ત્રીજી શતાબ્દીમાં આંટાફેરા ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 23) ~ પૂર્વી મોદી મલકાણ

ત્રીજી શતાબ્દીમાં આંટાફેરા ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 23)

ઇસ્લામાબાદ પહોંચ્યાં પછી હું હાર્ડલી ૧ દિવસ શાંતિથી બેઠી હોઈશ ત્યાં મિસીસ સાદીયાએ ફોન કરી જણાવ્યું કે, એક નેશનલ હોલી ડે આવે છે તો ચાલો ત્રીજી સદીમાં આંટો મારી આવીએ. તેમની વાત સાંભળી પહેલાં તો હું સમજી ન શકી, પણ વાત કોઈ ક પ્રવાસની જ છે એમ મે મારી જાતે જ માની લીધું. આજે આ લેખ લખતી વખતે વિચારું છું કે, કદાચ મિસીસ સાદીયા પણ હવે મારા જેવાં જ થઈ ગયાં હતાં તેથી ઇતિહાસમાં ખોવાયેલી સદીઓને શોધવું હવે તેમને ગમતું હતું.  નક્કી કરેલ દીવસે અમારી હોટેલ પાસે જ્યારે વેન આવીને ઊભી રહી ત્યારે મી.અને મિસીસ સાદીયા અને અમારા સિવાયનાં બધાં જ મુસાફરો બદલાઈ ગયાં હતાં. અત્યાર સુધી સંસ્કૃતિની શોધમાં અમારી જે યાત્રા હતી, તેની નાની નાની ડિટેલ્સ ઓફિસનાં અન્ય લોકો સુધી પહોંચી ગયેલી તેથી આ વખતનાં આ નવા સંઘમાં નવા મેમ્બરો જોડાઈ ગયાં હતાં.

આજનો દિવસે ય અદભૂત હતો, અગાઉ હતાં તે જ પ્રમાણે. પણ આજે અમારે લાહોર કે સિટી તરફ દોડવાનું ન હતું. અમારે તો ફરી જવાનું હતું ખૈબર પખ્તૂન્વા પ્રાંતમાં  આવેલ હરિપુર પાસેનાં એક એવાં ગામડાંમાં. અત્યાર સુધી અમે લાહોર અને પેશાવરને રસ્તે દોડતાં વચ્ચે અનેક ગામડા જોયેલાં પણ સિટી તરફ આવતાં ગામડાનું સૌંદર્ય  અલગ હતું અને અમે ખેવરાને માર્ગે જોયેલ તે ગામડાઓનું સૌંદર્ય અલગ હતું. પણ આજે અમે જે ગામડાઓને પાસ કરી રહ્યાં હતાં તેની જિંદગી અમને વિભાજન પહેલાંનાં પૃષ્ઠ ઉપર જે રીતે ફેરવતું હતું તે અમારે માટે આશ્ચર્ય હતું.

ધૂળથી ભરેલાં રસ્તાઓ, ખેતખલિયાણમાં એજ જૂની પારંપારિક પધ્ધતિથી કામ કરતાં લોકો, ઘર બહાર રહેલ ચૂલામાંથી નીકળતો ધુમાડો અને ઘર બહારનાં વાડાંમાં બંધાયેલાં  પશુઓ , શાકભાજી લઈને ઊભેલ ગધેડાગાડીઓ અને ગ્રામ્યજીવનમાં વપરાતાં ફળોને લઈને ઉભેલ રેકડાઓ….અને તે વસ્તુઓ વેંચતાં વેંચતાં લોકોનાં ઊંચા ગળામાંથી ઊઠતો સૂરીલો સ્વર. ( ફોક ગીતોનાં સૂરમાં)

