લવની લાહોર, તક્ષની તક્ષિલા ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 29) ~ પૂર્વી મોદી મલકાણ

લાહોરનાં બ્રિટિશ લાઈબ્રેરી ફોટોઝ

અગર, પંજાબ પ્રાંતની વાત કરું તો ભારત સ્થિત પંજાબ પ્રાંતમાં હું જઈ શકી નથી, પણ પાકિસ્તાન પંજાબનાં ઘણાં ખૂણાઓ હું જોઈ આવી, ફરી આવી, સમજી આવી. એમાંયે પાક પંજાબનાં જે પ્રાંતમાં હું વારંવાર ગઈ તે હતું લાહોર. આથી લાહોરને જાણવા સમજવાનો મને સૌથી વધુ મોકો મળ્યો.

લાહોર એ પાક પંજાબ પ્રાંતનું બીજા નંબરનું મોટું શહેર ગણાય, પણ પ્રાચીનતાની બાબતમાં આ શહેરનો ઇતિહાસ અતિ પ્રાચીન સમયથી શરૂ થાય છે.

ઇતિહાસ: ઇતિહાસનાં ઘણાં બધાં રૂપ હોય છે. આ સંસારમાં જે કશું છે અને જે કશું બન્યું છે તે સર્વે ઇતિહાસનાં જ પ્રકરણમાં જ સમાયા છે. આ બાબતમાં ચાહે ભૂમિ હોય, માનવ અને જીવ સંસ્કૃતિ હોય, રાજકારણ હોય કે સંસારનાં કોઈપણ તત્ત્વ હોય. સર્વસ્વ અને સર્વ પળો એ ઇતિહાસનાં જ ભાગરૂપ છે.

આજનાં વિષયનાં મથાળા પરથી જ કદાચ નામથી જ આપને ખ્યાલ આવી ગયો હશે કે; આપણે ઇતિહાસનાં ક્યા યુગમાં સફર કરવાનાં છીએ. ને કદાચ ખ્યાલ ન આવ્યો હોય તો કહી દઉં કે આજનાં ઇતિહાસની શરૂઆત આપણને રઘુવંશમાં લઈ જવાની છે. આમે ય આપણે સૌ બસ ઇતિહાસનાં યાત્રીઓ છીએ અને આપણે જેની સાથે લાહોરમાં ફરી રહ્યાં છીએ તે છે પાકિસ્તાનનાં ઈતિહાસકાર ગૂલ રશીદ સલમાન.

ગૂલ રશીદ સલમાનજીએ ઘણાં વર્ષો સરકારી નોકરીમાં કાઢ્યાં, ત્યાર પાકી આપે રિટાયર્ડ થઈ કોમર્શિયલ કંપનીમાં બીજી જોબ લીધેલી. આ જોબમાં જ કામ કરતાં આપનાં ધ્યાનમાં આવ્યું કે; આપમાં વાર્તા કહેવાની એક આવડત છે. સાથી મિત્રોનાં આગ્રહને કારણે આપે પોતાની આ આવડતને શોખમાં પરિવર્તિત કરી. આ કંપનીમાંથી જ્યારે બીજીવાર રિટાયર્ડશીપ લીધી ત્યારપછી આપે પાકિસ્તાનનાં ઐતિહાસિક સ્થળોમાં ફરવાનું અને ફોટોગ્રાફી કરવાનું ચાલું કર્યું.

આજે ગૂલ રશીદ સલમાન પાકિસ્તાનનાં એક જાણીતા ટ્રાવેલર લેખક છે. જેમની સાથે મારો પરિચય અનાયાસે થયેલો પણ ઇતિહાસ અને લખવાનાં શોખને કારણે અમે મિત્રો બન્યાં. આ મિત્રતાને કારણે આજનાં લાહોરને સમજવામાં મને ઘણી જ મદદ મળી.

તો ચાલો નીકળી પાડીએ તેમની સાથે આ અદ્ભુત નગરનાં ઇતિહાસનાં વિવિધ આટાપાટા પર ફરીએ અને જે તે સમયને સૂંઘીએ.  

આજની વાર્તા શરૂ થાય છે વાલ્મીકિ મુનિનાં આશ્રમથી.

