શમા ~ (લઘુનવલ) પ્રકરણ: ૫ ~ મૃગજળમાંથી મોતી શોધતી યુવતીની કથા ~ લે. ગિરિમા ઘારેખાન
પ્રકરણ –૫
સવારે આકાશમાંથી વિદાય લેતા પહેલાં ચંદ્રમાએ સૂરજના કાનમાં કંઈ કહી દીધું હતું. એટલે સૂરજ વહેલો વહેલો આવીને સોહારમાં આવેલા આ ફાર્મ હાઉસના વિલાના બારણા સામે ગોઠવાઈ ગયો હતો.
અંદર કેવું દ્રશ્ય જોવા મળશે એની કલ્પનાથી કંઇક પ્રેરાઈને, એણે પહેલાં તો ઉષા સાથે થોડા લાડ કર્યાં, ધરતીને થોડી પંપાળી, અને પછી પોતે જ થોડું શરમાતા શરમાતા લાલચોળ મુખથી એ વિલા સામે જોયું. જો કે દરવાજો બંધ હતો એટલે અંદર ઝાંકવા તો મળ્યું નહીં.
ચંદ્રમાએ એક રૂમની બારીમાંથી એક યુવતીને જેવી રીતે જોઈ હતી એને એવી જ રીતે સૂરજને પણ જોવી હતી. પોતાના કાનને મળેલો લાભ એ આંખોને પણ આપવા માગતો હતો. યુવતીને લલચાવવા માટે સૂરજે એ વિલા ઉપર સોનેરી રંગના કિરણો ફેંક્યા. પણ કંઈ વળ્યું નહીં. ઘણી રાહ જોઈ, ગુસ્સાથી એનું શરીર તપી ગયું, પણ એ યુવતી જોવા મળી નહીં. છેવટે સૂરજ એ વિલાની છત ઉપર ચડ્યો, ત્યારે વિલાનો દરવાજો ખુલ્યો.
કડક ચા ઉકળવાની સુગંધ શમાના નાકમાં ન ગઈ હોત તો એ બપોર સુધી ઊઠી જ ન હોત. આંખ ખોલીને જોયું તો ખાલીદ બાજુમાં ન હતો.
ઓહ! એ ઝડપથી ઊભી થઇ ગઈ. ક્યાં ગયા હશે? ઘડિયાળ તરફ નજર ગઈ અને એ ચોંકી! આટલું બધું મોડું! આટલું તો એ ક્યારેય ઊંઘી ન હતી. પણ આમ જુઓ તો એ “ઊંઘી” હતી ખરી! હજુ પણ ઊઠવાનું મન ક્યાં થતું હતું?
તન અને મન, બન્નેની હાલત એવી હતી જાણે કંઈ નશો કરીને સૂતી હોય. નશો તો ચડ્યો જ હતો ને- ખાલીદે વરસાવેલા પ્રેમનો! એનાં તન-મન, બંને તરબતર થઇ ગયા હતાં. માત્ર એક જ રાતમાં કોઈ વ્યક્તિ આટલી નજીક આવી જાય અને હૃદય ઉપર રાજ કરવા માંડે એવું બને? બન્યું તો હતું જ.
શમાને લાગતું હતું કે એ જાણે ખાલીદ સાથે એકરૂપ થઇ ગઈ હતી. આટલા કલાકમાં એનો ખાવિંદ એવું સર્વસ્વ બની ગયો હતો. એટલે જ બાજુમાં ખાલીદને સૂતેલો ન જોઇને એને ઊઠી જવાની ઈચ્છા થતી હતી. ખાલીદ બાજુમાં હોત તો એ હજુ પણ સૂઈ રહી હોત.
ફ્રેશ થઈને શમા બહાર ગઈ ત્યારે ખાલીદ ત્યાં ન હતો. મરિયમ રસોડામાં હતી. એ સીધી રસોડામાં જ ગઈ.
‘મરિયમ, તારા સાબ ક્યાં ગયા?’
‘એ તો ચા પીને બહાર ખજૂરી જોવા ગયા છે. ખજૂર હવે પીળી થઇ ગઈ છે.’
