કૃષ્ણ કલાધર મોટો !… જે બધાને પોતાના લાગે તે કૃષ્ણ … ~ લેખ: ડો. રમજાન હસણિયા
કૃષ્ણ એટલે ભારતના જ નહિ જગતના તમામ અવતારપુરુષોમાં નોખાં તરી આવતા ભગવાન. એમના જેવાં બીજા દેવ-દેવીની કલ્પના પણ થઈ શકતી નથી. જેના વિશે હજારો ગ્રંથો લખાયા હોય તેમ છતાં હાથમાં ન આવ્યું હોય એવું તત્ત્વ એટલે કૃષ્ણ.
કૃષ્ણ એટલે ભારતીય દર્શન પરંપરાના એક એવા વાહક કે જેમને જગતનો સૌથી વધુ પ્રેમ મળ્યો છે. જે પ્રેમેશ્વર તરીકે ઓળખાય છે. જેમને પૂજવાની સાથે નીંદી પણ શકાય, પ્રેમની મીઠી વાણીની સામે કડવા બે બોલ પણ કહી શકાય, જેની સામે ફરિયાદ થઈ શકે, જેને રમાડી શકાય, જેનાથી નારાજ થઈને રીસાઈ પણ શકાય – એવો ઈશ્વર કૃષ્ણ સિવાય સંભવી જ ન શકે. કૃષ્ણ સૌથી વધુ માનવીય અવતાર પુરુષ છે અને એટલે જ એમની સાથે જેવું પોતાપણું અનુભવાય છે એવું અન્ય સાથે ભાગ્યે જ અનુભવાય છે.
કૃષ્ણ સંગીત અને નૃત્યના દેવતા છે. એમના એક હાથમાં મોરલી છે તો બીજા હાથમાં ચક્ર. ચક્રવાળું રૂપ તો આવશ્યકતા જણાતા જ લીધું છે. એમને ચક્રના ચમકારા કરતા વાંસળીના વાદન થકી પ્રેમના પ્રસ્થાપનમાં વધુ રસ છે.
રાજમહેલના ઐશ્વર્ય કરતાં વનવગડાના પ્રકૃતિગત વૈભવમાં એમને વિશેષ રસ છે. વાંસળીને સુર વહાવવા પહેલાં વીંધાવું પડે છે, ત્યારે જ મધુર સ્વરો એમાંથી વહે છે. કૃષ્ણ આજીવન વીંધાયા છે ને જગતને આપ્યું છે શાતાદાયક મધુર સંગીત.
કૃષ્ણ આનંદપુરુષ છે. કૃષ્ણને તમે ક્યારેય ઉદાસ કલ્પી ન શકો! તેમની કોઈ પણ મૂર્તિ જુઓ કે કોઈ ચિત્ર જુઓ કે પછી આપણા અત્યારના ડાયરેક્ટર-પ્રોડ્યુસરે બનાવેલી ફિલ્મ કહો કે સિરીયલ જુઓ, કૃષ્ણ તમને પ્રસન્ન જ દેખાશે. કાયમ સ્મિત વેરતી મુખમુદ્રા એ તેમનું ઘરેણું છે. જીવનના સમ-અસમ કોઈપણ તબક્કે તેઓ સ્મિત વેરતા રહ્યા છે.
આમ તો એમના જીવનમાં ખૂબ વેઠવાનું આવ્યું છે. કોઈ અવતાર પુરુષ જેલમાં જન્મે એવું કદાચ કૃષ્ણ સિવાય અન્યના કિસ્સામાં નહીં બન્યું હોય! એક માતાના સાત સાત સંતાનો જન્મતાંવેંત મારી દેવાયા હોય એ માતાના આઠમા સંતાન તરીકે જન્મનાર કૃષ્ણએ કેવાં ભયના વાતાવરણમાં જન્મ લીધો હશે! પણ જન્મતાંવેંત એમણે જગતને જાણે અભયત્વનું વરદાન આપી દીધું છે. અંધારામાં અજવાળું પાથરવા આવ્યા છે.
આઠમની કાળી રાત્રિએ થતો કૃષ્ણનો જન્મ અને ખુલી જતાં જેલના દરવાજા એ વાતનું પ્રતીક છે કે જગતને કાળી ડિબાંગ રાત્રિના અંધકારમાંથી મુક્ત કરાવવા કોઈ મસીહા આવી ગયો છે.
