વાર્તા: ‘કે પછી એ ક્યાંક અહીં જ છે…’ ~ રાજુલ કૌશિક
“Hey Come on Maulik, Let’s celebrate your achievement.”
અનુનો અત્યંત ઉત્સાહથી ભરપૂર અવાજ સાંભળીને હું સાચે જ ખૂબ ખુશ થઈ ગયો. છેલ્લા કેટલાય દિવસથી મારું મન સતત સ્ટ્રેસ અનુભવી રહ્યું હતું.
“કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટની પોસ્ટ માટેના બે એલિજિબલ કૅંડિડેટ્સમાં એક નામ તારું પણ છે. બોર્ડ મીટિંગ પછી કોણ સિલેક્ટ થયું છે એ ડિક્લેર થશે. બેસ્ટ લક.” ચાર દિવસ પહેલાં જ સુનિત મને કહેતો હતો.
આ કંપની સાથે જોડાયા પછી છેલ્લા સાત વર્ષની મારી કેરિયરમાં સતત દર વર્ષે બેસ્ટ પરફોર્મન્સનો ઍવોર્ડ મળતો એની ખુશાલી હું અને અનુ અમારી રીતે ઉજવતાં.હું અને અનુ કે પછી અનુ અને હું? કે પછી એકમેકમાં અમે બંને?
લગ્નનાં એકવીસમાં વર્ષે પણ અમારામાં, અમારાં પ્રેમમાં લગ્નના પહેલા દિવસ જેવી જ તાજગી હતી. અનુને ઝાઝા મિત્રો નહોતા. અને હું તો ટોળાંનો માણસ. તાલી મિત્ર હજાર જેવી અનેક લોકો સાથે મારે મિત્રતા હતી પણ ખરી. જો કે લગ્ન પછી મિત્રતાનો પરિઘ એક કેન્દ્રમાં સમાવી લીધો હતો.
વાઇસ પ્રેસિડન્ટની પોસ્ટ માટે સિલેક્ટ થવું એ માત્ર મારા પ્રયાસો જ નહીં, અનુના વિશ્વાસનો પણ વિજય હતો. એ વિજય ઉજવવાની હોંશ મારા કરતા અનુને વધુ હશે એ હું એના અવાજના રણકા પરથીય પારખી શક્યો.
સવારે ઑફિસે જવા નીકળ્યો ત્યારે અનુએ હળવું આલિંગન આપીને મને ગુડ લક વિશ કર્યું હતું. જાણે રણાંગણમાં જતા યોદ્ધાને એની સહધર્મચારિણી કવચ પહેરાવીને, વિજયી ભવઃનું તિલક કરતી હોય એમ જ…
આજે ઑફિસના મીટિંગરૂમમાં બોર્ડ ઑફ ડાઇરેક્ટર્સ સાથે લંચબ્રેક સમયે નિર્ણય જાહેર થવાનો હતો. પણ, ઑફિસે પહોંચ્યા પછી તો લંચબ્રેક સુધી કામમાં ગળાબૂડ વ્યસ્ત થઈ ગયો અને વાઇસ પ્રેસિડન્ટની નિમણૂંકની મીટિંગની વાત જ વિસરી ગયો.
“એ હેલ્લો… ચલો..ભાઈ ચલો..અભી આપ કી પદવી બઢી નહીં હૈ કી ઈતના વ્યસ્ત હો ગયે. જબ પદવી બઢેગી તો આપ કો મિલને કે લિયે હમે ભી અપોઇન્ટમેન્ટ લેની પડેગી પર, તબ તક તો હમ સે મિલા કરો યાર..” સુનિત એના હંમેશના રણકતા અવાજે બોલાવવા આવ્યો ત્યારે હું સફાળો જાગ્યો.
અને એ જ ક્ષણે મોબાઇલમાં અનુના ફોટા સાથે ‘વિશિંગ યુ બેસ્ટ લક.’ નો મેસેજ ફ્લેશ થયો.
‘થેન્ક્સ એન્ડ લવ યુ’નું ઇમોજી સેન્ડ કરીને ટાયની નૉટ ચેક કરી. હાથથી જ વાળ સરખા કરીને કૅબિનની બહાર નીકળ્યો.
“તારો આછા બદામી રંગનો ચહેરો, ડાર્ક બ્રાઉન આંખો, એની સાથે આ લાઇટ ક્રીમ શર્ટ અને ડાર્ક બ્રાઉન પેન્ટનું કોમ્બિનેશન મને બહુ ગમે છે. સાથે આવી લાઇટ-ડાર્ક સ્ટ્રાઇપ્સવાળી ટાય તો તારી ઇમેજ બદલી નાખે છે, ખબર છે ને તને મૌલિક?” મીટિંગમાં શું પહેરવું એ નક્કી કરતી વખતે સવારે અનુ બોલી હતી.
