સોનાએ વધુ ચમકવા માટે અગ્નિમાં તપવું જ પડે ને? ~ સાહિત્યની સુગંધ: જયશ્રીબેન મરચંટ ~ લેખ: ગિરિમા ઘારેખાન   

(તાજેતરમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા વિવિધ શ્રેણીમાં પારિતોષિક સાવરકુંડલામાં પૂ. મોરારી બાપુના હસ્તે એનાયત કરવામાં આવ્યા. પ્રત્યેક વિજેતા વિશેનો પરિચય-લેખ હપ્તાવાર પ્રગટ કરવામાં આવશે. પ્રથમ લેખ આ રહ્યો, જેમાં ગિરિમા ઘારેખાને “શ્રી ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી સન્માન – ૨૦૨૩” વિજેતા જયશ્રી મરચંટ માટે વિશેષ પરિચય-લેખ લખ્યો છે.)

સાહિત્યની સુગંધ: જયશ્રીબેન મરચંટ

લેબોરેટરી અને લિટરેચરને કોઈ સંબંધ ખરો? એ બંને શબ્દના સ્પેલિંગ એલ અક્ષરથી ચાલુ થાય છે એ સિવાય? જાતજાતના વાયરસના સેમ્પલ્સ જોવા અને સાહિત્યને શું લાગે વળગે? કશું જ નહીં? ના, ના, ઘણું જ, જો એ વ્યક્તિ જયશ્રીબેન મરચંટ હોય તો.

જયશ્રીબેન સાહિત્યના વિધ વિધ સ્વરૂપોના કોશોને ઓળખે, પુસ્તકોની વચ્ચે મૂકાયેલા શબ્દોની નસોને પકડે અને એની વચ્ચે સંતાયેલા અર્થને શોધીને એમને આત્મસાત કરે. આ જયશ્રીબેન કોણ છે એ તો કોઈ ગુજરાતી સાહિત્યપ્રેમીને જણાવવાની જરૂર હોય જ નહીં. પણ આજે તો માઈક્રોસ્કોપીક નજરથી એમને વધારે નજીકથી ઓળખીએ.

વ્યવસાયે રીટાયર્ડ ક્લિનિકલ લેબોરેટરી ડિરેક્ટર જયશ્રીબેન વિનુભાઈ મરચંટ અત્યારે કેલિફોર્નિયાસ્થિત એક મોટા સાહિત્યકાર છે. સાહિત્યકાર તરીકેની એમની સફર તો નાની ઉંમરથી શરૂ થઇ ગઈ હતી. એ લોકો ૧૯૭૮માં ભારતથી ઈમીગ્રેટ થઈને ફિલાડેલ્ફિયા ગયા એનાથી પણ પહેલા એમના લેખ અને કવિતા નવનીત સમર્પણ અને કવિતા જેવા માતબર સામયિકોમાં પ્રકાશિત થતા હતાં. એ સમયે રોપાયેલી સર્જનયાત્રાની કૂંપળ અત્યારે તો લગભગ પાંચ દાયકાના અનુભવોથી સિંચાઈને મોટું વટવૃક્ષ બની ચૂકી છે.

આ સર્જનયાત્રા જેટલી લાંબી છે એટલી જ ગુણવત્તામાં ઊંચી પણ છે. ભલે એમણે  ફિલાડેલ્ફિયા ૨૦૦૦ની સાલમાં છોડી દીધું પણ ત્યાંથી પ્રકાશિત ‘ગુર્જરી’માં ૩૫થી પણ વધારે વર્ષોથી એમની વાર્તાઓ, ગઝલો, અછાંદસ કાવ્યો, અને નિબંધો પ્રકાશિત થતાં રહ્યાં છે.

શરૂઆતમાં એમના કાવ્યોના પ્રેરણાસ્ત્રોત હતા પીઢ સાહિત્યકાર પન્નાબેન નાયક. પોતાના હૃદયમાં બિરાજમાન આ પ્રેરણામૂર્તિને પહેલી વાર મળવાનું થયું ત્યારનો અનુભવ જયશ્રીબેન પોતાના શબ્દોમાં આ રીતે આલેખે છે”

‘ફિલાડેલ્ફિયા જવાનું નક્કી થયું ત્યારથી હું પન્નાબેન નાયકને મળવા માટે આતુર હતી. એમનો કાવ્ય સંગ્રહ ‘પ્રવેશ’ મારા મનમાં પ્રવેશી ગયો હતો. અમેરિકા ગયા પછી એક જ મહિનામાં મારે દિવાળીના મેળાવડામાં એમને મળવાનું થયું. મને હજી યાદ છે કે એમનો હાથ પકડીને હું થોડી વાર સુધી રડતી રહી હતી.’

