મેરા કુસૂર કયા હૈ ?~ કટાર: બિલોરી (૧૦) ~ ભાવેશ ભટ્ટ
આમ તો સામાન્ય રીતે આપણને સૌને જીવનમાં ક્યારેક તો એવો અનુભવ થતો જ હોય છે કે જ્યાં આપણો કોઈ જ વાંક ગુનો ન હોય છતાં ત્યાં આપણે અપરાધભાવ અનુભવીએ.
આવા વિચિત્ર અનુભવોમાં ક્યારેક અતિવિચિત્ર અનુભવ પણ થતા હોય છે. જેમ કે આપણે આપણા મિત્રોને આમ ગમે તે સ્થળોએ મળતા રહેતા હોઈએ છીએ, પણ ક્યારેક એવું બને કે માંદગી, પ્રસંગ, કે અન્ય કોઈ પણ કારણસર કોઈ મિત્રના ઘરે બેત્રણ કોમન મિત્રો સાથે જવાનું થાય, વાતચીત થાય, ચા-પાણી અને નાસ્તો થાય.
અહીં સુધી હજી વાતાવરણ હળવું અને નિર્દોષ હોય છે. ત્યાં જ અચાનક તમે જેના ઘરે ગયા હોવ એ મિત્રના એક-બે બાળકનું ટીઝર દેખાય. આપણે એમના પ્રત્યે લાગણી, ઉમળકો અને વહાલ દર્શાવીએ. એ બાળકોને હસીને એમનું નામ કે એની શાળાનું નામ-અભ્યાસ પણ પૂછીએ.
ત્યાં તો તમારી સાથે આવેલા અન્ય મિત્રો ચાલુ વાતચીતનો દોર અને તમારી સાથેનું અનુસંધાન નિર્દયતાથી કાપીને ઊભા થઈ જતા હોય છે. એ બાળકોને પાછા બધા બેઠા હોય ત્યાં પાછા બોલાવે અને પછી આખી ફિલ્મ શરૂ થાય.
એકાદ મિત્ર તો બાળકને ખોળામાં લઈને એના કાન પાસે મોઢું નાખીને ધીરેથી બોલતા બોલતા ખાનગી સંવાદ ચાલુ કરી દે. એ ગણગણાટ બાળકને ગમે કે ના ગમે પણ એના માબાપને ખૂબ ગમતો હોય છે.
ત્યાં તો બીજો મિત્ર ઘરધણી મિત્રના બીજા બાળકનો કબ્જો લઈ લે છે. એ પેલા માફક કોઈ સંવાદ કર્યા વગર બાળકને પોતાના ખભે બેસાડી દે છે અને એના બંને હાથ પકડીને તાળીઓ પડાવે છે કે ચીઅરઅપ જેવું કરાવતો રહે છે. કોઈ તો બાળકને પીઠ પર બેસાડીને ઘોડો બનીને ડ્રોઈંગરૂમમાં ગોળ ગોળ ફરે છે ને ક્યારેક હવાફેર માટે બીજા રૂમ કે રસોડામાં પણ જતો રહે છે.
હવે તમે જે મિત્રના ઘરે આવ્યા હોવ એની સાથે કંટીન્યુટીમાં વાત ચાલુ રાખો ત્યાં તો પેલા બેમાંથી એકાદ મિત્ર બાળક સાથે થયેલા ઘરોબાનો પુરાવો આપતી એક બે વાતો વચ્ચે બોલીને તમારી કંટીન્યુટીના લીરા ઉડાડી દે. એટલે પાછું તમારે પણ એના ઘરોબામાં ધરબાવું પડે છે. એને લગતી કોઈ એક બે વાત તમારે પણ ઉપજાવવી પડે છે. એમાંથી પાછા કોઈ પોઇન્ટ ઉપર આવો ત્યાં પાછું પેલા ઘરોબાનું રિપીટેશન થતું હોય છે.
આ બે અવસ્થામાં આવજા કરતા તમારા ચહેરા ઉપર જો ક્યાંક સ્હેજ થાક, કંટાળો કે નિરસતા આવી જાય તો એ બહુ મોટા ખતરાની નિશાની હોય છે. કેમ કે એનાથી તમે પેલા મિત્રની અને એના પરિવારની નજરમાં અનકોન્શીયસલી એમના બાળકો પ્રત્યેના પ્રેમમાં ઉણા ઉતરો છો.
ધીરે ધીરે એ આખા પરિવારનું વર્તન તમારી સાથે અનાયાસે બદલાવા માંડે છે. હવે એ લોકો પેલા બે મિત્રોને વધારે ફૂટેજ આપવા લાગે છે જેમણે એક એક બાળકનો હવાલો લઈ લીધો છે. એ પરિવાર પછી પેલા બે મિત્રો સામે બાળકોના ગુણ અને વિશિષ્ટતાની પ્રોગ્રેસ બૂક ખોલી કાઢે છે.
એ પછી તો પૂછવું જ શું ?
