‘વિભાજન’ ~ મૂળ લેખક ગુલઝારની વાર્તા “તકસીમ” પર આધારિત ભાવાનુવાદ ~ રાજુલ કૌશિક
‘વિભાજન’ ~ મૂળ લેખક ગુલઝારની વાર્તા तक़सीम પર આધારિત ભાવાનુવાદ~ રાજુલ કૌશિક
જિંદગી ક્યારેક જખ્મી ચિત્તાની જેમ છલાંગ મારતી દોડે છે અને ઠેર ઠેર પોતાના પંજાના નિશાન છોડતી જાય છે. આ નિશાનોને એક લીટીમાં જોડીએ તો એક અજબ જેવું ચિત્ર બને ખરું.
ચોર્યાસી-પંચ્યાસીના સમયની વાત છે જ્યારે અમૃતસરથી એક સાહેબ મને પત્ર લખીને મોકલતા કે વિભાજન સમયે ખોવાયેલો એમનો હું ભાઈ છું. એમનું નામ ઈકબાલ સિંહ, ગાલેબન ખાલસા કૉલેજના એ પ્રોફેસર હતા. બેચાર પત્ર મળ્યા પછી મેં એમને જવાબ લખ્યો કે વિભાજન સમયે હું દિલ્હીમાં મારા માતા-પિતા સાથે જ હતો અને મારા કોઈ ભાઈ કે બહેન એ ટંટામાં ખોવાયા નથી, છતાં એ માનવા તૈયાર જ નહોતા. એ તો એવું જ માનતા હતા કે, ૧૯૪૭ના સમયે એક કાફલા સાથે સફર કરતા હું છૂટો પડી ગયો હતો અને એ સમયે બનેલી ઘટના હું ભૂલી ગયો છું.
અંતે મેં જવાબ લખવાના બંધ કરી દીધા અને એમના પત્ર પણ આવતા બંધ થઈ ગયા અને એ પછી તો વર્ષો પસાર થઈ ગયા.
હું મુંબઈ સ્થાયી થયો. એના લગભગ એક વર્ષ પછી મુંબઈના ફિલ્મકાર, સઈ પરાંજપે તરફથી એક સંદેશો મળ્યો કે દિલ્હીના કોઈ ભજન સિંહ છે જે મને મળવા માંગે છે. મુલાકાતનું કારણ સઈએ જણાવ્યું નહોતું પણ કેટલાક એવા ભેદભર્યા સવાલ કર્યા જે અપેક્ષિત નહોતા.
“વિભાજન સમયે તમે ક્યાં હતા, ગુલઝાર?”
“દિલ્હી.”
“તમારા માતા-પિતા?”
“દિલ્હી, હું એમની સાથે જ હતો. કેમ?” મને આ સવાલો સમજાતા નહોતા.
“અંતે સંઈએ જણાવ્યું કે, “દિલ્હીમાં કોઈ સાહેબ છે જેમનું કહેવું છે કે હું વિભાજન સમયે ખોવાયેલો એમનો પુત્ર છું.”
“આ વળી એક નવી કથા હતી. આશરે એક મહિના પછી અમોલ પાલેકરનો ફોન આવ્યો કે. “દિલ્હીથી કોઈ મિસિસ દંડવતેને મારી સાથે વાત કરવી છે.”
“એ વળી કોણ છે? એ મારા માટે નવું નામ હતું.
“એક્સ ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ જનતા ગવર્મેન્ટ, મિ. મધુ દંડવતેના પત્ની.”
“કેમ?” મેં એકાક્ષરી સવાલ કર્યો.
“ખબર નથી, પણ એમને તમારી સાથે વાત કરવી છે.”
મિ. દંડવતે કે એમના પત્નીને હું ક્યારેય મળ્યો નહોતો કે નહોતો એમની સાથે કોઈ સંબંધ એટલે મને નવાઈ લાગી.
સઈ અને અમોલની વાતની કોઈ એક કડી હતી કે નહીં એની મને ખબર નહોતી, પણ આ કથા હવે વળાંક લઈ રહી હતી.
થોડા દિવસ પછી પ્રમિલા દંડવતેનો ફોન આવ્યો કે દિલ્હીથી કોઈ હરભજન સિંહ મુંબઈ મને મળવા આવશે. એ નવેમ્બરનો મહિનો હતો. જાન્યુઆરીમાં હું ઇન્ટરનેશનલ ફિલ્મ ઉત્સવ માટે દિલ્હી જવાનો જ હતો એટલે એમને ત્યાં મળી લઈશ એવું જણાવી દીધું. એમનાં જણાવ્યા મુજબ હરભજન સિંહ જનતા રાજ્ય દરમ્યાન પંજાબમાં સિવિલ સપ્લાય મિનિસ્ટર હતા.
