હું રુક્મિણી (એકાંકી) ~ લે. જયશ્રી વિનુ મરચંટ

હું રુક્મિણી. મારા મહેલમાં બેસીને, પ્રિયતમ, રાજાધિરાજ, દ્વારિકાધીશ, મારા પ્રભુ શ્રીકૃષ્ણની રાહ જોઈ રહી છું. પ્રભુ સઘળી યાદવસેના સાથે આજે પ્રભાસતીર્થ ગયા છે. પણ કોને ખબર, આજે મારી આ જમણી આંખ તો સતત ફરક્યા જ કરે છે!

શું કશુંક અશુભ બનવાનું છે કે પછી કશુંક શુભ? હું હરહંમેશ ભૂલી જાઉં છું કે કઈ આંખ ફરકે તો શુભ થાય અને કઈ ફરકે તો અશુભ!

(થોડુંક હસીને), આ લ્યો, હું પણ ક્યાં આ શુભ અને અશુભની વાતો લઈને બેસી ગઈ! અને ત્રિભુવનનાથને એની મરજી વિના કોઈ કરી પણ શું શકવાનું છે! સાચે જ, હરિ સાચું જ કહેતા હતા કે, અમે સ્ત્રીઓ પોતાના સ્વામીની બાબતમાં ખૂબ જ માલિકીભાવ રાખીએ છીએ! પણ કંઈક તો થવાનું છે એવું સતત કેમ લાગે છે?

ક્યાંય પણ આ મન આજે લાગતું જ નથી. ન મહેલની વ્યવસ્થામાં, ન તો સખીઓ સાથે વિહાર કરવામાં, ન સાજ-શૃંગારમાં કે ન પછી સત્યભામાના સૌંદર્યની કે સાજ-શૃંગારની અસૂયા કરવામાં..! હરિ, તમે વહેલાં પધારો હવે. પ્રભુ, આ વ્યાકુળતા તમારા પાવન દર્શન કરીને જ જશે.

સાચું કહું તો સ્વામી વિના આમ એકલા, હિંડોળે બેસીને ઝૂલવામાં પણ મજા નથી. હિંચકે બેઠાં બેઠાં જૂની વાતો યાદ આવી ગઈ. ચાલો, એ જ વાતોને આજે વાગોળી લઉં?

એક વખત, અરે હા, યાદ આવ્યું! ત્યારે મારી ઉંમર કદાચ સાતેક વર્ષની જ હશે. મેં મારી માતાને પૂછ્યું હતું – પણ લ્યો, એ વાત માંડું એ પહેલાં મારા માતા-પિતા કોણ એનો પરિચય આપવાનું તો ભૂલી જ ગઈ! આવું જ થાય છે, જ્યારે મારા પ્રભુ પાસે ન હોય ને, ત્યારે કાયમ મારો બધો જ સમય એક ન સમજાય એવી વિહવળતામાં જ જાય છે!

આટઆટલાં વર્ષોના સાયુજ્ય પછી પણ અમારા “એ” ની વાત આવે કે આજે પણ, હું શું કરું છું કે મારે શું કરવાનું છે, એ સર્વસ્વ ભૂલીને હું આખેઆખી “એના”મય થઈ જાઉં છું! ન મને સમયનું ભાન રહે છે, ન મારું અને બસ, આ મન સતત કૃષ્ણની માળા જ જપ્યા કરે છે! જોયું ને, અમારા “એ” કેવું મારું ભાન-સાન ભૂલાવી દે છે!

હુંય ખરી છું! વળી ક્યાંથી કઈ વાતે ચડી ગઈ! તો હું શું કહેતી હતી, હા, યાદ આવ્યું. હું મારા માતા-પિતાની વાત કરતી હતી. તો, મારા પિતાશ્રી એટલે વિદર્ભ દેશના મહારાજ ભીષ્મક અને એમની પટરાણી, શુદ્ધમતિ મારી માતા.

