સીમાને પેલે પાર રહેલી સીમા ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 31) ~ પૂર્વી મોદી મલકાણ

Inline image

આ સીમાઓ કેવી છે નહીં? એ ક્યાંક જોડે છે અને ક્યાંક તોડે છે. હૃદયને જોડતી-તોડતી આ સીમા ઉપર અમે આવી ગયાં હતાં.

Inline image

અમારી સીટ ઉપર શાંતિથી બેસી ગયાં હતાં, અને આજુબાજુનાં વાતાવરણને જોવામાં મગ્ન બન્યાં હતાં. પણ ત્યારે મારા મગજનાં કોઈક ખૂણામાં પાક-મેજરનાં શબ્દો “हमारे मुल्क में आपका स्वागत है जनाब !” જે રીતે પોતાની અસર છોડી રહ્યાં હતાં તે જોઈ હું વિચારવા લાગી કે; શું આમને ખબર પડી ગઈ હશે કે; અમે ભારતીય છીએ!

કદાચ ખબર પડી જ ગઈ હશે મારા સલવાર કુર્તા ઉપરથી પણ એ જે સહજતા અને પ્રેમાળ શબ્દથી બોલ્યો તે જોઈને પલભર માટે હું વિસરી જ ગઈ કે આમની સાથે આપણાં દૂધ ભાત સાથે આંબલી ભાતનાંયે સંબંધ છે. હા, એ વાત અલગ છે કે આપણે દરેક સ્વાદને યોગ્ય રીતે ઉપયોગ કરવાનું જાણીએ છીએ પણ, એનો અર્થ એ નથી કે આપણી સાથેની દરેક વ્યક્તિને એ સ્વાદ યોગ્ય લાગે.

પાકિસ્તાન સાથે આપણાં સંબંધો કંઈક એવા જ છે. થોડા ફિક્કા અને થોડા ખાટામીઠા. તેથી આજે હું બેઠી છું તો પાકિસ્તાન સાઈડ પર પણ મારી અંદર રહેલો ભારતીય હજી જીવે છે. તે ઓફિસરનું રિસ્પેક્ટ સાથે મલકાણ સાથે હાથ મિલાવવા અને આવકાર આપવો! મને એવું લાગ્યું કે; તેઓ મને નહીં પણ ભારતને આવકાર આપી રહ્યાં છે.

વિચારોને અને મનની માન્યતાઓને ક્યાં થોભ હોય છે, તેઓ તો ચકલીની જેમ ચીં-ચીં કરે છે, કાગડાની જેમ કાઉ-કાઉ કરે છે, ઘુવડની જેમ મનનાં અંધારામાં પણ ચાલુ થઈ જાય છે, ને સમડીની જેમ ગતિમાન હોય છે.

તેથી અત્યારે આ જગ્યા પર બેસી મારા વિચારોય ઊડી રહ્યાં છે સમડીની જેમ, આજુબાજુનાં લશ્કરી વાતાવરણને જોઈ કાઉ-કાઉ ને ચીં-ચીં એક સાથે કરી રહ્યાં છે. મન મારું સમડીની જેમ ઊંચે જઇ સામી સીમામાં રહેલ ભારતનાં ગેઇટમાં પ્રવેશ કરી રહ્યું છે.

હાલની દૃષ્ટિએ ન દેખાતાં એવાં મારા પરિવારનેય હું દૂરથી જોઈ રહી છું તો સાથે સાથે આજે અહીં થનારી પ્રક્રિયા પણ જોઈ રહી છું. ટૂંકમાં કહું તો હું, મારું મન, મારું મગજ અને મારી આંખો એમ ચારેય આ ક્ષણમાં વેરાયેલાં છે.

સંધ્યા સમયે રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ઉતારી લેવાનો નિયમ દુનિયાના સર્વ દેશોમાં રહેલો છેતે ન્યાયે અહીં વાઘામાં પણ ભારત અને પાકિસ્તાન પોતપોતાના ધ્વજ ઉતારવાની પ્રક્રિયા શરૂ કર્યા બાદ દરવાજા બંધ કરવાની તૈયારી થાય છે.

