‘ઈશ્વર અકળ નથી’ ~ તાજા કલામને સલામ (૧૦) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: ડૉ. ભૂમા વશી ~ આસ્વાદઃ દેવિકા ધ્રુવ

ગઝલઃ ઈશ્વર અકળ નથી

જળ જેવું હોય આંસુ છતાં આંસુ જળ નથી.
છો શસ્ત્ર હોય આપનું તો પણ સફળ નથી.

કાદવ ભલે ને લાગતો હો સાવ કદરૂપો,
એનાં વગર અહીં કદી, આ જળકમળ નથી.

કાદવ સમા આ દુર્ગુણો, વિકાર છે ઘણાં,
ઊપર ઉઠ્યા નહીં તો જીવન, આ સફળ નથી.

કાણું છે એવું ભીતરે ભરતાં રહો સદા,
સમજાય  છેક છેલ્લે કે ઈચ્છાને તળ નથી.

હું આંખ  મીંચીને કરું છું સાધના સતત,
ત્યારે કળી શકાય કે,  ઈશ્વર અકળ નથી.

દેખાય સારી સૃષ્ટિમાં જુદા જુદા રૂપે,
“એ” સાથ નથી એવી કદી, એક પળ નથી.

~ ડૉ. ભૂમા વશી
~ આસ્વાદઃ દેવિકા ધ્રુવ

મૂળ અમદાવાદના પણ હાલ મુંબઈના વતની ડો.ભૂમા વશીની કવિતાપ્રીતિ નોંધનીય છે.

May be an image of 1 person, standing and jewellery

૨૨ માત્રાના વિષમ છંદમાં લખાયેલ  ઉપરોક્ત ગઝલ શરૂઆતથી જ ઇશ્કે હકીકીનો રંગ પાથરે છે.

સરળ શબ્દોમાં, સહજ રીતે છતાં મક્કમતાથી, મત્લાના શેરમાં એ સ્પષ્ટપણે બેધડક કહે છે કે, ‘જળ જેવું હોય આંસુ છતાં આંસુ જળ નથી.’  જે દેખાય છે તે, એ જ સ્વરૂપે હોય છે તે માનવાની જરૂર નથી.

Free Reflection from glass on black background Stock Photo

આંખ તો ગમે તે જુએ, પણ જે સાચું છે તે તો માત્ર મનની આંખે જ દેખાય છે. બહારથી તો ભલે પાણી દેખાય પરંતુ આંસુ એ કંઈ પાણી નથી. કંઈ કેટલાયે ધક્કા પછી બહાર આવતું આંસુ તો  પીડારૂપી દરિયાનું એક ટીપું માત્ર હોય છે.

કોઈને લાગે કે કે જીતવા માટે શસ્ત્ર છે પણ  હકીકત કંઈ અલગ જ હોય છે.

Weapon - Wikipedia

‘છો શસ્ત્ર હોય આપનું તો પણ સફળ નથી.’ કહી કવયિત્રી સહેતુક ‘નથી’ના રદીફ સાથે આગળ વધે છે. ‘નથી નથી’ તો પછી શું છે? એનો જવાબ, ને’તિ ને’તિના સૂફી સૂર સાથે વાચકના મનોવિશ્વ માટે છોડી દીધો છે.

બીજા અને ત્રીજા શેરમાં આ જ વાતનું સમર્થન કરતા કેટલાક દાખલાઓ રજૂ કરે છે; જાણે કે એક પછી એક સાબિતીઓ લાવીને ધરી દે છે.

કહેવાય છે કે, Don’t Judge a Book by its Cover. પુસ્તકને એનું કવર જોઈને ન પ્રમાણો.

bookbyitscover

ચહેરો જોઈ વ્યક્તિત્વને ન માપો. કેટલું સાચું છે?! કેટકેટલા દાખલાઓ આંખ સામે તરવરી રહે છે. તેમાંના એકની વાત આગળ ધરે છે કે, કાદવ કોઈને ન ગમે પણ કમળ તો ત્યાં જ ખીલે છે ને?

કાદવ ભલે ને લાગતો હો સાવ કદરૂપો,
એનાં વગર અહીં કદી,આ જળકમળ નથી.

