‘લિસ્ટ લાંબું છે….!’ – ગઝલ – ડૉ.મહેશ રાવલ ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

‘લિસ્ટ લાંબું છે….!’

નથી  કંઇ  માન  કે  સન્માન, એનું  લિસ્ટ લાંબું છે
ફરે  છે  થઇ  અપેક્ષાવાન  એનું  લિસ્ટ  લાંબું છે !

સમય  નક્કી  કરે  છે  કોણ અડધું  કોણ આખું, એ
નથી સમ ખાવા પૂરતું  જ્ઞાન, એનું લિસ્ટ લાંબું છે !

ફકત  આકારનો  આધાર, માણસ  ઠેરવે  છે, બસ
પરાણે  કહી  શકો  ઇન્સાન  એનું લિસ્ટ લાંબું છે !

દયાને પાત્ર નહીં, તો  શું  કહો એને  તમે  મિત્રો !
અજાણ્યા  જાતથી, બેધ્યાન; એનું  લિસ્ટ લાંબું છે

નજર સામે જ  દેખાતું  ય  અણદેખ્યું  કરે  કાયમ
છે  જેની આંખ આડા કાન, એનું લિસ્ટ લાંબું છે !

અધૂરી   પૂર્ણતાનો   ભાર   વેંઢારીને  લ્યે   ગૌરવ
બની  બેઠેલ  છે  વિદ્વાન, એનું  લિસ્ટ  લાંબું છે !

સુખેથી જીવશે નહીં  ખુદ, નહીં જીવવા દે બીજાને
નહીં કંઇ લક્ષ્ય નહીં સંધાન, એનું લિસ્ટ લાંબું છે !

  • ડૉ.મહેશ રાવલ

આસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ

આપણે એક સતત અને અવિરત દોડતી જિંદગી જીવી રહ્યાં છીએ એની અંતરમાં પ્રતિતી કરવાનો પૂરતો સમય આજે કોઈ પાસે નથી.

“બકેટ લિસ્ટ” બનાવીને એના પર કરાયેલા ટિક માર્કમાં જ જીવવાનો સંતોષ માણી લેવાનો આ યુગ છે. અલબત્ત, સમયના અભાવમાં જીવાતા આ જીવનમાં, આપણે સૌ એકમેક સાથે પૂરતો વખત વીતાવી શકતાં નથી. સામા માણસની શક્તિ અને સંજોગોને જાણવાનો કે સમજવાનો આથી આપણે પ્રયાસ પણ નથી કરતાં અને આપણા “Preconceived Notion” – પૂર્વમાં ધારી લીધેલાં વિચારો દ્વારા એક અસમંજસમાં જાણે અજાણે અટવાતાં રહીએ છીએ. માન-અપમાનનાં જાળાં પણ આપણે જાતે જાતે જ આપણાં મનમા ગૂંથી લઈએ છીએ અને અપેક્ષાઓ ક્યારેય પૂરી ન થઈ શકે એવી આકાંક્ષાની બૂમરેંગ કઈ ક્ષણે બની જાય છે એની પણ ખબર નથી રહેતી. ‘બકેટ લિસ્ટ’ તો તૈયાર થતું જાય છે, પણ ઘડી બે ઘડી થંભી જઈને એને જોવાની કે પૂર્ણ કરવાની કોઈ રીતનો મેપ આપણી પાસે નથી હોતો. અને, અહીંથી જ શરૂ થાય છે આપણે સ્વયં ગૂંથેલા વ્યર્થતાનાં જાળામાં ખુદની જ અટવાઈ જવાની પ્રક્રિયા! ન તો આપણે સમય લઈને માન-અપમાન અને અપેક્ષાઓને ખેરવવાનો સજાગ પ્રયાસ કરીએ છીએ કે ન તો અટકી જઈને, થંભી જઈને સામા માનવી સાથે કોઈ પણ જાતનો સંવાદ સાધવાનો પ્રયત્ન પણ કરીએ છીએ! આપણે વધુ જાળાં ન ગૂંથવા જોઈએ એવી સમજણ હોવા છતાં એને સમજણને અમલમાં મૂકતાં  નથી.  બસ, આમ જ આ લિસ્ટ બનાવવાની અને કરોળિયાના જાળાં ગૂંથવાની અંતહીન સફરને જ જીવન માની લઈને, સાચા અર્થમાં તો એક દંભ જીવતાં રહીએ છીએ. અરે, એ પણ નથી જોતાં કે આ જાળાં ક્યાંક તૂટી પડે, તો  પળેકવાર તો થોભી જઈએ અને, ગાંઠ મારીને, આગળ વધુ ને વધુ જાળનાં અટપટા રસ્તાઓ – Maze – ન ગૂંથીએ! અરે, એટલેથી જ ન અટકતાં ગાંઠ છોડવાની વેળા આવે, ઠેઠ ત્યાં સુધી, આપણાં જ બનાવેલાં સંબંધોમાં નવી નવી ગાંઠો મારીને, એ જાળાં વણ્યાં કરવાનું અને એમાં અટવાયા કરવાનું લાગણી બધિરતાથી સતત ચાલુ જ રાખીએ છીએ! એટલું જ નહીં, એમાં દેખાતી ગાંઠોને છોડવાનો તો કોઈ પ્રયાસ નથી કરતાં પણ એ ગાંઠો દેખાય નહીં, એ રીતેય બાંધતાં નથી!

