લેખક તરીકેનાં સ્વમાન અને અધિકારની આ લડત હતી (પ્રકરણ : 36) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 36

આરંભમાં દૂરદર્શનને ઇડિયટબૉક્સ કહી મોટા પ્રોડક્શન હાઉસ તેને ઉતારી પાડતા. ફિલ્મોમાં ગજ ન વાગે તે દૂરદર્શનમાં જાય. પણ પછી હિંદીના મોટા ગજાના પ્રોડ્યુસરો હવે મેદાનમાં આવી ગયા. અનેક મનોરંજન ચૅનલોએ કાઠું કાઢ્યું હતું. પ્રોડ્યુસર્સને વર્ષો સુધી સિરિયલ ચાલુ રાખવા, સતત નાટ્યાત્મક પ્રસંગો-પાત્રોની જરૂર પડવા લાગી. ઘણાં લેખકોને કામ મળવા માંડ્યું, ચિત્ર ઝડપથી બદલાઈ ગયું.

પણ એક મોટો ભય ઊભો થયો, ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સની ઉઠાંતરીનો.

થોડાં વર્ષો પહેલાં બાલાજી ટેલિફિલ્મ્સની એક સિરિયલ રાત્રે જોઈ રહી હતી ત્યાં એક દૃશ્ય આવ્યું. અદૃલ મારી જ નવલકથાનું દૃશ્ય! વાર્તામાં એ જ વળાંક, એ જ પાત્રો અને એ જ સિચ્યુએશન! વાર્તાનો એ ટર્નિંગ પોઇન્ટ મારો યુનિક અને નાટ્યાત્મક એટલે તરત મારું ધ્યાન ગયું. મેં તરત લેખકને (ગુજરાતી જ સ્તો!) ફોન કર્યો, એમણે આશ્ચર્ય પ્રગટ કર્યું, ઓહો! એવું લાગે છે તમને, કહી વાત ટાળી દીધી.

પછી નિર્ભિકતાથી મારી આખી નવલકથા `રેતપંખી’ પરથી `બંદિની’ નામે સિરિયલ શરૂ થઈ, એ જ લેખક અને એ જ પ્રોડક્શન હાઉસ. સિરિયલ ટીઆરપી મેળવવા લાગી. મૂળ કથાવસ્તુને નવા વાઘા પહેરાવી દીધા એટલું જ.

મેં ફિલ્મ રાઇટર્સ ઍસોસિયેશનમાં ફરિયાદ નોંધાવી, ઘણાએ ચેતાવી, રેતીમાં વહાણ ન હંકારો. સાધનસંપન્ન અને સપોર્ટ વિનાની એક પ્રાદેશિક ભાષાની લેખિકાનો મોટા પ્રોડક્શન હાઉસ પાસે ગજ ન વાગે એટલે ઉધામા રહેવા દો, પણ મેં વાત પડતી ન મૂકી.

પૂરા સાડાત્રણેક જેટલાં વર્ષ, તકલીફ તો ઘણી પડી. મારા ઘરથી દૂરનાં પરામાં રાઇટર્સ ઍસોસિયેશનની ઑફિસ.

એની અવારનવાર થતી મિટિંગોમાં મારો કેસ રજૂ કરવા બોલાવે બન્ને પક્ષને. હું લોકલ ટ્રેન, રિક્ષામાં જાઉં પણ સામો પક્ષ હાજર જ ન થાય. મારી ફરિયાદ સાચી હતી, મારી પાસે નક્કર પુરાવા, પણ સમર્થ કો નહીં દોષ ગુંસાઈ.

