શમા ~ (લઘુનવલ) પ્રકરણ: ૭ ~ મૃગજળમાંથી મોતી શોધતી યુવતીની કથા ~ લે. ગિરિમા ઘારેખાન
પ્રકરણ–૭
મરિયમ સાથે વાતો કરવામાં આખી બપોર વીતી ગઈ. એક વાર દિલ ખુલી ગયું પછી મરિયમને એની મેડમનો ક્ષોભ જતો રહ્યો હતો.
શમાએ પણ એને પોતાના ઘરની, અમ્મી-અબ્બાની, ભાઈ–બહેનોની અને સ્કૂલની વાતો કરી. પોતાના ઘરની અછતની વચ્ચે પ્રાંગરેલા પરસ્પરના પ્રેમની વાતો પણ એણે બહુ આનંદથી કરી. અત્યારે આટલા વૈભવની વચ્ચે બેઠી હોવા છતાં પોતાની ગરીબીનો આમ સંકોચ વિના સ્વીકાર કરતી મેડમ માટે મરિયમનો આદર એકદમ વધી ગયો.
ચા પીને શમા ફાર્મ હાઉસની બહારની એમની ખજૂરની વાડી તરફ ચાલવા નીકળી. ખાલીદ ખાસ કહીને ગયો હતો એટલે ખજૂરનું કામ જલ્દી શીખી લેવું એવું એણે નક્કી કરી લીધું હતું. આટલા દિવસોમાં એ એકાદ વાર જ ઘરની બહાર નીકળી હતી એટલે હિજાબ પહેરવાનું હજુ યાદ ન હતું આવતું.
વાડીમાં પહોંચી ત્યારે બીજા માણસો તો કામ કરીને ચાલ્યા ગયા હતા. હારુન એકલો જ એક ખુરશી લઈને ત્યાં બેસી રહ્યો હતો. શમાને જોઇને એ ઊભો થઇ ગયો અને બોલ્યો, ‘સલામ મેડમ.’
‘સલામ.’
શમા ચારે બાજુ ઊગેલી ખજૂરીઓને જોઈ રહી. એમના મોટા મોટા પાંદડાઓથી નીચે સરસ છાંયડો થયેલો હતો. એણે ઉપર જોયું. પાંદડાઓની નીચેના ભાગમાં નાની નાની પીળી ખજૂર લાગેલી હતી. એ વિચારી રહી, ‘આમાં મારે શું શીખવાનું હશે?’
હારુનને લાગ્યું કે એણે કંઈ બોલવું જોઈએ. કોઈ સ્ત્રી અહીં આવી રીતે એકલી આવી હોય એવું પહેલાં ક્યારેય બન્યું ન હતું એટલે એ પણ થોડો મૂંઝાતો હતો. બીજું કંઈ ન સૂઝ્યું એટલે એને મરિયમ પાસેથી જે માહિતી મળી હતી એ એણે પ્રદર્શિત કરી,
‘આપ અમદાવાદથી આવ્યા છો ને મેડમ?’
‘હા, તમે મરિયમના ગામથી – લખતરથી છો ને? તમે જ મરવા જતી મરિયમને બચાવી, એને તમારી અમ્મી પાસે રાખી, પાસપોર્ટ કઢાવ્યો અને તમે જ એને નોકરી અપાવીને અહીં લઇ આવ્યા ને? મને એણે બધી વાત કરી છે. એ તો તમને એક ફરિશ્તો જ માને છે.’
અરે મેડમ, એમ કોઈ ઔરતને મરવા થોડી દેવાય? અલ્લાના શુકર કે એ વખતે હું મારી નાની બેનની શાદી કરવા અહીંથી છુટ્ટી લઈને ગામ ગયો હતો. એકવાર સાંજે એમ જ ચાલતો ચાલતો ગામની સીમ તરફ ગયો હતો. ત્યાં આ મરિયમને જોઈ. કૂવામાં પડવાની તૈયારી જ હતી. મેં પકડી લીધી. એને તો જીવવું જ ન હતું. એના બદન ઉપર મારના, દઝાડ્યાના, એટલા બધા નિશાન હતાં કે એકવાર તો મને એમ થયું કે એના સસુરાલવાળા માટે પોલીસની ફરિયાદ કરું અને બધાને જેલમાં નંખાવું. પણ એ બધામાં સમય ઘણો જતો રહે અને મારે તો છુટ્ટી પૂરી થાય એટલે અહીં આવી જ જવું પડે. પાછો એમ પણ વિચાર આવ્યો કે એ બધા જેલમાં જાય તો પણ મરિયમનું શું? પેલાના પરિવારના લોકો એને શાંતિથી જીવવા દે? કદાચ મારી પણ નાખે.’