એક સાહિત્યકાર માટે આટલો પ્રેમ અને સાથે સાથે આટલી સંવેદનશીલતા જેના હૃદયમાં હોય એ વ્યક્તિ પોતે સાહિત્યનુ ખેડાણ કરે ત્યારે એની વાવેલી ફસલ તો કેવી લીલીછમ અને લૂમખે ને ઝૂમખે હોય! અત્યારે જયશ્રીબેન પોતે સાહિત્યના ક્ષેત્રમાં ખૂબ આગળ વધી ગયા છે. પુસ્તકોને પ્રેમ કરનારી એ બે સન્નારીઓ વચ્ચે પ્રીતિ તો પછી ખૂબ પાંગરી છે અને આટલા વરસો પછી હજી પણ એવી જ અકબંધ છે.

પરદેશમાં પોતાના વ્યવસાયિક કાર્યક્ષેત્ર અને કૌટુંબિક જવાબદારીઓ વચ્ચે પણ જયશ્રીબેન સાહિત્યથી અને માતૃભાષા માટેના પોતાના પ્રેમથી બિલકુલ વિમુખ ન થયાં.

‘ગુજરાતી લિટરરી બોર્ડ ઓફ નોર્થ અમેરિકા’ સાથે એ સ્થાપનાના પહેલા દિવસથી જ જોડાયેલા છે અને વર્ષોના વીતવા સાથે એ સંબંધો ઉપર સ્નેહનો વધારે ને વધારે ઢોળ ચડતો રહ્યો છે. પરદેશમાં સ્થિત ગુજરાતી સાહિત્યકારોને એકત્ર કરવાનો એ પ્રકારનો એ પહેલો પ્રયત્ન હતો.

આ એકેડેમી દ્વારા અવારનવાર આયોજિત કરવામાં આવતા સાહિત્યના કાર્યક્રમોમાં હાજરી આપતાં અને ભાગ લેતાં જયશ્રીબેનની પોતાની સાહિત્યની સમજ અને ક્ષિતિજો વિસ્તરતી ગઈ. ગુજરાતી સાહિત્ય સાથેનું એમનું નાળબંધન તો ચાલુ રહ્યું જ, સાથે સાથે વિશ્વ સાહિત્યના વિશાળ ફલક ઉપર પણ એમની નજર મંડરાવા લાગી.

આ દરમ્યાન શ્રી કિશોરભાઈ દેસાઈ દ્વારા ‘ગુર્જરી’ ચાલુ કરવામાં આવ્યું. એની સાથે પણ જયશ્રીબેન પહેલા જ દિવસથી જોડાઈ ગયા અને એમની લેખનયાત્રા, ખાસ કરીને ગઝલ સર્જનયાત્રાને પાંખો ફૂટી. સાથે સાથે એમના નિબંધો અને ટૂંકી વાર્તાઓ પણ ‘ગુર્જરી’ના પાનાઓ ઉપર ચમકવા માંડ્યા.

બધું બરાબર ચાલતું હતું ત્યાં એકવાર ઓચિંતી આ કુટુંબ ઉપર એક વીજળી એવી ત્રાટકી કે ત્યારે તો એવું જ લાગે કે બધું ભસ્મીભૂત થઇ રહ્યું છે. ઈશ્વરે આ સાલસ સન્નારીની ધીરજને કસોટીની એરણ ઉપર ચડાવી.

એક વાર રસ્તો ઓળંગતી વખતે જયશ્રીબેનના પતિ વિનુભાઈને ગમખ્વાર અકસ્માત થયો. પતિની ત્રણ વર્ષ લાંબી ચાલેલી સારવાર અને અનેક ઓપરેશનોના કપરા કસોટીના કાળે એમને અંદરથી વધી મજબૂત બનાવ્યા.

