલી?” ટોળાએ ગર્જના કરી.
આંખ ઝપકાવીને માસ્તરે જોયું તો જાણે ટોળાની દિવાલ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. અને સરદારની એની ખુલ્લી કટાર લઈને આગળ વધી રહી હતી. માસ્તરે તો માત્ર ચૂપચાપ એની પાછળ ચાલવાનું જ હતું. માસ્તરનું શંકાથી ઘેરાયેલું મન અને ધડકતું દિલ સમજી શકતું નહોતું કે એ કઈ ગલીમાંથી કયા રસ્તે આગળ વધી રહ્યાં છે. પ્રભાતનો ઉજાસ પહોંચ્યો ન હોય એવી એ ગલી લાંબી લાગતી હતી. હજુય એમના મનનો સંશય ઓછો નહોતો થતો, પણ વિચાર્યું કે અંધારી ગલીમાં જ આ ઔરત મારા શરીરમાં એની કટાર ઉતારી દેશે તો પણ એને હું ઉપકાર માનીને સ્વીકારી લઈશ.
મુસલમાનોના મહોલ્લા સુધી પહોંચતા કેટલીય ગલીઓ વટાવી. ત્રણ જગ્યાએ બરછી-ભાલા લઈને ઊભેલા ટોળાનો સરદારનીને સામનો કરવો પડ્યો. કોઈ ઘરમાંથી એના પર પત્થર પણ ફેંકાયા. ક્યાંકથી મા-બહેનની ગાળો અને ભયાનક ધમકીઓ પણ કાને અથડાઈ. પણ નિર્ભયતાથી સરદારની ચાલી જતી હતી.
માસ્તરને લાગ્યું કે, નિઃસહાય લોકોની રક્ષા કરતી દેવીઓ અને હાથમાં કટાર લઈને ચાલી જતી આ સરદારની જુદા નહીં જ હોય.
મુસલમાનોના મહોલ્લા સુધી માસ્તરને લઈને પહોંચેલી સરદારનીનો ચહેરો ખુશીથી ચમકતો હતો.
“જાવ માસ્તર, હવે તમે સલામત છો.” અને વળતાં પગલે એ પાછી પોતાના મહોલ્લા તરફ વળી ગઈ.
ટંટા-ફસાદની આગ ઘણા દિવસો સુધી આસમાન સુધી ફેલાતી રહી. એ અગન જ્વાળામાં વર્ષોથી વસેલું નગર સ્મશાન જેવું બની ગયું. અગણિત દુકાનો લૂંટાઈ. બજાર સળગી ગયું. કેટલાય લોકો માર્યા ગયા.
લાંબા સમયે સૌને હોશ આવ્યા. ઝનૂન ઉતર્યું. હજુ સુધી લોકોને સમજાયું નહીં કે, આ કેમ, કેવી રીતે થયું અને કોણે કરાવ્યું. પણ હા, દરેક દંગા પછી બિલાડીના ટોપની જેમ દેખા દેતા નેતાઓ ફૂટી નીકળ્યા. પત્રકારો, ફોટોગ્રાફરો પહોંચી ગયા. ત્યારેય માનવતાની દેવી સરદારની માસ્તરને યાદ આવતી રહી. બધું થાળે પડતા પોતાના શાંતિપ્રિય સાથીઓને લઈને માસ્તર પોતાના મહોલ્લામાં ગયા. ગલીની નાકે પહોંચીને પહોંચીને જોયું તો સરદારની બહાર બેઠી ચૂલો સળગાવતી હતી. દૂરથી આવતાં ટોળાની પાછળ કરમદીન માસ્તર દેખાયા નહીં પણ ટોળાંને જોઈને સરદારની પોતાના ઘરની અંદર જવા માંડી. બારણાની આડશે ઊભી રહીને બોલી,
“જેને પોતાનો જીવ વહાલો છે એ ત્યાં જ અટકી જજો. આ ગુરુ મહારાજની તલવાર છે. કોઈ અત્યાચારી એનાથી નહીં બચે.”
પણ પેલું ટોળું એના ઘરની પાસે આવીને જ અટક્યું. એમને તો સરદારનીના ઉદાર હૃદયના કામની પ્રસંશા કરવી હતી.
“સરદારજી ઘરમાં નથી. જેને વાત કરવી હોય એ સાંજે આવીને મળે.” સાદી, સીધી, સૌમ્ય એવી સરદારનીએ બે હાથ જોડીને કહી દીધું.
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સુંદર વાર્તાનો સશક્ત ભાવાનુવાદ 👌🏻👌🏻