જન્મતાવેંત એમને પોતાની જનેતા દેવકીનો વિયોગ થયો છે, ને પારકા વચ્ચે ઉછરવાનું બન્યું છે. પણ એ પારકાને પોતાના બનાવી લેવાની કળા જાણે છે. કૃષ્ણના જીવનમાં એમણે ક્યાંય કોઈ ફરિયાદ નથી કરી. એ જશોદાનો જાયો થઈને એવી રીતે રહ્યો છે એ કોઈને ખબર ના હોય કે એ યશોદાનો નહિ પણ દેવકીનો પુત્ર છે.
તેણે હસતા હસતા ગાયો ચરાવી છે. નાના-મોટા જે કામ આપણે કરીએ છીએ એ બધાય એણે કર્યા છે. ગાયો ચરાવી છે ને ગોપાલ બન્યા છે.
નાના ગણાતા કામોને કૃષ્ણે આચરીને ગરિમા બક્ષી છે. ગોવાળિયાઓ સાથે એમના જેવાં બનીને એ રહ્યા છે.
કાળીનાગ દમનના પ્રસંગમાં નાગને પાઠ ભણાવે છે પણ મારી નથી નાખતા. શિશુપાલની નવાણું ભૂલો માફ કરતા કૃષ્ણ આપણને ક્ષમાના પાઠ શીખવી જાય છે. એક નિશ્ચિત મર્યાદા સુધી માફ કરવાની ટેવ પડશે તો મહાવીરની ક્ષમા સુધી પહોંચી શકાશે.
કૃષ્ણ બધાના એક સરખા છે. રાસલીલામાં બધી ગોપીઓ સાથે રાસ રમતા કૃષ્ણના ચિત્રો તમે જોયા હશે. બધાને સાથે હોવાની અનુભૂતિ કરવતા કૃષ્ણને બધાથી અલિપ્ત રહેવાની કળા પણ આવડે છે.
કૃષ્ણ જેટલાં રાધા કે ગોપીના છે એટલા જ કુબ્જાના પણ છે. જેટલાં યુધિષ્ઠિરના છે એટલાં જ દુર્યોધનના પણ છે ને જેટલા અર્જુનના છે એટલા જ ટીટોડીના ઈંડાના પણ છે. જે બધાને પોતાના લાગે તે કૃષ્ણ.
‘કૃષ્’ ધાતુ પરથી બનેલા શબ્દ ‘કૃષ્ણ’ને તેમણે સાર્થક કર્યો છે. કૃષ્ણ એટલે બધાને પોતાની તરફ ખેંચનાર. આ ખેંચાણ સાત્વિક ખેંચાણ છે. જે ગોપીઓથી લઈને મારા-તમારા જેવાં સુધી કેટલાંયએ અનુભવ્યો છે.
માતા યશોદાને એમણે ખૂબ લાડ લડાવ્યા છે એમ કહીએ એ વધારે સાચું છે. ભાઈબંધોને જલસા કરાવ્યા છે. ગોપીઓને પ્રેમની લહાણી કરી છે. અરે ગાય, મોર, નદી, પર્વત, વૃક્ષો, વેલીઓ સૌ કૃષ્ણના પ્રેમમાં છે. બધાને એ પોતાનો લાગે છે. ગોકુળથી મથુરા જતાં-જતાં કૃષ્ણના પગમાં વીંટળાઈ વળેલી વેલીઓ પ્રકૃતિ અને કૃષ્ણનું તાદાત્મ્ય સૂચવે છે.
કર્તવ્યના ભાગરૂપે કંસનો વધ કરી જગતને પાપ મુક્ત કરવામાં એમને રસ જરૂર છે પણ ત્યાં રાજા બનીને બેસી રહેવામાં એમને જરાય રસ નથી. એ તો જાય છે વિદ્યા ઉપાસના માટે અને સુદામા જેવા મિત્રોની મૈત્રી મેળવવા માટે. કૃષ્ણએ મૈત્રી ધર્મનું પ્રસ્થાપન કર્યું છે એમ કહીએ તો પણ ચાલે.
બાળપણના મિત્ર સુદામાને દ્વારિકામાં જ્યારે કૃષ્ણ મળે છે ત્યારે તેની સાથે કૃષ્ણ જેવો વિનમ્રતાભર્યો વ્યવહાર કરે છે એવો વ્યવહાર કદાચ કોઈ અવતારપુરુષે નહી કર્યો હોય!