જાન્યુઆરીમાં હું દિલ્હી અશોકા હોટલમાં રોકાયો હતો. મુલાકાતનો સમય નક્કી કરવા એમના દીકરાનો ફોન આવ્યો. એની વાત પરથી હું એટલુ તો સમજી શક્યો હતો કે હરભજન સિંહ કાફી વૃદ્ધ હશે. એમને તકલીફ ન પડે એટલે એમના ઘેર મળવા આવીશ એવું મેં જણાવ્યું. બીજા દિવસે એમના મોટા પુત્ર- ઈકબાલ સિંહ મને લેવા આવ્યા. નવાઈની વાત તો એ હતી કે મુલાકાતની જાણકારી હોય એમ એ સમયે સઈ અને અમોલ પાલેકર બંને ત્યાં હાજર હતાં.
અસલ પંજાબીની જેમ અતિ પ્રેમથી એ મને મળ્યા. અને મેં પણ આદરથી દીકરાની જેમ ‘પેરી પૌના’ કર્યું. સૌ એમને ‘દારજી’ કહેતાં. ‘દારજી’એ મને મા સાથે ઓળખાણ કરાવી.
“આ તારી મા છે બેટા.”
મેં માતાજીને પણ ‘પેરી પૌના’ કરીને સન્માન કર્યું. બે દીકરા, પુત્રવધૂઓ, પૌત્ર-પૌત્રીઓ, સરસ મઝાનો પરિવાર હતો. મોટાં મોકળાશવાળા ઘરની જેમ પંજાબીઓની રહેણીકરણી અને મિજાજની મોકળાશ પણ અહીં જોઈ. ખાવાપીવાની સાથે અનેકવિધ વાતોનો દોર ચાલ્યો.
દારજીએ વાત માંડી,
“વિભાજન સમયે ચારેકોર દંગાની આગ હતી. એ આગની વચ્ચે પણ અમે ટકવા મથી રહ્યાં હતાં. ગામના જમીનદાર મુસ્લિમ હતા, પણ અમારા પિતાના મિત્ર હોવાના લીધે અમારા પર મહેરબાન હતા. સ્કૂલમાં હું અને એમનો દીકરો સાથે ભણતા. સૌ જાણતા હતા કે એમની મંજૂરી વગર અમારા ઘરના દરવાજા પર કોઈ ટકોરો સુદ્ધાં નહીં મારી શકે. જમીનદાર સવાર-સાંજ આવીને મળી જતા અને અમને હિંમત બંધાવતા. મારી પત્નીને એમણે દીકરી માની હતી છતાં સૌના મનમાં સતત ખોફ રહેતો.”
‘દારજી’ ભૂતકાળના અંકોડા જોડીને વાત કરતા હતા.
“એક દિવસ બૂમરાણ સાથે એક એવો કાફલો પસાર થયો કે આખી રાત અમે છતની દીવાલને ચોંટીને બેસી રહ્યાં. અમે જ નહીં આખો કસબો રાતભર જાગ્યો. એવું લાગતું હતું કે બસ આ અમારી અંતિમ રાત છે. સવાર પ્રલયકારી જ હશે. કશું જ નહીં બચે એવું વિચારીને અમે જમીનદારને જાણ કર્યા વગર જે હાથ લાગ્યું એ લઈને નીકળી પડ્યાં. જમીનદારની તો ઇચ્છા હતી કે, અમારાં ઘરને તાળું મારીને અમે એમના ઘેર રહેવા જતાં રહીએ. ત્યાં અમે વધુ સલામત રહીશું એવી ખાતરી આપતા પણ અમે અંદરથી ડરી ગયાં હતાં. અમારાં મૂળિયાં જાણે હચમચી ગયાં હતાં. સાંભળ્યું હતું કે મિયાંવલીથી જમ્મુ જવું હોય તો ફૌજી ટુકડીનું રક્ષણ મળી જશે.”
જરા શ્વાસ લઈને ‘દારજી’એ વાત આગળ વધારી.