મારા પાંચ ભાઈઓ હતાં અને મારી મા કાયમ કહેતી કે મારા મોટા ભાઈ, રુકમીના લગ્ન થશે પછી એ આ રાજમહેલનો ઘરગથ્થુ વહીવટ એની પત્નીને સોંપી દેશે. હું તે સમયે સાતેક વર્ષની હતી. મેં માતાને પૂછ્યું, “મા, મારા લગ્ન થશે તો મારા સાસુ પણ મને બધો વહીવટ સોંપી દેશે?”

માએ ત્યારે હસીને મારા માથે હેતથી ટપલી મારીને કહ્યું, “આટલી ઉતાવળ શું છે બેટા? હજુ તો તું બાળક છે. છતાં એક વાત કહી મૂકું છું કે ઘર, વર અને ઘર-ગૃહસ્થી તો એની મેળે ચાલી જશે. પણ, વરને પ્રેમ કરીને એના જે સહુ વ્હાલાં હોય એને તારા વ્હાલાં બનાવીને ખૂબ પ્રેમ કરજે. બસ, બાકીનું બધું એના પછી પોતે જ ઉકેલાતું જશે.”

ત્યારે તો બાળમન શું સમજ્યું હતું, તે તો કોણ જાણે, પણ એ વાત હવે સમજાઈ ગઈ છે. આજે મને થાય છે કે ખરેખર શું મારા વ્હાલાને જે વ્હાલાં હતાં, એમને હું મારાં બનાવી શકી છું?

પેટછૂટી એક વાત કહું? એક તો આજે કૃષ્ણની રાહ જોતાં વખત કોઈ રીતે જતો નથી ને ઉપરથી ન જાણે કેમ, મને ઓચિંતી જ રાધા એકસરખી યાદ આવે છે! એનું કારણ શું હશે, એ તો હરિ જ જાણે!

સાચું કહું, તો કદાચ મને એના અને કૃષ્ણના અતૂટ બંધનની છાની ઈર્ષા  કાયમ રહી છે. રાધાનું નામ પડતાં જ કૃષ્ણની હસતી આંખોમાં અનાયસે ડોકાઈ જતી ઉદાસીનતાથી મને છાનો ગુસ્સો રાધા પર આવી જતો હતો. અને બિચારી રાધાને તો એની કંઈ ખબરેય નહોતી અને કદાચ ક્યારેય પડવાની પણ નહોતી! કારણ, એક વાત તો ચોક્કસ હતી કે રાધાને કૃષ્ણ કે હું, કદી મળવાનાં પણ નહોતાં, તોયે, હું મારા વ્હાલાની આંખોમાં રાધાના નામ સાથે આવી જતી ઉદાસી માટે એ બિચારી અબૂધ ગોપીને જવાબદાર ઠેરાવી લેતી. એટલું જ નહીં, મારા એ ક્રોધને મનમાં ને મનમાં એના પર ઠાલવી દેતી.

હું કૃષ્ણને,  મારા નાથને સુખ આપવા, માએ કહ્યું હતું છતાં પણ, કનૈયાની વ્હાલી રાધાને મારી પોતીકી બનાવીને પ્રેમ કરી નહોતી શકી. મારી એ વિફાળતાનો દોષ આડકતરી રીતે રાધા પર તો હું નહોતી નાખતી ને?

આનો જવાબ પણ ખુલ્લા દિલે “ના, નહોતી નાખતી” પણ અપાતો નથી! સાચું કહું તો આ જવાબ ‘ના’માં નથી આપી શકતી એની શરમ પણ આવે છે!