સુદામાની આગતાસ્વાગતામાં લાગી જતા કૃષ્ણ, પોતાની ગાદી પર એને બેસાડીને ચમર ઢાળતા કૃષ્ણ, પત્નીઓની સામે સુદામાને મોટા કરતા કૃષ્ણ, મદદની અપેક્ષાએ આવેલા મિત્રને પરોક્ષ રીતે સઘળું આપી દીધાં છતાં બધાની સામે એક પણ રૂપિયો ન આપીને તેનું ગૌરવ સાચવતા કૃષ્ણ- આ બધું જ્યારે જોઈએ છીએ ત્યારે કૃષ્ણ પ્રત્યેની ભક્તિ કહો કે પ્રેમ અનેકાનેક ગણો વધી જાય છે. કૃષ્ણ જે રીતે માનવ ગૌરવ સાચવે છે તેવું ભાગ્યે જ કોઈએ સાચવ્યું હશે.
કૃષ્ણની એક સૌથી મોટી વિશેષતા હોય તો એ છે તેમની ખસી જવાની કલા. ગોકુળમાં માત્ર રાસ રમ્યા કર્યો હોત કે માખણ ખાધા કર્યું હોત તો જલસા થઈ પડત. પણ આપણને જે કૃષ્ણ મળ્યા તે ન મળ્યા હોત. કૃષ્ણની જ્યાં ભૂમિકા પૂરી થતી આવી છે ત્યાંથી કૃષ્ણ ખસતા આવ્યા છે. ગોકુળ, મથુરા, વૃંદાવન, કહો કે કોઈનું પણ જીવન, જ્યાં એમનું કર્તવ્ય બોલાવે ત્યાં ગયા છે ને પોતાની ભૂમિકા પૂર્ણ થતાં ચૂપચાપ ખસી ગયા છે. પ્રેમનું મૂલ્ય કરનાર આ પ્રેમેશ્વરે આ રીતે પ્રેમ કરતાં પણ કર્મનું મૂલ્ય વધારે કર્યું છે.
કૃષ્ણની એક ખૂબી છે કે એ કરે છે કંઈક ને દેખાય છે કંઈક જુદું. એટલે જ એમનાં કૃત્યને સંતોએ એમની લીલા ગણાવી છે. હાથમાં વાંસળી હોય, માથે મોરપિચ્છ હોય, પીળું પીતાંબર પહેર્યું હોય ને ત્રિભંગ ઉભા હોય એવા કૃષ્ણ આપણને જોવા ગમે છે.
કૃષ્ણનું વ્યક્તિત્વ જ એવું છે કે તેને ચાહવાનું મન થઈ જાય. કૃષ્ણ બધામાં જ હોવા છતાં શેમાં પણ ન હોય એ તો છે એમનું કૃષ્ણત્વ. ઉત્તરાના ગર્ભમાં મૃત બની ગયેલા બાળકને સજીવન કરવા હાથમાં પાણી લઈને કૃષ્ણ જે વચન ઉચ્ચારે છે એ છે એમની સાચી ઓળખ – બ્રહ્મચારી, સત્યવાન, ધર્મવાન અને બીજું તો કઈ કેટલુંય. આ કૃષ્ણ પાસે છે પોતાના સામર્થ્યને સંચિત રાખવાની કલા.
કર્તૃત્વના ભારથી મુક્ત શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધમાં અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરતાં શ્રીમદ ભગવદ ગીતાનું પાન કરાવે છે.
એને સ્વધર્મની સ્મૃતિ કરાવે છે પણ આખરે એને પોતાના વચન સાથે બાંધતા નથી. ‘તું તારી મરજી પડે તેમ કર’ એમ કહીને કૃષ્ણએ ઉત્કૃષ્ટ ગુરુકૃત્ય કરી જગતના તમામ ગુરુઓને ગુરુત્વની ગુરુચાવી આપી છે. આ સંદર્ભમાં પણ તેઓ જગતગુરુ છે.
તદ્દન સામાન્ય લાગે તેવા સ્થળે જન્મેલાં ને જંગલના એકાંતમાં પારધીના બાણથી સામાન્ય વ્યક્તિની જેમ મૃત્યુને વરેલા અને આ બે અંતિમો વચ્ચે ઉત્તમોત્તમ જીવન જીવેલાં ભગવાન શ્રી કૃષ્ણે જગતને શીખવી છે જીવન જીવવાની કલા. એટલે જ કહેવાનું મન થાય કે,
‘કૃષ્ણ કલાધર મોટો, એનો ક્યાંય જડે ના જોટો !’
~ ડો. રમજાન હસણિયા
+91 75670 64993
સુંદર નિરૂપણ!
Super…. 👌👌👌
આભાર હિતેનભાઈ….
મારા ભાવને આટલા રૂપકડા ફોર્મમાં મુકવા બદલ