આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૪ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ
પત્ર નં-૪
પ્રિય દેવી,
આ પત્રમાં તેં સરસ વિષય ખોલ્યો. કેટલા દિવસથી વિચારતી હતી કે, નાનપણમાં જે કંઈ વાંચતાં, તેનો સાચો અર્થ તો હવે સમજાય છે. કારણ કે તે, જીવનમાં અત્યારે અનુભવાય છે.
ગયા વર્ષે ઘણી વિપરીત પરિસ્થિતિઓમાંથી પસાર થઈ. ક્યાં શું બાંધછોડ કરવી અને ક્યાં કોને, કેવી રીતે સંભાળી લેવા તે પ્રશ્ન હતો. શરદબાબુ, ટાગોર અને કેટલાંયે બંગાળી લેખકોને વર્ષો પહેલાં વાંચ્યા હતા. પણ ક્યારેક જાણે એમ લાગે કે, એમાંનું કશુંયે વ્યવહારિક રીતે કામ લાગતું નથી.


…પણ એવું નથી. જ્યારે મૂંઝવણો, મથામણો અને અથડામણોમાંથી બહાર આવી ત્યારે સમજાયું કે ઓહ, અજાણપણે એમના જ સહારે તો હું સાગર પાર કરી શકી!
મનના ઊંડાણમાં રોપાઈ ચૂકેલાં સારા બીજ, ખરે વખતે સાચાં ફળ બની સારું અને તંદુરસ્ત જીવન જીવાડે છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કનૈયાના અધરે સ્થાન પામતા પહેલાં, વાંસળીને કેટલીવાર વીંધાવું પડ્યું હશે?
ચાલ, હવે એ વિષે વધુ વિચાર્યા વગર થોડાં હળવા થઈએ.
મને હાસ્યલેખો પણ વાંચવા ગમે. તને યાદ છે “હું શાણી ને શકરાભાઈ’ વાળા મધુભાઇ (મધુસુદન પારેખ) આપણને કોલેજમાં ગુજરાતી ભણાવતા?

કેટલી હળવાશથી કેવા સરસ લેક્ચર આપતા! ક્યારે પીરીયડ પૂરો થઈ ઘંટ વાગી જતો તે ખબર જ ન પડતી. જિંદગીના નવમા દાયકામાં છે પણ હજી આજે પણ પુસ્તકો વાંચે છે અને પોતે લખે પણ છે.
યશવંતભાઈની અસ્ખલિત વાણી ઘણીવાર યાદ આવી જાય. ‘ચિત્રાંગદા’ પર પ્રવચન આપે તો જાણે મંત્રમુગ્ધ થઈ બસ, સાંભળ્યા જ કરીએ. તેમના અતિશય સાહજિક રીતે બોલાતાં વાક્યો ય જાણે હીરા-મોતીના ઢગલા થઈ મનના તોરણે શોભી ઉઠે અને નગીનકાકા… ઓહ…બોખા મ્હોંથી અવાજ વગરનો ખડખડ હસતો નિર્દંશ ચહેરો! ટાગોર અને ઘણાં બંગાળી લેખકોના તેમના અનુવાદોને તો સો સો સલામ. સાહિત્ય જગતમાં આજે તેમનું નામ ગર્વથી લેવાય છે.

દેવી, યુ.કે.માં આવ્યે ૪૦-૪૫ વર્ષ વીતી ગયાં. ભારતથી નીકળી ત્યારે તો ‘પંખ હૈ કોમલ, આંખ હૈ ધૂંધલી, જાના હૈ સાગર પાર’ની મનોદશા સાથે ઉડ્ડયન આદર્યું હતું.
આજે વિચારું છું કે, કેટકેટલું જોયું, અવનવું જાણ્યું, અનુભવ્યું. બધું જ સારું ખોટું, સાચી રીતે તટસ્થ દૃષ્ટિએ સમાજ સામે ધરવું છે.
ધર્મની સંકુચિતતાઓને લીધે સર્જાતી સમસ્યા અને હકીકતે તો પરસ્પર એકબીજાને જોડતો ધર્મ કેવી રીતે માનવને માનવથી દૂર લઈ જાય છે એની થોડી વાતો, વાર્તાસ્વરૂપે વ્યક્ત કરી છે તેને અહીં પણ દોહરાવવી છે. તો સાથે સાથે અહીંના લોકો (બ્રિટીશ લોકોની) સાથે અનુવાદક તરીકે કામ કરતાં કરતાં જોવા મળેલી કેટલીક ઉજળી બાજુઓને પણ નવાજવી છે.
પશ્ચિમી દેશોની થોડા સમય માટે મુલાકાત લઈને ઘણું લખાયું છે. પણ ખરેખર ગોરા લોકો સાથે વર્ષો સુધી જીવ્યા પછી કદાચ ખૂબ ઓછું લખાયું છે તેમ મને લાગે છે.
આપણા દેશથી તદ્દન જુદા વાતાવરણ અને રીતરિવાજો વચ્ચે ઘણી અથડામણો અને સંઘર્ષ મને નડ્યાં છે. પણ જરા ઊંડાણથી વિચારતાં સમજાયું છે કે દરેક દેશની પરંપરા કે જીવન જીવવાની રીત, એ દેશની આબોહવા, ભૌગોલિક સ્થિતિ અને જૂના ઈતિહાસ પર આધારિત હોય છે. આપણે જ સંસ્કારી અને બીજાં અસંસ્કારી એમ માનવાને બદલે બીજાં ભિન્ન છે, આપણાથી જુદા છે તેમ કહેવું વધારે સાચું છે.
આંખ ખુલે ને સવાર પડે ત્યારથી માંડીને સૂવા સુધીની દિનચર્યા, દરેક પ્રક્રિયા, રહેણીકરણી બધું જ અલગ. બાકી સારું ખોટું બધે જ છે, બધાંમાં છે અને છતાં જાણેઅજાણે માનવી એકબીજાં પાસેથી સતત શીખતો જ રહે છે. આનું પૃથ્થક્કરણ એક ખૂબ રસનો વિષય છે.
ક્રમે ક્રમે તને લખતી રહીશ. એ જ રીતે તારા અમેરિકાના અનુભવોને પણ માણતી રહીશ. હવે જીવનની મુખ્ય જવાબદારીઓમાંથી મુકત થવાથી સમયની મોકળાશ આ કામ જરૂર આનંદ અપાવશે. આ લખું છું ત્યારે મને ગમતી, તારી લખેલી પેલી પંક્તિઓ યાદ આવે છે.
અહો ક્યાં અચાનક મને હું મળી ગઈ.
હતી જે ખરી તે જગે હું જડી ગઈ.
સમયના બે કાંટા સતત ફર્યા પણ,
ફરીને સમયના અક્ષરો કળી ગઈ.
કલમની કમાલે ધરી હામ સાચી,
કહું? આ છે પૂજા, શિવે હું મળી ગઈ.
ચાલ, આવતા શનિવારે રાહ જોઈશ અને હું પણ પ્રસંગોથી ભરપૂર વાતો લઈને આવીશ.
નીનાની સ્નેહ યાદ
જાન્યુ.૨૩,૨૦૧૬
તમારી વાતો સાંભળવા આતુર છીએ…