તમને એક મારા સપનાની વાત કહું તો તમે આ કદાચ વધુ સમજી શકશો. એક દિવસ મારા સપનામાં રાધા આવી.  રાધાની આંખોમાં જે સમર્પણનું તેજ હતું એનાથી હું તો એકદમ જ અંજાઈ ગઈ હતી! અને, એના ગૌરવર્ણના મુખ પર પથરાયેલા આભામંડળની તો વાત જ શું કરવી? રાધાની સુંદરતા એની સાદાઈના આભૂષણથી ઓપતી હતી. એના સૌંદર્યમાં ગોકુળની ગોપીઓના માખણનું રેશમી શ્વેત પોત લહેરાતું હતું.

મેં રાધાને પૂછ્યું: “આવ, રાધા. હું કેટલીયે વાર તને યાદ કરતી હોઉં છું. આજે તું મને આમ સપનામાં ભલે, પણ મળવા આવી તો મને સારું લાગ્યું. હું દ્વારિકા છોડીને ગોકુળ નથી આવી શકતી અને તું ગોકુળ છોડીને દ્વારિકા નથી આવી શકતી. સારું થયું આ રીતે આપણે મળ્યાં તો ખરાં. મારે એક ખાસ વાત તને પૂછવી છે.

અહીં દ્વારિકામાં, હું અને સત્યભામા, સહિત અનેક રાણીઓ દ્વારાકાધીશની સેવામાં ખડે પગે રહીએ છીએ. એમના જીવનની દરેક ક્ષણમાં પ્રસન્નતા હોય એના માટે અમે સહુ રાણીઓ સતત મથતાં રહીએ છીએ. અહીં તો અમારી એકેએક પળ કૃષ્ણમય જ વીતે છે. છતાંયે, અમારા પ્રિયતમના કાને ક્યાંકથી પણ જેવું ‘રાધા’ નામ પડે કે એમનું પ્રસન્નતા સભર મુખારવિંદ તો એ જ રહે છે પણ એમની આંખોમાં એક ઘેરો વિષાદ છવાઈ જાય છે. એવું તો તારામાં ને તારા નામમાં શું છે કે આવું થાય છે, બહેન?

તારા કનૈયા પરના અનોખા પ્રેમભાવની જો અમને સમજ પડે તો બહેન, અમે પણ તારા કનૈયાને સદા રાજી રાખી શકીએ ને એની મોહક આંખોમાં કદી ઉદાસીને ડોકાવા પણ ન દઈએ. માત્ર આ જ કારણસર પૂછું છું સખી! આ સવાલ અસૂયાથી નથી પૂછતી રાધા.”

આ સાંભળીને રાધા મૂંગી થઈ ગઈ અને પછી આંખમાં આવતાં આંસુઓને એણે પરાણે રોક્યાં. આમ બેચાર ક્ષણો વિતી ગઈ પછી મને કહે,

(રાધા બોલે છે), “મારી બહેન, હું તો અબૂધ ગ્રામકન્યા છું. હું શું જવાબ આપું આ સવાલનો? તું મારા કનૈયાને જ પૂછી લેજે!”

અને સ્વપ્ન પૂરૂં થયું. બીજે દિવસે, મેં મારા પ્રિયતમને રાતના મારા સપનાની વાત કરી અને પછી હિંમત કરીને એમને જ સવાલ પૂછી લીધો. શ્રીકૃષ્ણ કશું જ બોલી તો ન શક્યા, બસ, એમની આંખમાંથી એક અશ્રુબિંદુ ખર્યું.

આ જોઈને હું રડી પડી. મારા વ્હાલાને દુઃખ પહોંચાડવા બદલ મારું તો હૈયું વલોવાઈ ગયું. હું એમના ચરણકમળમાં બેસી પડી અને એમના પગ પર આંસુનો અભિષેક કરતાં બોલી, “સ્વામી, તમને આટલું અસુખ આપવા બદલ મને માફ કરો.” મને વ્હાલથી બેઉ ખભેથી ઝાલીને ઊભી કરી. પછી, મારાં વહેતાં આંસુને લૂછ્યાં, “હવે ફરી જ્યારે રાધા તારા સપનામાં આવે તો એને પૂછજે કે મારી આંખમાં આંસુ કેમ આવ્યાં!”