ફરિયાદ ફરતી ફરતી બીજા ઍસોસિયેશન પાસે, બાલાજીના પ્રતિનિધિને આવવું પડ્યું. આ કોની વાર્તા લીધી છે? એનો જવાબ બિલકુલ ગળે ન ઊતરે એવો આપે. અંતે ડીસ્પ્યુટ સેટલમૅન્ટ કમિટીને મેં લેખિતમાં નવલકથા અને સિરિયલની સરખામણી લખીને સબમીટ કરી, લાંબી વાત ટૂંકમાં, હું કેસ જીતી ગઈ. મને ચેક મળ્યો, ઍસોસિયેશન્સની ફીઝ કાપીને.

વાત પૂરી થઈ? ના શરૂ થઈ.

બાલાજીએ ટીડીએસ સર્ટિફિકેટ અને એનો ચેક ઍસોસિયેશનને મોકલ્યો, એ મને આપવાને બદલે ઍસોસિયેશને પોતાના જ ખાતામાં ભરી દીધો.

ફરી મારા ધક્કા શરૂ થયા. હું ઍસોસિયેશન પાસે મારો ચેક માગતી રહી, ઇન્કમટૅક્સ (વ્યાજ સહિત) એ રકમ મારી પાસે માગતી રહી. ચલકચલાણું ઓલે ઘેર ભાણું. પાંચછ વર્ષ આ રમત ચાલતી રહી. મારું રીફન્ડ પણ ઇન્કમટૅક્સે રોકી રાખ્યું.

ઍસોસિયેશનની ચૂંટણીમાં નવી કમિટી આવી, ફરી ઘા નાંખી. એમણે વર્ષો પહેલાંની મૂળ રકમનો જ ચેક મને આપ્યો. ચડેલું વ્યાજ મારે ખાતે. મારું રીફન્ડ પણ ઇન્કમટૅક્સે લઈ લીધું, વ્યાજ પણ મેં ભર્યું અને મેં મારો છૂટકો કર્યો. હું એકાઉન્ટ્સમાં ઝીરો.

મારે પક્ષે માત્ર ધીરજ અને સત્ય. પરિવાર સ્વજન ચેતન કારિયા, હરીશ કેનિયા બબ્બે સી.એ.ની સલાહ, ભલે રીફન્ડ ગયું, વ્યાજ પણ તમે ભરો પણ આમાંથી નીકળી જાઓ.

સિરિયલ રામાયણનાં આ અધ્યાયની વાત એટલા માટે કે લેખક તરીકેનાં સ્વમાન અને અધિકારની આ લડત હતી.

આ તો મુંબઈની અને મારી વાત હતી. પણ અંતરિયાળનાં નાના ગામ, શહેરોનાં લેખકો, કવિઓને તો પોતાની કૃતિ, તેનાં અંશોની ઉઠાંતરી થઈ છે, એની ખબર જ ન પડે, અને પડે તોય આટલે દૂરની પહોંચ કેટલી! રાઇટર્સ ઍસોસિયેશનના સભ્ય બની જવું. ખરેખર લેખકોને મદદરૂપ થાય છે. ઘણાં લેખકો તેમની વાર્તા લઈને આવે છે, જેને એ વાર્તા તમારી છે એમ ઍસોસિયેશન પ્રમાણિત કરે છે.

એક બીજો પ્રસંગ રસપ્રદ છે, (હિલેરિયસ પણ).

હું અને બહેન ઈલા અમે એક હિંદી બુકશૉપ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં, એના માલિકની નજર પડી, અમને બન્નેને અંદર બોલાવ્યા. શહેરના હાર્દ સમા વિસ્તારમાં સમૃદ્ધ હિંદી પુસ્તકોનો ગ્રંથભંડાર છે.