ગ્રામ્યજીવનનાં આ દરેક નવા રંગને અમે માણતા માણતા અમે જઈ રહ્યાં હતાં ત્યાં અમારી સાથે રહેલ ઈબરાનજી કહે, આ પ્રાંતનાં માલ્ટા બહુ પ્રખ્યાત છે. કારણ કે તે સુગરથી યે વધુ સ્વીટ હોય છે. તેમની એ વાત સાંભળી અમે નક્કી કર્યું કે, આજુબાજુનાં લોકો ને પૂછીએ કે અત્યારે માલ્ટા મળશે ખરા? આમ વિચારી અમે અમારા માર્ગ ઉપર આવતાં દરેક ગ્રામ્ય લોકોને પૂછવા લાગ્યાં, પણ મોટેભાગે નિરાશા મળી અને એક જ જવાબ મળતો કે, સિઝન તો ખત્મ હોને કી કગાર પર હે, અબ મિલના મુશ્કિલ હે પર ફીર ભી આપ આગે પૂછ લે.

ગ્રામ્યજનોની વાત સાંભળી અમે થોડાં નિરાશ તો થયાં જ પણ કોઈક આશા સાથે અમે અમારી ખોજ ચાલુ રાખી. અંતે અમે ત્રીજી સદીનાં મુખ્ય દરવાજામાં પ્રવેશ કરવાનાં જ હતાં ત્યાં ઇબરાનજીનો એક હર્ષથી ઊંચો થયેલો સ્વર અમને તે દિશામાં નજર ફેલવવા માટે દોરી ગયો, જ્યાં અનેક માલ્ટાનાં વૃક્ષ હજી યે પોતાનાં રસીલા ફળો સાથે હવાનાં ઝૂલામાં ઝૂલી રહ્યાં હતાં. આ જોતાં જ અમે ગાડી સાઈડમાં ઊભી રાખી તે ખેતર તરફ દોડી ગયાં.

(માલ્ટાની કાપણી કરી રહેલ ગ્રામ્ય ખેડુ)

એકસાથે આટલાં બધાં પ્રવાસીઓ જોઈ તે ખેડૂત પહેલાં આશ્ચર્યથી જોઈ જ રહ્યો, પછી આંગણે આવેલાં મહેમાન બહારનાં મુલ્કનાં છે તે સમજતાં તેને વાર ન લાગી. આથી તેણે અમને પોતાની પાસે રહેલ ખાટલા પર બેસાડયાં અને કૂવામાંથી ઠંડુ પાણી કાઢી આપ્યું. તે પાણીથી અમે જરા ફ્રેશ થઈએ ત્યાં સુધીમાં તેણે ઈબરાનજી સાથે વાત કરી. આ વાતચીતમાં રહેલ ખાલીશ ઉર્દુ તો મને સમજમાં ન આવી, પણ અંતે સમજાવવામાં આવ્યું કે તે ખેડૂત કહે છે કે, અહીં જેટલાં વૃક્ષો છે તેમાંથી એક વૃક્ષ ખરીદી લો અને તે વૃક્ષ ઉપર જેટલાં માલ્ટા છે તે આપ લઈ જાઓ. અમારે માટે આ પ્રકારની ખરીદી નવી હતી, પણ અમે આટલાં બધાં હતાં અને દરેક નવી વસ્તુ મારે માટે એક નવો અનુભવ હતો, જેનો અમારે આનંદ લેવાનો હતો, તેથી ખેડૂતે કહ્યાં મુજબ અમે એક વૃક્ષ નક્કી કર્યું. પછી તે ખેડૂતે તેણે પોતાના કોઈક માણસને ફોન કરીને બોલાવ્યો, અને પછી બંને જણાં વૃક્ષ ઉપરથી માલ્ટા તોડવા લાગ્યા. અંતે તે આખા વૃક્ષ ઉપરથી જેટલાં માલ્ટા મળ્યાં તેને તેણે  અમને શણની નાની નાની કોથળીઓમાં ભરી આપ્યાં.