‘સાચી વાત છે. એવું બનતું હોય છે. બધાં એવું પણ વિચારતાં હોય કે એક ઔરત આમ ફાવી જશે તો એમની ઘરની ઔરતો પણ માથું ઊંચકશે. એટલે એને તો પાઠ ભણાવવા માંગે જ.’
‘બિલકુલ એવું જ હતું. મરિયમને હું મારે ઘેર અમ્મી પાસે લઇ આવ્યો હતો તો મને પણ ઘણા લોકો આવીને ધમકાવી જતા હતાં. મને થયું કે આને અહીં મૂકીને જઈશ તો પેલા લોકો મારી અમ્મીને પણ સુકુનથી જીવવા નહીં દે. મેં અહીં અરબાબને વાત કરી. એમને અહીં ઘરકામ માટે કોઈની જરૂર તો હતી જ. વિઝા મોકલ્યા અને હું મરિયમને અહીં લઇ આવ્યો.’
‘આ નેક કામમાં તમારી અમ્મીએ પણ તમને ડર્યા વિના સાથ આપ્યો એટલે એ પણ તમારા જેવી જ નેકદિલ હશે.’ શમાના શબ્દોમાં અહોભાવ હતો.
‘સાચું કહૂં? મારી એક મૌસીને સસુરાલમાં મરિયમ જેવી જ તકલીફો હતી. એ ઘણી વાર આવીને નાના-નાનીને કહેતી કે “મારે ત્યાં નથી જઉં.”
એ લોકો દર વખતે એને સમજાવીને પાછી મૂકી આવતા. એક દિવસ એ પંખા પર લટકીને મરી ગઈ. પછી બધાને બહુ પસ્તાવો થયો, પણ શું થાય? મારી અમ્મીને આ મરિયમમાં એ મૌસી દેખાતી હતી.’
‘તમારા જેવા ઇન્સાન આજકાલના જમાનામાં બહુ ઓછા જોવા મળે છે, હારૂન. અલ્લા એના આ નેક બંદાને બહુ તરક્કી આપશે.’
હારૂન આટલા બધા માન-સન્માનથી ટેવાયેલો ન હતો. આ એની માલકિન એને ક્યારની ‘તમે’ કહીને કેમ બોલાવતી હતી? એ હાથ જોડીને બોલ્યો, ‘મેડમ, હું તો અહીંનો એક નાનો મુકાદમ છું. આપ મારા અરબાબના બીબી છો. મને આપ ‘તું’ કહીને જ બોલાવજો. બધા એમ જ કહે છે.’
શમા થોડી વાર આ નાના સરખા મુકાદમ સામે જોઈ રહી. ઉંમરમાં પણ એ કંઈ મોટો ન હતો લાગતો. મરિયમથી થોડો મોટો હશે-ત્રીસ બત્રીસ વર્ષનો. ઊંચાઈ માંડ પાંચ ફૂટ હશે. નાનપણથી કામમાં જોતરાઈ ગયો હશે.
ખાલીદ કહેતો હતો કે આ દેશમાં ગુજરાતના કચ્છથી આવેલા ઘણા માણસો છે. ગામનો એકાદ માણસ આવે પછી એના કુટુંબના બીજા છોકરાઓને પણ લઇ આવે. એ લોકો ગરમીથી અને થોડી તકલીફોથી પણ ટેવાયેલા હોય. કામ બહુ કરી શકે.
