કાવ્યપંચમી ~ પન્ના ત્રિવેદી

(૧)

ક્યારેક
મને લાગે છે કે હું કોઈ પિરામિડમાં છું
પિરામિડ ઈશ્વરનું ઘર કહેવાય છે
પણ આ પિરામિડમાં
મને ઈશ્વર નહીં પણ અસંખ્ય માણસો મળે છે
– મસાલા ભરેલાં જીવતાં મમી!

મને કુતૂહલ થાય છે
શું હશે એ મસાલામાં?
જે એક ઠંડા પડી ગયેલા દેહમાં
સૂતેલાં માણસનો સર્જી શકે છે આભાસ!
મને એ મસાલાની રેસિપી જાણી લેવાની ઉત્કંઠા થાય છે
જોકે એ રેસિપી જાણીને ય શું કરીશ હું?
હું પાદરી નથી કે નથી કુશળ કારીગર
હું કોઈપણ મૃતદેહને મમીમાં ફેરવી શકવાની નથી
કે નથી હું તેમનાં દેહને ફરીથી ચીરી શકવાની
કારણ કે
હું કોઈ રાજવંશી નથી
અને ચીરવા માટે આદેશ જોઈએ
આદેશ આપી શકે તેવું સામર્થ્ય છે જ ક્યાં કોઈનું અહીં?
પણ કોને ખબર
કદાચ આ મમી આદેશ આપનારનાં જ હોય!
જો એમ જ હોય તો
મસાલાની સામગ્રી અને તેના માપનું અનુમાન કરવું જરાક સહેલું છે:
તિરસ્કારના હથોડાથી ભાંગી નાંખેલા સ્વપ્નોનો ચૂરો
અપમાનોની આગથી બાળી મૂકેલી થોડીક ઇચ્છાઓ
આક્રોશની ગરમીમાં સૂકવી નાંખેલા આંસુ
અને
થોડુંક બળી ગયેલું લોહી!

()

ક્યારેક
મને લાગે છે કે
હું હવે હું નથી રહી
મને લાગે છે હું રસ્તાની જેમ વકરી રહી છું
કોઈ રસ્તે થઈને નીકળી જાય છે સોંસરવું
કોઈ રસ્તાની આજુબાજુ હારબંધ વૃક્ષો વાવી વાડ કરી જાય છે
(જોકે જરૂરી નથી કે વાડ પુષ્પો ખેરવનારાં વૃક્ષોની જ હોય, વૃક્ષોમાં બાવળ પણ હોઈ શકે)
કોઈ મીલના પથ્થર ખોડતા જાય છે
તો કોઈ કાબરચીતરાં
જિબ્રા ક્રોસિંગના ચટ્ટાપટ્ટા પર ચાલીને
ક્રોસ કરી જાય છે
રાતે રાતે
કોઈ લખી જાય છે ચુનાથી અમર પ્રેમીઓના નામ
ક્યારેક રાજકીય પક્ષોના ચિહ્નો
તો કોઈ થૂંકી જાય છે ગાળ…
કદાચ
કોઈએ કાનભંભેરણી કરી લાગે છે મારા ખરબચડાપણાની
તમે સાંભળ્યું નહીં?
હજી હમણાં જ તો કોઈ બોલતું બોલતું ગયું છે:
‘આ રસ્તો કોઈના બાપનો નથી!’

વિચારું છું,
આ રસ્તે ચાલી ચાલીને કેટલાં લોકો પસાર થઇ ગયા હશે?
કેટલાં વળાંક લીધા હશે આ રસ્તાએ અત્યાર સુધી
પણ
તો ય
રસ્તો
તો
ઠેરનો ઠેર!