ત્રીજી સદીનાં અવશેષોની દુનિયા જ્યાંથી શરૂ થાય છે તે જગ્યા ખાનપુર ગામ અને ખાનપુર ડેમ પાસે આવેલ છે, જે બે ભાગમાં વહેંચાયેલો છે. ડેમનો મુખ્ય ભાગ ઘણો આગળ છે, પણ જ્યાં અમે પહોંચેલાં તે ભાગને પર્યટક વિસ્તાર તરીકે વિકસવામાં આવ્યો હોઈ વીકએન્ડનાં સમયમાં આ જગ્યાની ઓળખાણ જ બદલાઈ જાય છે. પરંતુ અમે જ્યારે આ જગ્યામાંથી નીકળી રહ્યાં હતાં તે સમયે આ જગ્યા બિલકુલ ખાલી હતો, જેને કારણે આ જગ્યામાં સન્નાટો તો નહીં, પણ એક પ્રકારની શાંતિ ચોક્કસ કહી શકાય.

(સ્તૂપા ઉપરથી જોતાં દેખાતું સૌંદર્ય)

ભમલા ગામ:-

ભમલા ગામની સીમા ખાનપુર ગામ પાસેથી શરૂ થાય છે, જ્યારે અમે ખાનપુર ગામ પસાર કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે, ભમલાને પણ પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે ગાંધારા રિસોર્ટ નામની હોટેલ બનાવવામાં આવી રહી છે, આ સ્થળથી ભમલા બહુ નજીક પણ મૂળ ભમલા સ્તૂપા અને ગામ પહાડી ઉપર હોઈ બહુ સ્પષ્ટ રીતે જોઈ શકાતું ન હતું. કેવળ પાંચ ઘરવાળું આ ભમલા ગામ મને બહુ ગમ્યું….પણ વસ્તીની વાત કરીએ તો ગણીએ પાંચ મોટા ઘર વચ્ચે ૨૫-૩૦ જણાં રહે…. આજુબાજુ પહાડી, કાબુલ-રો નદી અને ગેંદુવાનાં ખેતરો….. બસ એટલું જ ગામ. અચાનક શરૂ થઈને પૂરું થતું આ ગામ ખરેખર સુંદર હતું.

(૧૯૨૦ માં ભામલા)

ભામલા સ્તૂપાની શોધ:-

ભામલા સ્તૂપને શોધનારા હતાં બ્રિટિશ પુરાતત્વવિદ સર જૉન માર્શલ. જેમણે હરપ્પા અને મોહેન્જો દારોની સંસ્કૃતિને શોધવામાં ફાળો આપ્યો હતો. ૧૯૨૯ની એક બપોરે જ્યારે સર સુફિયાન મલિક અને સર જૉન માર્શલે આ સ્થળ શોધ્યું ત્યારે તેઓએ કહ્યું કે, આ સ્થળ શોધવાની સાથે તેમણે ૨૩૦૦ વર્ષ પહેલાંનાં સમય પર ટકોરા માર્યા છે. ભમલા સ્તૂપાનું આ કામ ૧૯૨૯ થી લઈ ૧૯૩૦ સુધી મોટાપાયા પર ચાલેલું. ત્યારપછી બદલાતી પરિસ્થિતિને કારણે લગભગ નહિવત જેવું થયું. સર સુફિયાન મલિકની ઈચ્છા હતી કે, આ કામ થોડું થોડું થતું રહે તો સારું આથી તેઓ અમુક લોકલ લોકોની મદદથી આ કામ ૧૯૩૨ સુધી નાના પાયા પર કરતાં રહ્યાં. ૧૯૩૨ માં સર મલિક ફૌત થયાં પછી ફરી આ કામ અટકી ગયું. ૧૯૩૨માં જે ખોદકામ બંધ થયું હતું તે કામ છેક ૮૦ વર્ષ પછી શરૂ કરવામાં આવ્યું. ૨૦૧૧ માં આ જગ્યાનું ફરી ખોદકામ કરવાની અનુમતિ હેરિટેજ ઓફ પાકિસ્તાન તરફથી આર્કિયોલોજિકલ સોસાયટીને આપવામાં આવી. પણ કોઈક કારણસર આ કાર્યને ફરી રોકવામાં આવ્યું. ૨૦૧૩ માં વોશિંગ્ટન યુનિવર્સિટી અને હઝરા યુનિવર્સિટી ( ખૈબર પખ્તુન્વા ) ના સામૂહિક પ્રયાસથી આ સ્થળે ફરી કાર્ય શરૂ કરવામાં આવ્યું. આથી અમે પણ જ્યારે આ સ્થળે પહોંચ્યાં ત્યારે હજુયે આ કામ ચાલું હતું..

