આજ ભી હૈ ઔર કલ ભી રહેગાઃ સાહિત્યકારોના ઝઘડા ~ કટાર: અલકનંદા (દર શનિવારે) ~ અનિલ ચાવડા

મહિપતરામ જ્યારે વિદેશ ગયા, ત્યારે દલપતરામે કવિતા લખેલી,

‘નાગર નર હારે નહીં,
હારે હોય હજામ,

કહેવત તેં સાચી કરી,
રાખી મહિપતરામ.’

મહિપતરામ એટલે ગુજરાતી ભાષાનું પ્રથમ પ્રવાસવર્ણનનું પુસ્તક ‘ઇંગ્લાન્ડની મુસાફરી’ લખનાર લેખક.

મહીપતરામ નીલકંઠ | ગુજરાતી પ્રતિભા પરિચય
મહિપતરામ નીલકંઠ

‘રાઈનો પર્વત’ અને ‘ભદ્રંભદ્ર’ જેવી અદ્ભુત કૃતિઓ આપનાર રમણભાઈ નીલકંઠના પિતા. એ વખતે દરિયો પાર કરીને જવામાં ઘોર પાપ છે, તેવી માન્યતા હતી. મહિપતરામના આ પગલાંથી ન્યાતમાં તેમની ખાસ્સી વગોવણી થઈ. પાછા આવ્યા ત્યારે તેમને નાત બહાર મૂકવામાં આવ્યા. મહિપતરામે નાત જમાડીને પશ્ચાતાપ કર્યો, ત્યારે તેમને નાતમાં પાછા લેવાયા. આ ઘટનાને લીધે વળી સુધારાવાળા તેમનાથી નારાજ થઈ ગયા.

નર્મદે મહિપતરામને તો ઠીક, પણ દલપતરામને ટાર્ગેટ બનાવીને તેમની જ પંક્તિનો જવાબ લખ્યો.

નર્મદાશંકર લાલશંકર દવે 'કવિ નર્મદ' | ગુજરાતી લિટરેચર

‘નાગર નર હારે નહીં,
હારે હોય હજામ,
ઇત્યાદિક ફેરવ હવે,
ડાહ્યા દલપતરામ.’

સામે દલપતરામે ગુસ્સે થઈને એક દિવસ નર્મદ પર એક જોડકણું ફટકારેલું,

દલપતરામ - વિકિપીડિયા

નર્મદ કવિ નિત ઊઠતો રે,
જ્યારે નિશામાં ચૂર,
કહું બલિહારી નિશા તણી,
ભક્તિને ભરપૂર.

નર્મદને જીવનભર દલપતરામ સાથે ન બન્યું. તે દરેક વાત તેમની સાથે સ્પર્ધામાં ઊતરતો રહ્યો.

દયારામની એક કવિતા છે, ‘લોચન-મનનો ઝઘડો’, એમ અર્વાચીન સાહિત્યના ઉદયકાળનાં આ બે લોચનો પરસ્પર વિખવાદ કરતા રહ્યાં.

Dayaram – YUG PARICHAY
દયારામ

ગુજરાતી ભાષામાં અર્વાચીન કાળની શરૂઆત જ આ લોચનસમા બે કવિઓથી થાય છે. આપણે અર્વાચીન યુગને આ લોચનો દ્વારા જ જોવાનો થાય છે. દયારામની કવિતામાં તો મન અને આંખો વચ્ચે નંદકુંવર સાથે પ્રીત કરવા બાબતે ઝઘડો થાય છે, એ ઝઘડાનું સમાધાન ‘બુદ્ધિ’ આવીને કરાવે છે. પણ સાહિત્યકારોના ઝઘડામાં બુદ્ધિ આવતી નથી. કેમ કે બુદ્ધિ જ તો તોફાનો કરાવતી હોય છે.