અનુ હંમેશાં મને ફોર્મલ કપડાંમાં જોવાનું વધુ પસંદ કરતી.
“ઠીક છે ભાઈ, ક્યારેક ગરમીમાં શોર્ટ્સ, તારું આ પાતળું ટ્રાઉઝર કે હાફ સ્લીવ ટી-શર્ટ ચાલે પણ, પબ્લિકલી તમારી જાતને પ્રેઝન્ટ કરવાની હોય ત્યારે ફોર્મલ ડ્રેસથી પર્સનાલિટી વધુ શાર્પ બને, ખબર છે ને તને મૌલિક?”
“આ ખબર છે ને’ એ અનુની તકિયા કલામ. મને ખબર છે કે નહીં એની ખાતરી કરી લેવાનું એ ક્યારેય ન ચૂકતી.
“ટાયની નૉટ ચેક કરી?” વળી મોબાઇલમાં અનુનો મેસેજ ફ્લેશ થયો..
અનુને મળ્યા પછી કોઈ ક્ષણ એવી હતી કે જ્યાં એની હાજરી ન હોય!
જીવનમાંથી જીવન શોધી લેવાની ગુરુચાવી જાણે અમે હાથ કરી લીધી હતી. રઝળપાટ અમને બંનેને ખૂબ ગમતી.
ક્યારે બંને સાથે તો ક્યારેક એકલાં માત્ર જાત સાથે જીવી લેવા નીકળી પડતાં. પણ ક્યારેય એકલાં રહીને પણ સાથ છૂટતો નહોતો. ફોન, ફેસટાઇમ, વિડીયો કૉન્ફર્સિંગ….અમે સતત એકબીજાને મળતાં રહેતાં.
અત્યારે, આ ક્ષણે પણ અનુ જાણે અહીં જ હતી. હાથમાં મોબાઇલ નહીં એનો હાથ થામીને જ હું મીટિંગરૂમ સુધી પહોંચ્યો એવું લાગ્યું.
આખા વર્ષ દરમ્યાન કંપનીના ઊંચે જતા ગ્રાફ, રેકૉર્ડબ્રેક સેલિંગથી માંડીને ફોર્મલ ઇન્ફોર્મેશન વગેરે, વગેરે…વગેરે …અને જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ હતી એ ક્ષણ આવીને ઊભી.
ફિલ્મફેર ફંક્શનમાં જ્યારે બેસ્ટ પરફોર્મન્સનો અવૉર્ડ જાહેર થવાનો હોય અને નોમિનીના નામ બોલાતા હોય ત્યારે એમના દિલની ધડકન પણ આવી જ તેજ થઈ જતી હશે ખરી? અત્યારે મારા હૃદયની ધડકન મારી બાજુમાં બેઠેલા સુનિતનેય કદાચ સંભળાય હશે એટલી તેજ હતી.
અને જ્યારે મૌલિક રઘુવંશીનું નામ વાઇસ પ્રેસિડન્ટ તરીકે અનાઉન્સ થયું ત્યારે તાળીઓના ગડગડાટ વચ્ચેય સાઇલન્ટ મોડ પર મૂકેલા મોબાઇલમાં લાલ ગુલાબ લઈને ઊભે્લી અનુનો ફોટો દેખાયો. નીચે લખ્યું હતું, ‘કોંગ્રેચ્યુલેશન્સ માય લવ. યુ ડિડ ઇટ.’
‘ઓ માય ગોડ…’ શું કહેવું આ અનુને!
એક પછી એક પોસ્ટ, સિદ્ધિઓ મેળવવી મને ગમતી. એ મારો શોખ હતો. વાઇસ પ્રેસિડન્ટની પોસ્ટ પછી સી.ઇ.ઓ પછી મલ્ટિનેશનલ કંપનીના એડવાઇઝર, ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર….. મારી મહત્વકાંક્ષાઓનો કોઈ અંત નહોતો.
આહ!…મને કોઈ નામથી બોલાવે કે મિસ્ટર રઘુવંશી કહે એના કરતા ‘સર’ કહે એવી અદમ્ય ઇચ્છા પરિપૂર્ણ થવાની હતી.
“કામ કામ ને માત્ર કામ જ જીવનનું લક્ષ્ય હોય, જાતને ચાતરીને આટલી વ્યસ્તતા કેટલી હેલ્ધી?” શરૂઆતમાં અનુને મારી અતિવ્યસ્તતા સામે થોડી નારાજગી હતી.