હારૂનનું શરીર પાતળું પણ કસાયેલું લાગતું હતું. રંગ ઘઉંવર્ણો હતો. એણે થોડું ટૂંકું, ખાખી રંગનું પેન્ટ અને અડધી બાંયનું કાળું શર્ટ પહેર્યું હતું. દેખાવમાં સાધારણ લાગતો હતો પણ એની ઝીણી આંખોમાં કંઇક અજબ ચમક હતી.
એ મુકાદમ હતો, ખાલીદના જણાવ્યા પ્રમાણે ખજૂરના વિષયમાં એને બધી જ જાણકારી હતી, એટલે બધું કામ એની પાસેથી જ શીખવાનું હતું. ગુજરાતી બોલતો હતો એ કેટલું સારું હતું! કોઈ અરેબીક બોલવાવાળું હોત તો તો એ પહેલાં તો એને સમજી જ ન શકત.
‘સારું, તારે મને આપ નહીં કહેવાનું. તારે તો મારા ટીચર થવાનું છે, તારા ‘અરબાબ’ કહીને ગયા છે.’
‘અરબાબ સવારે ગયા ને મેડમ?’
‘હા. તને ખબર હતી કે જવાના છે?’ શમાએ થોડા ચમકીને પૂછ્યું.
હારુન એ પ્રશ્નની પાછળ છૂપાયેલા પ્રશ્નને સમજી ગયો એટલે એણે ગોળ ગોળ જવાબ આપ્યો, ‘અરબાબ અહીં હોય ત્યારે રોજ સવારે એક વાર તો અહીં આવે જ. એ એમની ખજૂરીઓને બહુ પસંદ કરે છે. આજે આવ્યા નથી એટલે મને લાગ્યું કે —.’
શમાને થોડી ‘હાશ’ થઇ. એમણે કોઈને જ ન હતું જણાવ્યું. સ્વભાવ એવો જ હશે. ધીમે ધીમે ટેવાઈ જવાશે. એમને ખજૂરીઓ બહુ પસંદ છે એટલે જ એ કામ હું સંભાળી લઉં એવી એમની મરજી હશે.
‘હારુન, હું કાલ સવારથી આવી જઈશ. મારે બધું શીખવું છે. મારે તારી પાસે અહીંની ભાષા પણ શીખવી છે. તારા સાબ બીજા લોકો સાથે શું વાત કરતા હોય છે એ મારે સમજવું છે. એ ફોન ઉપર પણ કોઈની સાથે વાત કરતા કરતા મારી સામે જોતા હોય ત્યારે મને એટલું તો સમજાય છે કે એ કોઈને મારી વાત કરતા હોય છે. મને એ જાણવાની બહુ ઇન્તેજારી થાય છે. આમ પણ એમણે પણ કહ્યું છે કે મારે એમની ભાષા જલ્દીમાં જલ્દી શીખી લેવાની છે.’
શમાને જલ્દી જલ્દી બધું શીખીને એના શૌહરને રાજી કરી દેવો હતો. ‘એમને જે ગમે છે એ બધું હું પણ ગમાડીશ.’ એણે એક જુદી જ નજરથી ફરીથી ઝાડના ઉપરના ભાગ તરફ જોયું.
સૂરજ ઢળી રહ્યો હતો અને ખજૂરીની ઉપરના ભાગમાં પડતા એના છેલ્લા કિરણો લટકતી પીળી ખજૂરને સોનેરી રંગથી રંગી રહ્યાં હતાં.
‘સોનેરી ઈંડા!’ શમાને એની આ કલ્પનાથી જ હસવું આવી ગયું. પણ પછી એવો પણ એક વિચાર ફરકી ગયો કે આ ખજૂર ખાલીદ માટે તો સોનેરી ઈંડા જ છે ને! આમાંથી તો આટલું બધું કમાય છે. એણે આખા વિસ્તારમાં પથરાયેલા એ ખજૂરીઓના વન તરફ ઉપર ફેરવી. નજર પહોંચે ત્યાં સુધી આ જ વૃક્ષો દેખાતા હતાં.