કાચા પહાડી રસ્તા પર ચડી ભમલાની પહાડી પર જતાં જે જગ્યા પર સૌથી પહેલું ધ્યાન પડે છે તે છે બ્લૂ છપ્પરવાળી રૂમો પર. આ બ્લૂ છપ્પરની નીચે અનેક એવી મૂર્તિઓ રાખેલી હતી, જે અહીંથી ખોદકામ કરતાં મળેલી હતી. આ મૂર્તિઓ જોવા અમે ભલે ઉતાવળા હોઈએ, પણ અમારા પેટમાં દેડકા હવે કૂદી રહ્યાં હતાં તેથી વિચાર્યું પહેલાં માલ્ટા ખાઈને એનર્જી મેળવી લઈએ તે વધારે સારું પડશે…આમ વિચારી અમે એક એક માલ્ટા ખોલી સાઈડમાં મૂકતાં ગયાં અને અમારા ગ્રૂપનાં લોકો તે ખાતા ગયાં….સંતરા અને ગ્રેપફ્રૂટને મળતાં આવતાં માલ્ટા ખૂબ મીઠા હતાં. માલ્ટાને ખોલવાની અમારી પ્રક્રિયા યે કંઈક અલગ જ રહી….કારણ કે દરેક માલ્ટાને પોતાનો એક રંગ હતો. ઘાટો ગુલાબી, આછો ગુલાબી, કેસરી, કેસરીયોપીળો, કેસરી સફેદ, સફેદ ઉપર ગુલાબી ઝાંય …એમ કેટલાય રંગો અંદરથી કૂદી પડતાં… આ અનેક રંગો સાથેનો સ્વાદ પણ બેમૂલ્ય હતો….જેને કારણે અમે માલ્ટાનો પૂરેપૂરો આનંદ લઈ શક્યાં. આમેય કોઈપણ ફ્રૂટ ખાવાનો આનંદ અનોખો હોય છે તો સાથે ગ્રૂપમાં ખાવાનો ય આનંદ અનોખો હોય છે.

માલ્ટાનાં મજેદાર નાસ્તા પછી અમારું ધ્યાન હવે કેવળ આ સ્તૂપા ઉપર અને અહીં કરાયેલ ખોદકામ પર હતું. કારણ કે ખોદકામ દરમ્યાન ભગવાન બુદ્ધના સમયની પાંચસો વસ્તુઓ મળી આવી હતી. ઉપરાંત જ્યાં બૌધ્ધ સાધુઓ અને શિષ્યો બેસીને ધ્યાન કરતાં તે નાની નાની રૂમો તો ખરી જ.

                                        (સ્તૂપાની આજુબાજુ કામ કરી રહેલ આર્કીયોલોજિસ્ટ)      

(ખંડિત થયેલ સ્તૂપા)
(સ્તૂપાની આજુબાજુ કામ કરી રહેલ આર્કીયોલોજિસ્ટ)

પણ અત્યારે અહીં ભમલામાં સ્તૂપાની આજુબાજુ ફરતા અમે દીવાલ સાથે જોડાયેલ અનેક બુધ્ધ મૂર્તિઓ જોઈ. પણ અગાઉ જણાવ્યું તેમ મોટાભાગની ભગવાન બુધ્ધની મૂર્તિઓનાં ધડ તોડી નાખવામાં આવ્યાં છે, આ મૂર્તિઓ સિવાય અહીંથી જે વસ્તુઓ મળી તે મોટાભાગની બૌધ્ધ શિષ્યો માટે વપરાતી હતી.