‘મૃદુની કુસુમાદપિ’ નારી જરૂર ઊભી થઇ ત્યારે ‘વજ્રાદપિ કઠોરાણી’ બની શકી. આ દરમ્યાન નવી નોકરી, ટૂંકો પગાર અને પાંચ અને છ વર્ષના બે નાના બાળકોની સંપૂર્ણ જવાબદારી જયશ્રીબેન ઉપર હતી. પણ એક વસ્તુ હમેશા જોવા મળી છે કે જેને સાહિત્યનો સથવારો હોય એ વ્યક્તિ જલદી તૂટી નથી જતી. સ્વરઅક્ષરના તરાપામાં બેસીને એ ગમે તેવી મુશ્કેલીના મહાસાગરને પાર કરી શકે છે.

જયશ્રીબેન સાથે પણ એવું જ બન્યું. મિત્રોએ સાથ આપ્યો. વાંચન, સમજણ અને સાહિત્યએ હાથ અને હામ ઝાલી રાખ્યા અને જયશ્રીબેન આ કસોટીના કરણમાંથી વધારે મજબૂત થઈને બહાર આવ્યા. મિત્રો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જયશ્રીબેન મરીઝના શેરને ટાંકે છે:

જનાજો જશે તો જશે કાંધે કાંધે
જીવન પણ ગયું છે સહારે સહારે

અને

જિંદગીમાં કંઈ કેટલાયનો કરજદાર છું મરીઝ
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે

જો કે મુશ્કેલીઓ આટલેથી અટકવાની ન હતી. હોશિયાર વિદ્યાર્થી જાણીને ઈશ્વરને પણ આ બહાદુર સ્ત્રીની હિંમત અને ધીરજની પરીક્ષા વારંવાર લેવાનું મન થતું હતું. સોનાએ વધુ ચમકવા માટે અગ્નિમાં તપવું જ પડે ને?

આપણે બધા જાણીએ છીએ કે પરદેશમાં જઈને સારી નોકરી મેળવવા માટે લાગતી વળગતી પરીક્ષાઓ આપવી પડે છે. આ ખંતીલા પતિ-પત્નીએ હવે ઘર, નોકરી અને પરિવાર સાચવતાં સાચવતાં આગળ ભણવાનું પણ હતું. ખુબ ધગશથી એમણે એ ભગીરથ કાર્ય પણ ઝળહળતી સફળતા સાથે પાર પાડ્યું અને પછી તો પાછું વળીને જોવાનો પ્રશ્ન જ ન હતો. એ બંને પતિ પત્ની પોતપોતાની કારકિર્દીમાં ઘણે ઊંચે સુધી પહોંચ્યા.

આ ગ્રહણ જેવા સમયમાં પોતાની નાવ ચાલતી રહી શકી એનો યશ પણ જયશ્રીબેન ફરીથી સાહિત્યની દિવાદાંડીને જ આપે છે. “આ કપરા સમયને હું પાર કરી શકી એનો યશ એ સમયમાં ન્યૂયોર્ક કે ઉત્તર જર્સીમાં થતા સાહિત્યના કાર્યક્રમો, મારું વાંચન અને લેખનને જ આપું છું. જો હું સાહિત્યને વળગી ન રહી હોત તો આ આફતોના પૂરમાં તણાઈ ગઈ હોત.’

આવી ઘટનાઓ જ પુરવાર કરે છે કે સાહિત્ય માત્ર મનોરંજન માટે કે સમય પસાર કરવા માટે નથી. સાહિત્ય માનવને વિચારોની ઊંચાઈ અને સમજણની ઊંડાઈ બંને આપે છે અને સારું જીવન જીવવા માટેનું તાળું ખોલવાની કૂંચી આપી દે છે.

૨૦૦૦ની સાલમાં જયશ્રીબેને જ્યાં પોતાના સાહિત્ય લેખના વૃક્ષને બરાબર ઉછેર્યું હતું એ પ્રિય ફિલાડેલ્ફિયા છોડીને ‘બે એરિયા’માં સેટલ થવું પડ્યું. પણ જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં ત્યાં ગુજરાત છે અને ગુજરાતી સાહિત્યપ્રેમીઓ પણ છે. મન હોય તો માળવે પહોંચી જ જવાય છે અને કોઈ વસ્તુ પ્રત્યેનો અનહદ લગાવ, શોખ, સમશોખીયાને શોધી જ લે છે.

