પત્ર (કાશ્મીરી વિસ્થાપિતની વાર્તા) ~ મૂ.લે. કૃષ્ણ મહારાજ શાહ ~ અનુ. પન્ના ત્રિવેદી

શું વિચારીને પેન પકડી આખરે? અને જો પત્ર લખવાનો જ હતો તો પછી લાઇટ શું કામ બંધ કરી દીધી? હું કશું સમજી શકતો નહોતો અથવા સમજી રહ્યો હતો પણ નક્કી નહોતો કરી શકતો.

કાશ્મીરમાં ભલે બીજાંઓ માટે ઉનાળાના દિવસો મોજમસ્તીના હશે પણ અમારા જેવા લોકો માટે માખી, મચ્છર અને ગટરની દુર્ગંધ ફેલાવનારા જ હોય છે. પણ તેણે લખ્યું છે, કેટલાંય કાલાવાલા કર્યા છે, તેને ચિંતા પણ છે. તેના વગર હું એકલો શું અનુભવું છું, એ જાણવા માંગે છે.

મારું ચિત્ત પણ આ શબ્દો માટે ઉતાવળું થઈ ઊઠ્યું, ‘પ્રિય!’ પણ કોણ જાણે કેમ આ શબ્દ મને જરાક વિચિત્ર લાગ્યો.. એક પ્રકારની બેચેનીથી હૃદય કંપી ઊઠ્યું. પ્રિય? એક ખચકાટ થયો. ‘પ્રિય’ તો તેણેય લખ્યું હતું તેના પત્રમાં, પણ કેવું હાસ્યાસ્પદ લાગેલું મને – જાણે કોઈ રોમેન્ટિક નવલકથામાંથી કોઈ શબ્દ ઉછીનો લીધો હોય. તો પછી બીજો કયો શબ્દ લખાય?

આકાશમાં સફેદ પોચાં વાદળોમાંથી આખો ચંદ્ર બહાર નીકળી આવ્યો હતો – જાણે કોઈ મારી લાચારી પર ઓરડામાં હસતું હોય – એકાએક મેં મારા ઓરડાને પહેલી જ વખત ધ્યાનથી જોયો – આખા ઓરડામાં ચાંદની ચળાઈને આવતી હતી અને ઓરડો રડમસ લાગતો હતો. બધી જ વસ્તુઓ વેરવિખેર હતી. સવારનાં એંઠા વાસણો… કાઢેલાં કપડાં અને એક ખૂણામાં વેરવિખેર પડેલો રસોડાનો સામાન… 

બધી જ વસ્તુઓ પરથી નજર ખસેડી લઈને અચાનક હું હાથમાં લીધેલો કોરો કાગળ જોવા માંડ્યો. મનની એ લાગણીઓને જગાડવા લાગ્યો જે તેની સાથે જોડાયેલી હતી – પણ ક્યાંય કશું સ્પષ્ટ દેખાતું નહોતું. આંખો દૂર આકાશમાં અકારણ જ ભટકવા લાગી.

બાજુના ઘરની ઓશરીનો લેમ્પ સળગ્યો. મારી નજર તે તરફ ગઈ. ખુરશીમાં સંકોચાઈને બેઠેલા સરદારજી સતત બગાસાં ખાઈ રહ્યા હતા. એકદમ ફેલાતું અને સંકોચાતું મુખમંડળ. સરદારજી ખિન્ન થઈને ચંદ્રને એકીટશે જોઈ રહ્યા – તેમની ચેષ્ટાથી મને કંઈક વિચિત્ર વેદના થઈ આવી. શું તે પણ એ જ નજરે ચંદ્ર જોઈ રહ્યા હતા જે નજરે હું?

એકાએક ઊઠીને તેઓ અંદરના ઓરડામાં ચાલ્યા ગયા – પણ લાઈટ ચાલુ રાખતા ગયા. મારા હાથમાં પેપરવેટ ઉછળવા માંડ્યું. એકાએક મારા પગને ફર્શ પર પડેલી પેનનો સ્પર્શ થયો – મને મારા ઓરડાનું અને મારી હાજરીનું ફરીથી ભાન થયું. હું ફરીથી કાગળ લખવા લાગ્યો.