અમે ચા પીતા ગપ્પાગોષ્ઠી કરી રહ્યાં હતાં ત્યાં ઉતાવળે એક યુવતી આવી, ફટાફટ નવલકથા, વાર્તાસંગ્રહ વગેરેનો ટેબલ પર ઢગલો કરી બીલ બનાવવા કહ્યું, અમે બે ભોળેભાવે હરખાયા, આ બહેન લાઇબ્રેરિયન હશે કાં વાંચનનાં શોખીન. અમે તો રાજી થઈ અભિનંદન આપ્યા, એ નવાઈ પામી ગઈ. ના રે. મને કોઈ વાંચન શોખ નથી. અમારી સ્ક્રીપ્ટબૅંક છે. આ પુસ્તકો હું જુદા જુદા લોકોને વાંચવા આપી દઈશ, એમાંથી સારો સ્ટોરી પ્લોટ, સંવાદ વગેરે એ અન્ડરલાઇન કરી દેશે જે અમને સિરિયલમાં કામ લાગશે. એણે મને કાર્ડ આપ્યું.

અમે કહ્યું કૉપીરાઇટ શબ્દ સાંભળ્યો છે! પુસ્તકોને થેલો ઊંચકતી એ વીજળીવેગે બહાર. હજી મારી પાસે એ કાર્ડ છે પણ હવે એ કદાચ કોઈ બીજી જગ્યાએ કામ કરતી હોઈ શકે.

જ્યાં હવે લાખો નહીં પણ કરોડો અને અબજોની બોલબાલા છે ત્યાં હિંદી ફિલ્મોમાં પણ ગીતકારોને ગીતોની રૉયલ્ટીની સમસ્યા હતી. મારા ફ્રૅન્ચ મિત્ર એશેલ અને જાવેદ અખ્તરે રીતસર અભિયાન ચલાવ્યું અને માથાભારે મ્યુઝિક કંપની પાસેથી ગીતકારોને રૉયલ્ટી અપાવી રહ્યા છે.

હવે તો ડિજિટલ પ્લૅટફૉર્મનાં દ્વાર ખૂલ્યા છે ત્યારે લેખકોએ સાવધાન રહેવું પડશે. ઘણાં લેખકોની – પ્રતિષ્ઠિત લેખકોની પણ જાણીતી વાર્તાઓ ઊંચકી લઈ ચતુર લેખકો બ્રહ્માંડમાં રમતી મૂકી દે છે, પોતાની કૃતિ તરીકે. એટલું જ નહીં સ્પર્ધાઓમાં ઇનામો જીતી લે છે, એવા કિસ્સાઓ બન્યા છે.

મારી ટેરરીસ્ટ હુમલા પરની જાણીતી વાર્તા મુંબઈનાં જ એક ડૉક્ટરેટ કરેલા બહેને, ડિજિટલ પ્લૅટફૉર્મ પર રમતી મૂકી દીધી, યુ ટ્યૂબ વીડિયો પણ બની ગયો, મારા એક જાગૃત વાચક બહેને ભાવનગરના પ્રતિભા ઠક્કરે મારું ધ્યાન દોર્યું અને યુ ટ્યૂબ પરથી વીડિયો હટાવવાનું કહ્યું, ધીરુબહેનની એક વાર્તાથી એક બહેન સ્પર્ધા જીતી લાવી.

આવા અને આનાથી ચડિયાતા અનુભવ ઘણાંને થાય છે. માત્ર સાહિત્ય જ નહીં આ એક ગ્લોબલ ફીનોમીના. ઘણીવાર સીધાસાદા કૉન્ટ્રેક્ટની નાની નાની શરતોની ફાઇન પ્રિન્ટ વાંચવાનું ચૂકી જવાય છે અને સહી થાય પછી હાથ બાંધેલા. મેં પણ ભૂલો કરી છે એટલે આ આંગળી ચિંધામણ.
* * *
ફૅમિનિઝમ સમાજ અને સાહિત્યમાં આવ્યું એનીયે પહેલાં મારા પિતાની યુવા રગોમાં હતું, અમારા ઘરમાં હતું માત્ર એને ફૅમિનિઝમનું લેબલ નહોતું એટલું જ. નારીવાદ, નારીશક્તિ શબ્દો હજી ચલણી બન્યા નહોતા.

