ગાળની ભાળ ~ કટાર: બિલોરી (૪) ~ ભાવેશ ભટ્ટ
પૃથ્વી ગ્રહ ઉપર ગાળની જન્મતારીખ વિશે શોધખોળ કરતા જાણ થઈ કે કોઈ સૂત્રો સચોટ માહિતી નથી આપી શક્યા. તેથી સચોટ ધારણાઓનો સહારો લેવો પડ્યો છે.
જો પૃથ્વી ઉપર કોઈ જીવની ઉત્પત્તિ પહેલા ગાળ બોલાઈ હશે તો શક્ય છે કે જ્યારે પહેલો સિતારો અકાશેથી ખરીને નીચે પટકાયો હોય ત્યારે એના મોઢેથી પહેલી ગાળ નીકળી હોય!!!!
પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ પછી જો પહેલી ગાળ બોલાઈ હશે તો શક્ય છે કે કોઈ ડાયનાસોરે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું હોય અને એના મોઢેથી પહેલી ગાળ નીકળી હોય!
પૃથ્વી ઉપર જો માનવની ઉત્પત્તિ પછી જો પહેલી ગાળ બોલાઈ હોય, તો શક્ય છે કે સફરજન ખાવાના ગુના હેઠળ સ્વર્ગમાંથી અપમાન કરીને નીચે ધકેલ્યો’તો ત્યારે આદમના મોઢેથી પહેલી ગાળ નીકળી હોય!
ગાળ વિશે એવી એવી અને એટલી એટલી વાતો થઈ છે કે મોઢામાંથી ગાળ નીકળી જાય. એને વખોડવાથી લઈને એને જસ્ટિફાઈ કરવા સુધી ઘણા ભેજાઓએ મહેનત કરી છે. એને ગુસ્સો, અપમાન, અસંસ્કારિકતા, અસહિષ્ણુતાથી લઈને પ્રેમ, વહાલ, લાડ અને આત્મવિશ્વાસ સુધીના સ્વરૂપથી એને નવાજવામાં આવી છે.
એને યોગ્ય અને અયોગ્ય બંનેનું સર્ટિફિકેટ લોકો આપતા રહે છે. એનું સમર્થન કરવાવાળા (બોલવવાળા)ની સંખ્યા વિરોધ કરવાવાળાથી (નહીં બોલનારા) અનેક ગણી છે.
ક્યારેક તો એનો વ્યાપ જોઈને લાગી શકે કે આવતી કાલે કોઈ મોટીવેશનલ સ્પીકર આત્મવિશ્વાસ વધારવા માટે કોઈ મંત્ર જેમ ગાળ ગણગણવાનું પણ કહી શકે છે.
કોઈ ડોકટર હાઈ બ્લડ પ્રેશરના દર્દીને પ્રિસ્ક્રીપશનમાં ત્રણ ચાર ટાઈમ ગાળ બોલવાનું પણ કહી શકે છે. ગાળનું સમાજમાં સ્થાન કોઈ તવાયફ જેવું છે. એને ન બોલનારો એને નફરત કરે છે અને ગાળ બોલનારો પણ એને ‘ગાળ’ સમજીને જ બોલે છે.
તો જરા ઝીણવટથી જોઈએ સમજીએ કે ગાળ શું છે? તો પહેલા એના પ્રકારોમાં જવું પડે. આમ તો આ કોઈ મૌલિક વાત કે ગુપ્ત માહિતી નથી. સૌ જાણે જ છે છતાં અહીં સાતત્ય જાળવવા એની વિગત જોઈએ.
ગાળ અતિ કોમળથી લઈને અતિ કઠોર સુધીની હોય છે. જો શરૂઆતથી જોઈએ તો પ્રાણીઓના નામની ગાળ એટલે કે કોઈ માણસને પ્રાણીના નામથી સંબોધવો એ હળવી ભૂલ, વાંક, વાંધા માટે વપરાતો હળવો આક્રોશ છે. જેમાં ગુસ્સા કરતા વ્હાલની માત્રા વધારે હોય છે.
એ પછી શરીરના ગુપ્ત અંગોની ઉપમા આપીને ગાળ બોલાય છે. જેમાં રમૂજ, ગુસ્સો અને નફરત વગેરે કોઈ પણ લાગણીઓ હોઈ શકે છે. જેથી મજાક, બોલાચાલી કે મારઝૂડ સુધીની ઘટનાઓ ઘટી શકે છે.
છેલ્લે જેને અસહ્ય, ભયંકર, અમાનવીય, અને માનવજાતનું કલંક કહી શકાય, એ છે સ્વજનોના શારીરિક અંગો, અને તેમની સાથે શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા ધરાવતી ગાળો. આવી ગાળોના કેન્દ્રમાં મોટે ભાગે ગાળ ખાનારને સંબંધિત કોઈ સ્ત્રી પાત્ર રહેલું હોય છે. આવી ગાળો ગુનાહિત કૃત્યોમાં પણ અગત્યનો ફાળો ભજવતી હોય છે.