શમાએ અમદાવાદમાં લારીઓમાં વેચાતી પીળી ખજૂરનાં ઝૂમખાં જોયા હતાં અને પછી પાકેલી ખજૂર. એનાથી વધારે એને ખજૂર વિષે કંઈ ખબર ન હતી.
એ રસોડું જોતી ઊભી રહી. કેટલું મોટું ફ્રીઝ છે! અમુક વસ્તુઓ તો એણે ક્યારેય જોયેલી જ ન હતી. મરિયમને પૂછું? એ મારે માટે શું વિચારશે?
‘ચા આપી દઉં, મેડમ?’
‘હા. અને એમ દર વખતે મને મેડમ કહેવાની જરુર નથી.’ શમાને આ સંબોધન બહુ ભારેખમ લાગતું હતું.
‘તો શું કહૂં મેડમ?’
શમાને અત્યારે તો કંઈ સુઝ્યું નહીં. એણે ચા નો કપ લેવા હાથ લંબાવ્યો.
‘હૂં કપ ટેબલ ઉપર મૂકી જઉં છું, મેં…’ શબ્દ અડધો છોડીને મરિયમ હસી પડી. એને આ માસૂમ, સુંદર, એની ભાષા બોલતી માલકિન બહુ ગમી ગઈ હતી.
શમાને લાગ્યું કે આ બધી સાહ્યબીથી ટેવાતા હજુ વાર લાગશે.
એ તૈયાર થઈને ખાલીદની રાહ જોઇને બેઠી. આ એક રાતમાં એને શું થઇ ગયું હતું! કાલ સુધી દૂર દૂર, આસમાનમાં દેખાતા ચાંદા જેવો લાગતો ખાલીદ અત્યારે હાથમાં આવી ગયેલા સિતારા જેવો લાગતો હતો. સવારે ઊઠીને મન એને જ જોવા ઝંખતું હતું. એક સાવ અજાણ્યો માણસ આટલા કલાકોમાં આમ આટલો પોતાનો થઇ જાય? દરેક સ્ત્રીને આવું થતું હશે?
શમાએ બહુ વાર ખાલીદની રાહ ન જોવી પડી. એ આવ્યો ત્યારે બહુ ખુશ લાગતો હતો.
‘શમા, ઇસ ટાઈમ બહુત સારી ખજૂર હુઈ હૈ. દેખને ચલોગી?’
‘અભી? આપ તો દેખકે આયે ના?’
‘ચલો, તુમકો ભી સબ દિખા દેતા હૂં.’
શમાએ નોંધ્યું કે એ હવે ખાલીદ માટે “આપ” માંથી “તુમ” થઇ ગઈ હતી. એનો અર્થ એ કે એ પણ હવે એની એટલી નજીક હતી ને?
બહુ ઈચ્છા ન હતી તો પણ શમાએ ખાલીદના ઉત્સાહનો પડઘો પાડ્યો અને એની સાથે ખજૂરીઓના ઝાડ જોવા જવા તૈયાર થઇ ગઈ. ઝાડ ઉપર લટકતી ખજૂરની લૂમો જોઇને એને થયું કે આવું તો એણે ક્યારેય જોયું જ ન હતું!
એને એવો ખ્યાલ હતો કે ખજૂરના વૃક્ષો તો બહુ ઊંચા ઊંચા હોય અને છેક ઉપર ખજૂર લાગી હોય. પણ અહીં તો એવું ન હતું. અમુક ખજૂરીઓ તો સાવ નાની નાની જ હતી અને બધાની ઉપર કેટલી બધી ખજૂર લાગેલી હતી! ઘણી ખજૂરી તો એટલી નીચી હતી કે હાથ ઊંચા કરીને ખજૂર તોડી લેવાય. આ લોકો આવું કેવી રીતે ઉગાડતા હશે?
ખજૂરના લીલાછમ મોટાં પાંદડાઓની નીચે લટકતી હળદર જેવી પીળી ખજૂર બહુ જ સુંદર લાગતી હતી. હવામાં એની એક ખાસ સુગંધ હતી. થોડાંક માણસો ત્યાં કામ કરી રહ્યાં હતાં. એમના સાબ અને મેડમને જોઇને એ બધા એકદમ હાથ ખંખેરીને ઊભા થઇ ગયા અને બધાએ ખાલીદને ‘સલામ આલેકુમ’ કહ્યું.
