ચૂંટેલા શેર ~ જવાહર બક્ષી ~ ૭૭મો જન્મદિવસઃ તા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩
વિશેષ નોંધ: આ પોસ્ટના અંતે જવાહર બક્ષી સાથેના વાર્તાલાપ અને તેમના કાવ્યપઠનની YouTube Link મૂકી છે, તે વિડિયો માણવા વિનંતી. સૌજન્ય: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, શબ્દસાધક શ્રેણી
A. ચૂંટેલા શેર ~ જવાહર બક્ષી
વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું
માત્ર તારી આંખમાં એકત્ર છું
*
જીવી રહ્યો છું તારી પ્રતીક્ષાના નામ પર
મારી ગણતરી થાય છે વિક્રમ સંવતમાં
*
મૃગજળ ભલેને ભ્રમ છે, એ જળનું જ દૃશ્ય છે
છું સ્થિર સત્યમાં છતાં વળમાં વહી જઈશ
*
શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી
*
ક્ષિતિજ પાસે જાય અને ઘર જેવું લાગે
ધરતી પૂછે આભને આ માણસ ક્યાં જાય?
*
તું જ મારા હાથની લિપિ ઉકેલીને કહે મારા વિષે
મારી પાસે હું નથી એનો પુરાવો પણ નથી
*
સમયની સાથે હવે કોણ બાંધછોડ કરે
પસાર થાવું હશે તો પસાર થઈ જાશે
*
સુગંધ શ્વાસના દ્વારે અડે… ને કળ ઊઘડે
અમારા સ્પર્શમહલમાં સહસ્ત્રદળ ઊઘડે
*
લઈ શબ્દની આડ, તને શોધું દરિયામાં
મોજાંઓ કહેતા ફરે, તું છે દરિયાપાર
*
આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે
બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
*
બધાના પગ તળે કચડાઈ ગઈ કોઈ બાબત
અને શહેરના ખૂણે ખૂણે તપાસ થઈ
*
બારી, દરવાજા, હવાજાળીય વાસેલી હતી
તે છતાં સરકી ગયું વાતાવરણ ઘરની બહાર
*
ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ
પડઘાઉં છું સદીથી હજી સૂનકારમાં
*
હું દિગ્વિજય કરીને પ્રવેશું નગર મહીં
ગલીઓમાં ફરતો રહું ને મને ઘર મળે નહીં
*
બીજું તો ખાસ નોંધવા જેવું કશું નથી
હું બારણા સુધી જઈ… પાછો વળી ગયો
*
હું એકવીસમી સદીનો ભૂતકાળ છું
હું પૂર્વજોના સ્વપ્નમાં ખોડાઈ જાઉં છું
*
તારો વિયોગ અતિથિ બની ઘરમાં આવશે
જ્યારે અજંપો ઓઢીને ઘર સૂઈ ગયું હશે
*
ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે
*
પવન ઉઠાવી જશે લાગણીના પડછાયા
ફરીથી આંખમાં તડકો ભરાઈ રહેવાનો
*
સમયનો બાદશાહ ક્યારેક બિનવારસ મરી જશે
સવારે ખૂલશે દરવાજા ને હું પહેલો મળી જઈશ
*
કોઈ ગયું છે તે છતાં કોઈ નથી ગયું
ખાલીપણાના ભારમાં પગ ઊપડી ગયા
*
જે આવવાનો કોલ તે રોપ્યો હતો અહીં
વડવાઈ થઈને ઝૂલી રહ્યો છે હવે રે લોલ
*
કેમ એ આવ્યા નહીં કોને ખબર?
એમને પણ કોઈ મર્યાદા હશે
*
નહીં તો તમે કંઈ વધુ દૂર ન્હોતાં
ફક્ત વચમાં આવ્યું’તું શંકાનું ધુમ્મસ
*
ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે
~ જવાહર બક્ષી
~ ગઝલસંગ્રહઃ તારાપણાના શહેરમાં
જવાહર સાહેબના શેર વાંચવાની બહુ મઝા આવી.
આજે કવિ શ્રી જવાહર બક્ષીને એમના જન્મદિવસે અઢળક શુભેચ્છાઓ સાથે માણીએ અદભુત શેર
વાહ.. વાહ…જવાહરભાઈને આજના દિવસે શુભેચ્છાઓ.
વાહ…મજાના શેર…
કવિશ્રી જવાહર બક્ષીના ખૂબ સરસ શેર માણવા મળ્યા
વાહ…વાહ…વાહ…!!