ગુલઝાર સાહેબની આ એક કવિતા અનાયસે જ યાદ આવે છે
“मुझको भी तरकीब सिखा कोई यार जुलाहे*”
तेरे बुने इस ताने में लेकिन
इक भी गाँठ- गिरह** बुनतर की
देख नहीं सकता है कोई
मैंने तो इक बार बुना था एक ही रिश्ता
लेकिन उसकी सारी गिरहें
साफ़ नज़र आती हैं, मेरे यार जुलाहे!”
(जुलाहे* – વણકર, गिरह** – ગાંઠ બાંધવી)
માણસ અભિમાનમાં એ પણ ભૂલી જાય છે કે સમય અહીં ખુદ સમયના ભૂત, વર્તમાન અને ભવિષ્યના કાળખંડનો પણ ‘બોસ” છે. કાળ અનંત છે અને અનંતતાને કાળમાં બાંધી શકવાનું કાળા માથાના માનવીનું ગજું પણ નથી. પણ, આપણે મિથ્યા અભિમાનને લીધે, અજ્ઞાનને જ જ્ઞાનની ખાણ માની લઈએ છીએ અને આ વ્યર્થતાને મનોમન યોગ્ય ઠેરવીને, આપણે જ બનાવેલાં ભ્રમણાંના કોશેટામાં રહીને. એનું સમર્થન કરવામાં જિંદગી આખી વિતાવી દઈએ છીએ.  બાહ્ય દેખાવ અને આકાર, રૂપ, રંગમાં સંબંધોનું સત્વ શોધવામાં સમય જ ખર્ચ નથી થતો, પણ આપણું “હોવાપણું” ખર્ચ થતું રહે છે. આ હકીકતથી સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં, એનાં તરફ આપણે આંખ આડાં કાન કરીએ છીએ અથવા તો કમનસીબે, એ હકીકતનો સ્વીકાર કરવામાં કે જાણવામાં કોઈ રસ જ નથી લેતાં!

ધારો કે સમય જતાં જો માણસને સમજાવા માંડે તો પણ, પોતાની અંદર વસી ગયેલી અસલામતિની અધૂરપ કે અપૂર્ણતા, માણસને “હું ખોટો છું કે હોઈ શકું” એવો સ્વીકાર કરવા નથી દેતી.  અને ત્યારે તકલીફ વધી જાય છે કારણ, એ સમયે મનોબુદ્ધિ પર અહમ્ સંપૂર્ણપણે હાવી થઈ જાય છે. શાહબુદ્દીનભાઈ કહે છે એમ, “અંગ્રેજી આલ્ફાબેટમાં, “I is always Capital!” હું નથી જાણતો એ જાણવા અને કબૂલવા ઘણુંય જાણવું પડે છે!”  રહેતાં રહેતાં, માનવીની અપૂર્ણતા બોઝલ બનતી જાય છે, પણ એને જ સલામતિના બ્લેન્કેટની જેમ ઓઢીને માણસ પોતાની ‘અલ્પતાસભર’ મહત્તાનો સિક્કો અને ડંકો વગાડવામાં વ્યસ્ત રહે છે, અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ લક્ષ્ય સાધ્યા વિના જ જીવન વ્યતીત  કરતો રહે છે! આમ, આવા લોકો પોતે તો પોતાના નિજાનંદની આડે આવે જ છે, પણ, એટલું જાણે પૂરતું ન હોય એમ, અન્યને પણ પોતાના મિથ્યા અહંકારથી કનડ્યાં કરતાં રહે છે.  શ્રીમદ ભાગવતમાં કહ્યું છે એમ દરેક જીવનનું અતિમ ધ્યેય હૂંફભર્યો આનંદ છે. હૂંફ તથા આનંદને પામવું એટલે કૃષ્ણમય થવું અને કૃષ્ણત્વને પામવું. પણ. કૃષ્ણ કે કૃષ્ણત્વ તો અભિમાન હોય ત્યાં સંભવી શકે જ નહીં! કૃષ્ણમય થવાં માટે અભિમાનનો ત્યાગ કરવો એ પહેલી શરત છે. અહંકાર ખેરવીને જ સાચા અર્થમાં માનવી અંતરમાં સચ્ચિદાનંદનો અનુભવ કરી શકે છે અને “શિવોહમ્ શિવોહમ્, સચ્ચિદાનંદોહમ્”ની અનુભૂતિનો સાક્ષાત્કાર થાય છે.