અમદાવાદમાં ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય પ્રકાશનના મેડા પર થોડા લેખકોનું ગોષ્ઠિગ્રુપ મળતું, અને નામ આપ્યું હતું ચા-ઘર.

પ્રકાશક બંધુબેલડી શંભુકાકા-ગોવિંદકાકા, ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય, જયભિખ્ખુ, મધુસૂદન મોદી, મનુભાઈ જોધાણી સહુની બેઠક જામે. મેઘાણીયે ઘણીવાર આવી ચડે. અન્યો પણ ડોકાઈ જાય. ચંદ્રવિલાસનાં ફાફડા અને ચાની લિજ્જત માણતા દુનિયાભરની ચર્ચા ચાલે. સમાજ, સાહિત્ય, રાજકારણ કોઈ પણ વિષય ચર્ચાનાં દાયરાની બહાર નહીં.

ધીરજલાલ ધનજીભાઈ સહુનાં પરમ મિત્ર. એમણે તારીખવાર, શબ્દેશબ્દ આ ચર્ચાઓની ગુપ્ત ડાયરી લખી હતી. જે `ચા-ઘર’ નામે પ્રકાશિત થઈ હતી. (મારી પાસે એક કૉપી સચવાઈ છે.)

એક સરસ પ્રસંગ છે. ચા-ઘરની બેઠકમાં એક સત્યઘટના સામે આવી, બે સમકક્ષ કુટુંબ વચ્ચે બાળકોની સગાઈ થઈ. કન્યાપક્ષ શહેરમાં ગયા, સમૃદ્ધ થયા અને વરપક્ષ ગામમાં ગરીબ રહ્યો એટલે કન્યાપક્ષે સગાઈ તોડી નાંખી, એટલે કન્યા પિતાનું ઘર છોડી એનાં વાગ્દતને ત્યાં ચાલી ગઈ.

આ ઘટના પર ચર્ચા થઈ, મેઘાણીએ `વેવિશાળ’ લખી, આચાર્યે `પુત્રજન્મ’ લખી અને ધૂમકેતુએ `બિન્દુ’ નવલિકા લખી.

`પુત્રજન્મ’ની નાયિકા અંજની. પિતાએ સગાઈ તોડતાં ઘર છોડી પોતાના વિવાહિત પતિ પાસે જાય છે, તે માંદો છે, અપંગ છે, મૂર્ખ છે. અંજનીની તનતોડ સેવાથી સાજો થઈ એ જિંદગીનો રસ પીવા ઇચ્છે છે પણ અન્ય સ્ત્રી સાથે.

આઘાત પામતી અંજની, નોરાની જેમ ઘર છોડી જાય છે, ત્યારે પતિનો બચાવ છે, `તું મારી મા જેવી છે, શા માટે તેં મારી પાસેથી મારી પત્ની છીનવી લીધી?’

આ વાક્ય અતિ સૂક્ષ્મ મનઃસંચલનોને ઉજાગર કરતી આજની નવલકથાનાં લેખકનું લાગે છે ને! સમાજની લગ્નવિષયક માન્યતાઓને બૂતપરસ્તીથી સ્વીકારી નથી, પડકાર ફેંક્યો છે. લગ્નમાં સેક્સ માટે એક પુરુષે સ્ત્રીને સ્ત્રીરૂપે જોવી જોઈએ, પતિની ચરણેસુ દાસી રહેવાને બદલે એ પતિને છોડી દે છે.

આ નવલકથા 1940માં પ્રગટ થઈ છે.

આ જ નવલકથાના સબપ્લોટમાં અંજનીની નાની બહેન લીલા ડૉક્ટર છે. `સૌરાષ્ટ્ર’ માટે સમાચાર મેળવવા ગામડાં ખૂંદતા મારા પિતાએ મહિલા ડૉક્ટર જોઈ ન હતી અને પુરુષ ડૉક્ટર પાસે જવામાં શરમ અનુભવતી સ્ત્રીઓ રોગમાં રિબાતી રહેતી. એટલે એમણે મહિલા ડૉક્ટરનું પાત્ર લખ્યું જે તેના થનાર પતિને કહે છે, લગ્ન પછી આપણને સાથે ફાવશે કે નહીં તે માટે અજમાયશી લગ્ન કરી જોઈએ.