Mind games Painting by Lana Dobrogorskaya | Saatchi Art
https://www.saatchiart.com/

નર્મદ-દલપતરામના ઝઘડાની શરૂઆત ક્યાંથી થઈ તેના વિશે વિનોદ ભટ્ટે નોંધ્યું છે કે,

કેટલાક લોકો કૂકડા રમાડવાની રમત કરતા હોય તેમ આ બંને કવિઓ વચ્ચે કાવ્યગાનની હરિફાઈ ગોઠવે છે. નર્મદને કહેવામાં આવે છે કે તે પોતાની કવિતાઓ સાથે વાલ્કેશ્વરમાં ભગવાનદાસના બંગલે તૂટી પડવું. પણ નર્મદ નક્કી કરે છે કે દલપતરામ સામે જાહેરમાં ક્યારેય કવિતા વાંચવી નહીં. મારી કવિતા નબળી પડશે તો હરકત નહીં, પણ દલપતરામભાઈની નબળી પડશે તો તે શરમાશે ને એમ થાય તે સારું નહીં. લોક તો રસિયા, લોકને શું? એટલે તે કવિતા લીધા વગર, નિશઃસ્ત્ર ગયો.

એવું નહોતું કે નર્મદને કીર્તિની કંઈ પડી નહોતી. પણ નક્કી કર્યું કે આપણે પોતાના સિવાય કોઈની સાથે સ્પર્ધામાં નથી ઊતરવું.

દલપતરામે કવિતા સંભળાવી. નર્મદના મતે, શ્રોતાઓ કવિ પાસેથી જે ચીજની અપેક્ષા રાખતા હતા તે સંતોષાઈ નહીં. શ્રોતાઓ કંટાળી ગયા. પછી નર્મદને કવિતા બોલવા આગ્રહ કરાયો, પણ તેણે આનાકાની કરી.

બહુ આગ્રહ થયો એટલે તેણે સંકોચ તથા દલપતરામ પ્રત્યે આદર બતાવીને કહ્યું, “દલપતરામ તો સાગર છે ને ઘણાં વરસથી કવિત કરે છે ને હું તો ખાબોચિયા જેવો ને નવો જ શિખાઉ છઉં… દલપતરામભાઈને કવિતા કરતા વીસ વર્ષ થયાં ને મને ચોથું ચાલે છે. દલપતરામભાઈ જેવું મારી પાસે કંઈ નથી. પણ વિનાયકરાવનો ખૂબ આગ્રહ છે માટે ગાઉં છું…” ને આટલી નમ્રતા પછી તેણે શરૂ કર્યું. શ્રોતાઓ દિંગ થઈ ગયા. તે ગાતો હતો ત્યારે વિનાયકરાવ ખભે હાથ મૂકી ઊભા હતા, વચ્ચે વચ્ચે, “વાહ નર્મદાશંકર, આ તે તમે ક્યારે કીધું?” એમ બોલતા.

કદાચ આ પ્રસંગ પછી જ બંને વચ્ચે સ્પર્ધાભાવ વધારે બળવત્તર બન્યો. નર્મદને એમ ચિંતા કે દલપતરામ તેનાથી આગળ નહીં નીકળી જાય ને, તો દલપતરામને પણ કદાચ એ જ વ્યાધિ હશે. આ બંનેની હરીફાઈમાં પ્રજાને ફાયદો થયો.

બંનેની કવિતાઓ છાપામાં અવારનવાર છપાતી, જાહેરમાં તેની ચર્ચા થતી, આના લીધે લોકોમાં કવિતા પહોંચવા લાગી. કવિતાનો શોખ વધ્યો. એ વખતના પારસીઓ ખાસ રસ લેતા થયા. બેમાંથી એક્કે કવિ પગ વાળીને બેસતો નહીં. દલપતરામને આંખે ઓછું દેખાતું તો તે કવિતા ગોખીને તૈયાર કરીને જતા.

આજે પણ લેખકો-કવિઓના ઘર્ષણો વિશે સાંભળવા મળતું હોય છે. વ્યક્તિઓ જ નહીં, સંસ્થાઓ વચ્ચે પણ માથાકૂટો ક્યાં નથી થતી? સાહિત્ય પરિષદ અને અકાદમી એનો જીવતો દાખલો છે.

આવા ઝઘડાઓ જોઈને ઘણા બોલી ઊઠે છે, “અરેરે, હવે તો સાહિત્યમાં પણ ઝઘડા થવા લાગ્યા છે, કલાના ક્ષેત્રે પણ કેવું કેવું થઈ રહ્યું છે. બાપ રે બાપ…” તો તેમને એટલું જ કહેવાનું આ તો ગુજરાતી ભાષામાં નર્મદ-દલપતરામથી ચાલ્યું આવે છે, આજકાલનું ક્યાં છે? અને આમ જોવા જઈએ તો ગુજરાતી ભાષામાં અર્વાચીન યુગની શરૂઆત જ આ રીતે થઈ છે.