ભારત-પાકિસ્તાનના આ દરવાજાઓ વચ્ચે પાંચ-છ મીટરનું અંતર છે. બંને દેશો વચ્ચેની પરેડ આમ તો નવી વાત નથી પરતું પરેડ વખતે સૈનિકોના ચહેરા પર જે ભાવ હોય છે તે  જોવા મળવા અતિદુર્લભ છે.

પરેડ કરનાર પ્રત્યેક વ્યક્તિના ચહેરા કરડા અને ભાવવિહીન હોય છે. તેઓના ચહેરા પરથી અંગારા વરસતાં હોય છે. ૧૯૫૯થી ખુલ્લી મુકાયેલી આ સરહદ પર રોજ સાંજે બંને  દેશના  સૈનિકો સામસામે આવીને ઊભા રહે છે ત્યારે બંને દેશના સૈનિકોના મુખ ઉપર  પોતાના દેશ પ્રત્યેની ચાહના દેખાતી હોય છે.

બંને દેશના સૈનિકો એકબીજા પર પોતાની દેશદાઝ દર્શાવતા જોશપૂર્વક ધ્વજ ઉતારવાની  પ્રક્રિયા શરૂ કરે છે. આ પ્રક્રિયા દરમ્યાન જ્યારે બંને દેશના સૈનિકો સામસામે આવીને  ઊભા  રહે  છે  ત્યારે  તેમની  આંખોમાંથી નીતરતું ઝનૂન મને જોવા જેવું લાગ્યું.

ભારત તરફથી બોર્ડર સિક્યુરિટી ફોર્સનાં જવાનો ખાખી પોશાકમાં અને લાલ સાફામાં સોહાતા હતાં. પાકિસ્તાનના રેન્જરો  પગથી  માથા  સુધી  કાળા  રંગના  સલવાર, કમીઝ  અને  પગડીનાં  રોફદાર પોશાકમાં સજ્જ હતાં.

બંને દેશોના સૈનિકોના મસ્તકને ઢાંકી દેતા વિશિષ્ટ સાફા જેવીપાઘડી તેમના રોફદાર પોશાકની સુંદરતામાં વધારો કરતાં હતાં. જો કે, ભારતનાં સૈનિકો શર્ટ અને પેન્ટનાં યુનિફૉર્મ વધુ ચુસ્ત જણાય છે, તેની સરખામણીએ સલવાર અને કમીઝ જેવા ઢીલા પોશાકમાં પાકિસ્તાની સૈનિકો ઓછાં ચુસ્ત જણાયાં. જો કે, તેમની સ્ફૂર્તિ  કાબિલેતારીફ હતી.

Inline image

ચિત્તા જેવી ત્વરા સાથે બન્ને દેશના સૈનિકો પોતપોતાના દરવાજામાંથી પસાર થઈ વચ્ચેની લાઇન પર મળે, ત્યાં બંને દેશના સૈનિકો હસ્તધૂનન કરે. પોતપોતાના દેશને છાજે તે રીતે માનપૂર્વક અને હરીફ દેશને જાણે પોતાના હાવભાવથી જ ડરાવી દેવાની ભાવના સાથે સૈનિકો પોતાના પગ પણ સામેવાળા સૈનિકના ખભા સુધી ઉછાળે છે અને ખાસ પ્રકારની એક્શન સાથે ધ્વજ એકસાથે ઉતારવાનું ચાલુ થાય છે અને ધ્વજ ઉતાર્યા બાદ બંને દેશના ધ્વજ સૈનિકો ઘડી કરી મૂકી દે છે.

ત્યારબાદ બંને દેશોના સૈનિકો ફરી એકવાર હસ્તધૂનન કર્યા બાદ છૂટા પડે છે અને બંને દેશો વચ્ચે રહેલા દરવાજાઓને બંધ કરી દેવામાં આવે છે. બીજે દિવસે સવારે ફરી ધ્વજ ચડાવવાની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે બંને દેશો વચ્ચેના દરવાજા ખોલી નાખવામાં આવે છે.