“દિલ કહેતું હતું કે હવે વતન છોડી દેવાનો સમય પાકી ગયો છે. ઘર એમ જ રેઢાં મુકીને અમે નીકળી ગયાં. બે મોટા દીકરા, એક સાત વર્ષની નાની દીકરી અને સૌથી નાનો તું. મિયાંવલીની બે દિવસની પગપાળા સફર હતી. દંગા-ફસાદ તો બધે જ હતા પણ જ્યાં જઈએ ત્યાં કંઈક ખાવાની સગવડ થઈ જતી. મિયાંવલી પહોંચતા સુધીમાં તો કાફલો વધતો ગયો. રાત્રે મિયાંવલી પહોંચ્યાં ત્યાં સુધીમાં તો કેટલીય વાર હાથમાંથી છોકરાંઓના હાથ વછૂટી જતા. ચારેકોર એમને શોધવા બૂમરાણ મચતી. એવા સમયે જાણ થઈ કે એ રાત્રે મિયાંવલી પર હુમલો થવાનો હતો. મુસ્લિમોનું લશ્કર આવવાનું હતું. એ સમયે જે સન્નાટો કે ખોફનો અનુભવ થયો એવો તો ક્યારેય નહોતો અનુભવ્યો.”
‘દારજી’ થોડો સમય ચૂપ થઈ ગયા. એમની આંખો તરલ બની. મા શાંત હતાં. જાણે સાવ ભાવશૂન્ય. ક્ષણેક વાર પછી ‘દારજી’ બોલ્યા,
“બસ, એ રાત્રે સત્યા અને સંપૂર્ણ, નાનાં બંને છોકરાંઓ અમારાથી છૂટાં પડી ગયાં. ખબર નહીં કેવી રીતે….” એમણે વાક્ય અધૂરું મૂકી દીધું.
જરા અટકીને ફરી વાતનો તંતુ સાધી લીધો.
“જમ્મુ પહોંચીને લાંબા સમય સુધી રાહ જોઈ. એક-એક કેમ્પ, અમારી પાછળ ચાલ્યા આવતા કાફલાઓમાં પણ શોધવા મથ્યો. કેટલાય કાફલા પંજાબ તરફ વળી ગયા. જ્યાં શોધ કરી ત્યાં નિરાશા જ મળી. નિરાશ થઈને અમે પણ પંજાબ આવી ગયાં. ત્યાંના કેમ્પમાં શોધ કરી. છોકરાંઓ ગુમ હતાં આશા ખોઈ ચૂક્યાં હતાં.
“એ વાતને બાવીસ વર્ષ વીતી ગયાં હતાં. એક જૂથ ગુરુદ્વારા પંજા સાહેબનાં દર્શન માટે હિંદુસ્તાન જઈ રહ્યું હતું. પોતાનાં ઘર જોવાનો કેટલીય વાર વિચાર આવતો પણ હિંમત નહોતી રહી. અમે જમીનદારને કહ્યાં વગર નીકળી ગયાં હતાં. એમનો વિશ્વાસ ન કર્યાની ગુનાહિત લાગણીનોય મન પર ભાર હતો. અંતે કોઈ પણ ભોગે જવું જ છે એવો નિર્ણય કરી લીધો. જતાં પહેલાં જમીનદાર અને એમના દીકરા અયાઝના નામે એક પત્ર લખ્યો. અમારી હિજરત, પરિવારની બેહાલી, ખોવાયેલાં છોકરાંઓ વિશે બધું જણાવ્યું હતું.”
એક ઊંડો શ્વાસ લઈને હરભજન સિંહ ફરી બોલ્યા,
“એ પત્ર પોસ્ટ કર્યા પછી આઠ વર્ષે અયાઝનો જવાબ આવ્યો. વિભાજનના થોડાં વર્ષો પછી અફઝલચાચા અવસાન પામ્યા હતા.
“હમણાં થોડા સમય પહેલાં ખબર પડી કે અયાઝ પણ અવસાન પામ્યો છે. એનાં અવસાનના સમાચાર આપતા કાગળો પરથી એક વાત જાણ થઈ કે, એના અવસાન પર ખરખરો કરવા આવેલી એક યુવતીનું નામ સત્યા હતું જે હવે દિલશાદના નામે ઓળખાય છે.”
માતાજી હજુ શાંત હતાં પણ ‘દારજી’નો અવાજ રૂંધાવા માંડ્યો હતો.
