મિમિક્રીની મજલ ~ કટાર: બિલોરી (૧૩) ~ ભાવેશ ભટ્ટ
જે જમાનામાં સફળતાની ચાવી સમાન ‘સ્ટેન્ડપ કોમેડી’ જેવો શબ્દ જાણીતો નહોતો થયો, ત્યારે એટલે કે 70’s અને 80’sમાં લોકો એને ‘મિમિક્રી’ નામથી ખાસ જાણતા હતા.
એ વખતે કોઈ આખો શૉ મિમિક્રીનો હોય એવા પ્રોગ્રામ નહિવત થતા હતા. મોટેભાગે કોઈ મ્યુઝિકલ નાઈટ, ગીત-સંગીત કે અન્ય કાર્યક્રમમાં વચ્ચે ઈન્ટરવલની અવેજીમાં ખૂબ નાનો ભાગ મિમિક્રી માટે ફાળવવામાં આવતો હતો. જે સિંગર્સ અને મ્યૂઝિયન્સ કે અન્યો માટે ચા-પાણીનો સમય કહેવાતો હતો. તેમાં જોક્સ, પશુ-પંખી કે નિર્જીવ વસ્તુના અવાજો, સાથે મુખ્યત્વે તો હિન્દી ફિલ્મી કલાકારોના અવાજમાં કોઈ કોમેડી સ્ક્રીપ્ટ રજૂ થતી હતી જેને લોકો ખૂબ એન્જોય કરતા હતા.
ઘણી બધી વાર એ મિમિક્રીનો પાર્ટ આખા કાર્યક્રમ પર હાવી થઈ જતો હતો. આટલી પોપ્યુલરીટી હોવા છતાં આ પ્રતિભાને કોઈ નાનોસૂનો ઉપકાર કરતા હોય એટલી માત્રામાં એપ્રિસીએટ કરવામાં આવતી હતી. ઘણી બધી વાર મનમાં એવો પ્રશ્ન થતો હોય છે કે દરેક વર્ગના હૃદયમાં સ્થાન પામતી કલાને નિષ્ણાતો ન્યાય ન આપીને અગણ્ય કે દરકિનાર કેમ કરી શકતા હોય છે.
હમણાં જ એક ઇન્ટરવ્યૂમાં જાવેદ અખ્તરને જ્યારે પૂછવામાં આવ્યું કે ‘જો આવતા જનમ જેવું કૈં હોય તો તમે શું બનવા માગો છો ?’તો જાવેદ અખ્તરે જવાબ આપ્યો કે ‘જો એવું હોય તો હું સિંગર બનવા માગીશ, કારણ કે એમાં બહુ પૈસા અને નામના છે.’
આ સામાન્ય લાગતા જવાબનું જો ઓપરેશન કરો તો આટલો બધો યશ, ધન કીર્તિ કમાયેલા સફળ અને લેજેન્ડ રાઈટરે પોતે સિંગર્સ જેટલી નામના અને ધન મેળવવાની ખેવના બતાવી કળાની કાયામાં રહેલી કઈ બિમારી તરફ નિર્દેશ કર્યો છે એ કદાચ જાણી શકાય.
ખૈર, એ અરસામાં જોની લીવર અને સુદેશ ભોંસલેનું આગમન મિમિક્રી માટે બૂસ્ટર ડોઝ બન્યું હતું.
પણ મિમિક્રીના આકાશમાં એવા હજારો સિતારા હજી રઝળતા હતા જેમની ચમક ‘મહત્વ’ને તરસતી હતી. એમના માથા પર લાગેલું ગ્રહણ એક લાંબી પ્રતીક્ષા બાદ નવી સદીના આગમન પછી નાશ પામવાનું શરૂ થયું હતું.
2004 ને 2005માં સ્ટાર પ્લસ ચેનલ પર શરૂ થયેલા ‘ધી ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ’ નામના શૉથી જાણે મિમિક્રીના રાજયોગનો સૂર્યોદય થયો જે આજની તારીખમાં પણ એના મધ્યાહને છે. એક સાથે ગુમનામીની ઝેરોક્સ કહી શકાય એવી સ્થિતિમાંથી ઘણી પ્રતિભાઓ એમાં ઝળકી હતી. કોઈ મોટી લોટરી લાગ્યા માફક રાતોરાત ઘરઘર સુધી આ કળા પહોંચી અને લોકોને તેના ભરડામાં લીધા હતા.
આ ટ્રેન્ડ ‘એક્સપોઝર’ નહીં પણ ‘એક્સપોઝર કા બાપ’ સાબિત થયો. આમાં પાર્ટીસિપેટ કરનારા તો ઠીક પણ આ ટ્રેન્ડથી હસતા હસતા જજીસની ખુરશી શોભાવતા લોકો માટેય એક નવી સફળતાનાં દરવાજા ખૂલ્યા હતા. એ બધા જજીસ કદાચ ‘હસે તેનું ઘર વસે’ કહેવતને ઊંડાણપૂર્વક સમજી શક્યા હતા.