ધ્વજ ઉતારવાની અને ધ્વજ ચડાવવાની પ્રક્રિયાનો સમય લગભગ ૪૫ મિનિટનો હોય છે જે દરરોજ મંદિરની આરતીની જેમ સવારે અને સાંજે થાય છે. પણ આ પ્રક્રિયા રોજે રોજ અનેક પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. આથી બંને દેશોની સરકારે અહીં પ્રવાસીઓ માટે બેસવાની સરસ વ્યવસ્થા કરેલી છે. જેમાં મહિલા અને પુરુષોને અલગ અલગ બેસાડાય છે. આ આખો નજારો સ્વયં જોવાનો આનંદ અનેરો હોય છે.

Inline image
એક દિન યહ એક હી રાસ્તા ઔર એક હી દિલ થા, આજ દો હૈ.

સ્ટેડિયમના સૌથી ઉપરના ભાગમાં પાકિસ્તાન આર્મીનું બેન્ડ મ્યુઝિક વહાવી રહ્યું હતું તેમના ઊભા રહેવાની દીવાલ ઉપર પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમદઅલી ઝીણાનો ફોટો લગાવેલો હતો. અમારા સ્ટેડિયમના સામે તરફના સ્ટેડિયમમાં બેસેલા લોકો પાકિસ્તાન… ઝિંદાબાદનાં નારા લગાવી રહ્યા હતા.

આ સ્ટેડિયમની બાજુમાં ઉપરની તરફ એક નાનું સ્ટેડિયમ હતું જ્યાં સ્કૂલના બાળકો બેસેલા હતાં જેઓ લા ઇલ્લાહ, ઇલ ઇલ અલ્લાહના નારા લગાવી રહ્યા હતા ત્યારે ભારત તરફથી ભારતમાતાની જય બોલાતી હતી.

આમ જુઓ તો બંને દેશનાં લોકો પોતપોતાનાં સૂરથી, સ્વરથી અને શોરથી જાણે એકબીજા પર ભારી પડવાનાં હોય તે રીતે નાદ કરી રહ્યાં હતાં.  સીમાની પેલે ભારત તરફથી જયનાદ થતો ત્યારે એકસાથે ત્રણ વાર જયનાદ થતો. જેમ કે -ભારતમાતા કી જય, ભારતમાતા  કી  જય,ભારત માતા કી જય…!

ભારતનો જયનાદ થાય કે તરત જ પાકિસ્તાન તરફના લોકો એ જયઘોષના ઘૂઘવાટને ઢાંકીદેવા માંગતા હોય તેમ  બમણા જોરથી ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવા માંડતા. પણ  ભારત તરફથી આવતા  જયનાદ  સાંભળીને અમારા રુંવાડા ખડા થઈ જતા અને અમારા હૃદયને રોકી રાખવું પણ મુશ્કેલ બનતું.

એક તબક્કે અમે પાકિસ્તાનમાં છીએ એ વીસરી જઈને અમે ભારત તરફથી જતા જયનાદમાંઅમારો સૂર પૂરાવ્યો. જાણે કે અમારું દિલ અમારા કાબૂમાં નહોતું.

નાનપણથી જ આ જયઘોષ બોલતા અને સાંભળતા આવ્યા હતા. આ કારણે અનાયાસે જ  અમે  એ જયઘોષમાં સામેલ થઈ  ગયા  હતા.  પણ  પાકિસ્તાન  તરફથી  બોલાતી  ‘ભારત માતાકી જય’  સાંભળીને ઘણા બધાનું  ધ્યાન  અમારા તરફ ખેંચાયું.

પહેલાં તો અમને ખ્યાલ ન આવ્યો પણ પછી અમને ખ્યાલ આવ્યો ત્યારે  એક  પાકિસ્તાની  સૈનિક  દૃઢ  પગલે  ચાલતો અમારી નજદીક આવતો દેખાયો.

તેણે આવીને એક હાથ ઉંચો કરીને તાલબદ્ધ રીતે “પાકિસ્તા…આઆન ઝિંદા… આઆબાદ.” કહ્યું અને  ફરી  એકવાર  એ  જ  મુદ્રામાં  પુનરાવર્તન  કર્યું.  આનો  મતલબ  સાફ  હતો  કે અમારે પણ તેનો પડઘો પાડવો.