હું ચાતકની જેમ, મારાં શમણાંમાં રાધાના આવવાની રાહ જોતી હતી. બે-ચાર દિવસો પછી રાધા ફરી મારા સપનામાં આવી. મેં બીજું કઈં જ ન પૂછ્યું અને સીધું જ પૂછી લીધું,

“રાધા, તે દિવસે તું આવી’તી અને તેં મને કહ્યું હતું કે તારા કનૈયાને જ હું પૂછું કે, તારામાં એવું તે શું છે કે તારું નામ આવતાં જ કનૈયો ઉદાસ થઈ જાય છે? મેં એમને જ્યારે આ વાત કરી તો એમની આંખોમાંથી આંસુ ખર્યું. એમણે મને એનું કારણ તને પૂછવાનું કહ્યું. આજે તો તારે આનું કારણ મને કહેવું જ પડશે!”

જરાક વિચાર કરીને સ્વસ્થતાથી રાધા બોલીઃ “બહેન, મારા માટે તો કૃષ્ણ ક્યાંય ગયો જ નથી. અમારા ગોકુળમાં એ કદંબની ડાળે બેઠેલો દેખાય છે, ગાયને અઢેલીને ઊભો ઊભો એ મોરલાની ગહેક સાથે વાંસળીના સુર મિલાવતો સંભળાય છે, રાસલીલામાં મારી સાથે સાથે એ જ તો હોય છે. એ તો મારી રગરગમાં વહે છે. એ મારી સાથે જ નહીં, પણ મારું હ્રદય બનીને મારી અંદર જ સમાયેલો છે. તે દિવસે તમે કૃષ્ણની વાત કરી અને કહ્યું કે મારું નામ પડતાં જ એ ઉદાસ થઈ જાય છે. આ સાંભળીને હું અહીં ગોકુળમાં ખૂબ રડી અને ત્યાં કૃષ્ણની આંખમાં આંસુ આવ્યાં..!

(રાધા ગળગળા અવાજે) બહેન, તમે તો પટરાણી છો. હવેથી એટલું કરજો કે મારું નામ એના કાને કદીયે ન પડે! મારો કનૈયો રડે એ અમને ન પાલવે. એની સાથમાં, એની આશમાં અને એના વિરહમાં રડવાનો લ્હાવો તો અમે ગોપીઓ અમારા કનૈયા સાથે પણ વહેંચવા માટે તૈયાર નથી. તમે મારા વતી મારા કનૈયાને એટલું કહેજો કે યોગેશ્વરની આંખમાં આંસુ ન શોભે! એ તો રાધાની આંખમાં જ સારાં!”

(રાધાએ વિદાય લીધી.)

તમે માનશો? મારી આંખોમાંથી આંસુઓ સપનામાં જ વહેવા માંડ્યાં હતાં. સવારનાં ઊઠી તો ઓશીકું સાવ ભીનું થઈ ગયું હતું!

(પછી હિંચકા પરથી ઊઠીને, આમતેમ એકબે આંટાં મારીને, વ્યગ્ર અવાજે) “..પણ..મારે આજે એમની સાથે જવું જોઈતું હતું. કોને ખબર, કેમ આજે આ મનમાં આટલી વ્યથા ને વ્યગ્રતા જેવું આ શું થઈ રહ્યું છે?”

(ત્યાં જ સત્યભામા આવે છે અને રુક્મિણીના પગમાં બેસી પડે છે.)

સત્યભામાઃ (દીન અવાજે) “મોટીબેન, હું અહીં તમારી પાસે બેસું? આજે તો મને ક્યાંય સુખ નથી વર્તાતું. મને રહી રહીને ગાંધારી માતાનો શ્રાપ અને દુર્વાસાનો શ્રાપ યાદ આવે છે. કૃષ્ણ પાછા તો આવશે ને, મોટીબેન? કહોને? મારું મન અત્યંત વ્યાકુળ છે.