પેલા બાળકો કરતા પેલા મિત્રો વધારે ગેલમાં આવી જાય છે અને પ્રોગ્રેસબૂકનું રિવિઝન કરાવવા માંડે છે. આખો એક ‘લિટલ માસ્ટર શૉ’ ચાલું થઈ જાય છે. જેને એ બાળકના માબાપ કલ્યાણજી આણંદજીની માફક અને તમારા સિવાયના મિત્રો આઠમી અજાયબીની જેમ જુએ છે અને વધાવી લે છે.
બસ હવે આ મુલાકાત એના ક્લાઈમેક્સ પર આવી રહી હોય છે. પ્રેમ ચોપરાની ભાષામાં કહીએ તો ત્યાં સુધી તમે પેલા પરિવારની નજરમાં ‘ગૈર સે કુછ ઝિયાદા ઔર અજનબી સે કુછ કમ’ બની ચૂક્યા હોવ છો.
ત્યાંથી વિદાય લેવા ઊભા થાવ ત્યારે પેલા બે મિત્રો આ પરિવારના અંગ સમાન દેખાવા માંડે છે. એમણે બાળકોને હજી અળગા નથી કર્યા હોતા અને એમને સાથે આવવાનું નિમંત્રણ પણ આપતા હોય છે. જો કોઈ બાળક એ નિમંત્રણ સ્વીકારી લે તો ધીરેથી એને ‘પછી સ્કૂલે કોણ જશે? હેં, હેં’ જેવા પ્રાણપ્રશ્નો પૂછી સ્હેજ આઘા પણ કરતા જતા હોય છે.
આ જોઈને પણ પણ આ પરિવારને એ બાબતે વિચારવાનો કોઈ જ વિચાર નથી આવતો. એમણે તો આજથી અત્યારથી આ મિત્રોને એમના પરિવારના સભ્ય, હિતેચ્છુ, અને રક્ષક માની લીધા હોય છે. છેલ્લે એ પરિવાર તમારી સામે પણ પળ બે પળ માટે જોવે છે અને ફિક્કું હસીને ‘ફરી આવજો પાછા’ જેવું કહીને એમની સહિષ્ણુતા બતાવે છે.
અહીં આવ્યા પહેલા તમારો સંબંધ અને તમારી મિત્રતા આ મુલાકાતમાં તમે ખંડિત કરી ચૂકયા કે ગુમાવી ચૂક્યા હોવ એવી નુકસાનની લાગણી લઈને પાર્કિંગમાંથી ભારે પગે વ્હીકલ કાઢતા થોડી વધારે વાર લાગે છે.
પેલા મિત્રો હજી પાર્કિંગમાં પણ ‘વસુધૈવ કુટુમ્બકમ’નો ભાવ ચહેરા પર પ્રસારીને પેલા બાળકોના તાજા સ્મરણનો મહિમા કરતી એક-બે વાત એમની જ સ્ટાઈલમાં કરીને તમને સંભળાવે છે.
ત્યાંથી નીકળીને આખો દિવસ કોઈ ભૂલ થઈ ગઈ હોવાનો એહસાસ નસનસમાં જામેલો રહે છે. એમ લાગ્યા કરે છે કે પેલા બાળકો પ્રત્યે તમને પણ પેલા બે મિત્રો જેટલો જ પ્રેમ છે તો પછી ભૂલ ક્યાં થઈ? છેવટે એવો ડર પણ જન્મે છે કે હવે પેલા મિત્ર અને એના પરિવાર સાથેનો સંબંધ પહેલા જેવો રહેશે કે નહીં!
એટલે આ વાત યાદ રાખવી કે એવા પણ વાંક, ગુના, અને ભૂલો તમારાથી થતા હોય છે જે તમે કર્યા જ ન હોય. તેથી જીવનમાં જેટલા કામોમાં બીજા કોઈની અનિવાર્યતા ન હોય તેવા કામો એકલા જ પૂરા કરવા.
‘એકલતા’ સંગાથ કરતા ખૂબ ઓછી જોખમી હોય છે.
***
ખુબ ખુબ સંવેદનશીલ વ્યક્તિ આવા છુપા છૂર્વ દુવ વ્યવહારથી પોતાના મનની શાંતિ ગુમાવે અને સમજાવી પણ ઊ શકે કે એનુ દુખી થવાનું કારણ શું છે આ લેખમાં ઉત્તમ રીતે કહેવાયું છે. કેટલાક લોકો ને સમુહમાં એક્ટસ થવાને બદલે. આગળ પડતા દેખાવામાં ખુબ ખુબ રસ હોય છે અને એ લોકોને બીજા બાકીના પર શું અસર થશે એની ખબર નથી હોતી અથવા પડી નથી હોતી. અથવા તો બીજાને ળી કરવાનો અને એમાંથી પોતાની લીટી મોટી કરવાનો આને દ લેવો હોય છે. દર વખતે આવા લોકોથી છૂટકારો મેળવવાનો option પણ નથી હોતો. ત્યારે જોખમી સંગાથ ની ઘા ખાઈ જ લેવા પડે છે.