થોડે દૂર ગોળ ગોળ ફરી રહેલા ફુવારા જેવા નળમાંથી ચારે બાજુ પાણી છંટાઈ રહ્યું હતું અને એના ઝીણા ઝીણા છાંટા એ લોકો ઊભા હતા ત્યાં સુધી આવી રહ્યાં હતા. શમા એ જમીન સરસા ગોળ ફરતા ફુવારાની નજીક ગઈ.
વાડીમાં આવી રીતે ઝાડને પાણી આપવાની આ કેવી સરસ રીત! રણપ્રદેશમાં તો પાણીનો બચાવ આવી રીતે જ થવો જોઈએ. આનાથી થોડા સમયમાં બધા વૃક્ષોને પાણી પવાઈ જાય અને પાણીનો બગાડ પણ ન થાય!
વધારે નજીક જવાથી એના ચહેરા ઉપર પણ થોડા છાંટા ઊડ્યા અને ગુલાબ ઉપર પડેલા ઝાકળના બિંદુઓ જેવા શોભી રહ્યાં. શમાનું મન ફુવારામાં નહાતી નાની બાળકી જેવું આનંદિત થઇ ઊઠયું.
હારૂનની હાજરી ભૂલીને એણે માથા ઉપર ઓઢેલો દુપટ્ટો ખેંચી લીધો અને એનાથી મોં અને હાથ લુછવા માંડી. અચાનક એને હારુનની હાજરીનો ખ્યાલ આવ્યો. એના તરફ જોયા વગર એ ઘર તરફ ચાલવા માંડી. હારુન વાંકડિયા સોનેરી ઝાંયવાળા વાળથી ઢંકાઈ ગયેલી એની પીઠ તરફ જોઈ રહ્યો, આટલી સુંદર સ્ત્રી એણે પહેલાં ક્યારેય જોઈ ન હતી, જાણે હરતી ફરતી રંગોળી!
‘મારા અરબાબની બીબી છે પણ જરા પણ અભિમાન નથી. કેટલી માસૂમ છે! ખુદા એને હમેશા ખુશ રાખે. એ તો બિચારી જાણતી પણ નહીં હોય કે…’ હારૂન વિચારતો હતો.
મગરીબની નમાજનો સમય થવા આવ્યો હતો. હારૂન એની રૂમ તરફ ચાલવા માંડ્યો. આજની એની નમાજમાં એણે એની આ માલકિન માટે દુઆ માગવાનું નક્કી કર્યું.
શમાના એ પછીના ચાર દિવસો જલ્દી પસાર થઇ ગયા. સવારે એ એમના વિલાના બગીચામાં ફરતી, ફૂલો સાથે વાતો કરતી, પતંગિયાની પાંખો ઉપરના રંગો ગણતી, ફુવારાની પાળી ઉપર બેસતી અને ખાલીદને યાદ કરતી કરતી ભીંજાતી.
સાંજ પડવા આવે ત્યારે એ હારુન પાસે આવી જતી. હારુને એને ખજૂરના પાકને કેવી જમીન જોઈએ, કેવું વાતાવરણ જોઈએ, ખાતર કેવું અને કેટલું આપવું, કેટલું પાણી પાવાનું, બધું જ સમજાવવા માંડ્યું.
એ બહુ ભણેલો ન હતો પણ ખજૂર વિષેનું એનું જ્ઞાન અદભુત હતું. શમા ઝડપથી બધું શીખવા માંડી. સાથે સાથે એ ત્યાં થતું કામ પણ જોયા કરતી.
ઘરમાં વાતો કરવા માટે મરિયમ હતી. મરિયમ એને બાથરૂમના નહાવાના ટબમાં સાબુનું ફીણ કરી આપતી અને શમા એમાં બેસીને જાણે એની જિંદગીના વીસ વર્ષોનો થાક ઊતારતી. પછી એના રૂમના મોટા કલાત્મક અરીસા સામે ઊભી રહીને તૈયાર થતી, ખાલીદ આવે ત્યારે શું પહેરવું એ વિચારતી અને એને જોઇને ખાલીદ શું કહેશે એની કલ્પનાઓ કરીને સુના વગડામાં લાલચટક ચણોઠી થઈને મલપતી રહેતી.