અમારા મનમાં પહેલો વિચાર એ આવ્યો કે; ભારતીય થઈ પાકિસ્તાન ઝિંદાબાદ શી રીતે બોલવું? અને આ બાજુ અમારાથી ભારતની જયમાં જય બોલવું એ અમારો અમારા દેશ પ્રત્યેનો પ્રેમ હતો તે કોઈ ગુનો ન હતો.

પછી વિચાર આવ્યો કે ‘પાકિસ્તાન ઝીંદાબાદ’ બોલવાથી કંઈ મારી ભારતીય તરીકેની ઓળખ ભૂંસાઈ નથી જવાની. અને  અમેરિકામાં  રહી  અમેરિકાના  રાષ્ટ્રધ્વજને  સલામ  કરીએ જ છીએ ને!

જે દેશમાં વસીએ કે જઈએ તો ત્યાંના નિતીનિયમોને માન આપવું રહ્યું અને એમાં યે ભારત અને પાકિસ્તાન તો એક  ભૂમિના અલગ પડેલા બે હિસ્સા હતા. ભલેને તેનું સર્જન વેરની ભૂમિકા પર થયું હોય પણ આપણી સાંસ્કૃતિક ગઠબંધનનાં મૂળિયાં તો આજનાં કરતાં ઘણાં જ ઊંડાં હતાં. આથી અમે પણ તેની સાથે મોટા ઘોષમાં પાકિસ્તાન ઝિંદાબાદ કહ્યું તે પછી સૈનિકને સંતોષ થયો હોય એમ મને લાગ્યું.

તેણે પાછા જવા માટે કદમ ઉપાડ્યાપણ  પાછો વળ્યો  સાથે  મારા કાને ફરીથી ભારતનો જયઘોષ પડ્યો અને અનાયાસે મારાથી એમાં સૂર પૂરાવાઈ ગયો સાંભળીને તે પાછો આવ્યો અને અને ફરી અમારી સામે આવી હાથ ઊંચા કરી બોલ્યોપાકિસ્તાન ઝિંદાબાદ. અમે એમાં સૂર પૂરાવીએ  પહેલાં   સૈનિકે અમારી તરફ જોયું અને ઈશારાથી અમને ‘ભારત માતા કી જય’ બોલવાની ના પાડી

 પછી અમારાથી થોડે દૂર જઈને એક ખૂણે  ઉભો રહી ગયો. પણ એ મિનિટ પછી પાક કમાન્ડર્સ વારંવાર અમારી પાસે આવતાં અને પાકભૂમિ પર ભારતની જય બોલાવી રહેલા નમૂનાઓને અટકાવી ઝિંદાબાદ બોલાવી જતાં, જેથી અમારે એક જયઘોષ બંધ કરવો પડ્યો.

આ દરમ્યાન અમે એવું જોયું કે એક બિલાડી બંને દેશોના દરવાજાની વચ્ચે વારંવાર અવરજવર કરતી હતી. આ બિલાડીને જોઈ મને વિચાર આવ્યો કે; કાશ ભારત અને પાકિસ્તાનની વચ્ચે એવી મિત્રતા થઈ જાય જેથી કરી આ બિલાડીને જેમ બંને દેશ વચ્ચે ફરવા માટે કોઈ પરમીટની જરૂર ન પડે. પણ એમ વિચાર જ જો ફળીભૂત થતાં હોત તો અત્યાર સુધીમાં પાક-ભારત વચ્ચેની સંબંધ ક્યારનાં એ સુધરી ગયાં હોત.

Inline image

લગભગ ૩૦ મિનિટ બાદ બંને દેશના દરવાજાઓ ખૂલ્યાં અને તે સાથે નારાઓનો નાદ બમણો થઈ ગયો બંને દેશના સૈનિકો પોતાના દેશની દરવાજામાંથી બહાર આવી મુખ્ય સીમાલાઇન પર મળ્યા એકબીજાને હસ્તધનુન કરી છૂટા પડ્યા અને પોતપોતાના ધ્વજની દોરી ખોલી તેને નીચે ઉતારવા લાગ્યા.