અહીં જયશ્રીબેનને સમરસ ધરાવતાં મિત્રો મળી જ ગયાં. અહીં પણ શ્રી પ્રતાપભાઈ પંડ્યાની ‘પુસ્તક પરબ’ જેવી સંસ્થા, ‘ટહુકો’ સંસ્થા, લોકલ ગ્રુપ ‘બેઠક’, ‘જવનિકા’ અને ‘બે એરિયા વૈષ્ણવ પરિવાર’ના નેજા હેઠળ થતી સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓએ એમની લેખિનીમાં પ્રાણ સમી સ્યાહી પૂરવાનું ચાલુ રાખ્યું. કલમ વધુ ને વધુ સુગંધિત બનતી રહી.

જયશ્રીબેન પોતે છે જ એટલા બધા સ્નેહાળ કે એમને એ જ્યાં જ્યાં જાય ત્યાં સહૃદય મિત્રો મળી જ જાય. જો બધે જ બધા જ એમના મિત્રો બની જતા હોય તો એમના હૃદયમાંથી મિત્રતાનું, પ્રેમનું કેવું અસ્ખલિત ઝરણું વહેતું હશે! આપણને ખબર છે કે સૌન્દર્યો પામતાં પહેલાં સૌન્દર્ય બનવું પડે.

હવે તો વિવિધ સાહિત્ય સ્વરૂપ સાથેનું જયશ્રીબેનનું બંધન પણ અરસપરસ ઘણું મજબૂત થઇ ગયું હતું. એ એક વેલી બનીને સાહિત્યના વૃક્ષને વીંટળાઈ ગયા હતા. બધું બરાબર ચાલતું હતું અને ત્યાં એક ગમખ્વાર અકસ્માતમાં ઓચિંતું એમના જીવનસાથી, એમના પ્રેરકબળ, આધારસ્તંભ જેવા એમના પતિ વિનુભાઈનું અવસાન થયું.

એ અતિદુર્ગમ કાળમાં પણ સાહિત્યિક મિત્રોએ જ એમને સંભાળી લીધા. શ્રી પુરુષોત્તમભાઈ દાવડાએ પોતે શરૂ કરેલા ‘દાવડાનું આંગણું’ માં લખવા માટે એમને આગ્રહ કરીને દોર્યાં. બ્લોગના એડવાઈઝરી બોર્ડ ઉપર એમને ડો. શ્રી બાબુભાઈ સુથારનો સાથ અને માર્ગદર્શન મળવા માંડ્યું. પછી તો પાછું વાળીને જોવાનું જ શું હોય? જિંદગીના દરેક તબક્કે જયશ્રીબેન જાણે ઈશ્વરને પણ પડકારતા હતા:

કૈંક લાવો અંધકારોથી વિશેષ
તો બતાવું હું સવારોથી વિશેષ
– હર્ષ બ્રહ્મભટ્ટ

એ બ્લોગ ઉપર એમણે સુગંધિત સવાર જેવી ‘જિન્દગી એક સફર હૈ સુહાના’ જેવી શ્રેણી આપી જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પુસ્તક સ્વરૂપ પણ પામી. એ જ બ્લોગમાં ૨૦૧૭-૧૮માં નવલકથા ‘પડછાયાના માણસ’  લખી જે ગુજરાત ટાઈમ્સમાં પ્રકાશિત થઇ અને ખૂબ લોકપ્રિય થઇ.

૨૦૧૭માં જયશ્રીબેનના ગઝલ સંગ્રહ ‘વાત તારી ને મારી છે’ અને કાવ્ય સંગ્રહ ‘લીલોછમ ટહુકો’ મુંબઈની ઈમેજ સંસ્થાએ પ્રગટ કર્યાં છે. ૨૦૨૦થી જયશ્રીબેને ‘દાવડાનું આંગણું’નું સૂકાન સંપૂર્ણપણે સંભાળી લીધું છે. એમાં એડિટર તરીકેની કારકિર્દી દરમ્યાન સાહિત્યની ગુણવત્તા વિશેની એમની આંતરસૂઝ વિકસતી ગઈ. એ જ આંતરસૂઝની આંગળી પકડીને ‘આપણું આંગણું’ શરૂ કરવામાં આવ્યું જે અત્યારે જાતજાતની સાહિત્યિક પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું છે. અને ઘણા નામી અનામી લેખકોની કલમથી મઘમઘી રહ્યું છે.

