નવી કટાર: ટેકનોલૉજીના તાણાવાણા ~ (૧) રોબોટ અને તેનાં વિવિધ ઉપયોગો ~ લે. સંજય ચૌધરી

લેખક પરિચય: || ડૉ. સંજય ચૌધરી || અમદાવાદ યુનિવર્સિટીમાં ડીન ઑફ સ્ટુડન્સ તેમ જ અમદાવાદ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ એન્જીનિયરીંગ ઍન્ડ ઍપ્લાઈડ સાયન્સમાં પ્રૉફેસર તરીકે કાર્યરત છે.

અગાઉ તેમણે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ફરમેશન ઍન્ડ કૉમ્યુનિકેશન ટેકનોલૉજી સંસ્થામાં પ્રૉફેસર તથા ડીન તરીકે કામ કર્યું છે. ક્લાઉડ કૉમ્પ્યુટીંગ, બ્લોકચેઇન ટેકનોલૉજી, બિગ ડેટા એનાલીટીક્સ, તથા ICT એપ્લીકેશન ઇન એગ્રીકલ્ચર તથા રુરલ ડેવલપમેન્ટ એ એમના સંશોધનના વિષયો છે.

તેમનાં આઠ પુસ્તકો, વિવિધ પુસ્તકોનાં નવ પ્રકરણો, એકસો પચાસથી વધુ સંશોધન લેખો, નવ ટૂંકી વાર્તા તેમ જ છ સાહિત્યિક લેખો પ્રકાશિત થયાં છે. તેઓ અગ્રણી આંતરરાષ્ટ્રીય કૉફરન્સ તથા જર્નલની પ્રોગ્રામ કમિટીના સભ્ય છે.

તેમના માર્ગદર્શન હેઠળ સાત વિદ્યાર્થીઓએ પીએચડીની પદવી મેળવી છે જ્યારે હાલમાં ત્રણ વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન હેઠળ પીએચડી કરી રહ્યા છે.

IBM, Microsoft તેમ જ ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ ઍન્ડ ટેકનોલૉજી, ભારત સરકાર તરફથી સંશોધનના વિવિધ પ્રૉજેક્ટ માટે તેમને માટે ફંડ મળેલું છે. તેમને કોર્પોરેટ, સહકારી તેમ જ સરકારી તંત્રના સૉફ્ટવેર ડેવલપમેન્ટ પ્રૉજેક્ટમાં કામ કરવાનો અનુભવ છે.

Buy Girnar (ગિરનાર) Book Online at Low Prices in India | Girnar (ગિરનાર) Reviews & Ratings - Amazon.in

તેમના પુસ્તક ‘ગિરનાર’ને વર્ષ 2009 માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી નિબંધ અને પ્રવાસ હેઠળ દ્વિતીય ઇનામ મળેલું છે.

તેઓ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇલેકટ્રીકલ અને ઇલેકટ્રોનિક્સ ઍન્જીનીયરીંગના સીનિયર સભ્ય તેમ જ કૉમ્પ્યુટર સોસાયટી ઑફ ઇન્ડિયાના પેટ્રન છે. સાહિત્ય, સંગીત, પ્રવાસ તેમ જ વન્ય જીવન એ એમના શોખના વિષયો છે.

ઇમેઇલ : srchaudhary@gmail.com

વેબ પેજhttps://ahduni.edu.in/academics/schools-centres/school-of-engineering-and-applied-science/people-1/sanjay-chaudhary/

આ કટાર શિક્ષકો – વિદ્યાર્થીઓ  માટે અત્યંત ઉપયોગી બની રહેશે એવી આશા છે. 

કટાર: ટેકનોલૉજીના તાણાવાણા (૧)

આપણી આસપાસના વાતાવરણ – ઘર, રસ્તાઓ, સંસ્થા કે કંપની તરફ ધ્યાનથી જોઈએ તો આપણને એવું નથી લાગતું કે ઘણાં બધાં કામ એવાં છે કે જે સતત પુનરાવર્તન પામતા હોય, કંટાળાજનક હોય તેમ જ માનવબળનો ઘણો બધો ઉપયોગ કરતા હોય?