No mud, no lotus. Simple mindfulness wisdom when things are tough

અહીં એકલા કમળને બદલે બખૂબીથી જળકમળ શબ્દ પ્રયોજાયો છે; જે આમ જુઓ તો નરસિંહના ‘જળકમળ’ કાવ્ય સુધીના  ઊંડા  તાત્વિક અર્થો ઉઘાડી આપે છે. કાદવ સમા વિકારો, દુર્ગુણોને ફગાવી ઉપર ઊઠવાની વાતનો જરા સરખો અંગૂલિ નિર્દેશ કરી દે છે અને ખૂબ ત્વરાથી, હજી જળકમળવત્-નો ભાવ ખુલે ન ખુલે ત્યાં તો કવયિત્રી આગળના શેરમાં સહજ રીતે માનવીઓની ઇચ્છાઓની હદ તરફ દોરી જાય છે.

અહીં કવિ શ્રી અનિલ ચાવડાના એક ગીતની પંક્તિ અચૂક સાંભરે. “ઇચ્છાઓની ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ” તો ગઝલકાર શ્રી ચીનુ મોદી પણ યાદ આવ્યા વગર રહે જ નહિ. એ પણ કહી ગયા કે,

કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

ઇચ્છા, અભીપ્સા, લાલસાનો વિષય જ અગાધ છે, એને ક્યાં કોઈ મર્યાદા છે!

ચોથા શેરમાં અહીં કહ્યું છે કેઃ

કાણું છે એવું ભીતરે, ભરતાં રહો સદા,
સમજાય છેક છેલ્લે કે ઈચ્છાને તળ નથી.

સંસારી જીવોની આ સ્વાભાવિક આ વૃત્તિ છે; એ જાણવા છતાંયે કે ઇચ્છાને કોઈ તળિયું નથી. બસ, એ ક્યારેય ભરાતી જ નથી અને માણસ મથ્યે જાય છે.

આ મથામણ, અગર આંખ બંધ કરીને કરવામાં આવે એટલે કે, ખુદમાં ઊંડાં ઊતરી જઈને કરવામાં આવે તો, સતત અને અવિરત કરવામાં આવે તો શક્ય છે; “ત્યારે કળી શકાય કે, ઈશ્વર અકળ નથી.” ભૂમાબહેન આ શેર દ્વારા અધ્યાત્મિકતાની ઊંચાઈ સુધી ભાવકોને દોરી ગયા છે.

જો એવી સાધના એના સાચા અર્થમાં થઈ શકે તો અને ત્યારે જ, સતઅસતના આ જગતમાં, પ્રકૃતિમાં, પ્રાણીમાત્રમાં જ્યાં જુઓ ત્યાં કોઈને કોઈ રૂપે એ અનુભવાય છે જ. આખી આ સૃષ્ટિનાં રંગ, રૂપ અને આકારમાં એ દેખાય છે. છેલ્લા શેરમાં કલાત્મક રીતે એ ભાવ પ્રગટ કર્યો છે કે,

દેખાય સારી સૃષ્ટિમાં જુદા જુદા રૂપે,
“એ” સાથ નથી એવી કદી, એક પળ નથી.

How can God be everywhere and also outside of space and time? - Quora

અહીં પ્રથમ શેરમાં શરૂ થયેલો ઈશ્કે હકીકીનો રંગ ઘેરો બની વધુ નીખરે છે અને એક સુરેખ આકૃતિ ભાવકોના મનમહીં ગોઠવાઈ જાય છે.

સદીઓથી સર્જકો અને સૂફી સંતો દ્વારા કહેવાયેલી આ વાત લખવા/વાંચવા જેટલી સહેલી નથી. જેણે પોતે કશીક મથામણ કરી હોય, અનુભૂતિ કરી હોય કે જેના વાણી, વર્તન, વિચારોમાં એ ભાવ વિશેની સતત સજાગતા હોય તેવી વ્યક્તિ જ એને વ્યક્ત કરી શકે અને અન્ય સુધી પહોંચાડી શકે. કવિકર્મની એ જ સફળતા  છે.