ગુરુવાર અને શુક્રવાર આવતા રહ્યાં, ખાલીદ નિયમિત રીતે ત્યાં આવતો રહ્યો. દરેક વખતે એ શમા માટે જાતજાતની ઢગલાબંધ ભેટ લઇને આવતો. શમાએ આવાં કપડાં, આવા દાગીના ક્યારેય જોયા ન હતા. ખાલીદ આવે ત્યારે શમાને પોતાના પ્રેમથી ગૂંગળાવી નાખતો.
બે દિવસ માટે આખો વિલા રમણે ચડતો. મધ્યાન્હનો સૂરજ અમી વરસાવતો અને ચાંદની સોનેરી થઇ જતી. ઘૂઘરીઓ રણકાવતા કલાકો પસાર થઇ જતાં અને ખાલીદના પાછા ફરવાનો સમય આવી જતો.
એ મસ્કત જવા નીકળતો હોય ત્યારે શમા એના ગળામાં હાથ નાખીને વેલ થઈને એને વીંટળાઈ જતી. ખાલીદ પણ પોતાના અત્તરની સુગંધથી એને ફૂલની જેમ મઘમઘાવી દેતો. એટલે જ એના ગયા પછીના દિવસે શમા બહુ ઉદાસ રહેતી. અજવાળા વિનાનો દિવસ ઊગતો અને રાતમાંથી ખૂશ્બુ ગાયબ થઇ જતી. ફરી પાછું એ જ એકલવાયું જીવન.
એકવાર ખાલીદ મસ્કતથી આવ્યો અને હંમેશની જેમ શમા માટે ઘણી બધી ભેટો લઈને આવ્યો. પણ શમાએ એની સામે પણ ન જોયું. એના ખભા ઉપર હાથ મૂકીને ખાલીદે પૂછ્યું, ‘આજ હમારી જાનેમન હમસે રૂઠ ગઈ હૈ?’
‘આપસે મૈં કૈસે રૂઠ સકતી હૂં? લેકિન આપ સમજતે કયું નહીં હો કિ મુજે યે સબ નહીં ચાહીએ. મુજે તો બસ આપકે સાથ રહના હૈ, હર દિન. આપ મસ્કતમેં હપ્તે કે પાંચ દિન રહેતો હો તો મુજે વહાં રખો. ફિર દો દિન હમ સાથમે યહાં આયેંગે.’
‘યે તો નહીં હો સકતા’. ખાલીદ એને વળગીને ઊભી રહેલી શમાને મક્કમતાથી દૂર કરતાં બોલ્યો.
શમાને લાગ્યું કે ખાલીદના અવાજમાં અચાનક કાંકરીઓ ભળી ગઈ હતી જે એના હૈયામાં ખૂંચી. વધુ કંઈ બોલવાની હિંમત ન રહી. વિચારી રાખેલા શબ્દો સાપની કાંચળીની જેમ જીભ ઉપરથી સરકીને પાછા ગળામાં જતા રહ્યાં. આંસુના આભલાથી એની આંખો ચમકવા માંડી.
ખાલીદને એ ચમક દેખાઈ. એ શમાને નારાજ કરવા ન હતો માગતો. એણે શમાને પકડીને બાજુના સોફા ઉપર બેસાડી, પોતે પણ એની બાજુમાં બેઠો અને શમાના આંસુ લૂછતાં બોલ્યો, ‘દેખો, અચ્છી બીબી જીદ નહીં કરતી. તુમકો યહાં કોઈ ભી ચીઝ્કી કમી હૈ તો બતાઓ. કોઈ તકલીફ તો નહીં હૈ ના?’
શમાએ ડોકું ધુણાવ્યું.
‘બસ તો ફિર એશ કરો.’
બીજા દિવસે ખાલીદ મસ્કત જવા નીકળ્યો ત્યારે શમાએ એને કહ્યું, ‘આપ મુજે એક મોબાઈલ ફોન દે સકતે હો? કમ સે કમ આપકી આવાઝ સૂન લૂં તો ભી દિલકો સુકુન મિલ જાયેગા. કભી કભી અમ્મી-અબ્બુસે ભી બાત હો જાયેગી.’