નર્મદે પોતે સ્વીકાર્યું હતું કે હું દલપતરામની કવિતા વાંચીને લખતા શીખ્યો છઉં. એટલે જો દલપતરામ ન હોત તો નર્મદ ન મળ્યો હોય તેમ કહેવું ખોટું નથી. અને નર્મદ ન હોત તો ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન યુગ આટલો વહેલો ન આવ્યો હોત તે પણ એટલું જ સાચું છે. એ વખતે મોબાઇલ ફોન કે યૂટ્યૂબ નહોતાં, નહીંતર તેમાં પણ તેઓએ એકબીજા વિરુદ્ધ વીડિયો, રીલ્સ ને એવું બધું બનાવીને શેર કર્યું હોત.

માત્ર ગુજરાતીમાં જ કેમ, સાહિત્ય અને કલાના દરેક ક્ષેત્રે આવા પરસ્પર વાદવિવાદ રહ્યા છે. 2019માં ગુવાહાટીના એક પત્રકારે 10 મિયાં (મિયાં બોલી – એક પ્રકારની બંગાળી ભાષા) કવિઓ સામે એફઆઈઆર નોંધી હતી. બંગાળમાં રવીન્દ્રનાથ ટાગોર સાથે તે સમયગાળાના સાહિત્યકારોના વિખવાદો જાણીતા છે.

વર્ષો પહેલાં લાભશંકર ઠાકર અને રઘુવીર ચૌધરીને જ્ઞાનસત્રમાં ઝઘડો થઈ ગયો હતો તે પણ ગુજરાતી સાહિત્યના લોકોથી અજાણ્યો નથી.

ગાલિબ અને ઝોક વચ્ચેની ખેંચતાણો તો જગજાહેર છે.

मिर्ज़ा ग़ालिब: जब बहादुरशाह जफर के बेटे की शादी में गालिब और जौक भिड़े थे|Mirza Ghalib Birthday: Know A Rare Facts About Ghalib And Zauq

ઝોક બાહશાહ બહાદુરશાહ ઝફરના ઉસ્તાદ અને રાજકવિ. એક વખત ગાલિબ પોતાના મિત્રો સાથે બેઠા હતા ને ઝોક પાલખીમાં પસાર થયા. તેમને જોઈને ગાલિબ બોલ્યા, ‘हुआ है शह का मुसाहिब, फिरे है इतराता।’ ઝોક સમજી ગયા કે કોને માટે કહેવાયું છે.

તેમણે બહાદુરશાહ જફરને ફરિયાદ કરી કે આ તો તમારા ઉસ્તાદનું અપમાન કહેવાય. રાજાના ઉસ્તાદનું અપમાન કરવું એ કંઈ જેવી તેવી વાત છે? ગાલિબને બાદશાહ સમક્ષ હાજર કરવામાં આવ્યા અને પૂછ્યું કે તમે આવો ટોણો કેમ માર્યો?

“હજૂર આ તો મારી નવી ગઝલનો મિસરો છે.” ગાલિબે જવાબ આપ્યો. “આખો શેર સંભળાવો,” બાદશાહે હુકમ કર્યો, ગાલિબે શેર સંભળાવ્યો,

हुआ है शह का मुसाहिब
फिरे है इतराता
वगरना शहर में ‘ग़ालिब’ की
आबरू क्या है

ગાલિબે સિફતથી આખી વાત પોતાના ઉપર લઈ લીધી. સભામાં બધાએ વાહ વાહ કરીને તેમને વધાવી લીધા, પણ ઝોક સમજી ગયા. ગાલિબ મીર તકી મીરથી ખૂબ પ્રભાવિત હતા, એ વાત ઝોક ખૂબ સારી રીતે જાણતા હતા. એટલે મોકો જોઈને તેમણે પણ એક દિવસ ગાલિબને સંભળાવી દીધું,

‘न हुआ, पर न हुआ
मीर का अंदाज नसीब,

जौक, यारों ने बहुत
जोर गजल में मारा।’

જોકે આ બધી ખેંચાતાણીમાં છેવટે તો ગઝલરસિકોને જ ફાયદો થયો. આવા સાહિત્યિક ઝઘડાઓમાંથી ક્યારેક અમુક ચુનંદા શેર, પંક્તિઓ કે રચનાઓ નિપજાવતા હોય છે.