પૃથ્વીમાં સમાઈ રહેલાં જનક દુલારી સિયાએ લવકુશને કહ્યું, યુવાન થાવ ત્યાં સુધી તમારા પિતા સાથે રહો. સિયાની આ વાતનું ધ્યાન રાખી લવકુશ યુવાની સુધી પોતાનાં પિતરાઇ ભાઈઓ સાથે અયોધ્યાનાં મહેલમાં રહ્યાં અને પછી એક દિવસ અવધપતિ શ્રી રામને કહ્યું કે; અમારી માતાની આજ્ઞા મુજબ અમે યુવાન થયાં ત્યાં સુધી અહીં રહ્યાં છીએ હવે અમને અવધ છોડીને જવું છે.

શ્રી રામે કહ્યું કે આ રાજગાદીનું ધ્યાન આપે રાખવાનું છે માટે અહીં જ રહો, પણ લવકુશ પોતાની વાત પર મક્કમ રહ્યાં. લવકુશની આ વાત જ્યારે જનકપુર ગઈ ત્યારે તેઓએ કહ્યું કે; આપ અહીં આવીને રહો. પણ લવકુશે કહ્યું કે, ત્યાં અમારી માતાની યાદો રહેલી છે માટે અમારી ત્યાં આવવાની ઈચ્છા નથી.

લવકુશની આ વાત પર કૈકય નરેશ અશ્વપતિએ થોડા દિવસ મનફેરની આશાએ કૈકય દેશ બોલાવ્યાં. બંને ભાઈઓ ત્યાં ગયા અને પછી તેઓ અવધ પરત ફરવાની નાં કહેતાં કૈકય નરેશે પોતાના ભાગની ભૂમિનો એક ટુકડો લવકુશને આપ્યો અને કહ્યું; આ પ્રાંત કૈકય અને અવધની મધ્યમાં છે માટે આપ અહીં નગરી વસાવો. જે મુજબ આ મધ્યભૂમિ પર લવ-કુશે જે નગરી વસાવી તે લવપુરી તરીકે ઓળખાઈ.

અહીં આ નગરીમાં બંને ભાઈઓ સાથે રહ્યાં, જ્યારે કુશનાં સંતાનો મોટા થયાં ત્યારે આ નગરીથી દૂર બીજી એક નગરી વસાવવામાં આવી જેનું નામ કુશનાં પુત્ર “તક્ષ” ઉપરથી રાખવામાં આવ્યું. “લવપુરી નગરી પાછળથી લાહોર તરીકે ઓળખાઈ અને તક્ષની નગરી તક્ષશિલા અને તક્ષિલા તરીકે ઓળખાઈ.”

એક તરફ જ્યાં ભારતીય ઇતિહાસકારો કુશનાં પુત્રનું નામ તક્ષ બતાવી રહ્યાં છે ત્યાં ગૂલ રશીદજીને મતે તક્ષ એ રઘુવંશનંદન ભરતજીનો પુત્ર હતો. ભરતજીને ત્યાં પણ પુષ્ય અને તક્ષ નામનાં બે પુત્ર થયેલાં જેમાંથી પુષ્યએ પેશાવર અને તક્ષે તક્ષિલા નગરી વસાવી.

  • સીતાપુત્ર લવનું મંદિર જે આજે લોહ મંદિર તરીકે પ્રખ્યાત છે, આ મંદિરને શાહી મસ્જિદની મધ્યમાં ચણી લેવામાં આવ્યું છે.
  • અમે જ્યારે અહીં પહોંચ્યાં ત્યારે પુરાતત્ત્વ વિભાગ કામ કરી રહ્યો હતો.

રાવી, જેલમ અને ચિનાબ એમ ત્રણ નદીઓને ત્રિકોણે વસેલ આ લાહોર શહેરનો પાયો ભલે રઘુવંશનંદન લવકુશે મૂક્યો હોય પણ તે પ્રખ્યાત થયું આ તક્ષશિલા વિદ્યાપીઠ – નગરીને કારણે.

અખંડ ભારતનાં સિંધ પ્રાંતમાં આવેલ આ જ તક્ષશિલા-તક્ષિલા નગરીમાં લવપુરી, લાવા, લાવાપુરી લાબોર એમ વિવિધ નામમાં અપભ્રંશ થયેલું લાહોર જાણે તક્ષશિલા – તક્ષિલા વિદ્યાપીઠનો, બૌધ્ધ ધર્મનો અને બૌધ્ધ વિદ્યાપીઠનો જ એક ભાગ હોય તેમ ભળી ગયેલું. પણ અધિકારની વાત કરવામાં આવે તો બૌધ્ધો સિવાય આ નગર પર હિન્દુઓ, હિન્દુ રાજપૂતો, હિન્દુ મરાઠાઓ, ગ્રીક્સ, અફઘાન, મુઘલ્સ, ઈરાની મુસ્લિમ્સ, ભાટી શીખ, સરદાર શીખ અને અંગ્રેજોનું રાજ્ય રહ્યું છે.