જયશ્રીબેન સાહિત્યને લગતી ઉડી જુદી પ્રવૃત્તિઓ સતત કરતા રહે છે. એમના કાર્ય અને સ્વભાવની સોડમથી ખેંચાઈને આવતા શ્રી ભાગ્યેશભાઈ જહા, મુકેશ જોશી, હિતેન આનંદપરા, અનિલ ચાવડા, શોભિત દેસાઈ, ચંદ્રકાંત મહેતા જેવા અનેક સાહિત્યકારોના કાર્યક્રમો સફળતાપૂર્વક યોજીને એમણે પરદેશમાં ગુજરાતી ભાષાને ઓક્સીજન પૂરો પાડ્યા કર્યો છે.

સંગીત ક્ષેત્રના મહારથી અમર ભટ્ટ, રાસબિહારીભાઈ દેસાઈ, વિભાબેન દેસાઈના સંગીતના સૂરો પણ એમણે ત્યાં વહાવ્યા છે. આ ઉપરાંત ગુર્જરી ડાયજેસ્ટના ૨૫ વર્ષોની ઉજવણી, પન્નાબેન નાયકના ગાર્ડી એવોર્ડની ઉજવણી, વગેરે કાર્યક્રમોએ જયશ્રીબેનની યશકલગીમાં અનેક રંગીન પીંછા ઉમેર્યા છે.

સંઘર્ષની નદીમાં પોતાની નાવ ચલાવતી આ સ્ત્રીએ સાહિત્યના અનેક સોપાનો સર કર્યા છે. જરૂર હોય ત્યારે એમણે દરિયામાંથી રસ્તો શોધ્યો છે અને આવશ્યકતા ઊભી થાય ત્યાર ટીપાંમાંથી સાગર પણ ઉછાળ્યો છે.

હું ચરણ માંડું અને રસ્તો બને
એક ટીપું શક્ય છે દરિયો બને
– હર્ષ બ્રહ્મભટ્ટ

‘પ્રખર વિદ્વાન શ્રી મધુસુદનભાઈ કાપડિયાએ પોતાના પુસ્તક ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતીઓ’માં જયશ્રીબેનની સર્જન ક્રિયા વિષે સુંદર વાતો કરી છે. એમનું જીવન અનેકને પ્રેરણા અને પ્રોત્સાહન આપે એવું છે. જેટલું મેળવવું એટલું પાછું આપવું એ ન્યાયે એમણે સાહિત્ય પાસેથી સધિયારો મેળવ્યો તો પોતાની સુંદર કૃતિઓ થકી એમણે સાહિત્યને એ ભરપાઈ પણ કરી આપ્યું છે.

એ ઉપરાંત ‘આપણું આંગણું’માં નવા નવા સાહિત્યકારોની કૃતિઓ સ્વીકારીને એ એમને આગળ વધવા માટેનું જોમ પણ પૂરું પાડે છે. પરદેશની ધરતી ઉપર તોફાનોનો સામનો કરતાં કરતાં એમણે ગુજરાતી સાહિત્યના સુંદર, મહેકતા પુષ્પો વાવ્યાં છે અને એની સુગંધ એટલી ફેલાવી છે હવે તો એ અમેરિકાની સીમાઓ વટાવીને બધે જ પ્રસરી રહી છે.

આટલું બધું પામ્યા પછી પણ નમ્રતા અને સ્નેહની ધરતી ઉપર પોતાના પગ મજબૂત ટેકવીને બેઠેલા જયશ્રીબેનને તાજેતરમાં જ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા “શ્રી ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી સન્માન – ૨૦૨૩”થી નવાજવામાં આવ્યા છે. ‘વિશ્વ ગુર્જરી’નો તાજ એમના શિર ઉપર ગોઠવાઈને વધુ શોભી ઉઠશે.

~ ગિરિમા ઘારેખાન       
~ ફોન: ૮૯૮૦૨૦૫૯૦૯

 

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. ”શ્રી ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી સન્માન – ૨૦૨૩” થી પ્રાપ્તિ માટે અઢળક અભિનંદન જયશ્રીબહેનન અને જયશ્રીબહેનનો શબ્દઃસહ સુંદર પરિચય માટે ગિરિમાબહેનને પણ અભિનંદન.