ઝઘડાના કારણામાં જે તે કલાકાર-સાહિત્યકારને અનુભવાની ઇનસિક્યોરિટી હોય છે.

Insecure Paintings | Saatchi Art

અન્ય સાહિત્યકાર મારાથી આગળ તો નહીં વધી જાયને? ફલાણાને મારી કરતા વધારે માન-મોભો તો નહીં મળી જાય ને? એમાંય ઇતિહાસમાં અમર થવાના અભરખા કોને નથી હોતા.

સાહિત્યકારો પરસ્પર એ પણ ખેંચાતાણીમાં હોય છે કે ફલાણા વિશે સારું લખાયું, તો મારા વિશે કેમ નહીં? હું પણ એનો હકદાર છું.

દરેક લેખક-કવિ પોતાને સક્ષમ, સિદ્ધ અને તમામ પુરસ્કારોના હકદાર ગણતા હોય છે. પોતાની મર્યાદા કે વિશેષતાથી પોતે પરિચિત હોય તેવા સર્જકો ઓછા હોય છે. આ બધા વાદ-વિવાદમાં જો કશુંક ક્રિએટિવ થતું હોય, સાહિત્યિક સ્પર્ધા થતી હોય તો એમાં લાભ તો છેવટે સાહિત્યને જ છે.

લેખકો-કવિઓ જેમ સંગીતકારો, ગાયકો, એક્ટરો જેવા વિવિધ કલાકારોના શિંગડાં પરસ્પર ભટકાતાં જ રહેતાં હોય છે.

Top 10 real-life ugly fights between the Bollywood celebrities

આ બધા વિશે ક્યાંક વાંચવા સાંભળવા મળે તો એટલું જ જોવાનું કે એમાં સાહિત્યિક રીતે શું ફાયદો થાય છે, એ ઘર્ષણનું નવું શું સર્જાય છે? કવિતા, નવલકથા, વાર્તા, લેખ વગેરે…

કોઈ લેખક-કવિ સારી કૃતિ સર્જે અને તેની ઈર્ષાથી કોઈ અન્ય લેખક કવિ તેનાથી પણ વધારે સારી કૃતિ સર્જવા પ્રયત્ન કરે તો તે ઝઘડો સાહિત્યને ઉપકારક છે, પણ કોઈ સારું કામ કરતું હોય તે સારું કામ ન કરી શકે તેવા પ્રયાસો થવા લાગે ત્યારે સમજી જવું કે તે લેખક-કવિમાં હવે સર્જક નથી રહ્યો.

આવા ઝઘડા અમુક લોકો માટે મનોરંજન અને હાંસિપાત્ર ઘટનાથી વિશેષ કશું નથી નિપજાવતા. આજે પણ જો આવું કોઈ ઘર્ષણ જોવા મળે તો એટલું જ જોવાનું કે એમાંથી ક્રિએટિવ શું નીકળે છે, બાકી ઝઘડા તો જગતમાં થતા હતા, થાય છે અને થતા રહેશે. લોકો પણ એ જોઈને નવાઈ પામતા હતા, અને પામતા રહેશે.

***

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    આદિ અનાદિથી ચાલ્યા આવતા સાહિત્યકારોના ઝઘડામાંથી જે નીપજે છે એ વાચકોના હિતમાં જ હોય છે. કારણકે સતત આક્રોશ ભર્યો હોય છે, એટલે એમાં કેટલીકવાર શુદ્ધ ભાવ આવી જાય છે.

  2. ..અનિલભાઈ, ખૂબ સરસ રજુઆત.”…તો એટલું જ જોવાનું કે એમાંથી ક્રિએટિવ શું નીકળે છે, બાકી ઝઘડા તો જગતમાં થતા હતા, થાય છે અને થતા રહેશે. લોકો પણ એ જોઈને નવાઈ પામતા હતા, અને પામતા રહેશે.”
    સરયૂ પરીખ

  3. ઇર્ષા,તેજોદ્વેષ
    ,અસુરક્ષા,અપૂર્ણતા આ બધું જ માનવીય છે. તો સાહિત્ય સર્જક કે કોઈ પણ કલાકાર તેનાથી અલિપ્ત ન હોય. અનિલભાઈએ તો આજના કાળના ઉદાહરણ આપેલ છે. સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં પણ આ થયું છે. કાલિદાસ,દંડી,ભવભૂતિ વગેરેના અનેક પ્રસંગો મળે છે.