આમ, ગઝલના છેલ્લા શેરમાં શાયર ગઝલને જ નહીં, પણ માનવીના જીવનની કડવી સચ્ચાઈને ‘Conclude’ કરતાં, તારવતાં કહે છેઃ

“સુખેથી જીવશે નહીં  ખુદ, નહીં જીવવા દે બીજાને
નહીં કંઇ લક્ષ્ય, નહીં સંધાન, એનું લિસ્ટ લાંબું છે !”

સામાન્ય રીતે ભાગ્યે જ એવું થાય કે ગઝલના પ્રત્યેક શેર પોતાના આગવા હુસ્ને જમાલનો કમાલ પણ ખુદાઈના નૂરની જેમ વરસાવે અને એ સાથે ગઝલને એકસૂત્રતામાં પણ બાંધી જાય! એવી જ્વલ્લે જ બનતી ઘટના આ ગઝલમાં બની છે. શાયર ડો. મહેશ રાવલની કસાયેલી કલમે આવો કમાલ આ ગઝલમાં કર્યો છે. એમની ગઝલોમાં રહેલું “કાઠિયાવાડી ખુમારીભર્યા” શબ્દોનું બરછટપણું પણ ગઝલોના કોમળ અને મૃદુ ભાવોની મુલાયમ ભરતીમાં ભીંજાઈને સોંઘુ સોંઘુ થઈ જાય છે. શબ્દો અને ભાવની જાદુગરી જ તો મહેશભાઈ જેવા સિદ્ધહસ્ત ગઝલકારની ઓળખ છે. ખુદ ગઝલ પણ ડો. મહેશ રાવલના અંતરમન અને ભાવવિશ્વમાંથી વાસંતી કૂદકો મારીને શબ્દોમાં ખીલી જઈને પોતાને સહજતાથી સજાવી લે છે, ક્યાંય પણ છંદદોષ કે ગઝલના મિજાજને ક્ષતિ પહોંચાડ્યા વિના!

અંતે, “ક્લોઝ્અપ!”  

(“ગુલઝાર” ની કવિતા, “अभी पर्दा गिराओ”ના કાવ્યખંડનો ભાવાનુવાદઃ – જયશ્રી વિનુ મરચંટ)

“હમણાં પડદો ના પાડશો, હજી વાર્તા આગળ બાકી છે!
હમણાં તો આ કિરદારના હાથમાં રહેલા દીવાની વાટ,
થાકથી અભિનેતાની હથેલીમાંથી સરી ગઈ છે!
જરા એ બળતી વાટને ઊંચકીને બચાવી લો,
કારણ, અહીંથી જ ફરીથી એક અધૂરી શોધની આગ ભભૂકશે!
અને ક્યાંક તો આ સતત તલાશના અંતિમના વાવડ મળશે!
સાંભળો છો ને? હમણાં પડદો ના પાડશો!”

(“ગુલઝાર”ની મૂળ હિંદી કવિતા, अभी पर्दा गिराओ” નો કાવ્યખંડ)

“अभी न पर्दा गिराओ, ठहरो कि दास्ताँ आगे और भी है
यह लौ बचा लो जो थक के किरदार की हथेली से गिर पड़ी है
यह लौ बचा लो यहीं से उठेगी जुस्तजू फिर बगुला बन कर
यहीं से उठेगा कोई किरदार फिर इसी रोशनी को ले कर
कहीं तो अंजाम-ए-जुस्तजू के सिरे मिलेंगे
अभी न पर्दा गिराओ, ठहरो!”

આપનો પ્રતિભાવ આપો..

3 Comments