મને ખબર છે કે મારી પ્રભુને વશમાં કરવાની નાદાન રીતોથી તમને ક્યારેક ચીડ આવે છે. પણ હુંય શું કરું? મને તો એમ જ લાગે છે કે પ્રભુ તમને વિશેષ વ્હાલ કરે છે. હું સૌથી નાની છું, એટલે મારા બધાં જ લાડ તેઓ પૂરા કરે છે પણ તમારી તો વાત જુદી જ છે મોટીબેન. મને એમ જ થાય છે કે એ તમને વધુ પ્રેમ કરે છે! પણ આજે તમારી પાસે હું માફી માગવા આવી છું.

મારા મનની નકારાત્મકતા મારા પ્રભુને ભારી ન પડે! આવું લાગે છે ત્યારે થાય છે કે મને મારા માલિકીભાવથી થતી ઈર્ષા અને તમારા પર સરસાઈ કરવા માટે કરેલાં નાનાંમોટાં અપરાધોની ક્ષમા માગી લેવી જોઈએ. તો, મને અને મારી અપરિપક્વતાને મોટું મન રાખીને ક્ષમા કરજો. હું બે હાથ જોડીને માફી માંગુ છું. મારા માટે તમારા મનમાં અભાવ ન રાખશો.

બસ, મને એકવાર કહી દો મોટીબેન, કે, આપણા સ્વામીને કંઈ જ નહીં થાય અને એ સુખરૂપ આપણી પાસે આવી જશે!. આવું થશે ને, મોટીબેન? મારું તો હ્રદય કેવી કેવી શંકા-કુશંકાના વમળમાં ડૂબી રહ્યું છે! ઓ મા, મારાથી હવે સહન નથી થતું! મારા પ્રભુ, આપ જલદી પધારો!” અને સત્યભામાથી એક ડુસકું લેવાઈ જાય છે.

(રુક્મિણીએ સત્યભામાને પ્રેમથી ઊભી કરીને પોતાની પાસે બેસાડતાં કહ્યું,)

“અહીં મારી પાસે બેસ, ભામા. રડ નહીં. કઈં ચિંતા ન કર. સ્વામી આવી જશે. શ્રી કૃષ્ણ તો નખશીખ પ્રેમ છે, આનંદ છે. જીવનમાં સમતોલપણું અને સંતુલન રાખતાં આપણને એમણે જ તો શીખવાડ્યું છે ને! તું મન નાનું ન કર. મને તારા માટે કોઈ વેરભાવ નથી, અભાવ નથી કે દ્વેષ નથી.

(પછી થોડુંક હસીને રુક્મિણી કહે), જ્યાં વેર હોય ત્યાં શ્રી કૃષ્ણ કદી રહી શકે, તું જ કહે! અભાવ હોય કે દ્વેષ હોય તો શ્રી હરિ મળે કદી? આપણા બધાના આરાધ્ય એક જ છે. એ આપણને સહુને વ્હાલ કરે છે. આપણે એમને છાતીફાટ પ્રેમ કરીએ છીએ, બસ, આખી વાત એટલી જ તો છે! તો હવે શંકા-કુશંકા નથી કરવી, બરાબર ને સત્યા?

અને, હા, આ શાપ પણ પૂર્વનિર્મિત્ત હોય છે જેથી આપણા જેવા અજ્ઞાની એમાંથી નમ્રતા અને પ્રેમ શીખી શકે. લે, આજે દુર્વાસા ઋષિના એક શાપની તને વાત કરું.