પછીના ગુરુવારે ખાલીદ શમા માટે ફોન લઈને આવ્યો.
‘લો યે તુમ્હારા ફોન. અબ તુમ જિસસે ભી ચાહો બાત કર સકતી હો.’
‘જિસસે ભી ક્યા? ઔર તો યહાં કૌન હૈ હમારા? મુઝે તો આપસે બાત કરની હૈ, કભી કભી ઇન્ડિયા બાત કરની હૈ.’
‘અરે જાનેમન, તુમકો હમેં ફોન કરનેકી જરૂરત હી નહીં પડેગી. બાત તો હમ હી તુમ સે કરતે રહેંગે, હરરોઝ.
આમ તો ખાલીદ જયારે સોહાર આવે ત્યારે એનો ફોન લઈને શમા ઘેર વાત કરી લેતી હતી. એની સાહ્યબીની વાતો સાંભળીને એ લોકો કેટલાં ખુશ થતાં હતાં!
અબ્બાએ તો એકવાર રૂંધાયેલા અવાજમાં કહ્યું હતું કે “મને ખબર જ હતી કે મારી રાજકુમારી કોઈ મહેલમાં રહેવા માટે જ જન્મી છે! મેં એને વીસ વર્ષ ઝૂંપડીમાં રાખી.”
ત્યારે શમાએ પણ આંખમાં આંસુ સાથે એમને જવાબ આપ્યો હતો કે એમની ઝૂંપડી એને માટે તો હંમેશા મહેલ જ હતી અને રહેશે. રઝીયા કહેતી હતી કે શમાનો ફોન પતે પછી અમ્મી તરત જ પડોસમાં બધાને એની સાહ્યબીની વાતો કરવા પહોંચી જતી હતી. એટલે જ શમાએ ખાલીદના મસ્કત રહેવાની વાત એ લોકોને કરી ન હતી. એ એમની ખુશીની હોડીમાં એક પણ નાનું છિદ્ર પાડવા માંગતી ન હતી.
***
એ દિવસે શમા સવારે જાગી ત્યારથી જ બેચેન હતી. આગલી રાત્રે ખાધેલું કદાચ બરાબર પચ્યું ન હતું. એણે મરિયમને એને માટે નાસ્તો બનાવવાની પણ ના પાડી દીધી. પથારીમાંથી ઊઠવાનું મન જ ન હતું થતું. રાત્રે ઊંઘ પણ બરાબર આવી ન હતી.
મરિયમ બે ત્રણ વાર આવીને જોઈ ગઈ. પથારીમાં પડ્યા રહીને પણ કંટાળો આવ્યો એટલે શમા ઊભી થઇ ગઈ. મરિયમે આપેલી ચા પીતાની સાથે જ પેટમાં એકદમ ઊબાળો આવ્યો અને શમા બાથરૂમમાં દોડી. બધી જ ચા ઊલટીમાં નીકળી ગઈ. આ ક્રમ બે ત્રણ દિવસ સુધી ચાલુ રહ્યો. શમાની અંદરની સ્ત્રીએ આ ઊલટીઓ શેની છે એ જણાવતી ઘંટડીઓ વગાડી દીધી હતી.
પછીના ગુરુવારે સવારથી જ ખાલીદના આવવાની રાહ જોતી શમા એને આ સમાચાર આપવા માટે ગળામાં સરગમ ભરીને બેઠી હતી. એણે વિચાર્યું હતું કે ખાલીદના આવતાની સાથે જ એ એને વળગી પડશે અને પછી એના કાનમાં ધીમેથી કહેશે કે ‘આપ અબ્બા બનનેવાલે હૈ.’
એને ખાત્રી હતી કે આ સાંભળતાની સાથે જ ખાલીદ એને ઊંચકી લેશે, એને ઊંચકીને ગોળ ગોળ ફરશે, એને ચુમીઓથી નવડાવી દેશે અને ખુબ પ્રેમ કરશે. પહેલીવાર પિતા બનવાના ખબર સાંભળવાની ખુશી તો કેટલી બધી હોય! એ સાંભળ્યાં પછી ખાલીદ કદાચ અહીં વધારે દિવસો રોકાઈ પણ જાય! જો આજે આવતાં મોડું થઇ જશે તો તો પછી ડોક્ટર પાસે જવા માટે શનિવાર સુધી રોકાઈ જ જવું પડશે.