ધ્વજ નીચે ઉતારતી વખતે દોરીને ક્રોસમાં રાખીને ઉતારવામાં આવે છે. જેમ હસ્તધનુન કરે ત્યારે હથેળીઓ એકબીજાની ક્રોસમાં હોય તે રીતે ધ્વજ પણ નીચે ઉતાર્યા. બંને દેશના ધ્વજ એકબીજાની ક્રોસમાં રહીને નીચે આવી ગયા બાદ ધ્વજને ઘડી વાળી બંને દેશના સૈનિકોએ ફરી હસ્તધૂનન કર્યું અને પોતપોતાના દેશના દરવાજાઓમાં પ્રવેશી દરવાજાઓ બંધ કરી દીધા.

તે સાથે આજના દિવસની સાંજ પણ ઢળી ચૂકી હતી. સંધ્યાની લજામણી લાલિમા ગગનને પણ પોતાના રંગમાં રંગી રહી હતી અને ભગવાન આદિત્ય નારાયણ પાક ધરતી પરથી વિદાય લઈ ચૂક્યા હતા. રસ્તાઓ પર વીજળીના દિવડાઓ પોતાનું ઓજસ પાથરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે થોડીવાર પહેલાં પાકિસ્તાનની આન- બાન – શાન ગાનારા લોકો ટુરિસ્ટો પાસેથી રૂપિયા માંગી રહ્યાં હતાં, ઘણા લોકો બંધ દરવાજા પાસે ઊભા રહી ફોટો લઈ રહ્યા હતા તો કોઈ ધ્વજ લઈને ફરનારા સૈનિકો, કમાન્ડરોની સાથે ફોટો ખેંચી રહ્યા હતા. 

Inline image
દુશ્મનો કે લિયે તલવાર હમ હી હૈ

આ પ્રસંગને જોવા માટે આવેલા લોકો સ્વસ્થાન પર જવા ચાલી નીકળ્યા ત્યારે હું પણ મલકાણ અને માઝદજી સાથે ધીરા પગલે અમારા પાર્કિંગ તરફ જવા નીકળી પડી. 

© પૂર્વી મોદી મલકાણ ( યુ.એસ.એ )
purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

 1. Loved it
  1) હું, મારું મન, મારું મગજ અને મારી આંખો એમ ચારેય આ ક્ષણમાં વેરાયેલાં છે.

  2) પાકિસ્તાનની આન- બાન – શાન ગાનારા લોકો ટુરિસ્ટો પાસેથી રૂપિયા માંગી રહ્યાં હતાં.

  3) દેશમાં વસીએ કે જઈએ તો ત્યાંના નિતીનિયમોને માન આપવું રહ્યું અને એમાં યે ભારત અને પાકિસ્તાન તો એક જ ભૂમિના અલગ પડેલા બે હિસ્સા હતા. ભલેને તેનું સર્જન વેરની ભૂમિકા પર થયું હોય પણ આપણી સાંસ્કૃતિક ગઠબંધનનાં મૂળિયાં તો આજનાં કરતાં ઘણાં જ ઊંડાં હતાં.

  4) અમારા મનમાં પહેલો વિચાર એ આવ્યો કે; ભારતીય થઈ પાકિસ્તાન ઝિંદાબાદ શી રીતે બોલવું? અને આ બાજુ અમારાથી ભારતની જયમાં જય બોલવું એ અમારો અમારા દેશ પ્રત્યેનો પ્રેમ હતો તે કોઈ ગુનો ન હતો.

 2. વિચારોને અને મનની માન્યતાઓને ક્યાં થોભ હોય છે, તેઓ તો ચકલીની જેમ ચીં-ચીં કરે છે, કાગડાની જેમ કાઉ-કાઉ કરે છે, ઘુવડની જેમ મનનાં અંધારામાં પણ ચાલુ થઈ જાય છે, ને સમડીની જેમ ગતિમાન હોય છે.….What a word… Totally Amazing, must say you are fabulous…

 3. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

  કેવી દેશદાઝની દાસ્તાન!? ખૂબ સરસ માહિતી.