હવા ધીમીધીમી વહી રહી હતી – ભયંકર ગરમી લાગી રહી હતી – ‘ગામડે આટલી ગરમી નથી લાગતી, હવે તમારા માટે ચોક્કસ ‘ફેન’ ખરીદી લેજો.’ તેની જીદ હતી. લાખ પ્રયત્નો કરવા છતાં હું પચ્ચીસ રૂપિયાથી વધારે નહોતો બચાવી શક્યો. એમ માનીને કે પચ્ચીસ રૂપિયામાં પંખો ખરીદી શકાતો નથી, મને મારા બિટૂ માટે ‘કિટ’ ખરીદવાનું વધારે યોગ્ય લાગેલું.

એ જ સાંજે દીનાનાથજીએ કંઈ કેટલીય આડીઅવળી વાતો કર્યા પછી મારી પાસે પચાસ રૂપિયા ઉધાર માંગેલા – એમ વિચારીને કે હું તેમના મકાનમાં રહું છું – મેં કેવળ પચ્ચીસ રૂપિયા આપી શકવાની લાચારી દેખાડી. જે રીતે તેમણે પચ્ચીસ રૂપિયાનું સ્વાગત કરેલું તે જોતાં એ સ્પષ્ટ થતું હતું કે તેમને મારી પાસેથી પચ્ચીસ રૂપિયાની પણ અપેક્ષા નહોતી અને પછી હું એટલો પસ્તાયો કે ઓછા કહીને દસમાં જ કેમ ના પતાવ્યું!

ઉપરના માળે કોઈકના ચાલવાનો ધીમો અવાજ આવ્યો – મકાનમાલિકની પચ્ચીસ વર્ષની કુંવારી છોકરી અજંપાથી આંટા મારતી હશે અને તેનો બાપ બીડી પર બીડી ફૂંકતો આ કાળી ચાંદનીને નિહાળતો હશે. એક ઊંડો નિ:સાસો મારા ઓરડાની બારીમાંથી નીચે પડી જઈને આંગણામાં વિખેરાઈ ગયો.

‘અરે બેટા – ઊંઘ નથી આવતી તને?’ મકાનમાલિક તેની દીકરીને પૂછી રહ્યો હતો.

‘અમથી જ આંટા મારતી હતી. ગરમી બહુ છે..’

‘આને તે કંઈ ગરમી કહેવાય? આમ તો તું જરાક વાદળછાયું થઈ જાય તોય રજાઈ લઈને બેસી જાય છે… દિવસે ને દિવસે તું સુસ્ત બનતી જાય છે…’

આ વખતે એક દીર્ઘ નિસાસો મારા કાનને ચોંટી જાય છે – આખા શરીરમાં એક ધ્રુજારી દોડી જાય છે. 

-‘તું પેલા સાથે કેમ ના ગઈ?’ આ વખતે પિતાના અવાજમાં ન તો ચીડ હતી ન તો આક્રોશ… બસ, એક ઉદાસ ભાવ.

-‘કેવી રીતે જાઉં?’

-‘કેમ?’

-‘ઓફ… પંખો બંધ કેમ કરી દીધો તમે?’

-‘તે ચાલુ હોય છે ત્યારે મને ઊંઘ નથી આવતી. ખટખટ કરતો રહે છે… ખાસ્સો જૂનો છે ને મારી જેમ..’

‘પ્રિય!..’ લખવું જ પડશે. ગમે તેટલો વિચિત્ર કે હાસ્યાસ્પદ લાગે તોય, પણ એક સંબંધ હોય છે જે હોવા–ના હોવા છતાં નિભાવવો પડે છે. જોકે સંબંધો તો આપમેળે જ ચાલતા રહે છે.

શું એ બધું જ લખું જે સાચું છે? કેવળ સત્ય! જેમ કે મારો મકાનમાલિક અને જુવાનીને અલવિદા કહેતી તેની કુંવારી દીકરી… પણ આ જ માત્ર સત્ય નથી – સત્ય છે… અથવા નથી… પણ કેટલું સાચું છે ને કેટલું નહીં.. તેની મને શું ખબર?

