ચૂંટેલા શેર ~ ગઝલ સંગ્રહ: હજી હું ત્યાં જ ઊભો છું ~ દિનેશ ડોંગરે ‘નાદાન’

ચૂંટેલા શેર

આમ હોવું જોઈએ ને તેમ હોવું જોઈએ
એમ કહેનારે પ્રથમ દર્પણમાં જોવું જોઈએ
***
વિરહની રાતના ઉજાગરા, અવઢવ, મનોમંથન
ઘણું મૂકી ગયા છો પણ હજી હું ત્યાં જ ઊભો છું
***
સ્થળ, સમય, કારણ બધું નક્કી છતાંય
રોજ મૃત્યુને વિસારી જીવવાનું
***
અલ્પ છે અસ્તિત્વ મારું તે છતાં
તું તને કલ્પી તો જો મારા વગર
***
હો સગાં, સંબંધી, મિત્રો ભીડ, કોલાહલ છતાં
ખાલીપો વર્તાય ને ત્યારે ગઝલ સર્જાય છે
***
રામજી-સીતા, મારીચ, રાવણ સઘળું ભીતર
સૌને મારી ખુદ મરવાનું સહેલું ક્યાં છે?
***
પછી મરણાસન્ન વ્યક્તિ પણ ઊઠીને થઈ ગઈ બેઠી
દવામાં ને દુઆમાં છે તમારા નામની ચર્ચા
***
સાવ સુક્કી ડાળને કૂંપળ ફૂટી
વૃક્ષનું સન્માન પાછું થઈ ગયું
***
આમ થાશે, તેમ થાશે, કેમ થાશે, શું ખબર
વાત માંડો કંઈક નક્કર, બહુ થયું ચાલો હવે
***
બીજનો હો કે પૂનમનો ચંદ્રમા તો એ જ છે
વાસ્તવિકતા એ જ, કેવળ રૂપ બદલાઈ ગયાં
***
આ હથેળી સાવ કોરી છે હજી પણ
એ ગયા છે જ્યારથી સઘળું ભૂંસીને
***
એક પા ફાકાકશીમાં પણ ખુમારીની ઝલક
બીજી પા બસ જી-હજૂરી વાતમાં ને વાતમાં
***
હતું એક આભમાં પંખી ને બીજું કેદ પિંજરમાં
દ્વિધા બન્નેવની ભાળીને મારે કંઈ નથી કહેવું
***
ખુશી આલિંગવા માટે સજી બેઠી હો ભીતર ને
તમે ફસડાઈ જાવ દ્વારે તો કોનો વાંક છે બોલો?
***
હું તને એમ જ વિનવતો નથી,
કંઈક કારણ ખાસ છે તું આવી જા
***
ધરતીનું મેં કીધું છે પાથરણું
ને ગગનની રજાઈ રાખી છે
***
સાવ નિરર્થક જણાતી આયખાની વારતા
ને છતાંય એ જ પાછો વારતાનો સાર છે

~ દિનેશ ડોંગરે ‘નાદાન’
~ ગઝલ સંગ્રહ: હજી હું ત્યાં જ ઊભો છું
~ M) +91 98983 46877
~ સાયુજ્ય પ્રકાશન:
વડોદરા – ૩૯૦૦૨૩
ફોન: +91 99980 03128

 

આપનો પ્રતિભાવ આપો..

9 Comments

  1. એક શશક્ત ગઝલકારને તેમનાં છઠ્ઠા ગઝલ સંગ્રહને આવકારતા રાજીપો અનુભવું છું.
    ખૂબ ખૂબ અભિનંદન, નાદાન સાહેબ. 🙏

  2. “આમ હોવું જોઈએ ને તેમ હોવું જોઈએ
    એમ કહેનારે પ્રથમ દર્પણમાં જોવું જોઈએ

    હો સગાં, સંબંધી, મિત્રો ભીડ, કોલાહલ છતાં
    ખાલીપો વર્તાય ને ત્યારે ગઝલ સર્જાય છે

    સાવ સુક્કી ડાળને કૂંપળ ફૂટી
    વૃક્ષનું સન્માન પાછું થઈ ગયું”

    મજાનાં શેર…

  3. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળકવિ, લોક સાહિત્યકાર, ભજનિક) says:

    કવિતામાં જે નથી કહી શકાતું, એ ગઝલમાં બધું જ કહેવાઈ જાય છે.

  4. આદરણીય શ્રી ડોંગરે સાહેબ,
    ખૂબ સુંદર… અદભુત શૅર..
    મસ્ત.. મસ્ત…જય હો મંગલમય હો..
    ૐ આનંદ ૐ 🙏🙏..

  5. શેરિયત અંગે સૌના પોતાના અંગત વિચારો હોય એટલે એ બાબતે કોઈ ટિપ્પણી ન કરી શકાય

    પણ શેરનું બંધારણ પણ ન સચવાય એવા શેર ચૂંટેલા શેરની શ્રેણીમાં મુકવા એ કેટલું યોગ્ય કહેવાય ??

    શું ગુજરાતીમાં સાચા શેર નથી લખતા એવું માની લેવાનું??

    પછી મરણાસન્ન વ્યક્તિ પણ ઊઠીને થઈ ગઈ બેઠી
    દવામાં ને દુઆમાં છે તમારા નામની ચર્ચા
    ઉલામાં છંદ દોષ લાગે છે

    હતું એક આભમાં પંખી ને બીજું કેદ પિંજરમાં
    દ્વિધા બન્નેવની ભાળીને મારે કંઈ નથી કહેવું
    બન્નેવમાં વ છંદ સાચવવા માટે વપરાયું હોય એવું લાગે છે

    ખુશી આલિંગવા માટે સજી બેઠી હો ભીતર ને
    તમે ફસડાઈ જાવ દ્વારે તો કોનો વાંક છે બોલો?
    સાનીમાં છંદ દોષ જણાય છે

    હું તને એમ જ વિનવતો નથી,
    કંઈક કારણ ખાસ છે તું આવી જા
    ઉલામાં છંદ દોષ લાગે છે

    સાવ નિરર્થક જણાતી આયખાની વારતા
    ને છતાંય એ જ પાછો વારતાનો સાર છે
    સાનીમાં છંદ દોષ છે

    આ મારુ નિરીક્ષણ છે… મારી ભૂલ હોય તો બ્લોગ એડમીન કે સર્જક પોતાનો મત રજૂ કરી શકે છે

  6. આપનો હૃદયપૂર્વક આભાર હિતેનભાઈ