“હા અનુ, કામ મને ગમે છે, કામની વ્યસ્તતા મને ગમે છે. કેટકેટલાં પ્લેટફોર્મ સાથે જોડાયેલા લોકોને મળવાની તક મળે છે. આપણી ઓળખ લોકો સુધી પહોંચે છે. આ જ તો સમય છે, મારે જે જોઈએ છે એ પામવાનો. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય એવું તું જ કહેતી હતી ને?” હું હસીને વાત વાળવા મથતો.
મને પાર્ટી કલ્ચર ગમતું. અનુ થોડી સિલેક્ટિવ હતી પણ હંમેશ મારું મન સાચવતી.
હવે ધીરે ધીરે મારી વ્યસ્તતા તરફ અનુની નારાજગી ઓછી થવા માંડી હતી. એની ઓછી થતી નારાજગીથી હું રાજી થતો. પણ મને ક્યાં ખબર હતી કે એણે તો અંદરથી જાતને સંકોરવા માંડી હતી. મારી વધુ વ્યસ્તતાને એણે વધાવવા માંડી હતી. મારી વ્યસ્તતાની આડે મને અનુની સંકોરાતી જતી વાટ નજરે નહોતી પડતી.
“સારું છે, તારા માટે આ જ સારું છે મૌલિક. તું રહ્યો વ્યસ્તતાનો માણસ. ઘડીભરની ફુરસદનો તું માણસ જ નથી. ભલે તાલી દેવાવાળા પણ એ હજાર મિત્રો વચ્ચે આનંદિત રહેનારો તું માણસ છે. એકલતા તને નહીં સદે, નહીં પરવડે.”
એવું જ્યારે અનુ કહેતી ત્યારે એ મારી પ્રગતિથી ખુશ છે એમ વિચારીને હું પણ ખુશ થઈ જતો, અને કહેતો “યે હુઈ ન બાત…અનુ, કામ વગરના માણસનું જીવન રંગવિહીન ચિત્ર જેવું.”
****
ફોર્મલ મીટિંગ પછી લંચ. લંચ દરમ્યાન પ્રશંસા, અભિનંદન અને શુભેચ્છાના આનંદિત વાતાવરણમાં રાચવું મને બહુ ગમ્યું. પ્રસંશા તો મને અતિ પ્યારી…આ મઝાનો દોર અનંત રહે તો કેવું?
આજે ઘર તરફ ડ્રાઇવ કરતા મન પર અજબ ખુમારી છવાયેલી હતી.
શિયાળાની સાંજ રાત તરફ આગળ વધતી હતી. નરીમાન પોઇન્ટની અમારી ઑફિસથી વર્લી સુધીનો રસ્તો અને અમારા ફ્લેટના દસમા ફ્લોર પર આવીને લિફ્ટ અટકી ત્યાં સુધીનો સમય પણ એ જ કેફમાં પસાર થઈ ગયો.
લેચ કીથી મેઇન ડોર ખોલીને અંદર પ્રવેશ્યો… વાહ, આજે તો મેઇનરૂમમાં કેન્ડલ લાઇટ! અનુને પીળા પ્રકાશ કરતા ટ્યુબ લાઇટનું અજવાળું જ વધુ ગમતું અને મને કેન્ડલલાઈટનું પીળાં પતંગિયા જેવું કેસરી અજવાળું ગમતું.
“આજે ટ્યુબ લાઇટના બદલે આ આછો પીળો, કેસરી પ્રકાશ? ક્યા બાત!” મારી નાની નાની પસંદગીઓનું અનુ કેવું ધ્યાન રાખે છે!
આછી પીળી કેસરી રોશનીની સાથે સેન્ટ્રલ ટેબલથી માંડીને કૉર્નર ટેબલ પર ફૂલોના બુકે.. ક્યાંકથી અરોમા કેન્ડલની આછી સુવાસ…..
અનુનો રાજીપો તો ચારેકોર છલકાતો હતો. પણ અનુ ક્યાં?
એ રહી… હૅમક પર, બાલ્કનીમાં…! બાલ્કનીમાં આકાશ દેખાય એવી રીતે એના ફેવરિટ હૅમક પર ઝૂલવાનું અનુને બહુ ગમતું. મનમાં એક મિનિટ થયું કે બાલ્કનીમાંથી અત્યારે પણ એણે કદાચ નીચેથી કપાંઉન્ડમાં પ્રવેશતી મારી ગાડી જોઈ તો હશે. એણે મને આવકારવા આજે તો સામું આવવું જોઈતું હતું! પણ પછી થયું, ઠીક છે, મારી આટઆટલી નાનીનાની પસંદગીનું ધ્યાન રાખે છે તો આ ધ્યાન બહાર રહી પણ જાય..! મેં પણ મન મોટું રાખીને ઉદારતાથી એ વાતનો ખટકો તાત્કાલિક ભૂલાવી દીધો.