રશિયન ઈતિહાસકાર વ્લાદિમીર ફેડોરોવિચ મિનોર્સ્કીએ નોંધ કરી છે કે; લાહોર વિશેનો સૌથી જૂનો અધિકૃત દસ્તાવેજ ૯૮૨ માં લખાયો હતો, જેને “હુદુદ-એ-આલમ” કહેવામાં આવે છે.

આ દસ્તાવેજમાં લાહોરને “પ્રભાવશાળી મંદિરો, મોટા બજારો, વિશાળ બગીચાઓ, રાજપૂતી હવેલીઓ”નાં શહેર તરીકે ઓળખેલ છે. પણ ગ્રીક ઇતિહાસકાર પ્લુટાર્ચે (Plutarch) નોંધ્યું છે કે; તક્ષશિલા નગરીનાં નામ હેઠળ દબાયેલ લાહોર એક સમયે જૈન ધર્મસંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હોઈ અહીં ઘણાં જ જૈન મંદિરો હતાં. લગભગ સત્તરમી સદીનાં ઉત્તરાર્ધ સુધી અહીં આ દિગંબર જૈન લોકોનું અહીં ઘણું જ પ્રભુત્ત્વ હતું.

અમે જ્યારે આ શહેરની ગલીઓમાં ભટકી રહ્યાં હતાં ત્યારે અમને જણાવવામાં આવ્યું કે જ્યારે રાજા અશોકે આ પ્રાંત પર શાસન કર્યું ત્યારે તેણે વ્યવસાયના આધારે વિવિધ સમુદાયો બનાવ્યાં. તે વખતે તેણે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા હોય તેવા સરદારોને એકત્રિત કરી ક્ષત્રિય જાતિમાં વિભાજિત કર્યા અને રાજા લવનાં વંશજો સાથે મેળવી જે નવી જાતિ ઊભી કરી તે પાછળથી લુવાનમ, લુવાના, લોહાણા તરીકે પ્રખ્યાત થઈ.

ચીની યાત્રી ફાહિયાન ત્રીજી-ચોથી  સદીમાં અહીં આવ્યો ત્યારે તેણે કહ્યું કે; બહાદુર યોદ્ધાઓની જાતિનાં લુવાહન એ સિંધ – બલૂચિસ્તાનનાં (આજનાં પાકિસ્તાનનાં) મધ્ય ભાગથી લઈ અફઘાનિસ્તાન અને તેનાથી આગળનાં મધ્ય એશિયાનાં ભાગ સુધી વિસ્તરેલાં હતાં.  

પ્રથમ મુસ્લિમ વિજયોનો સમયગાળો જ્યારે ભારતમાં ચાલી રહ્યો હતો, તે વખતે હિન્દુરાજા પૃથ્વીરાજ ચૌહાણે આ નગર ઉપર પોતાનો કબ્જો જમાવ્યો હતો.

પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે દિલ્હી પાછો ફર્યો ત્યારે તેનાં થકી રાજા જયપાલે લાહોરથી પેશાવર સુધી રાજ્ય કર્યું. પેશાવરમાં જયપાલની હાર જ્યારે ગઝની સાથે થઈ પછી લાહોર સુધીનો વિસ્તાર ખુલ્લો પડી ગયો.

ગઝનીએ લાહોર ઉપર કબ્જો જમાવી આખા નગરને બાળી નાખ્યું. લાહોરના પ્રથમ મુસ્લિમ શાસક તરીકે, અયાઝે શહેરનું પુનઃનિર્માણ કર્યું અને ફરી વસાવ્યું તે દરમ્યાન તેણે દિલ્હી તરફની દિશામાં દિલ્હી દરવાજા બનાવ્યો. અયાઝના શાસન હેઠળ, આ શહેર એક સાંસ્કૃતિક, શૈક્ષણિક અને શાયરાના કેન્દ્ર બન્યું.