“વાહે ગુરુનું નામ લઈને અમે ત્યારે જ જવા નીકળી ગયાં. અફઝલચાચાના ઘરે દિલશાદ મળી. એને પોતાનું ઘર યાદ નહોતું બાકી બધું યાદ હતું. એ કહેતી હતી કે, ચાલીને થાકી જવાથી એ એક ઘરનાં આંગણનાં તંદૂર પાછળ જઈને સૂઈ ગઈ હતી. ઊઠી ત્યારે ત્યાં કોઈ નહોતું. આખો દિવસ આમથી તેમ રઝળીને પાછી ત્યાં સૂઈ જતી. ત્રણેક દિવસે મિયાં-બીબી આવ્યાં અને એને પોતાની પાસે રાખી લીધી. આઠ નવ વર્ષ પછી એ ઘરના માલિકે એની સાથે નિકાહ કરી લીધા. અલ્લાહની મહેરબાનીથી સત્યાને બે દીકરા છે. એક પાકિસ્તાન એરફોર્સમાં અને બીજો કરાંચીમાં ઊંચી પોસ્ટ પર છે.”
હવે એક લેખકની આદત હોય એમ મારાથી પૂછાઈ ગયું, “ એ આપને જોઈને નવાઈ તો પામી જ હશે કે પછી મળીને ખૂબ રડી તો હશે જ ને?”
“હા, નવાઈ પામી, પણ જરાય પ્રભાવિત તો ના જ થઈ. હવે વિચારું છું તો લાગે છે કે અમારી વાતો સાંભળીને જાણે કોઈ વાર્તા સાંભળતી હોય એમ મલકતી હતી. અમે એનાં માબાપ છીએ એવું જરાય લાગતું નહોતું.” ‘દારજી’ બોલ્યા.
“અને સંપૂર્ણ? સત્યા એની સાથે નહોતી?”
“ના, એને તો સંપૂર્ણ યાદ પણ નથી.”
આટલી વાતો થયા પછી મા મારી સામે જોઈને બોલ્યા, “ તું પિન્ની( સંપૂર્ણ) છો એ કેમ માનવા તૈયાર નથી? કેમ અમારાથી દૂર રહે છે? નામ પણ બદલી નાખ્યું છે. જેમ સત્યા દિલશાદ બની ગઈ એમ તેં પણ સંપૂર્ણના બદલે ગુલઝાર નામ રાખી લીધું? તને ગુલઝાર નામ કોણે આપ્યું, તું તો સંપૂર્ણ સિંહ છું.”
“મારા વિશે કોણે તમને જાણ કરી, અને તમે કેવી રીતે માની લીધું કે હું તમારો દીકરો છું?” મારાથી દારજીને પૂછાઈ ગયું.
“એવું છે પુત્તર કે વાહે ગુરુની કૃપાથી બેટી મળી તો મનમાં આશા બંધાઈ કે બેટો પણ મળી જશે. ઈકબાલે એક દિવસ તારા ઇન્ટરવ્યૂમાં વાંચ્યું કે તારું નામ સંપૂર્ણ સિંહ છે અને તારો જનમ પણ પાકિસ્તાનની એ તરફનો જ છે એટલે એણે તપાસ શરૂ કરી દીધી.”
“બેટા, તારી મરજી હોય ત્યાં તું રહે. તું મુસલમાન બની ગયો હોય એનોય વાંધો નહીં, પણ એક વાર કહી દે કે તું જ અમારો દીકરો પિન્ની છું.” માતાજીનાં અવાજમાં કંપન હતું.
એ ખાનદાનની કેફિયત સાંભળ્યા પછી પણ હરભજન સિંહને નાસીપાસ કરીને મારે ત્યાંથી નીકળ્યા વગર છૂટકો જ નહોતો. તેઓ સાચે જ એ માનતા હતા, એ એમનો સંપૂર્ણ સિંહ- પિન્ની હું જ હતો. એ વાતને પણ સાત આઠ વર્ષ થઈ ગયાં.
૧૯૯૩નું વર્ષ હતું ત્યારે ઈકબાલનો પત્ર મળ્યો કે સરદાર હરભજન સિંહનો સ્વર્ગવાસ થયો છે. માએ કહેવડાવ્યું છે કે પિન્નીને જરૂર ખબર પહોંચાડવી.
અને ત્યારે સાચે મારા જ દારજીનું અવસાન થયું છે મને એવું લાગ્યું.
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
અદ્ભુત અદ્ભુત અદ્ભુત. ગુલઝાર.તેની શાયરી અને તેની આ વાર્તા. આ બધા માટે બીજો કોઈ શબ્દ પ્રયોગ મળતો જ નથી.
આભાર હરીશભાઈ.
આભાર….જયશ્રીબહેન અને હિતેનભાઈ