આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૨૪ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

પત્ર નં. ૨૪

પ્રિય દેવી,

મને લાગે છે દેવી, કે હવે આ કુશળતાની ‘આપ-લે’માં પ્રવેશતી ઔપચારિકતાને તિલાંજલી આપી દઈએ! ગયા અઠવાડિયે સાચે જ તબિયત અસ્વસ્થ હતી છતાં લખું કે ‘હું મઝામાં છું’; એવું જ તારી તરફ પણ બનતું જ હશે ને?

I Am "Fine" Pictures, Photos, and Images for Facebook, Tumblr, Pinterest, and Twitter

આ લખતાં લખતાં મોં પર મલકાટ લાવી દે એવો એક કિસ્સો યાદ આવ્યો.

મારા મોટાભાઈ જે એચ.કે.માં લેક્ચરર હતા તેઓ યુવાન હતા ત્યારની વાત છે. તેમનો સ્વભાવ મજાકિયો અને આખાબોલો પણ ખરો જ. એક દિવસ એમની તબિયત ઠીક નહોતી એટલે મારા જીજાજી જે ડૉક્ટર હતા તેમને ત્યાં દવા લેવા ગયા. મારા જીજાજીએ સામાન્ય જેમ બધાને પૂછીએ તેમ પૂછ્યું, ‘મઝામાં છેને? બોલ શું કરવા આવ્યો છે?’ આખાબોલા મારા ભાઈએ ઠાવકાઈથી કહ્યું, ‘વાળ કપાવવા’!

ચાલ, આ વખતનો તારો પત્ર વાંચવાની મઝા આવી ગઈ. બે વાતોનો પ્રતિભાવ આપવા માટે મન અધીર થઈ બેઠું છે – એક તો તેં ટાંકેલી દલાઈ લામાની વાત. ‘પ્રેમ અને કરુણા મારે મતે સાચા ધર્મો છે’-

અમુક અંશે હું કબુલ થાઉં છું પરંતુ સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક, વાંચ્યા પછી સાચે જ વિચાર કરવા એક નવી દિશા મારે માટે ખુલી ગઈ છે.

સ્વાભાવિક રીતે જ દલાઈ લામાની વિચારસરણી બૌધોપદેશથી પ્રભાવિત હોય જ. અને એટલે જ બૌધની પ્રેમ અને કરુણા એ ધર્મનું એક પાસું જરૂર છે. પરંતુ એમાંથી જન્મતાં ત્યાગ અને વૈરાગ્યએ પણ જ્યારે મર્યાદા બહાર લોકોને પ્રભાવિત કર્યા ત્યારે જગદ્‍ગુરુ શંકરાચાર્ય જેવા એકલવીરે ભારતની ચારે દિશામાં જઈને સાચા હિદુ ધર્મને બચાવવા માટે મઠો સ્થાપવા પડ્યા.

Shankaracharya - Wikipedia

કારણ સમજણ વિનાના અથવા અર્ધજ્ઞાનને લીધે પ્રચલિત થતાં ત્યાગ અને વૈરાગ્ય પણ માણસને કાયર, અકર્મણ અને આળસુ બનાવી નાંખે.

એ પુસ્તકમાં સ્વામી સચ્ચિદાનંદે હિંદુ ધર્મની આલોચના કરતાં પણ એ જ વાત કરી છે કે હિંદુ ધર્મ પર કેટલાય આક્રમણો થયાં છતાં તેનું રક્ષણ કરવા માટે અસમર્થ રહ્યાં અને તે પણ ધર્મને નામે! કાળક્રમે લોકો ક્યારે અહિંસક બનવું અને ક્યારે ધર્મની રક્ષા માટે હથિયાર ધારણ કરવા એનો વિવેક ખોઈ બેઠા છે.

स्वामी सच्चिदानंद - भारतकोश, ज्ञान का हिन्दी महासागर

ઈતિહાસના પૂર્વાપર સંબંધ આપી ખૂબ જ તાર્કિક રીતે આ પુસ્તક લખ્યું છે- અને ક્યારની મથું છું પરંતુ નામ નથી યાદ આવતું…

ખેર, મને રુમીની વાત ખૂબ જ ગમી. મેં ક્યાંક વાચ્યું હતું કે ‘મને કાંઈ ખબર નથી’ એ સમજણ આવ્યા પછી જ જ્ઞાનપ્રાપ્તિ થાય છે. પોતાને પારખવાની ચતુરાઈ, વિવેક બુદ્ધિ અને સમદ્રષ્ટિ જ સાચા ધર્મ તરફ લઈ જાય.

Rumi Quote: “I don't know why; when I look at you, I see myself.”