તને મેં કહ્યું છે કે નહીં, યાદ નથી. પણ, આજે અમારા લગ્નની વાત કરું છું. મેં દેવક બ્રાહ્મણ સાથે પત્ર મોકલ્યો હતો કે કૃષ્ણ આવે અને મને મારા સ્વયંવરમાંથી હરણ કરીને લઈ જાય. કારણ મારા તો મનમાં અને તનમાં એ જ વસી ગયા હતા. મારા વડીલબંધુ રુકમીને મારા વિવાહ એના મિત્ર, ચેદીદેશના રાજા શિશુપાળ સાથે કરાવવા હતા. પણ હું તો રોમરોમ કૃષ્ણમય હતી.

મારો પત્ર મળતાં કૃષ્ણ આવ્યા અને મારું હરણ કરીને, મારા એક બોલ પર, મારી સોળ સખીઓ સહિત મને લઈ ગયા. અમારો રથ દ્વારિકાથી માંડ બેચાર કોશ દૂર હશે અને મારા મનમાં એવું અભિમાન જાગ્યું કે હું કેટલી રૂપાળી અને ભાગ્યવાન છું કે ખુદ કૃષ્ણ મને હરી જવા આવ્યાં! પણ એ તો અંતર્યામી, એમને મારા અહંકારની ખબર પડી ગઈ. મને એ ક્યાં ખબર હતી કે અહંકાર કરો તો સ્વામી ન મળે?

એમણે કહ્યું કે “પ્રિયે, આ જો, અહીં સામે એક કોશ દૂર, મંડપ નીચે, યજ્ઞની વેદી હજુ જાગૃત જ સ્થાપેલી છે. ચાલ, આપણે અહીં જ વિવાહ કરીને દ્વારિકા જઈશું. આપણે વિવાહ કર્યા વિના મહેલે ન જઈએ તો પરસ્ત્રી સાથે આમ લગ્ન વિના રહેવાનો અપરાધ થાય. તો એમ કરીએ, સામે જોજન જ દૂર, દુર્વાસા ઋષિનો આશ્રમ છે. આપણે ત્યાંથી એમને લઈ આવીએ અને એ આપણા વિવાહ આ જાગૃત યજ્ઞવેદીમાં જ સંપન્ન કરાવે.”

અને અમે તો ઋષિને લેવા ગયાં અને વિનંતી કરી. પણ એમણે તો એવી શરત મૂકી કે એમને રથમાં બેસાડી, કૃષ્ણ અને હું, બેઉ રથ ખેંચીને એ યજ્ઞવેદી પાસે લઈ જઈએ તો જ ઋષિ આવે. અમે તો રાજી થઈ ગયાં. લગ્નની વેદીની શુભ જગા એકાદ કોશ જ દૂર હતી. અમે રથ ખેંચતાં હતાં કે મને તરસ લાગી. મેં સ્વામીને કહ્યું તો એમણે જમણા પગના અંગૂઠાથી ભૂમિ ખોતરીને ગંગાજળ કાઢ્યું અને જળપાત્રમાં ભરીને આપ્યું. હું મારા અભિમાનમાં અને તૃષામાં, મારો વિવેક ચૂકી ગઈ. ગુરુજન અને આતિથ્યધર્મ ને પત્નીધર્મ ભૂલી ગઈ. મેં ન તો ઋષિને પૂછ્યું પાણીનું અને ન તો  પતિને પાણી માટે પૂછ્યું! મેં જળ પી લીધું.

આથી દુર્વાસા ઋષિએ કોપાયમાન થઈને મને શાપ આપ્યો કે જગ્યા પર, હું જ્યાં સુધી એક વર્ષનું ઘોર તપ નહીં કરું ત્યાં સુધી મને કૃષ્ણ નહીં મળે. ઋષિ તો ક્રોધિત થઈને જતા રહ્યા. હું ભાન ભૂલેલી, હજુ કૃષ્ણને પામી એના અભિમાનમાં જ હતી અને મારા એ અહંકારમાં સાચે જ મારો આતિથ્ય ધર્મ અને પતિધર્મ ભૂલી ગઈ હતી. એમના શાપે મને ધરતી પર પટકી!

