ગઝલ અને મુક્તક ~ પ્રકાશ ‘જલાલ’ (ગાંધીનગર) ~ અનુવાદક, પ્રૂફ રીડર, પત્રકાર
પરિચય
પ્રકાશ ‘જલાલ’ (ગાંધીનગર). વતનઃ તારાપુર, જિ. આણંદ. પુસ્તકઃ ગઝલસંગ્રહ ‘ખૅરિયત’ (વર્ષ ૨૦૦૩). વર્તમાન પ્રવૃત્તિઃ અનુવાદ (અંગ્રેજી, ગુજરાતી, હિન્દી) તથા પ્રૂફ રીડિંગ, પ્રકાશન. અગાઉની પ્રવૃત્તિઃ પત્રકારત્વ. અખબારોઃ ‘પ્રભાત’, ‘સંદેશ’, ‘ગુજરાત ટુડે’, ‘ડી.એન.એ.’ (અમદાવાદ), ‘નયા પડકાર’ (આણંદ), ‘ગુજરાત સમાચાર’ (ગાંધીનગર), ‘ઈ.એમ.એસ.’ ન્યૂઝએજન્સી (ગાંધીનગર)
સંપર્ક: Mob.: 98791 97686
1. ગઝલઃ ઘર
હોતું નથી કદીય કોઈ ઉમ્રભરનું ઘર,
થોડા સમયનું હોય ઉતારા ઉપરનું ઘર!
પૈગામ તો રહી જ ગયો પહોંચવો તને,
મળતું નથી મને જ હવે નામાબરનું ઘર!
સૌ બારીએથી મારી ઉપર ઘા થયા સમાન,
શોધ્યું જડ્યું નહીં મને પથ્થર વગરનું ઘર!
એવી કરુણતા કદી જોવી પડો નહીં,
માબાપ ઘર વગરનાં ને માબાપ વગરનું ઘર!
ભટકી જવાનો એ પછી નહોતો કશો વિકલ્પ,
આવી ગયું જ્યાં વચ્ચે મારા હમસફરનું ઘર!
આવે છે એ ચકાસવા માટે યુગેયુગે,
અલ્લા વગરનું ઘર કોઈ ઈશ્વર વગરનું ઘર!
થોડી બચી જણાય છે હજી એમાં શક્યતા,
કોઈ તો દોસ્ત, શોધો અહીં ચારાગરનું* ઘર!
એને ‘જલાલ’ થોડી વધારે ગઝલ કહો,
એનું સદન છે મારી બધીયે કદરનું ઘર!
(*ચારાગર=સારવાર કરનાર)
2. મુક્તક
ડર રહે છે કે કંઈ દુર્ભાવ મારો થઈ ન જાય,
આ સુદામાને નિહાળી કૃષ્ણ આઘો થઈ ન જાય,
એટલે છોડી દીધી ધનવાનોની મેં મિત્રતા –
કે ગરીબીમાં કદી મુજ હાથ લાંબો થઈ ન જાય.
3. ગરીબ (મુસલસલ ગઝલ)
શોધે છે જગમાં ખુદનું સદા સ્થાન પણ ગરીબ,
કેવો સ્વભાવે હોય છે નાદાન પણ ગરીબ!
ખાવાનું તેલ પી ગયા દેરી તણા દીવા!
હોતો હશે ગરીબનો ભગવાન પણ ગરીબ!
એવા મિલનમાં કેવી દશા થઈ જતી હશે –
આવે ગરીબના ઘરે મહેમાન પણ ગરીબ!
થોડી કરી લીધી છે હવે એણે તસ્કરી,
જે છે ગરીબ એનું ગિરેબાન પણ ગરીબ!
ખાધા-પીધા વગરની જીભ થોથવાઈ ગઈ,
માગી શક્યો નહીં કોઈ વરદાન પણ ગરીબ!
આ ઝૂંપડી ને ઓટલા એ સાચવ્યા કરે,
ખુદની ગરીબીનો છે નિગેબહાન પણ ગરીબ!
આ એક નાતમાં કદી ન હોય ભેદભાવ,
હિન્દુ, ઈસાઈ હોય મુસલમાન પણ ગરીબ!
દોલત ‘જલાલ’ દિલની ફકત હોય છે અહીં,
જોયા છે મેં ઘણા ઘણા ધનવાન પણ ગરીબ!
~ પ્રકાશ ‘જલાલ’
EXCELLENT, TRUE NO NATJAT GARIB NI BHLE HINDU-ISHAI-MUSLIM MA HOY GARIB. LAST DHANVAN NE PAN GARIB JEVO JUVO. NO PEACE ON MIND. GARIB CHE PAISA HOTA PAN.