મરિયમે જણાવ્યું હતું કે જુમ્માને દિવસે તો અહીં બધું બંધ રહેતું હોય છે. અમ્મી કહેતી હતી કે એનો જન્મ થવાનો હતો ત્યારે ત્રણ-ચાર મહિના સુધી અબ્બાએ કોઈને જણાવવા પણ ન હતું દીધું. કહેતા હતા, “ઇતની જલ્દી અલ્લા કી રહેમ હો ગઈ, કિસી કી નજર લગ જાયેગી!”
એનો જન્મ થયો ત્યારે એને હાથમાં ઊંચકીને સહુથી વધુ ખુશ એના અબ્બા થયા હતા. અબ્બાને બેટી મળ્યાની બહુ ખુશી હતી. એને પોતાને અને એની બે બહેનોને પણ અમ્મી કરતાં અબ્બા સાથે વધારે લગાવ હતો. ખાલીદને પણ બેટી જ જોઈતી હશે?
મરિયમ ‘ખાવાનું તૈયાર છે’ કહેવા આવી ત્યારે જ શમાની નજર ઘડિયાળ સામે ગઈ. દિવાસ્વપ્નોમાં ખાસો સમય વીતી ગયો હતો અને સવારને ધક્કો મારીને બપોર આવીને બેસી ગઈ હતી. ખાલીદ લગભગ ગુરુવારે બપોરે જમવાના સમય પહેલાં તો આવી જ જતો. મરિયમે ઘણું કહ્યું પણ એની રાહ જોતી શમા જમી પણ નહીં.
ગરમી લાગતી હતી તો પણ એ બારી ખોલીને બારી પાસે આવીને ઊભી રહી ગઈ. દૂર કોઈ કારનો અવાજ સંભળાય અને એની નજર વિલાના ગેટ ઉપર સ્થિર થઇ જતી. મગજ વિચારે ચડી જતું,
‘આજે મારે ખાસ સમાચાર આપવા છે ત્યારે જ મારા દિલબરને આવવામાં આટલું મોડું થયું!’
એ લોકો મસ્કત એરપોર્ટથી સોહાર આવ્યા હતા ત્યારે એને લાગ્યું હતું કે ડ્રાઈવર કાર બહુ જ વધારે સ્પીડથી ચલાવે છે. રસ્તા સારા હોય તો શું થયું? વધારે સ્પીડથી ગાડી ચલાવવામાં કંઈ…?
શમાનું મન અનેક શંકા કુશંકાઓથી ભરાઈ ગયું. ગળાનો ડૂમો ટુકડા ટુકડામાં વહેંચાઇ જઈને એના ચહેરા ઉપર પથરાઈ ગયો. બપોર પછી મરિયમ ચા પીવા બોલાવવા આવી ત્યારે છેવટે આંખમાં બાંધી રાખેલો નાયગ્રાનો ધોધ વહેવા માંડ્યો.
મરિયમ એની પીઠ ઉપર હાથ ફેરવતી રહી.
(ક્રમશ:)
હું પહેલા હપ્તા થી જ આ લઘુ નવલ વાંચું છું, પહેલા હપ્તા થી જ વાંચકો ને જકડી રાખે છે, અને પછીનો હપ્તો ક્યારે આવશે એની આતુરતા રહે છે. NRI નો ઓછો છેડાએલો વિષય લઈ ને સરસ નવલકથા.
અભિનંદન. 👌👏👏
Thank you Toralben.
પ્રકરણ 7 શમાની આખી જીવન શૈલી બતાવી ગયું. સોનેરી પીંજરુ કેવુ હોય એ કલાત્મક રીતે બતાવ્યુ. હવે નવો જીવ શમાની જીદગીમા કેવુ પરિવર્તન લાવશે એ ઇન્તેજારી રહેશે.
Thank you Dineshbhai
I am thankful to all my readers who read Shama and show their likings for this new subject. I thank them for showing their appreciation here or to me personally