ચૂંટેલા શેર ~ એસ. એસ. રાહી ~ ગઝલસંગ્રહઃ માવજત (પ્રથમ આવૃત્તિ – ૨૦૨૨)

ગ્રંથ છે દળદાર તો એમ જ કરો
એક છુટ્ટું પેજ ચાખી જોઈએ
*
ન્હોતી ખબર કે આવી જુગલબંદી હોય છે!
થાક્યો સૂરજ તો સાંજ પણ ઝટપટ જતી રહી
*
એ પછી ફળિયાં બધાં ટોળે વળ્યાં
જૂનું સગપણ ઘર સુધી આવી ગયું
*
અચરજ છે એ જ વાતનું જૂના તળાવને
કરમાયેલાં કમળ મહીં ભમરો ઊગી ગયો
*
હલેસાંએ નાતો જ તોડી દીધો
અને નાવ ઊંડે ગરક થઈ ગઈ
*
તું ગમે તે રીતથી થોડું કહી દે એ સનમ
દિલમાં ડૂમો હોય તો નિઃશબ્દતા સારી નથી
*
સૈર કરશું આપણે બ્રહ્માંડની
જે હતો તુજને અભરખો ક્યાં ગયો?
*
કેમ તારી ગલી સુધી પ્હોંચું?
તારે શરણે છું પણ ચરણ ક્યાં છે?
*
ખુશ્બૂ યાયાવર બનીને જઈ શકે છે ક્યાંય પણ
નાચવું હો ફૂલને તો આંગણું મળતું નથી
*
ઘર સુધી આવી હતી તું તે ખબર પણ ના પડી
શું ઘણો તરસ્યો હતો રસ્તો કે પગરવ પી ગયો
*
તમે આવ્યાં વેરાન ભૂમિ ઉપર
તો ત્યાં સૌનું દેરો-હરમ થઈ ગયું
*
તમારી વેદનાનાં ઝુમ્મરો શોભે છે ઘુમ્મટમાં
પરંતુ ભીંતમાં ટાંગી શકું એવી છબી ક્યાં છે?
*
સંદેહ તને હોય તો ખંખેરી નાખજે
તારા વગર મજા છે ને ભરપૂર જીવું છું
*
હવે કૃષ્ણને કેવી રીતે કહું કે –
છે રાશનના તાંદુલ ને હું છું સુદામો!
*
એટલે દાનમાં મેં દઈ દીધો
હાથ ડાબો નથી કશા ખપનો
*
બધી યાદ કમરામાં ઊંઘે અહર્નિશ
કદી ઘર ત્યજી એ નથી બ્હાર જાતી
*
ધીમે ધીમે થાશે ઘરડું
સુખને એવી રીતે પાળો
*
એમ ના મળશે ખરીદારો તને
ના નીકળ તું વેચવા આવારગી

~ એસ. એસ. રાહી
~ ગઝલસંગ્રહઃ માવજત
~ પ્રકાશક: ડિવાઇન પબ્લિકેશન્સ, અમદાવાદ
~ ફોન: +91 98250 57905, 079-2216 7200

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. તમે માવજત કરી છે.
    અમે ઈજ્જત કરી છે.
    આવકાર્ય,ઉત્તમ સર્જન માટે ખૂબ ખૂબ અભિનંદન સહ રાજીપો,સલામ મિત્ર રાહીજી.