‘ઇસમેં સે કઈ આદમી તો ઇન્ડિયા સે આયે હૈ. પૂરે દેશમેં સારે બાગ-બગીચે સંભાલના, રાસ્તે કી સફાઈ કરના, મકાન બનાના, યે સારે કામ ઇન્ડિયન, પાકિસ્તાની યા બાંગ્લાદેશી હી સંભાલતે હૈ…
યે આગે ખડા હૈ વો હારુન હૈ જો મરિયમકે ગાંવસે હી હૈ. બહોત હોશિયાર હૈ. યહાંકા હમારા પૂરા કામકાજ યે હી દેખતા હૈ. ઉસકો તો સબ માલૂમ હૈ, મુઝસે ભી જ્યાદા. વો તુમ્હેં સબ સમઝા દેગા. તુમ્હારી જબાન બોલતા હૈ. ઇતની સારી ખજૂર…. ’
ખાલીદ બોલતો રહ્યો, શમા સાંભળતી રહી. એને સમજણ ન હતી પડતી કે એને બધું શીખવાડવા માટે ખાલીદને આટલી ઉતાવળ કેમ હતી? એ પણ અહીં સાથે જ તો હતો. પછી શમાએ બધું શું કામ જાણવું પડે? એ પણ આટલું જલ્દી?
એણે ખાલીદને કંઈ પૂછ્યું નહીં. ખાલીદ એનો ખાવિંદ હતો, એનો સરતાજ. અત્યાર સુધી એણે બધી સરસ સરપ્રાઈઝ આપી હતી. આમાં પણ કંઈ એવું જ હશે. ખાલીદના શબ્દોને એ ઘૂંટડે ઘૂંટડે પીતી રહી.
એ પછીના પંદર દિવસ અને પંદર રાત સુધી શમા ખાલીદનો પ્રેમ ખાતી રહી, પીતી રહી, શ્વસતી રહી. આંખોથી, કાનથી, તનથી અને મનથી. એના ખાવિંદનો પ્રેમ છાંટણામાં ન હતો આવતો. એની તો છોળો ઊડતી હતી અને એ એમાં તરબતર થતી જતી હતી. એણે ખાલીદને સંપૂર્ણ રીતે પોતાનામાં ઊતારી લીધો હતો.
આટલા વીસ વર્ષમાં એને ક્યારેય કોઈ છોકરા પ્રત્યે આકર્ષણ ન હતું થયું. હૃદયની સ્લેટ સાવ જ કોરી હતી. એના ઉપર હવે ખાલિદનું નામ કોતરાઈ ગયું. એ પૂરેપૂરી ખાલીદમય થઇ ગઈ હતી. હવે એને સોહારમાં રહેવાનું ગમતું હતું. એને આ ઘર, બગીચો, બગીચાના ફૂલ, બહારનો ફુવારો, થોડે દૂર ઊગેલી ખજૂરીઓ – બધા જ સાથે પ્રેમ થઇ ગયો હતો.
એક સવારે ખાલીદને ગમતા ઊદના અત્તરની તીવ્ર સુગંધ નાકમાં જવાથી શમાની ઊંઘ ઊડી ગઈ. એણે જોયું તો ખાલીદે નવો કંદોરો પહેર્યો હતો અને ઉપર પેલો ખંજરવાળો ચાંદીનો પટ્ટો પહેર્યો હતો. એનો અર્થ એ કે એ ક્યાંક બહાર જતો હતો. ક્યાં? એણે રાત સુધી કંઈ જણાવ્યું તો ન હતું. ઓચિંતું શું થયું?
‘ક્યા હુઆ?’ શમાના અવાજમાં ચિંતા હતી.
‘કુછ ભી નહીં. ક્યૂં?’ ખાલીદ એનો પટ્ટો સરખો કરતાં એવી રીતે બોલ્યો જાણે એ રોજ જ આ સમયે બહાર જતો હોય.
‘નહીં, આપ સુબહ સુબહ કહીં બાહર જા રહે હૈ, ઈસલીયે.’
‘હાં, તો?’