અમુક તૂટેલા મસ્તકવાળી મૂર્તિઓને બાદ કરતાં જે મૂર્તિઓ સહી સલામત હતી તે મૂર્તિઓને રાખવા માટે એક વિશાળ છપ્પર બનાવી તેની અંદર રાખવામાં આવી હતી.

અહીં અમને શયન કરતાં ભગવાન બુધ્ધની તેમજ ધ્યાન મગ્ન થયેલ ઘણી પ્રતિમાઓ જોવા મળી, પણ વિશ્વને જે મૂર્તિની રાહ હતી તે શયન કરતાં ભગવાન બુધ્ધની (વિશ્વની સૌથી મોટી) પ્રતિમા હજી પૂરી રીતે બહાર આવી ન હતી. (પાછળથી આ મૂર્તિ મળી આવી તે ૧૪ મીટર લાંબી હતી.) પણ આ મોટી મૂર્તિને મળી આવતી બીજી મૂર્તિઓ પણ અહીં હતી. અહીંથી મળેલી આ દરેક મૂર્તિની આજુબાજુ ફરી અમે અનાયાસે તેની પરિક્રમા કરતાં રહ્યાં.

આમતેમ ફરતાં ફરતાં અમે આખો સ્તૂપા જોવા મળ્યો, જો’કે આટલાં બધાં સ્તૂપા જોયા પછી કદાચ આ જગ્યા મને નવી લાગવી ન જોઈએ, પણ તેમ છતાં યે આ જગ્યા મને અત્યંત ગમી તેનું કારણ એ હતું કે આ જગ્યા પણ હરપ્પાની જેમ રો ભૂમિ હતી, એટ્લે કે ૨૩૦૦ વર્ષ જૂના અનેક અવશેષો અમારા પગ નીચે કચડાઈ રહ્યાં હતાં. બસ ફર્ક એ હતો કે અહીં ટેરાકોટા જોવા ન મળતું હતું, બલ્કે ભગવાન બુધ્ધની નાની મોટી મૂર્તિઓનાં અવશેષો હતાં…જો;કે આ કચડતાં અવશેષોને કારણે મનમાં એક કચવાટે ય થતો હતો, હું ભલે કૃષ્ણ ભક્ત હોઉં પણ બુધ્ધને પણ મે મારા પ્રભુથી અલગ તો નહોતાં જ કર્યા. તેથી અગર મૂર્તિઓની પરે જઇને આ સ્તૂપા તરફ નજર નાખતી ત્યારે મને એક અદ્ભુત અનુભવ થતો હતો.

