હું જરાયે રડીશ નહીં…~ ફાધર્સ ડે નિમિતે કાવ્યાસ્વાદ ~ હિતેન આનંદપરા ~ નવગુજરાત સમય

પુત્રને પિતાની વિનંતી 
મારા મૃત્યુ પછી 
તારા વ્હાલા અંધ કૂતરા માટે 
મારા ચક્ષુનું દાન તું સ્વીકારીશ ભાઈ?
તારા વિશાળ બંગલાના 
એકાદ ઓરડામાં 
બહુમૂલ્ય ચિત્રો વચ્ચે 
નાનકડા ફોટાના ચોકઠામાં મને રાખીશ ભાઈ? 
પરદેશી ફૂલોથી 
પરદેશી વૃક્ષોથી 
ઉભરતા બાગના અવાવરૂ ખૂણે
આંબો વાવીશ ભાઈ?
હું કશુંયે કહીશ નહીં…
હું જરાયે રડીશ નહીં…
કોઈને નડીશ નહીં…
ભાઈ! 
તું તારા નામથી ઓળખાય
ભલે સરનેઈમથી ઓળખાય 
પણ 
તારી ટૂંકી સહીમાં જે છે 
પેલો કેપિટલ અક્ષર 
એ ‘હું’ છું
એ તો યાદ રહેશે ને ભાઈ?
~ વિજય રાજ્યગુરુ 

આમ તો ફાધર્સ ડે ઉજવવાનો ઉપક્રમ પિતાની વંદના કરવાનો છે અને કરવી પણ જોઈએ. છતાં વાસ્તવિકતા ઘણી વાર આદર્શથી વિપરીત હોય છે. કેટલીક વાર તો એવા અંતિમે હોય કે લોહીના સંબંધોમાં સણકા સિવાય કંઈ  બચતું નથી. સમાજમાં સારા અને નરસા બંને દ્રષ્ટાંતો જોવા મળે છે. પિતા માટે મરી પડતા પુત્રોના દાખલા પણ છે અને પિતાને અવગણી વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા ગણતરીબાજ પુત્રોના કારનામા પણ છે. 

મૃત્યુ પછી પિતા-પ્રતિષ્ઠા કરવાનો કોઈ અર્થ નથી. વંદના એમના જીવતેજીવત જ થવી જોઈએ. જ્યાં વંદનાની બદલે વેદનાથી કણસતો સંબંધ હોય ત્યાં નિસાસા સિવાય કાંઈ જન્મતું નથી. વૈભવથી ફાટફાટ થતા ઘરમાં વડીલની અવગણના થતી હોય તો વૈભવને બિસ્માર બનતા વાર લગતી નથી. પ્રાણીનું મહત્વ હોય અને હોવું જ જોઈએ. દરેક જીવ આ સૃષ્ટિનો અંતરંગ હિસ્સો છે, પણ શ્વાનની જેટલી કાળજી રખાય એટલી કાળજી વડીલની ન થાય તો તીર છાતીએ ભોંકાવાનું જ. 

જે સંબંધમાં હેત ન હોય એમાં હૂંફને બદલે ભીંસ લાગે. વૃક્ષો કોઈ પણ હોય, પરદેશના કે દેશના, એ સૃષ્ટિમાં સત્વ ઉમેરે છે, પણ છોડ વાવતી વખતે એ ધ્યાન રાખવાનું હોય કે છોડને વાતાવરણ માફક આવે છે કે નહીં. ઘરની બાલ્કનીમાં ગમે એટલા રૂપરૂપના અંબાર સમા છોડ વાવીએ, પણ તુલસીનું સ્થાન કોઈ ન લઈ શકે.

સંતાન દ્વારા થતી અવગણનાથી કેટલીક વાર માતાપિતા એટલા ટેવાઈ જાય કે હકના હથિયાર પણ હેઠા મૂકી દે. ભારત સરકાર ટીવી ઉપર સતત જાહેરાત કરે છે કે વૃદ્ધ માતાપિતાને સાચવવાની જવાબદારી સંતાનોની છે. આ જાહેરાતો એટલા માટે કરવી પડે છે કે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. પૈસાને પરમેશ્વર માનવાનું ચલણ વધતું જ જાય છે અને મૂલ્યોનું ધોવાણ ચાલુ જ છે. કામ ન લાગે એ વસ્તુને ફેંકી દઈએ એમ સંબંધોને ફગાવી દેવામાં હવે નાનમ નથી લગતી. અલબત્ત આવા ઉદાહરણો થોકબંધ ન હોય, પણ ડઝનબંધ તો મળી જ આવશે. 

પપ્પા તમને કંઈ જોઈએ છે? … તમારે ક્યાંક જવું છે?… આવા કોઈ પ્રશ્નો આપણે પૂછીએ છીએ ખરા? કેટલીક વાર ન બોલાયેલા શબ્દોનો ડૂમો ગળે એવો બાઝી જાય કે કશું જ ન બોલી શકાય. આ ડૂમાનો ભાર ઉંમર કરતા પણ વધારે હોય છે. પુત્રના નામની પાછળ પિતાના નામનો પહેલો અક્ષર કેપિટલમાં લખાતો હોય છે. પણ વરસો સાથે આ અક્ષર ઘસાતો ઘસાતો એટલો ઝાંખો થઈ જાય કે નજરમાં પણ આવતો નથી. પિતાની સાથે માતાની વ્યથાને વ્યકત કરતું વિપિન પરીખનું કાવ્ય ‘વિપર્યય’ વિષાદને હજી વિસ્તારે છે. 

પિતા જયારે નથી હોતા 
અને મા વધારે વૃદ્ધ થતી જાય છે 
ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરે છે:
આ પુત્ર મને સાચવશે ખરો?
પણ એ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો
આ એ જ મા 
જેણે મને ફૂલની જેમ સાચવ્યો,
જે મારા પગલાં પાછળ પાછળ અદ્ધર ટીંગાઈ રહેતી, –
હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં સુધી.
આ એ જ મા
જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ સૂતી
આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકી જાગી ઊઠે છે –
પણ બોલતી નથી.
એના ધ્રુજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે
કે દીકરાનો હાથ એને દગો દેશે તો?
હું એને ટેકો આપી શકે એવું કશું જ કહી નથી શકતો.
ફક્ત 
મને મારા હાથ 
કાપી નાખવાનું મન થાય છે 

(સૌજન્ય: નવગુજરાત સમય, 15-05-2019) 

આપનો પ્રતિભાવ આપો..