()

ક્યારેક
મને લાગે છે
ચંદ્રમાં રેંટિયો કાંતતી પેલી ડોશી
ધરતી પર ઊતરી
મારા દેહમાં સરી
અંધકાર ઉલેચવા મથે છે રાત-દિન
પણ રેંટિયાને ખબર પડી ગઈ છે કે
તે ડોશીના હાથમાં છે પણ ચંદ્ર પર નથી હવે
આ ધરતીની રુક્ષતા હવે
તેના એક એક અંગને સ્પર્શી ચૂકી છે
તેણે એ ય જોઈ લીધું છે કે
સામે ઊભેલો માણસ પુરુષ નથી પણ સ્ત્રી છે
અને
સામે એક આખો સ્ત્રી દેહ છે તો ય
તેને તો દેખાય છે ડોશીની બકરી
એટલે જ
તે
હવે
દિવસ-રાત કાંત્યા કરે છે અંધારું
બેધડક!

()

ક્યારેક
મને લાગે છે કે
નિચોવવાની આખી ક્રિયા જ અમાનવીય છે
પણ પછી ઊંડો વિચાર કરતાં એમ પણ લાગે છે કે
આ ક્રિયા વાસ્તવમાં એક માપન પ્રક્રિયા છે
એથી જ તો ખબર પડે છે
માણસ કે ચીજનું ભીતર અને તેની ભીનાશ
જ્યારે કોઈ કપડું નિચોવાય છે ત્યારે
મારી કોરી આંખો જોઈ રહે છે નીતરતું પાણી
કપડાંની ભીનાશને પૂછવાનું મન થાય છે આંખને:
તારી જેમ કોઈ મને નિચોવે તો પાણી નીકળે ખરું?
-હજી ય?
પણ
મને ખબર છે
આ શ્વસન ભઠ્ઠીની ઝાળનો સુકાવો
પ્રસરી ગયો છે જન્મ જન્માંતરો સુધી
હવે
ન પાણી નીકળશે, ન લોહી!

()

ક્યારેક
મને લાગે છે કે
આ વૃક્ષોના પર્ણો
અને
મારા દેહની શિરાઓની અદલ-બદલ થઇ ગઈ છે
મારા દેહમાં દોડતું લોહી
વહે છે લીલાછમ પર્ણોમાં
અને
તેનો સૂકાવો
મારી શિરાઓમાં!

~ પન્ના ત્રિવેદી

આપનો પ્રતિભાવ આપો..

10 Comments

 1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

  આપના શબ્દો હૃદયની ભીંત કોરીને સોંસરવા નીકળી ગયા….!! ધન્યવાદ.

 2. વાહ સિવાય બીજો કોઈ શબ્દ જડતો નથી પન્નાબેન નમસ્કાર !!

 3. પંચામૃત સમી પાંચ કવિતા…નોખી અનોખી આ કાવ્ય કૃતિઓ ગમી…

 4. પ્રિય.
  મેમ

  સૌવપ્રથમ તો મારા ગુરુ ને વંદન..કવિતા વાંચીને ખુબજ આનંદ થયો સુંદર કવિતા નવી સૃષ્ટિ ની રચના થઇ હોય.એવી અનુભૂતિ થઇ કવિતા ના શબ્દ પણ ખુબજ સુંદર…..

  તમારુ સાહિત્ય ખુબજ વિકસે..અને નવી નવી રચના થાકી અમને સૌવને નવું જાણવા મળે.નવીજ પ્રેરણા મળે.. 🙏🏼💫💫💫💫💫💫💫

 5. પ્રિય.
  મેમ,

  સૌવપ્રથમ તો મારા ગુરુ ને વંદન..કવિતા વાંચીને ખુબજ આનંદ થયો સુંદર કવિતા નવી સૃષ્ટિ ની રચના થઇ હોય.એવી અનુભૂતિ થઇ કવિતા ના શબ્દ પણ ખુબજ સુંદર…..

  તમારુ સાહિત્ય ખુબજ વિકસે..અને નવી નવી રચના થાકી અમને સૌવને નવું જાણવા મળે.નવીજ પ્રેરણા મળે.. 🙏🏼💫💫💫💫💫💫💫

 6. કયા રે ક મને થાય છે કે હું શિકારી છું,.; રાજકરણના જંગલમાં કેટલા બધા પ્રાણીઓ છે!!