જેમ કે કચરો વાળીને પોતાં કરવાં, જાહેર માર્ગોની સફાઈ કરવી, વાહનો ચલાવવાં, મોટા ગોડાઉનમાં માલસામાન તેમ જ એકમોની ચકાસણી કે એક જગ્યાએથી સામાન ઉપાડીને બીજી જગ્યાએ મૂકવો, ઉત્પાદનના સ્થળે વિવિધ પ્રકારના કાચા માલ કે એકમોને ભેગા – સંકલન કરવાની કામગીરી, ઑટોમોબાઇલ મૅન્યુફેકચરીંગ તેમ જ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રિઝમાં ઉત્પાદન દરમ્યાન વસ્તુના વિવિધ ભાગોનું ફેબ્રીકેશન – વેલ્ડિંગ – પેઇન્ટિંગ, ખેતરમાં વધારાના ઉગી ગયેલા ઘાસનું નિંદામણ કરવું વગેરે.

300+ Free Mowing & Lawn Mower Images - Pixabay

ઘરમાં કે હોસ્પિટલમાં રહેલી અશક્ત કે બિમાર વ્યક્તિને એલાર્મની મદદથી જગાડી શકાય પણ તેને દવા આપવાનું ભુલાઈ જાય તો? આ બધાં કામો તો એવાં છે કે માણસો માટે કંટાળાજનક બની જાય છે અને સતત તેની પાછળ જ રચ્યાપચ્યા રહેશો તો પછી માણસો પોતાના જીવનનો આનંદ ક્યારે લેશે ?

કેટલાંક કામ માનવ માટે ભયજનક હોય છે જેમ કે ઊંડી ગટરોમાં ઉતરીને સફાઈ કરવી કે ફેકટરીમાં કેમિકલ ટેન્કની સફાઈ કરવી અથવા તો આગ લાગી હોય તે સ્થળની નજીક જઈ ક્યાં ક્યાં માણસો ફસાઈ ગયા છે તે જાણવું વગેરે.

85% work of protecting manholes finished, all work will be completed by August 10: BMC tells Bombay HC

આનાથી પણ વિકટ છે અવકાશમાં કે સમુદ્રમાં તથા પાતાળમાં ઊંડાણમાં થતા પ્રયોગો, કેમિકલ તથા ન્યૂક્લીયર કિરણો ઉત્પન્ન થતાં હોય તેવાં સ્થળો પરની કામગીરી, યુદ્ધ દરમ્યાન તથા સરહદ બૉમ્બ કે સુરંગોને શોધી કાઢવા, ઘરતીકંપ અથવા પૂર જેવી કુદરતી આપત્તિ પછીના દૂરના સ્થળે દવા તેમ જ જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવી વગેરે.

કેટલાંક કામ વધુ ચોકસાઈવાળાં હોય છે જેમ કે માનવશરીરનાં મહત્ત્વનાં અંગો પર થતી સર્જરી, ઇલેકટ્રોનિક ટેસ્ટિંગ, પ્રિસીશન મશીનીંગ વગેરે. આવાં વિવિધ કામોમાં માણસોની ઉત્પાદનક્ષમતા વધે તથા વધુ ઝડપથી ગુણવત્તાવાળાં કામો કરી શકે તે માટે જે તે કામને અનુરૂપ યંત્ર (મશીન) તૈયાર કરવામાં આવ્યાં છે.

રોબોટ શું છે ?

ઉપર દર્શાવેલાં કામો માટે રોબોટ અત્યંત ઉપયોગી છે. રોબોટ એ એવું સ્વયંસંચાલિત યંત્ર છે, જેનું પ્રૉગ્રામિંગ કરી શકાય છે.

5 Most Influential Robots in History - ASME

પ્રૉગ્રામ એટલે કે યંત્ર સમજી શકે તેવા આદેશો ધરાવતી ફાઇલ, જેને અમલમાં મૂકી શકાય. પ્રૉગ્રામને અમલમાં મૂકવા માટે યંત્રમાં એવું એકમ હોવું જોઈએ જે પ્રૉગ્રામનો સંગ્રહ કરી શકે તેમ જ તેના આદેશો કે સૂચનાઓનો અમલ કરી શકે.

યંત્ર પાસે જે પ્રકારનું નિશ્ચિત કામ કરાવવાનું હોય તેને અનુરૂપ પ્રોગ્રામ લખી, વિવિધ સંજોગોના સંદર્ભમાં તેનું ચુસ્ત પરીક્ષણ કરી, પ્રોગામને યંત્રની અંદર અગાઉથી દાખલ કરવામાં આવે છે.