“હાય અનુ…..આઇ એમ બેક…” કહેતો એની પાસે પહોંચ્યો.
હું તો પાછો આવ્યો હતો પણ….પણ, અનુ ક્યાંક ચાલી નીકળી હતી. ક્યારેય પાછી ન આવે એટલે દૂર… એના હાથમાં એક દાંડીનું મારું ખૂબ પ્રિય લાલ ગુલાબ હજુ એમ જ પકડેલું હતું….મને આપવા…..!
એની આંખો દૂર દેખાતા બીજના ચંદ્ર પર સ્થિર હતી અને હૅમોક પર અનુ……સ્થિર, શાંત… નિશ્વલ..!
છેલ્લા કેટલાક સમયથી મારી દોટ સામે શાંત થતી અનુ ક્યારે કહેતી કે, “તારી આસપાસ જે દુનિયા ઊભી કરી છે એમાં જ તારી ખુશી છે, ખુમારી છે… બસ તું આમ ખુશ રહે એ જરૂરી છે.. તારા માટે…!”
એ આવું કહેતી તો હું વધુ ફૂલાતો અને ખુશીથી એને ચૂમી લેતો. અનુની દુનિયામાં બસ, “મૈં હી મૈં હું, દુસરા કોઈ નહીં…!” અને મારો ઈગો કદાચ સાતમા આસમાને પહોંચી જતો. હું મારી ઇચ્છાઓની પરિતૃપ્તિના મણકાઓ પોરવતો જતો હતો અને અનુ મારી ખુશી સતત ઇચ્છતી રહેતી.
મારી નાનામાં નાની દરેક બાબતની ખબર હોવાની ખાતરી કરાવતી અનુના શ્વાસના એકસો આઠ મણકામાંથી ક્યારે એક પછી એક તૂટી રહ્યા હતા, એની મને ખબર જ ના રહી. આજે લાગે છે કે મેં એની ખબર રાખવાની પરવા પણ ના કરી…!
હમણાં થોડાક સમયથી અનુ જાણે ડાઉન થતી હતી. જાણે પહેલાં જેવી એની ગતિ જ રહી નહોતી. ક્યારેક થોડીક ડિસ્કમ્ફર્ટ કે અનઇઝિનેસની ફરિયાદ પણ કરી લેતી.
“Anu, are you OK?” હા, બસ, એકાદવાર મેં અનુને એવું પૂછ્યું’તું તો ખરું.
“You are right Maulik. Kind of …” અનુ બોલતી હતી ત્ચૂયાં જ અમને યાદ આવ્યું અને એ પુરું બોલી શકે એ પહેલાં જ મારા ઓફિસમાંથી મોબાઈલ પર ફોન આવ્યો અને પછી તો અનુની વાત અધૂરી જ રહી ગઈ હતી.
અને હા! યાદ આવ્યું, થોડા સમય પહેલાં અનુની ઈયરલી ચેકઅપની અપૉઇન્ટમેન્ટ હતી. અને એ પછી ફેમિલી ડોક્ટરે કાર્ડિયૉલૉજિ સ્પેશ્યાલિસ્ટને કન્સલ્ટ કરવાનું પણ કહ્યું હતું. અનુએ એનાં પેશન્ટ પોર્ટલ પરના આ બધા મેડિકલ રિપૉર્ટ મારી સાથે શેર પણ કર્યા હતાં.
“અનુ, હું ક્યાં મેડિકલ પર્સન છું કે મને ક્યાં આ બધી મેડિકલ ટર્મ્સમાં કશી ગતાગમ પડવાની છે, એ રિપોર્ટ જે હોય એ મને બ્રીફમાં કહી દે ને પ્લીઝ.”
“હું પણ ક્યાં મેડિકલ પર્સન છું? પણ મને એવું લાગે છે કે એક વાર કાર્ડિયૉલૉજિ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ હોય ત્યારે મારી સાથે આવે અને થોડુંક સમજી લે તો સારું.”