૬ શેરોમાં છંદોબદ્ધ કરેલી આ ગઝલ, છેલ્લા શેરના સાની મિસરામાંના એક નજીવા છંદદોષને બાદ કરતા, સાદ્યંત સરસ રીતે ગૂંથાયેલી છે. ભૂમાબહેનને ખૂબ અભિનંદન અને વધુ ને વધુ ચોટદાર ગઝલ લખતા રહે એવી શુભેચ્છા.

~ દેવિકા ધ્રુવ 

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

 1. કતાઁ ને ક્યારેક ખબર નથી હોતી કે તેના દ્વારા રચાયેલ ક્રુતી ની પાછળ કોની પ્રેરણા અને ઈચ્છા થી ક્રુતી નું સજઁન થઈ જાય છે. શબ્દ એની મેળે જ ઉતેરે છે. આવા સજઁન ને સમજવા અને તેના મુળ ભાવ ને પ્રદર્શિત કરવા સજઁક જેવો ભાવ જોઈએ.
  બન્ને આમાં સહજ એક કક્ષા એ રહ્યા છે અને અભીનંદન ને પાત્ર છે.

 2. જળ જેવું હોય આંસુ છતાં આંસુ જળ નથી.
  છો શસ્ત્ર હોય આપનું તો પણ સફળ નથી.
  બંને મિસરા વચ્ચે સાયુજ્ય સ્થાપતું નથી –

  કાદવ ભલે ને લાગતો હો સાવ કદરૂપો,
  એનાં વગર અહીં કદી, આ જળકમળ નથી.
  સાનીમાં આ જળકમળ એટલે કયા જળકમળની વાત છે – એ વાત નથી સમજાતી

  કાદવ સમા આ દુર્ગુણો, વિકાર છે ઘણાં,
  ઊપર ઉઠ્યા નહીં તો જીવન, આ સફળ નથી.
  વાક્ય રચના અટપટી લાગી – શેર અસ્પષ્ટ લાગે છે

  કાણું છે એવું ભીતરે ભરતાં રહો સદા,
  સમજાય છેક છેલ્લે કે ઈચ્છાને તળ નથી.
  આ શેર પણ બિલકુલ અસ્પષ્ટ છે – આસ્વાદકે કહ્યું કે ઈચ્છા ક્યારેય ભરાતી નથી
  તો ઈચ્છાને કઈ રીતે ભરવાની હોય? શેનાથી ભરવાની હોય?

  હું આંખ  મીંચીને કરું છું સાધના સતત,
  ત્યારે કળી શકાય કે,  ઈશ્વર અકળ નથી.
  આ શેર ઠીકઠાક થયો છે..

  દેખાય સારી સૃષ્ટિમાં જુદા જુદા રૂપે,
  “એ” સાથ નથી એવી કદી, એક પળ નથી.
  સાનીમાં છંદ દોષ – જો કે આસ્વાદકે વિશેષણથી નવાજ્યો છે
  તો એ જાણવાની જિજ્ઞાસા ખરી કે આને જો નજીવો છંદ દોષ કહીએ તો મધ્યમ સાઇઝનો કે મોટી સાઇઝનો છંદદોષ કેવો હોય??

 3. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

  ‘ જળ જેવું હોય આંસુ છતાં આંસુ જળ નથી.’ આ શેર કહીને ડૉ. ભૂમાબેન વસીએ સચોટ તત્વદર્શન કરાવ્યું છે. આ વાંચીને અધ્યાત્મ તરફ જવાનો માર્ગ સરળ કરી આપ્યો છે. આવા શેર વખતો વખત વાંચવા મળે, એવી દિલથી શુભ કામના…
  – પરથીભાઈ ચૌધરી,”રાજ”

 4. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

  ‘ જળ જેવું હોય આંસુ છતાં આંસુ જળ નથી.’ આ શેર કહીને ડૉ. ભૂમાબેન વસીએ સચોટ તત્વદર્શન કરાવ્યું છે. આ વાંચીને અધ્યાત્મ તરફ જવાનો માર્ગ સરળ કરી આપ્યો છે. આવા શેર વખતો વખત વાંચવા મળે, એવી દિલથી શુભ કામના…
  – પરથીભાઈ ચૌધરી,”રાજ”