જે સ્થાને યંત્રને મૂકવામાં આવ્યું હોય તે સ્થાને પોતાની આજુબાજુમાંથી મળતા રહેતા ઇનપુટના આધારે યંત્રની અંદર રહેલો પ્રૉગામ તેને યોગ્ય કાર્યવાહી કરવા માટે આદેશ આપતો રહે છે. આ આખીય પ્રક્રિયા જટિલ છે અને તેની વિગતવાર ચર્ચા થઈ શકે.

રોબોટ શબ્દનો ઉદ્ભવ અને ઇતિહાસ

રોબોટ શબ્દ ઇંગ્લિશ ભાષા માટે પણ નવો શબ્દ છે. તેનો ઉદ્ભવ ચેક શબ્દ “robota”ના આધારે થયો છે, જેનો અર્થ થાય છે “બળપૂર્વકનું કામ અથવા શ્રમ”.

ચેક લેખક – પત્રકાર કેરલ કૅપેકે 1920માં એક નાટક લખ્યું હતું – “રૉઝ્મ્સ યુનિવર્સલ રોબોટ્સ” (R. U. R.) અને તેમાં તેમણે રોબોટ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

A century on, the monumental Czech play R.U.R remains pertinent - Emerging Europe

આ નાટકમાં રોઝમ કંપની બાયોટેકનોલૉજી – બાયોલૉજી, કેમિસ્ટ્રી તથા ફિઝીયોલૉજીના આધારે એવા કારીગરો પેદા કરે છે, જેની પાસે લાગણી તથા આત્મા સિવાય બધું જ છે.

Artificial Intelligence or «R.U.R. – Rossum's Universal Robots» - ¡The Future is analogue!

આ રીતે તૈયાર થયેલા યાંત્રિક કારીગરો – રોબોટ સમગ્ર દુનિયાને પોતાના તાબામાં લઈ લે છે. પછી તો આ નાટક રસપ્રદ વળાંકો લેતું જાય છે.

1956માં જ્યોર્જ દેવોલ તથા જ્યોસેફ એન્ગલબર્ગરે રોબોટ બનાવતી કંપની શરૂ કરી.

1960 સુધીમાં જનરલ મોટર્સ કંપનીએ પોતાના ન્યૂ જર્સી પ્લાન્ટમાં કારના વિવિધ ભાગોની હેરફેર માટે રોબોટ તૈયાર કર્યા હતા. અત્યારે વિવિધ પ્રકારના ઉદ્યોગો, તબીબી વિદ્યા, વિજ્ઞાન, અવકાશ સંશોધન, બાંધકામ, ફૂડ પેકેજીંગ, સર્જરીથી માંડીને લોકોનાં ઘરમાં રમકડાંસ્વરૂપે રોબોટ જોવા મળે છે.

Vintage tin robot toys. Close up view of colorful mixed vintage tin robot toys collection. | CanStock

રોબોટની રચના, તેના ઉપયોગ તથા ફાયદા

રોબોટની રચના, નિર્માણ, કાર્યરીતિ, તથા વિનિયોગ સાથે સંબંઘ ધરાવતી અભ્યાસની શાખાને રોબોટિકસ કહેવામાં આવે છે. તેમાં મિકેનિકલ, મટીરિયલ સાયન્સ ઍન્ડ ઍન્જિનિયરીંગ, ઇલેકટ્રીકલ, કૉમ્યુનિકેશન તથા કૉમ્પ્યુટર ઍન્જિનિયરીંગ જેવી વિવિધ શાખાઓનું સમન્વય થયેલું છે. રોબોટની રચનામાં કન્ટ્રોલ સિસ્ટમ (Control System), સેન્સર્સ (Sensors), એકચ્યુએટર્સ (Actuators), પાવર સપ્લાય (Power Supply), એન્ડ ઇફેકટર્સ (End Effectors) જેવાં એકમોનો ઉપયોગ થાય છે.

જાપાન રોબોટ એસોસિયેશન, રોબોટિકસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અમેરિકા, ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ રોબોટિક્સ, IEEE રોબોટ ઍન્ડ ઑટોમેશન સોસોયટી, ચાઈના રોબોટ ઇન્ડસ્ટ્રી અલાયન્સ વગેરે રોબોટ ક્ષેત્રના અગ્રણી એસોસિયેશન છે, જેનું મુખ્ય કાર્ય રોબોટ તૈયાર કરવા અંગેનાં ધારાધોરણ ઘડવાનું તેમ જ રોબોટ અને સમાજ પરની તેની અસરો વિશે સંશોધન કરવાનું છે.