અજમાયશી લગ્ન, લિવિંગ ઇન રિલેશનશીપની વાત 1940માં.

એ સમયની પપ્પાની સામાજિક નવલકથાઓ અને નવલિકાસંગ્રહોમાં નારીને પોતાની ચૉઇસીસની, નારી સ્વાતંત્ર્ય  અને સન્માનની કરી છે.

આમ તો આ આડ વાત છે પણ લખવાનું કારણ એ કે અમને ભાઈબહેનોને ઘરમાં આવો જ મોકળાશભર્યો માહોલ મળ્યો, એટલે અમારી વિચારધારા પણ એવી જ ઘડાઈ. અમે ભાઈબહેનો સરખાં જ ઊછર્યાં. ઘરનાં નાનામોટા કામ બધાંના. પપ્પા તો ઘરમાં જ લખતા હોય, એ પણ મમ્મીને ઘરકામમાં મદદ કરે. મમ્મીનું માન, રસરુચિનો પૂરો ખ્યાલ રાખે. પછી ભાઈનો સંસાર થયો. એનાં ઘરમાં પણ આ જ માહોલ.

એટલે શૈશવથી જ જાણે અજાણે મનની મસૃણ માટીમાં આ બીજ વવાતા ગયા. એક સ્વીકૃત હકીકત, સ્ત્રીપુરુષ તો સરખાં જ હોય ને! પુરુષસમોવડી શબ્દ નારીવાદનાં આરંભકાળમાં કોણ જાણે પ્રચલિત થયો હતો, એ શબ્દ કેટલો ખોટો સિક્કો છે! પણ ખોટા સિક્કાઓ ચલણમાં ક્યાં નથી ચાલતાં! પુરુષ કોઈ ઊંચા આસને બેઠેલી વ્યક્તિ છે કે સ્ત્રીને ત્યાં પહોંચવા, સમોવડિયા બનવા મથવું પડે!

નામની જેમ સ્ત્રીને વળી કઈ જાતિ હોય છે! પતિનું જાતિવાચક નામ તે જ તો એની ઓળખાણ. ચોરીમાં ફેરા ફરતાં ફરતાં ઘડીભરમાં તેની આઇડેન્ટીટી તે ગુમાવી દે છે અને તે મિસ શાહમાંથી મિસિસ મહેતા બની જાય છે. ઘણીવાર તો સ્વજનોએ વહાલથી પાડેલું, એની ત્વચાની જેમ એની સાથે જ રહેલું નામ પણ એ જ યજ્ઞકુંડમાં હોમી, સાસરીપક્ષે આપેલું નવું નામ તે હવે એનું નામ.

હા, છેલ્લાં થોડાં વર્ષોમાં ઘણી યુવતીઓ લગ્ન પહેલાંની અને પતિની બબ્બે અટક લખે છે તો કોઈ પોતાની જ અટક આજીવન રાખે છે, પણ જૂજ પ્રમાણમાં.

જાતિની જેમ ધર્મ પણ એનો નથી. ધર્મ પુરુષનો. ન જાણે અસંખ્ય સ્ત્રીઓ યુદ્ધમાં, હુલ્લડોમાં અપહૃત થઈ બીજા ધર્મમાં ભળી જાય છે – ભળી જવું પડે છે. મોનિકા મિશ્રા હબીબ તનવીર સાથે લગ્ન કરી મોનિકા તનવીર બને છે.

