ચાર કાવ્યો – પન્ના ત્રિવેદી

ચાર કાવ્યો – પન્ના ત્રિવેદી

૧.  સોનબાઈ

તું કહેતી
એક વાર્તા – સોનબાઈની
રાતના અંધકારમાં
‘સોનબાઈ’ સાંભળતા જ સોનાના કપડાં પહેરેલી
ચાંદીના રંગની એક પૂતળી
આંખ સામે આવી જતી
સાત-સાત ભાઈઓ વચ્ચે એકની એક બેન – સોનબાઈ
પાણી માંગે ત્યાં દૂધ ધરાય
અત્તરના હોજમાં ન્હાય
સોનાની થાળીમાં ખાય
ફૂલોની પથારી પથરાય
માંગે તે આંખના પલકારે હાજર કરાય
રોજ એની હથેળીની નજર ઉતારાય
પછી તો
મા ને બાપ કાશીએ ગયા
ને ગયા સોનબાઈના ભાગે ય…
ભાભીએ ‘લાડ’ લડાવ્યા –
મહેણાં દીધાં
કામ દીધાં
ડામ દીધાં
લીધાં રાજપાટ ને દીધાં જંગલવાસ
મા ને બાપ તો કાશીએ ગયા
વનમાં સોનબાઈ એકલા….
* * *
મને ખબર નથી
સાત સાત ભાઈઓની લાડકવાયી સોનબાઈ
જંગલમાંથી ઘેર પાછી આવી કે નહીં
કાશીએ ગયેલા મા-બાપ પાછાં ફર્યા કે નહીં
જોકે
મારી સ્મૃતિવનમાં
સોનબાઈ ત્રીસ-ત્રીસ વર્ષથી વનમાં વલવલે છે
વાળ સફેદ થવા આવ્યા હશે
સફેદીનો રંગ ઉડી ગયો હશે
ચહેરો લીલોકચ્ચ દેખાતો હશે.
કદાચ જંગલ પી ગઈ હશે
લીલું લીલું જંગલ ભીતર પથરાયું હશે
કે પછી સોનબાઈ પોતે જ એક જંગલ બની ગઈ હશે ?
પણ
મને એ ખબર છે, કે, ક્યારેક
મા-બાઓ કાશીએ ન જાય તો ય
સોનબાઈનાં રાજપાટ ચાલ્યા જતા હોય છે
સોનબાઈ જંગલમાં ન જાય તો ય
આખા મહેલમાં સાવ એકલા રહી જતા હોય છે
પગે ઝાંઝર નહીં, નાળ પહેરાવાતી હોય છે
સોનબાઈ શૂળીની સેજ પર સૂતી હોય છે
મહેલના જંગલોમાં
સોનબાઈથી બાઈ સુધીની યાત્રા કરતાં કરતાં
સોનબાઈઓ પોતે જ મૂક વૃક્ષ બની જતી હોય છે !

૨.  ગોરસઆંબલીનાં બિયાં

તેણે કહેલું :
સાંજ આથમ્યે
ફળિયાને છેવાડે
પુરાઈ ગયેલાં કૂવામાં
ગોરસઆંબલીનો બિયો ફોલીને દાટીએ તો
એક બિયાના બદલે
એક રૂપિયાનો સિક્કો ઊગશે
પણ જો બિયાને જરા જેટલો ય નખ વાગ્યો તો બધું ફોક !
મેં
દિવસભર
ચૌદ રાતનું અજવાળું આંખમાં આંજીને
ફોલી નાંખ્યો એક બિયો
અને બીજા દિવસે
ઊગી નીકળ્યો હતો એક સિક્કો
તે આખી રાત
સિક્કાના ઝાડ ઊગતાં રહ્યાં
અવિરત….
મેં પૂછ્યું :
કાલે પણ ઊગશે સિક્કાના ઝાડ?
તેણે કહ્યું :
તે ભગવાનનો કૂવો છે
-એક જાદુઈ કૂવો !
ક્યારેક ભગવાન પણ બદલતાં રહે છે યોજનાઓ
કાલે સિક્કાના ઝાડ નહીં ઊગે
આજે જે કંઈ દાટીશ તે બમણું થઈને કાલે મળશે
અને
હું
ભૂલ ભૂલમાં
ગોરસઆંબલીના બિયાની સાથે
દાટી આવી મારા દુઃખનો એક ટુકડો
હવે
ઊગતાં રહે છે
વેદનાના લીલાછમ વૃક્ષો
જિંદગીની મરુભૂમિ પર
અવિરત…!

૩.  ખેતર

મારા દેહના ખેતરમાં
નાંખી ગયું છે કોઈ
રાતના બીજ
અંધારાના છોડ
હવે
ફૂટવા માંડ્યા છે
ભર ઉનાળે
કોઈ પાણી નહીં પાય તો ય
ઊગશે
ફૂલશે
ફાલશે
ફેલાશે
પ્રસરશે
તેના મૂળ
ઊંડે ઊંડે…
પણ
મને ખબર છે
તે છોડની ટોચે ઊગશે સૂર્ય
એક દિવસ  !

૪.  હું, ખેતર અને દરિયો

હું માછીમાર છું
અંધારાના દરિયા યુગોથી ફેંદતી રહી છું
કાળા કાળા એ દરિયામાં જાળ નાંખું છું
એ વિચારે કે
સોનેરી માછલીઓ ફસાઈ આવશે મારી જાળમાં
અને
મારી જાળમાં
ફસાઈ આવે છે આખો દરિયો…

હું ખેડૂત છું
અંધારાના ચાસના કણ કણને ઓળખું છું હું
અંધારામાં બીજ વાવું છું
સિંચું છું
લણું છું
કાપું છું
અને
મારા ખેતરમાં ઊગી નીકળે છે
અજવાશના ડુંડા…
કારણ કે હું સ્ત્રી છું
હું
છું…>>.

 

 

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

 1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક,) says:

  સુંદર કલ્પન. લખતાં રહો… અમો વાંચતાં રહીએ…

 2. 1) મહેલના જંગલોમાં
  સોનબાઈથી બાઈ સુધીની યાત્રા કરતાં કરતાં
  સોનબાઈઓ પોતે જ મૂક વૃક્ષ બની જતી હોય છે ! 2) ભૂલ ભૂલમાં
  ગોરસઆંબલીના બિયાની સાથે
  દાટી આવી મારા દુઃખનો એક ટુકડો
  હવે
  ઊગતાં રહે છે
  વેદનાના લીલાછમ વૃક્ષો
  જિંદગીની મરુભૂમિ પર
  અવિરત…!👍🏼✅❤