એક સમયમાં એક જ પ્રકારની કળામાં આટલી મોટી સંખ્યામાં લોકોને તક મળવી અને એમની ક્ષમતા મુજબ દરેકનું પોંખાવું એ એક અદ્વિતિય ઘટના હતી. એ ગાળામાં ટેલિવિઝન આજના બોલિવૂડ અને ગુજરાતી સાહિત્યની જેમ કહેવાતી સેક્યુલર, લેફ્ટીસ્ટ અને વામપંથી વિચારધારાના પંજામાં સપડાયું નહોતું, અને આજે પણ થોડી ઘણી આઝાદીની હવા તો લઈ જ શકે છે.
આજે સત્તર-અઢાર વરસ પછી એ નામોમાંથી ટકી રહેલા અને સફળતાની ટોચે ઊભેલા નામ જોઈએ તો એમાં એક નામ હમણાં જ અવસાન પામેલા રાજુ શ્રીવાસ્તવ છે. રાજુ શ્રીવાસ્તવ મૂળ એક હાસ્યકવિના હાસ્યકલાકાર દીકરા હતા.
જોની લીવર અને સુદેશ ભોંસલેના જમાનાથી એ પણ સ્ટ્રગલ કરતા હતા અને એમની સાથે સાથે જ રાજુની પણ મિમિક્રીની ઓડિયો કેસેટ રિલીઝ થતી હતી. રાજુની સ્ટ્રગલનો એક ભાગ હિન્દી ફિલ્મ અને એમાં નાના મોટા એક્સ્ટ્રા આર્ટિસ્ટ ટાઈપના રોલ પણ રહ્યા છે.
અગાઉ કહ્યું એમ રાજુનો રાજયોગ પણ 2004 પછી ચાલુ થયો. રાજુ અન્યની હરીફાઈમાં સદા સૌથી અલગ અને વધુ રસપ્રદ લાગ્યા. એમની મોટાભાગની સ્ક્રીપટ સ્વલિખિત અને ક્રિએટિવ રહેતી હતી. કદાચ કવિપુત્ર હોવાના લીધે આ ગુણ વારસામાં જ મળ્યો હતો.
એમાં એમની આગવી, સહજ, રજૂઆતની શૈલી જે એક કોમનમેનનું પ્રતિબિંબ બની હૃદયને સ્પર્શતી હતી.
રાજુ પહેલા આવનારા મિમિક્રી આર્ટિસ્ટમાં દરેકને હાસ્યની રજુઆત અતિગંભીર કે અલ્પગંભીર રહીને જ કરતા જોયા છે. રાજુ અગાઉ પોતાની આઈટમ રજૂ કરીને ઓડિયન્સ પહેલા પોતે જ બેવડ વળીને હસી પડતા બીજા કોઈને જોયું હોય એવું લગભગ નથી બન્યું.
એમાં પણ એમની ‘શોલે’ ફિલ્મ વિશેની મિમિક્રી આઈટમ તો એટલી ક્રિએટિવ હતી કે આજે શોલે ફિલ્મને લઈને બનતા રિલ્સ શોલે નહીં પણ રાજુની અસરમાં બન્યા હોય એવું લાગે છે. આજે પણ આ પ્લેટફોર્મ પર નવી નવી પ્રતિભાઓ નવા રૂપ રંગ અને નવી રજૂઆતની શૈલી લઈને આવતી જ જાય છે.
આ આનંદની વાતમાં સ્હેજ ગમગીન કરનારો એક બદલાવ આવ્યો છે. એ બદલાવ એ છે કે બદલાયેલી મિમિક્રી એટલે કે સ્ટેન્ડપ કૉમેડીમાં ફિલ્મી કલાકારોના અવાજમાં થતી મિમિક્રી સાવ જ ઓછી કે ખોવાતી જાય છે. એવું પણ કહી શકાય કે જેનાથી મિમિક્રી શબ્દનો જન્મ થયો હતો એ આઈટમ જ હવે જવલ્લે જોવા મળે છે.
આજે પણ ક્યાંક ફિલ્મી કલાકારો અને એમાં પણ અમુક ડિફરન્ટ કે ઓડ અવાજવાળા કેરેક્ટર આર્ટિસ્ટના અવાજ નવી પેઢીને સહજતાથી કાઢતા જોઈએ લઈએ છીએ તો થોડું ઓક્સિજન મળી જાય છે. કોઈ એક્ટર કે સેલિબ્રિટીનો અવાજ આબેહૂબ રીતે કાઢી શકવા જેવી જાદુઈ અને મહાન કળાને હજી પણ લોકો એટલા સન્માનથી નથી જોતા જેટલા સન્માનના એ હકદાર છે.
તો આ કલાને પણ એનો સાચો દરજ્જો અપાવવામાં સહભાગી થઈ શકીએ એવું સદભાગ્ય આપણને સૌને સાંપડે એવી ઈશ્વરને પ્રાર્થના સાથે અસ્તુ.
***