ખાલીદના આવા જવાબો સામે શું બોલવું એ શમાને સમજાતું ન હતું. કોઈ ઘરનું માણસ સવાર સવારમાં આમ ઓચિંતું બહાર જતું દેખાય તો નવાઈ તો લાગે જ ને? ક્યાં જાય છે એ તો જાણવું જ પડે.
એણે પૂછી જ લીધું, ‘કિસ તરફ? વાપસ કબ આઓગે?’
‘મૈં મસ્કત જા રહા હૂં.’
મસ્કત? કયું? શમાના આશ્ચર્યની અવધિ ન હતી. એકદમ કેમ મસ્કત જવાનું થયું હશે?
શમાને બિલકુલ ખ્યાલ ન હતો કે આમ મસ્કત જવાની વાત તો માત્ર એક ઘસરકો હતો, ઘા તો હવે થવાનો હતો. જયારે ખાલીદે કહ્યું, ‘યહાં કબ તક રહ સકતા હૂં? મેરા મેઈન બીઝનેસ તો મસ્કત મેં હૈ. હનીમુન કિતના લંબા ચલ સકતા હૈ? અબ જાના તો પડેગા ડાર્લિંગ.’
એ પછી શમાના કાને જે શબ્દો ઝીલ્યાં અને મગજને પહોંચાડ્યા એને સાચા માનવા માટે મગજ તૈયાર ન હતું. ખાલીદે સાવ સ્વાભાવિક વાત કરતો હોય એવી રીતે જ જણાવ્યું કે એનો ખજૂરનો બીઝનેસ મોટો હતો પણ એનું બધું મુખ્ય કામકાજ, વેચાણ તો મસ્કતમાં હતું અને એને માટે એણે મસ્કતમાં જ રહેવું જરૂરી હતું.
ખાલીદના શબ્દોથી શમાના મનને ઠોકર વાગી. હવામાં સરસ ઉડતી પતંગ જાણે એકદમ જ કપાઈ ગઈ.તો પણ એણે હજુ મનને જૂઠી સાંત્વના આપી કે મસ્કતમાં કામ હોય એટલે થોડા દિવસ રહેવું પડશે. પછી કામ પતાવીને ખાલીદ પાછો આવી જશે-એની પાસે. એક દરકાર કરનારી પત્નીની જેમ એણે પણ પ્રશ્ન કર્યો, ‘ લેકિન વહાં આપ રહોગે કહાં? હોટલમેં ઠહરના પડેગા ન? ખાના અચ્છા મિલ જાયેગા?’
‘અરે, હોટલ મેં કયું? વહાં ઘર હૈ હમારા! પરિવાર હૈ પૂરા. જ્યાદા તો વહીં પે રહના હૈ, ફિર ઘર તો ચાહિયે ના?’
શમા આંખો પહોળી કરીને આ બધું સાંભળતી રહી. “જ્યાદા તો વહીં પે રહના હૈ!” ખાલીદ આ શું કહેતો હતો?
થોડા સમય સુધી તો એ એટલા આઘાતમાં હતી કે શબ્દો ગળામાં છૂંદાઈ ગયા. આંખો સામે અંધારું આવી ગયું. એક તળિયા વિનાના ઊંડા ઊંડા કૂવામાં એ ઊતરતી જતી હોય એવું એને લાગતું હતું. હૃદયના ધબકારે ધબકારે એક અજાણ્યો ભય વ્યાપી રહ્યો હતો. કાલ રાત સુધી તો મારા આ શૌહરના અવાજથી કાનમાં જન્નતનું સંગીત ગૂંજતું હતું. આજે એ શું બોલે છે? મને કંઈ સંભળાતું નથી કે સમજાતું નથી? એ તો મને કહેતા હતા કે એ મને એક પળ પણ આંખોથી દૂર જોઈ નથી શકતા. તો હવે કેવી રીતે જઈ શકે? એ અહીં મને એકલી મૂકીને જતા રહેશે? તો મારું શું? મજાક કરતા હશે?
ખાલીદને રૂમની બહાર જતો જોયો ત્યારે શમાના મગજના ગળે ઊતર્યું કે એ ખરેખર જઈ રહ્યો છે. એ એની પાછળ પાછળ બહાર આવી ત્યારે ખાલીદ કાવાની સાથે ખજૂર ખાઈ રહ્યો હતો.