આપણા દેશમાં કહેવાતા ઈન્ટલેક્ચ્યુઅલ, લિબરલ, સેક્યુલર, લેફ્ટીસ્ટ વગેરે લોકો આડકતરી રીતે એવો માહોલ બનાવવા માગે છે કે આ ગાળો અને એમાંય સ્ત્રીલક્ષી ગાળો કેવળ ભારત દેશમાં જ બોલાય છે. તો એ વાત સદંતર ખોટી છે આવી ગાળો આખી દુનિયામાં બોલાય છે.
કેટલાક ફેમિનિસ્ટ સ્ત્રીલક્ષી ગાળને પુરુષપ્રધાન સમાજની ઓળખ અને જરૂરિયાત માને છે. બે પુરુષો એકબીજાને સ્ત્રીલક્ષી ગાળો બોલીને સ્ત્રીને જ અપમાનિત કરે છે પોતાને નહીં! એવું માનવાવાળાએ થોડું તટસ્થ ચિંતન કરવાની જરૂર છે.
સ્ત્રીલક્ષી ગાળ આમ તો પુરુષ માટે પોતાને સંબંધિત સ્ત્રીનું મૂલ્ય ઉચ્ચ સ્થાનનું છે એ સાબિત કરે છે. કેમ કે એ સ્ત્રીને લગતી ગાળ એનાથી સહન નથી થઈ શકતી એટલે તો બોલવામાં આવે છે.
પુરુષને પોતાને સંબંધિત બીજા પુરુષની ગાળથી એટલો ફરક નથી પડતો જેટલો એને સ્ત્રી સંબંધિત ગાળથી પડે છે. હા, બોલવાવાળો બેપરવાહીથી એટલે બોલે છે કે એ સ્ત્રી એના માટે પારકી છે. પણ પારકાપણું અને અસંવેદનશીલતા માટે તો માણસજાત પહેલેથી અવ્વલ નંબર પર છે. તો પછી ગાળ બાબત તો બહુ સાધારણ છે. એટલે એ મુદ્દો અહીં અસ્થાને છે.
મૂળમાં ગાળની અનિવાર્યતા એટલી થઈ ગઈ છે કે એનો ઉપયોગ દર ત્રીજો માણસ કરતો જોવા મળે છે. બસ એમની રીત અને હેતુ જુદા હોય છે.
એકબીજાને ઉશ્કેરવા કે ગુસ્સો ઠાલવવા બોલાય ત્યાં સુધી તો ઠીક છે પણ કોઈ આળસ ખાવાય ગાળ બોલે છે તો કોઈ અકસ્માતમાંય બોલે છે.
દીવાર ફિલ્મમાં પરવીન બાબી જેમ દારૂ પીવાના કારણો આપે છે એ ગાળ માટે ય લાગુ પડે છે, જેમ કે…
કોઈ નવરાશના લીધે તો કોઈ વ્યસ્તતાના કારણેય બોલે છે… કોઈ બહુ ખુશ થાય તોય બોલે છે અને કોઈ દુઃખ આવે તોય બોલે છે… કોઈ કોઈ પ્રસિદ્ધ લોકો તો એમના ભાવકો અને ચાહકો સામે એટલા માટે ગાળો બોલે છે કે એનાથી એ કેટલા આત્મીય અને ડાઉન ટૂ અર્થ છે એ સાબિત કરવા માગે છે. લોકોને લાગે કે આટલા નામાંકિત હોવા છતાંયે આપણી જેમ જ વાતો કરે છે.
આપના મનમાં પણ આ વાંચતા આવા અમુક દ્રશ્યો દેખાયા હશે. છેલ્લે જો વાત કરીએ તો શરૂઆતમાં ગાળના જન્મ અને પછી વર્તમાનની વાત કરી એમ એનું ભવિષ્ય પણ સુરક્ષિત લાગે છે.
કેમ કે જ્યાં સુધી પૃથ્વી ઉપર માણસ જાતનું અસ્તિત્વ છે ત્યાં સુધી એનો વાળ જો વાંકો પણ થશે તો આ ગાળપ્રિય માણસ તરત સરખો કરી દેશે.
કેમ કે આખરે તો ‘માણસ’ પણ ઈશ્વરે બોલેલી એક ‘ગાળ’ જ છે ને !
(અહીં મનમાં અને ઈશારાથી ગાળો બોલનારાઓ વિશે કોઈ અલગથી વાત એટલે નથી કરી કેમ કે તેઓ પણ મોઢેથી ગાળ તો બોલતા જ હોય છે.) એટલે તેમને આ જ સૂચિમાં ગણવામાં આવ્યા છે.
આ લખનાર પણ ગાળ બોલવાની કુટેવ/પાપનો શિકાર છે, પણ મનમાં એ પણ આને એક ખરાબ વ્યસન અને દુષણ માની અરસાથી છૂટવાની રાહમાં છે)
***
અમારા પરિવારોમાં અપશબ્દ બોલવા સામે કડક ચાંપતો રાખવામાં આવેલો. ગાળ બોલવાથી શું ફાયદો મેળવી શકાય છે? ગાળ કલુષિત મનનું પ્રમાણ દેખાડે છે. ચલચિત્રો કે નવલકથામાં પણ અસહ્ય અપશબ્દો. ખેર, જેની જેવી કક્ષા.
મધુરમ ઘી પતે અખિલમ મધુરમ.
આ વિષય પર લેખ માટે ધન્યવાદ.
સરયૂ પરીખ.