‘નવી આશા’ નામના પુસ્તકમાં પાના નં. ૮૨ પર આપણા જેવા ઘણાની વ્યથાને સ્વામી સચ્ચિદાનંદે ખૂબ જ અસરકારક રીતે વર્ણવી છે તે લખ્યા વગર રહી શકતી નથી.

નવી આશા (Navi Asha): Buy નવી આશા (Navi Asha) by સ્વામી સચ્ચિદાનંદ (Swami Satchidanand) at Low Price in India | Flipkart.com

એ ફકરાનું શીર્ષક છે- ‘અજ્ઞાન જ્ઞાનનો મુગટ પહેરે છે’… અજ્ઞાન એટલું ભયંકર નથી કારણ કે તેનો સ્વીકાર થતો હોય તો તેને દૂર કરી શકાય છે. પણ જ્યારે અજ્ઞાન જ જ્ઞાનનો મુગટ પહેરીને બેઠું હોય ત્યારે તે અતિભયંકર બની જાય છે… તેમાં આવું અજ્ઞાન, હજારો લાખ્ખોના ઘડવૈયાઓમાં બેઠું હોય તો તેની ભંયકરતાની કોઈ સીમા જ નથી. કોઈ વ્યક્તિ ભગવાન બની બેસી પોતાની પૂજા કરાવડાવે, પોતાનું નામ જપાવે, પોતાની આરતી ઉતરાવે અને ગવડાવે, પોતાના ચમત્કારોનો પોતે જ પ્રચાર કરે, છપાવે, વહેંચાવે, અને લોકોને ચમત્કારથી મુક્ત કરી આપવાની પ્રેરણા આપે. એક ચમત્કારઘેલું, બુદ્ધિહીન ટોળું, વ્યક્તિપૂજાનો જયજયકાર કરે. આથી વધુ પ્રજા જીવનનો અંધકાર શો હોઈ શકે….’

એમાં એટલું જ ઉમેરવાનું મન થાય કે પરદેશમાં વસતા મોટાભાગનાં ભારતિયો આ જ ટોળામાંથી છૂટા પડી ગયેલા લોકો છે. એટલે જ ધરમનો ઠેકો લઈને બેઠેલા બાબાઓને પરદેશમાં બોલાવવા માટેના રસ્તાઓ, આવા લોકોએ ખોલી નાખ્યા છે.

આગળ એક પત્રમાં લખ્યું તેમ તેમાં થોડા અંશે સાંત્વન આપે એવું જો કાંઈ હોય તો એ છે કે આ કારણે ઘણા યુવાનોમાં હિંદુધર્મને સમજવા માટેનો ઉત્સાહ વધ્યો છે અને જવલ્લે જ મળતાં કેટલાક ગુરુઓએ માર્ગદર્શન પણ આપ્યું છે અને આપે છે.

અને હવે તેં તારા પાડોશીએ કરેલી વાત લખી છે એના સંદર્ભમાં લખું તો- હા, પશ્ચિમના દેશોમાં પણ સ્ત્રી-સ્વતંત્રતા, સન્માન વગેરે વલ્ડવોર-૨ પછી જ સંવર્ધન પામ્યા છે.

Women in World War II - Wikipedia

મેં ઘણો સમય પહેલાં ટીવી પર એક પ્રોગ્રામ જોયો હતો તેમાં પણ દર્શાવ્યું હતું કે તે જમાનામાં યુ.કે.માં લગ્ન પહેલાં ગર્ભવતી થઈ જતી સ્ત્રીને પાગલખાનામાં મોકલી દેવામાં આવતી અને આખી જિંદગી એણે ત્યાં જ પસાર કરવી પડતી. વળી તેં લખ્યું તેમ સ્ત્રીની જવાબદારી ઘરકામ અને બાળકોની સંભાળ પૂરતી મર્યાદિત હતી.

યુદ્ધ પછી પુરુષોની સંખ્યા ઘટી જતાં સ્ત્રીઓએ ઘર બહાર કામ કરવા જવું પડતું. ત્યારથી સ્ત્રીની પરિસ્થિતિ બદલાવા માંડી અને આજે એ ક્યાં પહોંચી છે અને એના પાછળ કયાં પરિબળો કામ કરે છે, શાનો પ્રભાવ વધુ છે અને એની સારી-ખરાબ અસર વિષે આવતા પત્રોમાં વાત કરીશું.

મિતુલ પટેલ (તખલ્લુસ ‘અભણ’)ની એક નાનકડી કવિતા લખી વિરમું-

ઝાકળમાં બોળી ટેરવાં
બસ એક ધારણા ચીતરી તો જો,
કોરા કાગળમાં પણ લીલાછમ બનાવો ફૂટી નીકળશે.

નીનાની સ્નેહયાદ.

આપનો પ્રતિભાવ આપો..