અનુએ ખૂબ સ્વસ્થતાથી વાત કરી હતી. અનુ હતી જ એવી. કોઈ પણ વાત સહજતાથી લઈ શકતી. એની તકલીફ વિશે એને ઝાઝી બૂમરાણ કરવાની ગમતી નહીં. હા, એનાં રોજિંદા ક્રમમાં તો કોઈ ફેરફાર વર્તાવા દેતી નહીં.
અને એટલે જ કદાચ એની અસ્વસ્થતાને હું ગંભીરતાથી લઈ શક્યો નહોતો અથવા મને મારી વ્યસ્તતામાં એની ગંભીરતા સમજાઈ નહોતી.
નાનો હતો ત્યારે સૌ કહેતા, હું ધૂની છું. કોઈ વાતની ધૂન ઉપડવી જોઈએ. બસ, અત્યારે મને ધૂન ઉપડી હતી. અનંત મહત્વકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાની ધૂન. વાઇસ પ્રેસિડન્ટની પોસ્ટ તો મારી ગગનગામી ઉડ્ડાનની શરૂઆત હતી. એ પછી સી.ઇ.ઓ, મલ્ટિનેશનલ કંપનીના એડવાઇઝર, ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર. હું સદંતર મારી ધૂનમાં જ હતો.
કાર્ડિયૉલૉજિ સ્પેશ્યાલિસ્ટની અપૉઇન્ટમેન્ટ એક અઠવાડિયા પછીની મળતી હતી.
“અનુ, થોડી પાછી ઠેલી શકાશે? મારા આ પ્રેઝન્ટેશનની આડે બસ દસ તો દિવસ બાકી રહ્યા છે. પંદર દિવસ પછીની લઈ લે ને પ્લીઝ.” ત્યારે પણ અનુએ માત્ર “ઓકે” કહીને વાતનો બંધ વાળ્યો હતો. “ધેટ’સ લાઇક અ ગુડ ગર્લ.” એટલું કહીને હું મારા કામમાં ખૂંપી ગયો હતો.
મારા કેટલા મહત્વના આ દિવસો હતા અને એ વાત અનુ પણ જાણતી હતી. પણ ત્યારે કદાચ અનુમાં ક્યાંક કશુંક તૂટતું જતું હતું એની મને ખબર નહોતી પડી. એના દીવાની જ્યોતમાં તેલ ખૂટવાં માંડ્યું હતું. મને એ ખૂટતાં તેલનો મને અણસાર આવે, વાટ સંકોરી શકાય એવો સમય આપ્યાં પહેલાં જ એ પહેલાં દીવો બૂઝાઈ ગયો.
આ ક્ષણે અનુ નથી ત્યારે યાદ આવે છે. એ હંમેશાં કહેતી કે તું ક્યારેય એકલો નહીં હોય. છતાં આજે એવું લાગે છે કે ઘરમાં, જીવનમાં, અનેક મિત્રોની વચ્ચે પણ એકલો છું.
ઘરમાં આવતાની સાથે ઘરનો સૂનકાર મને ઘેરી વળે છે. અને હું અનુને શોધવા મથું છું.. અહીં ક્યાંક, મારી આસપાસ નથી…એ અહીં ક્યાંય… નથી. પણ હા, ક્યારેક પેલા બીજના ચંદ્રમાં કે એનાથી થોડો દૂર ચમકતા ધ્રુવના તારા તરફ નજર માંડું છું તો ત્યાં અલપઝલપ નજરે આવે છે ખરી.
પછી ટેબલ પર મૂકેલા અનુના ફોટા તરફ નજર કરું છું, ત્યારે થાય છે, એ ક્યાંક જતી રહી છે કે પછી એ ક્યાંક અહી જ છે!’
~ રાજુલ કૌશિક
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
સુંદર આલેખન રસ દાયિત્વ અભિનંદન પાઠવ્યા છે
પ્રસિધ્ધ થવાની મહત્વકાંક્ષા પાછળ એકની દોટ હોય અને બીજું સમર્પિત ભાવે એને પ્રોત્સાહન આપે ત્યારે કદાચ આવો જ અંજામ આવતો હશે!!!
આભાર 🙏🏼
મહત્વાકાંક્ષાની દોટ પાછળ મહત્વનો સંબંધ જ્યારે કરમાઈ જાય તેની અત્યંત હ્રદયસ્પર્શી વાર્તા
ખૂબ જ સુંદર વાર્તા. મારાં બિડાયેલાં હૃદયનાં દ્વારઆ વાર્તા વાંચીને ઉઘડી ગયાં… નાની નાની બાબતોની ચિંતા કરતી અનુ દરેક પતિદેવોના ઘરમાં હોય તો…!?
– પરથીભાઈ ચૌધરી,”રાજ”