ચૂંટેલા શેર ~ મરીઝ
હું કેમ છું, મજામાં છું, આગળ હવે ન પૂછ
કે એની બાદ જે છે બધુંયે અતાગ છે
*
ક્યાં ક્યાં દુઃખી છું, એ તો બધાને ખબર પડી
ક્યાં ક્યાં સુખી થયો છું – કોઈને ખબર નથી
*
જે જે હતા પ્રવાસ, રઝળપાટ થઈ ગયા
રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઈ ગયું?
*
કાસિદ! તું જા, મગર બહુ મોડેથી આવજે
કે ઈન્તઝાર સુધી મજા છે જવાબની
*
બહારથી જોતાં આપણું લાગે
એવું એકેય ઘર નથી મળતું
*
પૂરી તું કર નમાઝ અગર હોય ભાનમાં
ઓ શેખ! મસ્ત થઈ ગયો હું તો અઝાનમાં
*
દુઃખના બે જ કારણ છે, વાત અનુભવે માની
આદમીની લાચારી, આદમીની નાદાની
*
એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું
એક તું કે તારી આંખ બધું બોલતી રહી
*
નિષ્ફળ પ્રણયનું કારણ શોધો તો છે ઉભયમાં
એ રહી ગયા શરમમાં, હું રહી ગયો વિનયમાં
*
મને શ્રદ્ધા ભલેને હોય કે ઈશ્વર બધાનો છે
દુઆ એવી કરું છું જાણે મારા એકલાનો છે
*
દમ ક્યાં મળે નિરાંતના, બબ્બે છે જિંદગી
એક તારા ઘરથી દૂર, બીજી તારા ઘર સુધી
*
ઉપરની છે ધમાલ, મહત્તા કશી નથી
જાણે કે બાદશાહની સવારી છે જિંદગી
*
અફસોસ હરીફોની આ નબળાઈ મરીઝ
ચાહે છે કે ગાળોના જવાબો આપું!
*
છતાં પણ ચાલનારાને બહુ તકલીફ લાગે છે
જુઓ તો ખાસ કંઈ ગીરદી નથી ઈશ્વરના રસ્તા પર
*
રસ નથી બાકી કોઈમાં કે હું સંબંધ બાંધું
આ ઉદાસીનતા મારી છે, અહંકાર નથી
*
દુનિયાનું દર્દ, યાદ સનમની, સમયનો ભય
તે બાદ જે બચે તે ખુદાનો ખયાલ છે
*
ન જીતમાં મજા છે, ન નાનમ છે હારમાં
નવરાશનો સમય હતો, જીવન રમી ગયા
~ મરીઝ
Heart touching share
વાહ ખૂબ મજા આવી…. આવા શેર મૂકતા રહો રસિકો માટે એ નમ્રતા સાથે વિનંતી…