મારો આટલો ખુલાસો પત્ર માટે પૂરતો હતો – પત્ર લખવા બેઠો. – લાઈટ ફરીથી ચાલુ કરી અને હાથમાં પેન લીધી – ‘બાળકોને વ્હાલ, બહુ ચિંતા રહે છે… તું રજા માટે અરજી આપી દે… થોડા દિવસ આવી જાય તો તો…’ ના ફાડી નાંખ આ… એ શક્ય નથી… એય ક્યાંથી આવી શકવાની છે… લખી નાંખશે, રજાઓ નથી મળતી. લખી નાખું નોકરી છોડી દે? મગજ ભમી ગયું છે. 

ઉપર ફરીથી કોઈ ચાલી રહ્યું છે…. પગથિયાં ઊતરવાનો અવાજ અને મારા બારણે ટકોરા… 

-આવો, કહો. શું સેવા..

-માચીસ છે તમારી પાસે..? પપ્પા લાવવાનું ભૂલી ગયા… સિગારેટની ટેવ છે ને… 

-ત્યાં, પેલા ખૂણામાં છે… જ્યાં વાસણો મૂક્યાં છે.

-તમે ઊંઘી નથી ગયા..? મને બીક હતી કે ક્યાંક સૂઈ ના ગયા હોવ…

-એમ છે ને કે…

-ગરમી બહુ છે…

-હા…

-ઊંઘ નથી આવતી… હું લાવું છું..

-શું…

-માચીસ… 

-ઓ… હા… સારું…

હાશ ગઈ, પણ હચમચાવી મૂક્યો… એ ક્યારેક ક્યારેક મારા ઓરડામાં આવી જાય છે ત્યારે મારા મનમાં સેંકડો વિચાર આવી જાય છે. 

રાતના સન્નાટામાં મચ્છર અને માખીઓનો ગણગણાટ ઊભરાય છે… દૂર રેડિયો પર વાગતી કોઈ ક્લાસિકલ ધૂન અને રમજાન ભિખારીના ગાંડપણમાં અથવા તો મચ્છરોથી ત્રાસીને અપાયેલી ઉઘાડી ગાળો.. આ બધાંથી એવું લાગતું હતું કે જાણે હું રોડ પર રખડુની જેમ ઘૂમી રહ્યો હોઉં… એકદમ બેઘર – તોય મનમાં એકાગ્રતાનો નિશ્ચય અને કોઈ બીજી જગ્યાએ રહેવા જવાનો પ્રયત્ન કડડભૂસ ધસી પડતો નજરે  પડતો હતો. 

-‘તું લેમ્પ કેમ બંધ નથી કરતી? કેટલાં મચ્છર ઘૂસી જાય છે ઓરડામાં..’ ફરી એ જ ચીડિયાભાવે પિતાએ દીકરીને ટોકી છે.

-‘તમે મચ્છરદાની કેમ નથી લાવતા?’ પોતાના અવાજને વધારે કડક અને ઊંચો કરતી દીકરી ઊકળી ઊઠી. 

-‘આ જવાબ છે તારો? આટલી મોડી રાત સુધી લેમ્પ સળગાવી રાખે તો ઊંઘ…’

‘ટિક’ લેમ્પ બંધ થઈ ગયો, પણ બે સૂની આંખો ફરીથી નિતાંત શાંત આકાશને તાકવા લાગી. આકાશ, મનમાં ઊઠતા અભાવોનું પ્રત્યક્ષ પ્રમાણ – કોણ જાણે કેમ હું આવું આવું વિચારતો રહું છું… શક્ય છે તેણે આંખના એક ઝબકારે ઊંઘનું સ્વાગત કર્યું હોય! પણ એમ કઈ રીતે બની શકે… નિસાસાના અવિરલ ફુવારા મને સ્પર્શીને બરાબર ભીંજવી રહ્યા હતા.

ફરી એક વાર હું અડધા લખયેલા પત્રનો મુસદ્દો વાંચવા માંડું છું – દરેક શબ્દ કોરા લખાણ સિવાય બીજું કશું જ નથી, બસ જાણે કાર્યાલયની કોઈ ફાઈલના યંત્રવત્ અક્ષર…

હું પ્રયાસ કરવા લાગ્યો કે મારી પત્નીના એ રૂપને યાદ કરું જે મને ઉત્તેજિત કરતું હતું, લાગણીઓના વંટોળમાં ઊછળીને તરતો હતો – એક ક્ષણ માટે આ સ્મૃતિની શોધમાં હું આકાશ નામના મોહક અને માદક ચલચિત્રો ચીતરવા લાગ્યો…એક મેલોઘેલો પડદો… ઊંડો અંધકાર… ફરી પ્રયાસ કર્યો. હાડકાંઓના અસ્તવ્યસત પિંજર…પીગળતા સીસાના ઢગલા ને ઢગલા..