બાલિકા કિશોરી થતાં માસિકધર્મથી એનો જન્મજાત સંબંધ લોહી સાથે બંધાય છે જે પુરુષને નથી, એ સંબંધનો તંતુ છેક મૅનોપૉઝ સુધી લંબાય છે. માસિકધર્મ, ગર્ભ રહેવો, સુવાવડો – ઘણીવાર તો પુત્ર ન થાય ત્યાં સુધી પુત્રીઓને પરાણે જન્મ આપતા રહેવો પડે છે. કસુવાવડો, મૅનોપૉઝ અને હોર્મોન્સની ઊથલપાથલ, ઑપરેશનો અને અણઘડ દાયણોને હાથે શરીરનું રગદોળાવું કે પછી મૃત્યુ પણ. પોતાના શરીર પર પોતાનો અધિકાર સ્થાપિત કરવા ઍબોર્શન માટે કેટલાય દેશોમાં સ્ત્રીઓએ લાંબી લડત આપી છે.

સ્ત્રીની જિંદગીનાં ઉત્તમ વર્ષો ગર્ભાશય લઈ જાય છે. બાળઉછેર, વડીલોની સારસંભાળ, ઘરકામ… સંસારની ઘંટીમાં સ્ત્રી દળાતી રહે છે.

પણ આ રીતે પુરુષને એનું શરીર કે ઘર મુશ્કેટાટ દોરડે બાંધતું નથી.

આપણી આસપાસ, દેશભરમાં આવી ઘટનાઓ બનતી જ રહે છે. એક સમાચાર છે આ લખી રહી છું ત્યારે કોઈ અંતરિયાળ ગામમાં વિધવા માતાએ મજૂરી કરીને બે દીકરીઓને ઉછેરી, યથાશક્તિ ભણાવી, સારા ઘરમાં બે ભાઈઓને વરાવી હજી હાશકારો અનુભવે છે ત્યાં એ જ રાત્રે સાસરિયા અને પતિઓએ એમની કૌમાર્યની પરીક્ષા લીધી, એક બહેનને સંભોગથી રક્તસ્રાવ થયો, બીજી બહેનને ન થયો.

થયું, હોબાળો મચ્યો. તરત જ બન્ને બહેનોને ચારિત્ર્યહીન કહીને પિયર પાછી મોકલી દીધી. માએ પંચાયતને ફરિયાદ કરી તો દાઝ્યા પર ડામની જેમ પંચાયતે બંનેના છૂટાછેડા કરાવી નાંખ્યા, ઉપરથી રૂ. 50 હજારનો દંડ!

એમાં છેલ્લાં થોડાં વર્ષોથી બળાત્કારનો રાક્ષસ સ્ત્રી ગંધાય, સ્ત્રી ખાઉં ફરતો ખુલ્લેઆમ વિચારી રહ્યો છે. એનાં લોહીનાં એક ટીપામાંથી બીજા અસંખ્ય રાક્ષસો પેદા થતા રહે છે.

સામે છેડે જોઈએ તો સ્ત્રીમુક્તિ અને સ્વાતંત્ર્યની વિચારધારાનો આરંભ રાજા રામમોહનરાય, કેશવચંદ્ર સેન, કર્વે, મહાત્મા ફુલે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહાપુરુષોએ સામે પૂરે તરીને કર્યો હતો, એ પણ એક ઉજ્જ્વળ પ્રકરણ છે.

બંગાળનાં પ્રતિષ્ઠિત લેખક સુનિલ ગંગોપાધ્યાયની બે ભાગની દળદાર નવલકથા `પ્રથમ આલો’, `પ્રભાતનો પ્રથમ ઉજાસ’ને નામે ગુજરાતીમાં અનુદિત થઈ છે. (સાહિત્ય અકાદમી દિલ્હીનું પ્રકાશન).