શમાને પાછળ આવેલી જોઇને એણે એની સામે જોઇને સ્મિત કર્યું અને બોલ્યો, ‘કાવા પીઓગી? ખજૂર કે સાથ અચ્છા લગતા હૈ. કાવા કડવા તો હોતા હૈ લેકિન ખાલી મીઠા હી મીઠા તો નહીં ખા સકતે. થોડા મીઠા, થોડા કડવા, સાથ મેં લેના ચાહીએ.’
એણે ધરેલા કાવાની સામે જોયા વિના શમા સીધી એની બાજુમાં જઈને ઊભી રહી ગઈ.
‘આપ મજાક કર રહે હૈ ના? સચ બતાઈયે.’ એનો અવાજ રડમસ હતો. મેઘધનુષ પહેરીને મલકાતા ઝાકળ ઉપરથી વાદળની છાયા જતી રહી હતી અને ધગધગતો તડકો એને બાળી રહ્યો હતો.
‘ઓ મેરી નૂરેજહાં, મેં સચ મેં જા રહા હૂં. મસ્કતમેં રહના પડેગા લેકિન તુમ્હારા યે આશિક જુમ્મે રાતસે પહેલે યહાં આ જાયેગા.’
‘જુમ્મે રાત?’
‘ગુરુવાર. ચલો, બંદા હર ગુરુવાર દોપહર તક આ જાયેગા ઔર અગલે દિન રાતકો જાયેગા. પૂરે દો દિન આપકે સાથ.’
ડૂબતાને તરણું તો મળ્યું.
શમાના ચહેરા ઉપરની વાદળીમાં એક તેજનું છિદ્ર પડ્યું. પણ એ અહીં આવી એ દિવસથી ખાલીદના સહવાસનું એને વ્યસન થઇ ગયું હતું. એના વિના કેવી રીતે રહેવું એની મૂંઝવણ તો હતી જ. અહીં એકલા કરવાનું શું? આ પંદર દિવસ તો એણે ખાલીદને પ્રેમ કર્યા સિવાય બીજું કંઈ કર્યું જ ન હતું. અહીં એનું બીજું હતું પણ કોણ?
ખાલીદે એની આ સમસ્યાનો પણ રસ્તો બતાવી દીધો, ‘તુમને હમારા બાગ ભી અભી તો પૂરા દેખા નહીં હૈ. બાહર ઘૂમો. ફિર ઇતને બડે હમામમેં દો ઘંટે તક બાથ ટબમેં લેટકે રહના. મ્યુઝીક સુનો, ગહને પહનો ઔર શીશેમે દેખો. બસ, તબ તક તો હમ વાપસ.’
શમા કંઈ બોલે એ પહેલાં તો ખાલીદ એની ગાડીમાં ગોઠવાઈ ગયો હતો. છેલ્લે એ બૂમ પાડીને કહેતો ગયો હતો કે શમાએ હારુન પાસેથી ખજૂરનું બધું કામકાજ શીખી લેવાનું છે.
શમા ખાલીદની ગાડીને ગેટની બહાર નીકળતી જોઈ રહી. એને લાગ્યું કે આજનો સૂરજ ઊગીને તરત જ આથમી ગયો છે.
(ક્રમશ:)
સવારે વહેલા આવી ગયેલા સૂરજનાં આગમનથી એક હવા બંધાઈ અને અંતે ખાલીદની ગાડી નીકળતાની સાથે એ સ્થિર થઈ ગઈ. એ સાંજનો સૂરજ ઊગીને તરત જ આથમી ગયો .
સીધો જ ઈશારો શમાનાં નવ દાંપત્યજીવનના સૂરજના ઉગવાની સાથે આથમવાની સ્થિતિ દર્શાવે છે.
Very interesting story
Thanks shloka
સુંદર વાર્તા..આગલા પ્રકરણ ની ઇંતેજારી
Thanks mayankbhai
સોનાના પીંજરામા કેદી બનેલી શમા હવે કેમ રહેશે ? એ સમયના રહસ્યના પડ સાથે ઉકેલાશે…સવારનું વર્ણન સરસ
Thank you so much
ખૂબ સરસ ભાષા અને વર્ણન. હવે શું? એવા ઇંતેજાર સાથે આગળ ધપતી નવલકથા.
Thank you