ઓફ! એ સૌન્દર્ય, એ લાવણ્ય.. પાઠ્યપુસ્તકોની તે રોમેન્ટિક કવિતાઓ..  ક્યાં છે? ના, બસ વાંચી-સાંભળી છે… જોઈ નથી ક્યારેય… હા વિચારી છે ચોક્કસ અને હું માનતો રહ્યો છું કે હું સ્પર્શી ચૂક્યો છું – ભોગવી ચૂક્યો છું… આવી કેટલીય વાતો છે કે જેને વિચારીને જ માત્ર સંતોષ માનવો પડ્યો છે – આ સઘળાં સ્વપ્નો કોણે ખૂંચવી લીધાં છે મારી આંખોમાંથી? 

ગભરાઈ જઈને મેં આકાશ ભણીથી નજર ખસેડી લીધી અને સિગારેટ સળગાવવા માચીસ શોધવા લાગ્યો. હું ભૂલી ગયેલો કે માચીસ ‘પેલી’ લઈ ગઈ છે.

બહારની ગલીમાં કશોક ગણગણાટ થવા લાગ્યો. કોઈનો દબાયેલો પદરવ. આ બધું નવું નથી મારા માટે –પહેલાં પહેલાં થોડું વિચિત્ર લાગતું હતું – ઊઠીને દીવાલો પર કાન માંડીને કે વાંસના પડદાના ઓથે બેસીને એમની વાતો સાંભળતો – પણ હવે શરમ આવે છે. 

-‘તારા પપ્પા સૂઈ ગયા છે. ‘છોકરાએ કદાચ નિર્ભય રહેવા માટે રસ્તો પૂછેલો.

-‘તું કેટલા દિવસે આવ્યો? હું ડરી ગયેલી.’

-‘શેનાથી?’

-‘બી ગઈ હતી. બસ એમ જ…’

-‘મને અહીં આ રીતે આવવાનું બહુ અપમાનજનક લાગે છે…’ 

-‘શીશીશી… ધીમેથી… આ ડુક્કર હજી જાગે છે.’

-‘વહેમ છે તારો.. કોણ જાગે છે? સૂઈ ગયા છે બધાં. ઘસઘસાટ નસકોરાં બોલાવતા ઊંઘી રહ્યા છે… જાગવા માટે કોણ નવરું છે…’

-‘તું બહુ મોટી મોટી વાતો કરવા લાગ્યો છે.’

-‘જ્યારે માણસનું પેટ અડધું ભૂખ્યું રહી જાય છે તો બાકીનું પેટ આવી મોટી મોટી વાતોથી ભરી લે છે.’

-‘મને પણ આવી મોટી વાતો શીખવ ને! હું તો રોજ અડધા પેટે રહું છું…’

-‘કેમ તું રેડિયો નથી સાંભળતી?… અધ્યાત્મવાદ અને ભારતીય સંસ્કૃતિ પર કોઈનું લેક્ચર નથી સાંભળતી… એક વાર ધ્યાનથી સાંભળજે. બધી ભૂખ મરી જશે.’

-‘કોઈ બીજો રસ્તો નથી?’

-‘છે. ચાલ ભાગી જઈએ…’

-‘ક્યાં?’

-‘ક્યાંય પણ…’

-‘ગાંડો થયો છે કે શું? આજે મળવાનો આ ચોરદરવાજો છે. કાલે ફૂટપાથ પર પણ જગ્યા નહીં મળે… છે જ શું આપણી પાસે? કોના ભરોસે ભાગીએ?

-‘કેમ મારી પર ભરોસો નથી? બીજું કંઈ નહીં તો હું મજૂરી તો કરી જ શકું છું… તને ખુશ રાખી શકું છું…’

-‘શું કરીશ તું… બહુ હૃષ્ટપૃષ્ટ ખરોને પાછો.. કણ કણ કરીને પોતાના શરીરને પુસ્તકોમાં ગાળી નાખ્યું. હવે આ શરીર કઠોર કામ કરી શકવાનું છે?’