ગંગોપાધ્યાયે રામમોહનરાય અને કેશવચંદ્ર વિધવાવિવાહ કરાવી સ્ત્રીઓને નવું જીવન આપવું એ માટે કેવા કેવા જંગ લડ્યા, કેટલા ખુવાર થયા એનું વાર્તારૂપે એવું સત્યઘટનાત્મક આલેખન કર્યું છે કે વાંચતા આજે પણ રૂંવાડાં ખડાં થઈ જાય. (એનાં અનુસંધાનમાં `સેય સમય’, અ મસ્ટ રીડ નૉવેલ).

નારીશોષણ અને અન્યાયોની લાંબી કથા છે. નારીવાદ પર અભ્યાસનિષ્ઠ અનેક પુસ્તકો લખાયાં છે. એવો વિશેષ અભ્યાસ મારો નથી, પણ એ વિષે વાંચતી રહું છું.

આઠમી માર્ચે ઘણાં સેમિનારમાં જવાનું બન્યું છે. દિલ્હી સાહિત્ય અકાદમી અને બીજી સંસ્થાઓનાં અનેક કાર્યક્રમોમાં ભારતનાં જુદાં જુદાં શહેરોમાં,

ઓલ ઇન્ડિયા વીમેન્સ કૉન્ફરન્સમાં હાજરી આપી છે. ત્યારે અનેક સ્ત્રીઓને મુખે જ એમની કહાનીઓ, પીડાના દસ્તાવેજ સાંભળ્યા છે.

સાહિત્ય અકાદમીના મહિલાદિનની પરિસંવાદમાં અધ્યક્ષ

સત્યનો આવો મોં મેળાપ અને એની જુબાનથી વિશેષ શું!

ઓલ ઇન્ડીયા વીમેન રાઇટર્સ મીટમાં જાણીતા લેખિકા મમતા કાલિયા સાથે

જ્યારે અખબારોમાં કૉલમ લખતી હતી ત્યારે સ્ત્રીજીવનનાં વિવિધ પાસાંઓ, સમસ્યાઓ, ક્યારેક હાસ્ય અને આંસુના પ્રસંગો વિશે લખતી હતી. પણ કૉલમમાં પ્રાસંગિકતા હોય છે, ઉતાવળ પણ હોય. કૉલમનાં પુસ્તકો મેં નથી કર્યા. કોઈક રડ્યાખડ્યા કટિંગ્સ હશે કે નહીં. પછી કૉલમ જ લખવી બંધ કરી દીધી.
* * *
પછી તો આયાસે કે અનાયાસે ઘણી નારીકેન્દ્રી વાર્તાઓ લખાઈ.

1966થી બ્યુટીકૉલમથી લેખનની શરૂઆત કરી ત્યારે નવલિકાઓ લખતી એ `મુંબઈ સમાચાર’ અને `અખંડઆનંદ’માં પ્રગટ થઈ હતી. `મારે પણ એક ઘર હોય’ આઠ જ પ્રકરણની નાની નવલકથા હતી. એટલે એમાં સાથે પ્રગટ કરી હતી. પણ સમય વીતતાં સમજાયું કે આ તો કાચાપાકા પ્રસંગો છે, વાર્તાઓ નથી એટલે એ વાર્તાઓ કાઢી નાંખી અને એ નવલકથા જ પ્રકાશિત કરી, એની આજે પણ આવૃત્તિઓ સતત થતી રહે છે.

એક પછી એક નવલકથાઓ લખતી રહી. આરંભકાળથી જ પારિતોષિકો મળ્યા, તેની પરથી નાટકો અને ફિલ્મો પણ બની એટલે લખવાની ખૂબ હોંશ થતી.

જન્મભૂમિ ગ્રુપનાં મહિલા સામાયિક `સુધા’માં વેણીભાઈ પુરોહિતે મારી પાસે કૉલમ લખાવી હતી `દીદીની ડાયરી’. એમ.એ.ના અભ્યાસકાળ દરમ્યાન સૉશિયોલૉજી ફિલ્ડવર્કમાં ઘણી સંસ્થાઓમાં અમે જતા. વીમેન રેસ્ક્યુ હોમ, જુવેનાઇલ ડેલિક્વન્ટ્સ હોમ, બાળ ગુનેગારોનાં સુધાર કેન્દ્રો, શેલ્ટર્સ. ઘણાં સ્ટુડન્સ ન આવતા.

