આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૨૧ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ
પત્ર નં. ૨૧
પ્રિય નીના,
આજે સૌથી પહેલાં તો આપણા માનીતા અદમભાઈની ગઝલ તેં યાદ કરાવી તે ખૂબ જ ગમ્યું.
ક્વેશ્ચન ટૅગમાં બંધાઈ ગયા,
વ્હાય ને વૉટમાં ખોવાઈ ગયા,
પહેલાં તો હરપળે હતા હોમ-સીક,
ધીરે ધીરે પછી ટેવાઈ ગયા.
ફરી એક વાર વાંચવાની, વાગોળવાની અને મમળાવવાની મઝા આવી ગઈ.
બીજું, અહીંના કરતાં યુ.કે.નું વાતાવરણ જુદું કેમ છે એ મુદ્દા પર ૧૯૫૦થી માંડીને આજ સુધીની સામાજિક, આર્થિક અને ધાર્મિક પરિસ્થિતિની વિગતો સરસ ઝલકની જેમ વર્ણવી.
વાત સાચી છે કે જે લોકોને કમાવા સિવાય છૂટકો જ નથી કે બીજો કોઈ વિકલ્પ જ નથી, તેને વળી શોખ કે સફળતા-નિષ્ફળતાનો વિચાર કરવાને ક્યાંથી અવકાશ હોય? માંડ કરતાં ત્રણ સાંધે ત્યાં તેર તૂટતા હોય એટલે જેમ તેમ કરીને ગાડું ગબડાવવું પડે. ચાલો, સારું થયું કે સમય બદલાયો અને તું લખે છે તેમ ત્યાંની છેલ્લી બે પેઢીની આર્થિક સધ્ધરતા ઊંચે આવી.
ધાર્મિક પ્રવચનકારોનો વિષય છેડીને, મારી દયા ખાઈને તેં છોડી દીધો પણ હું તારા જેટલી દયાળુ નથી! મને આગળ વધારવાનું મન થયું, એટલા માટે કે, થોડા વખત પહેલાં એક મઝાનો લેખ વાંચ્યો હતો. નીના, તને ગમશે જ એની ખાત્રી સાથે ટાકું છું.
પ્રવીણકાંત શાસ્ત્રી લખે છે કે, “હું ૧૯૭૦માં અમેરિકા આવ્યો તે પહેલા ઘણાં ગુજરાતી વિદ્યાર્થીઓ અમેરિકા સ્કોલરશીપ મેળવીને અમેરિકા આવ્યા હતા અને કાયમને માટે સ્થાયી થયા હતા. મોટા ભાગના ડોક્ટર્સ, એન્જિનિયર્સ કે સાયન્ટિસ્ટ હતા. ત્યાર પછી અમારા જેવા નશીબદારો પ્રોફેશનલ વિઝા પર અમેરિકામાં ખડકાયા. કેટલાક પ્રોફેશન બદલીને હોટેલ મોટેલ ગ્રોસરી કન્વિનિયન સ્ટોરોમાં આગળ વધ્યા.
બીજો મોટો ફાલ એમના શિક્ષિત, અર્ધશિક્ષિત પણ પુરુષાર્થી સ્વજનોનો આવ્યો. તેઓના દેહ અમેરિકામાં પણ મગજ ગુજરાતમાં જ. મંદિરો બન્યાં એમણે અમેરિકામાં ઠેર ઠેર ગુજરાત ઊભું કર્યું. સ્વાભાવિક રીતે સિનેમા, મંદિરો ઊભા થયા. મંદિરો આવ્યાં એટલે બાવા બાપુઓની ભવ્ય પધરામણી શરૂ થઈ. અમેરિકામાં ઊનાળો શરૂ થાય એટલે એમનો વ્યવસ્થિત બિઝનેસ ચાલુ થવા માંડ્યો.!”
આ ભાઈની વાત એટલી બધી સાચી છે કે, ભલે તેમણે હળવી રીતે લખ્યું છે પણ વાંચીને ગંભીર વિચારમાં ડૂબી જવાયું.