રોબોટનું નિર્માણ કરતી કંપનીઓએ આંતરરાષ્ટ્રીય ઘારાઘોરણનું ચુસ્ત પાલન કરવું જ પડે છે અને તે મુજબ નિર્માણ પામેલા તમામ રોબોટે નીચે જણાવેલા નિયમો પાળવા પડે છે :

  1. રોબોટ માણસને ક્યારેય ઘાયલ ન કરી શકે.
  2. માનવે આપેલા આદેશનું રોબોટે પાલન કરવું જ પડે, સિવાય કે નિયમ – 1, એટલે કે કોઈ પણ માણસ કે રોબોટનો માલિક બીજા માણસ પર હુમલો કરવાનો આદેશ આપે તોપણ રોબોટ તે આદેશનું પાલન નહીં કરે.
  3. રોબોટે એના અસ્તિત્વની જાળવણી કરવી પડે, પણ નિયમ – 1 અથવા નિયમ – 2નું ઉલ્લંઘન કર્યા સિવાય.

રોબોટના ઉપયોગના અનેક ફાયદા છે જેમ કે તે માનવ કરતાં ઘણાં બધાં કાર્યો ઝડપથી, સુરક્ષાથી, બળથી, ચોકસાઈપૂર્વક તથા ઓછા ખર્ચે કરી શકે છે. ઘણા લાંબા સમય સુધી થાક્યા કે કંટાળ્યા વગર કામ કરી શકે છે.

માનવીય આંખોને જે ના દેખાઈ શકે તેવું ઘણું બધું રોબોટ જોઈ શકે છે. ભયજનક તેમ જ માનવીય જીવન માટે ખતરારૂપ ક્ષેત્રોમાં કામ કરી શકે છે. એકથી વધુ પાળીમાં સતત કામ કરીને મૂડીરોકાણનું વળતર ઝડપથી મેળવી આપે છે.

વિવિધ પ્રકારનાં કામ કરતા રોબોટ આપણને જોવા મળે છે…

Planning and Execution of Daily Cleaning Tasks with the Humanoid Service Robot Rollin' Justin - YouTube

ખેતરમાંથી નિંદામણ કરતો, ઘરમાં પોતું કરતો, શેરીમાંથી કચરો ઉપાડતો, ઊંચા મકાનની કાચની બારીઓની સફાઈ કરતો, દર્દી પર સર્જરી કરતો, માણસની માફક હરતો ફરતો, તેના આદેશ મુજબ ચા-કૉફી પૂરી પાડતો, તેની સાથે ફૂટબોલ રમતો હ્યુમનોઇડ રોબોટ વગેરે.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

12 Comments

  1. સુંદર, માહિતીસભર લેખ. આશા રાખીએ કે આગામી લેખમાં રોબોટની જુદી જુદી કામગિરી અનુસાર તેની આશરે કિંમત તથા એ પ્રકારના રોબોટ ના મેન્યુફેકચરીંગ માટેની ટેકનોલોજી અને રોબોટિક્સ ઉપરના વિડીયોની લિંક ની માહિતી વાચકોને મળે.

    1. તમારા પ્રતિભાવ માટે આભાર અને તમે જણાવ્યું છે તે મુજબની માહિતી મળી રહે તે માટે પ્રયત્ન કરીશ.

  2. Sir, ૧૨ પછી engineering ની computer સિવાય કઈ field માં જઈ શકાય ? electrical, electronis and instrumentation નો difference?

    1. Computer Engineering સિવાય વિવિધ વિષયોમાં એન્જીનિયરીંગનો અભ્યાસ કરી શકાય છે. દરેક વિષય કોઈ એક વિશાળ ક્ષેત્ર માટે હોય છે, જેમ કે ઇલેકટ્રીકલ એન્જીનિયરીંગ વિદ્યુત નિર્માણ અને તેના પ્રસાર માટે છે. વિદ્યાર્થીને જે ક્ષેત્રમાં રસ હોય તેમાં આગળ અભ્યાસ કરવો હિતાવહ છે.

  3. પર્થભાઈચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    ખૂબ સુંદર અને અલભ્ય માહિતી.

  4. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    ખૂબ સુંદર અને અલભ્ય માહિતી.

  5. માહિતિ સભર
    લેખ વાસ્તવિકતાને નજદીક
    અભિનંદન ♥️ બહુજ ♥️
    આનંદદાયક