મારા પ્રો. અક્ષયકુમાર તો લેખક ર. વ. દેસાઈનાં પુત્ર. મને આચાર્યની પુત્રી તરીકે (અને `પૂર્ણિમા’ની રાજેશ્વરી તરીકે પણ) ઓળખે.

સુરેશ દલાલ ,અક્ષયભાઇ દેસાઈ, નીરાબેન

એમના આગ્રહથી હું એ ફિલ્ડવર્કની ટૂરમાં જોડાતી, પણ મને પોતાને જ ત્યાં જવાનું ગમવા લાગ્યું હતું. અનેક હૃદયદ્રાવક પ્રસંગો સાંભળ્યા, એ પાત્રોને જોવા મળવાનો એ ઉંમરે એક જુદો જ અનુભવ હતો. એકવીસ-બાવીસની ઉંમરે મારા જ સુખપ્રદેશમાં હું મહાલતી હતી ત્યારે સંસારના, સમાજના એક જુદા જ ચહેરાને જોયો. મને ખબર નથી પણ એ અનુભવે મારી અંદરની સર્જકચેતનાને, સંવેદનશીલતાને સ્પર્શ કર્યો હશે.

ધીરુબહેને `સુધા’નાં તંત્રી તરીકે અનેક કલમોને ઘડી આગ્રહ કરીને લખાવે. હું પણ એમાંની એક. મારી પાસે સાહિત્યનાં જુદા જુદા સ્વરૂપોમાં લખાવે. જન્મભૂમિ ભવનથી, મુંબઈ તો આશીર્વાદરૂપ મારું ઘર નજીક. અવારનવાર `સુધા’ની ઑફિસે પહોંચી જાઉં, ધીરુબહેન કંઈ કામ છે?

આમ ઘડાતા, ટિપાતા જાતે જ લખું ને જાતે જ શીખું. મારો પહેલો વાર્તાસંગ્રહ 1979માં પ્રગટ થયો, શીર્ષક `એ’. એને ગુજરાત સાહિત્ય અકાદમીનું, નવલિકાસંગ્રહનું ઇનામ મળ્યું. ઇનામ કેટલામું, કેટલાનું એ યાદ નથી. મોટે ભાગે આજે ખાસ વિસાત ન લાગે એવી જ રકમ હશે, સો રૂપિયાની આસપાસ પણ એટલી રાજી થઈ ગઈ. મહેન્દ્રનો હંમેશની જેમ આગ્રહ, ઇનામ લેવા જાતે જવાનું. કોઈ ફંક્શન તો હતું નહીં. અમદાવાદ સુધી ગઈ અને એક નાનો પણ વજનદાર ચેક લઈ પાછી ફરી.

એ વાર્તાઓ પ્રતિષ્ઠિત સામાયિકોમાં પ્રગટ થયા પછી જ મેં તેનો સંગ્રહ પ્રગટ કર્યો હતો. `એ’ સંગ્રહની પહેલી વાર્તા `નવનીત સમર્પણ’માં પ્રગટ થઈ હતી `ચંદ્રનું અજવાળું’.

થોડા દિવસ પછી દર્શકનું બે લીટીનું પૉસ્ટકાર્ડ મળ્યું.

ચિ. વર્ષા,
‘ચંદ્રનું અજવાળું’માં ઉત્તમ વાર્તાનાં બધા જ ગુણો છે!
લી. મનુભાઈનાં આશિષ.

કેવડું મોટું આ ઇનામ!

દર્શકે મને લખેલા પત્રોનો ખજાનો હું ઝબુકતાં સૂર્યકિરણોમાં જોઈ રહું છું.


***

આપનો પ્રતિભાવ આપો..