-‘શરૂઆતમાં મુશ્કેલી તો પડશે પણ પછી ટેવાઈ જઈશ..’

-‘દસ દિવસમાં તારું શરીર હાડપિંજર થઈ જશે… હું રાહ જોઈશ… તને જોબ મળશે… મને વિશ્વાસ છે.’

-‘ઓફ… જોબ…’

-‘ચાલ ત્યાં, થોડી વાર મંડપમાં…  

-‘ના, હું હવે નીકળું.’

-‘આમ જ નીકળીશ..? થોડી વાર…

-‘હા આમ જ… આજે જીવ જરા…

-‘કેમ મારાથી બોર થઈ ગયા છો?’

-‘……’

-‘તો હું જાઉં… જાઉં છું..’

-‘અ…શ..’

-‘હવે શું છે?’

-‘આહ..!’

-‘આહ..!’

-‘ધત્… આમ ના જુઓ. વાંસનો પડદો પાડી દો…’

આંખો બંધ કરી દો. રોજની લાચારી છે તેની – કશું ક્યાં યાદ આવે છે… મોટાભાગે બધું ઠીક થઈ જશે… કદાચ કશું જ નહીં.. હા પત્ર લખવાનો છે.. પાછો સન્નાટો. પાછો ઉપરના ઓરડામાં દબાતા પગલે ચાલવાનો ચરડ… ચરડ… એ જ અવાજ.

-‘તું ક્યાં ગઈ હતી?’ પિતા ફરીથી ટોકે છે.

– ‘બાથરૂમ.’

-‘કેમ?’

-‘ન જાઉં? આ ઓરડામાં અહીં જ…’

-‘ઓહો..હું પૂછતો હતો કે તબિયત ઠીક તો છે ને?

-‘હા સારી છે.. તમે કંઈક અસ્વસ્થ લાગો છો. ગોળી આપું ઊંઘની?’

-‘ઊંઘની નહીં. કોઈ એવી ગોળી આપ… હંમેશા ઊંઘાડી દે એવી…’

અને કંઈ કેટલીય વિનંતી, કેટલાય ખુલાસા, બંને તરફની લાચારી, આરોપ-પ્રત્યારોપથી છલકાતાં આંસુ… ભીનાં વક્ષ… ડૂસકાં ભરતી છાતીઓ, ઊંઘાડી દેનારી રાતની થપકીઓ… મૌન રાત્રિ, નિતાંત ચૂપ… ઉપરછલ્લું ઊંઘનું પૂર્ણ સામ્રાજ્ય… અને વિચાર્યું… શું પત્ર લખવો બહુ જરૂરી છે?… શું કોઈને આપણા કુશળતાના સમાચાર પહોંચાડવા જરૂરી છે?…

કઈ જિંદગીના સમાચાર? કઈ ખુશીના ખબર? કઈ વસ્તુ વહેંચાશે અથવા વહેંચી શકાય? એ જ ને કે ઉંમરની કોઈ જ રોક ન હોવા છતાં પણ એક મુશ્કેલી છે… તારો પતિ હોવા છતાં ફક્ત થોડાક સિક્કાને માટે નિર્વાસિત છું… અને બીજાં કેટલાંયને પોતાના જ ઘરમાં નિર્વાસિત જોઈ શકું છું.

જરૂરી નથી કે કોઈ ગામમાંથી કાઢી મૂકે કે શહેરમાંથી મને નિર્વાસિત કરી દે. હું તારી સમક્ષ જ નિર્વાસિત છું. પછી લખું તને…? જો, ફરી ચંદ્ર ઊગી નીકળ્યો છે… વાંચ… બસ, આ કોરો કાગળ જ વાંચવો કદાચ વધારે યોગ્ય રહેશે.  

***

અનુવાદક: ડો . પન્ના ત્રિવેદી 
આસિ. પ્રોફેસર
ગુજરાતી વિભાગ.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.
ઉધના મગદલ્લા રોડ,
સુરત – ૩૯૫૦૦૭
મોબાઈલ- ૯૪૦૯૫૬૫૦૦૫

આપનો પ્રતિભાવ આપો..

One Comment