છેલ્લાં કેટલાંયે વર્ષોથી હું જોતી આવી છું કે ધર્મને નામે, સાચેસાચ જાતજાતના ધંધા અને વાડાબંધી જ ઊભા થયાં છે. જેવી ઠંડી ઓછી થવા માંડે કે તરત જ અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં પરમ પૂજ્ય ધર્મધૂરંધરોની, મહારાજોની આવન-જાવન ધામધૂમથી થવા માંડે, ડોલરથી થેલા ભરાવા માંડે અને કરુણતા તો એ બની જાય કે સરવાળે, ધર્મ અને શ્રદ્ધા જેવા ભાવો, સંપ્રદાયોની ગલીગૂંચીઓમાં અટવાઈ અલોપ થઈ જાય!! આંખને ઉઘાડી શકે અને દૃષ્ટિને માંજી શકે એ માનવતા નામનો સાચો રાહ જ અદૃશ્ય થઈ જાય!
કેટલીક વાર તો એમ લાગે છે કે, જગત ઇર્ષા અને સ્પર્ધા વચ્ચે જીવે છે. સૌને દેખાડાના અખાડામાં રસ છે. એ જ એની તાસીર છે અને તસ્વીર છે. અધમોની અંધારી આલમનું આજે પૂરેપૂરું વર્ચસ્વ છે.
હેનરી મિલરે ક્યાંક લખ્યું છે કે, દેખાતા ધર્મની હિલચાલના જો એક્સ-રે કઢાવીએ તો તેમાં એક નહિ, અનેક રોગ મળે. સંસ્કૃતિને અને ધર્મને જાણે કે કેન્સર થયું છે જેનું નિદાન ચિંતાનો વિષય છે.
સારું છે કે હવે તો નેટ-જગત પર કેટલાં બધા લોકો આ વિષે લખી લખીને આંખ ઉઘાડવાના પ્રયાસો કરી રહ્યાં છે. સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યાં છે. આપણે આશા રાખીએ કે એક નવા સમયનો ઉદય થાય અને સારું પરિવર્તન આવે.
ચાલ, વાતને થોડી વાળું? ગયા પત્રમાં મેં વિસરાતા જતા શબ્દો (બૂઝારુ, ડોયો વગેરે) વિષે લખ્યું હતું. એ વિષે તારો કંઈ પ્રતિભાવ? અરે, હાં, એ જ સંદર્ભમાં એક જૂનો પ્રસંગ યાદ આવ્યો.
આપણે ગુજરાતીમાં ‘ઘોડો’ એટલે એક પ્રાણીનું નામ અને બીજો અર્થ ‘ઘોડો’ એટલે વાસણ કે બીજી કોઈ ચીજ-વસ્તુ મૂકવા માટે બનાવેલ લાકડાનું કબાટ.
એક વખત એક ગુજરાતી બેને તેમના અમેરિકામાં જન્મેલા પૌત્રને કહ્યું: “બેટા, જા તો જરા ઉપર ઘોડામાંથી પૂજાની મોટી થાળી લઈ આવ તો.” એટલે થોડું ઘણું ગુજરાતી સમજતા છોકરાએ આશ્ચર્યથી પૂછ્યું: હેં.. “એટલે આપણા ઘેર ઘોડો છે?” આ છે વિસરાતા જતા જૂના ગુજરાતી શબ્દોની અવદશા!!
હવે છેલ્લે, તારા કુશળ-મંગળ પૂછી લઉં? અને તારી વધુ એક વઢ ખાઈ લઉં?!! યાર, કુશળ તો તું હંમેશા વર્તાય જ છે. ન હોય તો મારા વગર તું બીજાં કોને કહેવાની? પહેલાં પૂછું કે છેલ્લાં – શું ફરક પડે છે?’ પાણીમાં ચણો’ ને ‘સુખના સોજા’ વાંચીને મને યાદ આવ્યું કે જ્યારે પાતળી હતી ત્યારે હું પણ એમ કહેતી હતી કે, સાલું સુખ જીરવાતું નથી!! સમજી કંઈ?
વધુ આવતા પત્રમાં…
દેવીની યાદ.