રહી અંતે હિન્દુઓની વાત – તો રઘુવંશ પછી છેક બીજી સદીથી લાહોરમાં હિન્દુ વસાહત વધી હતી…. અને પછી તેનું પ્રભુત્ત્વ પણ. આથી જ બીજી સદીથી લઈ દસમી સદી સુધી લાહોરથી પેશાવર સુધી હિન્દુ રાજાઓનું સામ્રાજ્ય રહ્યું હતું.

લાહોરમાં ફરતાં અમે જાણ્યું કે; આજે જે જૂનું લાહોર ગણાય છે તે વિસ્તાર એક સમયે હિન્દુઓનો ગણાતો હતો. આ હિન્દુઓનું જોર અહીંથી ઓછું કરવા ઔરંગઝેબે અહીંનાં હિન્દુ મંદિરોને મસ્જિદમાં પરિવર્તિત કર્યા અને પોતાનાં સૈનિકોનાં એક દલને અહીં વસાવ્યું.

૧૮મી સદીનાં પૂર્વાર્ધમાં અહીં રહેલ હિન્દુ અને મુસ્લિમ્સ વચ્ચે ખૂબ લડાઇઓ થતી જેને પરિણામે અહીં રહેતાં હિન્દુઓ અહીંથી નીકળી લાહોરનાં બીજા ભાગોમાં અને ભારત તરફની દિશા તરફ વસી ગયાં.

૧૯૨૦-૨૧ની આસપાસ દેશ વિભાજનનાં ડાકલા વાગવા શરૂ થયાં ત્યારે પેશાવરથી આવતાં હિન્દુઓ અને ભારત તરફનાં લાહોરમાં રહેતાં મોટાભાગનાં હિન્દુઓએ સિંધની ભૂમિ છોડી ભારતની ભૂમિ પર કદમ મૂક્યાં.

અમે જેની સાથે લાહોરમાં ફરી રહ્યાં હતાં તે પાક લેખક ગૂલ રશીદજીનું કહેવું હતું કે; ૧૯૨૦-૨૧ નો ગાળો એ ભારતીય ફિલ્મયુગનો સમય હતો આ સમયથી ભારતમાં જે રીતે સ્ત્રીઓને ફિલ્મીલાઇનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતી હતી તેનાં ઉપરથી કેવળ હિન્દુઓ જ નહીં, બલ્કે ઘણાં તે સમયનાં મોર્ડન મુસ્લિમ પરિવારોએ પણ ભારત તરફ માઈગ્રેટ કરેલું.

જોવાની વાત એ છે કે; ત્યારથી લઈ લગભગ ૧૯૮૦ સુધી પાકિસ્તાનમાં સ્ત્રીઓ ફિલ્મોમાં કામ કરે તે સારું ન ગણાતું હોઈ પાક જનાનીઓ પાકિસ્તાનની રૂઢિવાદી સોચની અંદર બેસાડી રાખવામાં આવેલી. જ્યારે આ જ સમયગાળામાં ભારતમાં રહેલ મુસ્લિમ જનાનીઓનો ઘણો જ વિકાસ થયો.   

અમે જ્યારે રશીદજી સાથે જૂના લાહોરની ગલીઓ ખૂંદી રહ્યાં હતાં ત્યારે અમને ઘણી હિન્દુ હવેલીઓનાં અવશેષો અને જૈન સ્થાપત્ય તો દેખાયાં, પણ મોટાભાગનાં અવશેષોને મુસ્લિમ સ્થાપત્યમાં કન્વર્ટ કરી નાખવામાં આવેલાં હતાં અથવા તો મુસ્લિમ્સ સ્થાપત્યની અંદર ઢાંકી દેવામાં આવ્યાં હતાં. ચાહે તેમાં લવ મહારાજનું મંદિર હોય કે દેરાસર હોય કે, CE માં બનેલાં હિન્દુ મંદિરો હોય.

પાકિસ્તાનીઓને મતે આ સમસ્ત હિન્દુ નિશાનીઓ એ કાફિરની નિશાની હોય તેમણે આપણાં શિલ્પ સ્ત્થાપત્યને કોઈ જ તવજ્જુ આપેલું નથી તે એક મોટી બાબત છે.

© પૂર્વી મોદી મલકાણ ( યુ.એસ.એ )
purvimalkan@yahoo.com

 

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. પરથીભાઈ ચૌધરી,'રાજ '( બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    અકલ્પનીય માહિતી.