જ્યારે કૃષ્ણએ કહ્યું કે દેવી, દુર્વાસાનો શાપ તો મિથ્યા થાય નહીં. તમે તપ પૂરું કરો. પછી આપણે યજ્ઞવેદીની સાક્ષીએ ફેરા ફરીશું. ગભરાતા નહીં. તમે દ્વારિકાની સીમામાં છો. કોઈ તમને પાછું લઈ નહીં જાય. તમે સુરક્ષિત છો.”

મેં આંસુઓ સારી ખૂબ પ્રશ્ચાતાપ કર્યો અને તપ કર્યું. ત્યારે જ મને સમજાયું કે કૃષ્ણને પામવા હોય તો અહંકાર અને અધર્મ ત્યજીને પ્રેમ અને ધર્મના પંથે ચાલવું આવશ્યક છે. નિઃસ્વાર્થ પ્રેમ હોય, ધર્મની સમજણ હોય, તો જ કૃષ્ણને પામીએ. ધર્મ, પ્રેમ અને શ્રદ્ધાના પાખંડથી કદી એમને પામી શકાય નહીં. સ્વામી તો સહુને પ્રેમ કરે છે, બસ, આપણે એમને નિઃસ્વાર્થ પ્રેમ કરવાનો છે. તું, મારી નાનીબેન, એમને પ્રેમ કરે જ છે. સ્વામી તારા પણ એટલાં જ છે જેટલાં મારાં છે, બેન!”

સત્યભામાઃ (ખૂબ આદ્ર સ્વરે, બે હાથ જોડીને)
“મોટીબેન, મારી નાદાની માફ કરી એ બદલ હું તમારી ઋણી છું!”

(ત્યાં કૃષ્ણના સારથી દારૂકના આવવાની ખબર દાસી આપે છે. દારૂક અંદર પ્રવેશે છે અને ભીનાં અવાજે કહે છે)

દારૂકઃ  (નત મસ્તકે, ખૂબ જ ભીનાં સ્વરે) “મહારાણી, ક્ષમા કરજો. જે સમાચાર હું કહેવાનો છું એ કહેતા પહેલાં મારા પ્રાણ કેમ નથી નીકળી જતાં! પણ મારા જેવા કમભાગીને આ કૃત્ય કરવાનું આવ્યું છે એ બદલ ફરી ક્ષમા માંગુ છું. મહારાણી,  આપને અને રાણી સત્યભામાને પ્રભાસતીર્થ લઈ જવા આવ્યો છું. સમસ્ત યાદવકુળ યાદવાસ્થળીમાં નાશ પામ્યું અને શ્રી કૄષ્ણએ પણ ત્યાં જ સ્વયં દેહનો ત્યાગ કર્યો. આપણને સૌને છોડીને હરિએ સ્વર્ગારોહણ કર્યું. પ્રભુએ એમનો નશ્વર દેહનો ત્યાગ કર્યો.”

(દારુકની આંખોમાંથી આંસુઓ રોકાતાં નથી) (વિલાપ કરતાં)

રુક્મિણી: “સ્વામી..! આ સાંભળતા પહેલાં અમે કેમ દેહ ત્યાગ્યો નહીં? 

સત્યભામા: આ સાંભળીને પણ, અમે કેમ હજી જીવિત છીએ, હે નાથ…! અમારી અંદરથી આવતાં તમારા સંદેશાઓ અમે જ અબૂધ ન સમજ્યાં!

રુક્મિણી: આ આયખાનો તમારા વિના હવે કોઇ બીજો અર્થ નથી! અમારા પ્રાણ હરી લો પ્રભુ!”

(બેઉ મૂર્છિત થઈને જમીન પર પછડાય છે. )  

 ***
(સંદર્ભ ગ્રંથ :
સંભવામિ યુગે યુગે” – લેખકઃ ગુણવંત શાહ)

      

આપનો પ્રતિભાવ આપો..

One Comment