આ સ્તૂપાની બીજી ખાસિયત એ હતી કે અહીં પણ ભગવાન બુધ્ધનાં દેહની રાખ નાખવામાં આવી હતી. પાકિસ્તાનમાં આ અમે ત્રીજો સ્તૂપા જોયો જ્યાં ભગવાન બુધ્ધનાં દેહનાં અવશેષ હોય…અગર કેવળ એ જ બૌધ્ધ સાધુઓની જ દૃષ્ટિથી વાત કરું તો એમને માટે જેટલું આ જગ્યાનું મહત્ત્વ હતું, તેટલું જ મહત્ત્વ મારે માટે ય હતું…અને આ પળે તો કદાચ તેનાથી વધારે હતું….કારણ કે મારે માટે ફરી આ જગ્યાની મુલાકાત ફરી ક્યારેય થશે કે નહીં…તેની કોઈ વોરંટી મારી પાસે ન હતી. તેથી આ ક્ષણે જીવાતાં સમયને હું પૂરી રીતે મારા અસ્તિત્ત્વમાં સમાવી લેવા માંગતી હોઉં તેમ સ્તૂપાનાં પ્રત્યેક ખૂણાને હું મારી ચાર આંખોએ જોતી હતી. ભમલાનો આ સ્તૂપા મૂળ જમીનથી ખાસ્સો ઊંચો હોય અમને એવું જ લાગતું હતું કે, અમે કોઈ પહાડી ઉપર ફરી રહ્યાં છીએ. સ્તૂપાની આજુબાજુ ઘાસ સિવાય કશું જ ન હતું….ભમલાનાં ગામવાસીનાં ઘરો….હતાં તે તો ક્યાંય નીચે હતાં…અગર અમે પહાડી ઉપરથી જોતાં તો યે એ ઘર તો દેખાતાં જ ન હતાં અને જે અમને આજુબાજુ દેખાતું હતું તે વહેતી નદીનું લગભગ બ્લૂગ્રીન કહી શકાય તેવું પાણી….

આ બ્લૂગ્રીન પાણી જોતાં જ મને ઇક્વાડોર, પુંતકાના, હવાઈનાં એ દરિયાનાં પાણીની યાદ આવી ગઈ અને લદાખનાં પેલા નીરવ બ્લૂ પાણી સાથે તો સરખામણી ન જ કરી શકાય…પણ તોયે અદ્ભુત અદ્ભુત… પાણી….પાણી…ના કદાચ…. દરિયો…જ આ દરિયો શબ્દ, આકાર અને રંગમાં મારું મન હજુ ભીંજાતું જ હતું, ત્યાં નીચેથી કોઈ ગામવાસી આવ્યો, આવીને કહે….ઉપરની તરફ શોર સાંભળ્યો એટ્લે હું જોવા આવી ગયો. એની જગ્યામાં અમે એમને આવકાર્યા અને તેમની આજુબાજુ વળી અનેક વાતો પૂછવા લાગ્યાં… સાથે એ પૂછ્યું કે; આ નદીનું નામ કાબુલ-રો કેમ છે? જવાબમાં તે કહે કે; કાબુલરો નામ તે કાબુલ અને હારો નદીને જોઇન્ટ કરીને બનાવવામાં આવ્યું છે. એમાં ગામડાનાં લોકો કાબુલ અને સિટીનાં લોકો હારો તરીકે ઓળખે છે, માટે આને અમે કાબુલરો કહી છીએ.  તે ગ્રામવાસીનાં મતે કાબુલનદી એ સિંધનદીનો જ એક પ્રવાહ હતો પણ કાબુલ તરફ આ નદી વહેતી હોવાને કારણે તેને કાબુલનદી તરીકે ઓળખવામાં આવી. જ્યારે આ નદી વિષે વધુ વાત થતી હતી, ત્યારે જાણમાં આવ્યું કે અહીં ( પાકિસ્તાનમાં ) નદી કિનારાને લોકો દરિયા તરીકે ઓળખે છે, જ્યારે આપણે ત્યાં દરિયા એટ્લે સમુદ્ર એવો અર્થ થાય છે. દરિયા આ શબ્દ સાંભળી એ મિનિટે તો લાગેલું કે, કેટલો પરિચિત શબ્દ પણ અર્થ જાણી પળભરમાં અજાણ્યો થઈ ગયો.  આ અચાનક અજાણ્યાં થયેલાં શબ્દને અમે સમજી જ રહ્યાં હતાં ત્યાં જ તે ગ્રામવાસીએ અમને પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું. અમે ય જાણે આવા જ કોઈક આમંત્રણની રાહ જોતાં હોઈએ તેમ તરત જ હા કહી દીધી, પણ કાબુલને દરિયે જઈ પછી અમે તેને ત્યાં આવીશું કહી અમે તરત જ નીકળી પડ્યાં. અમને ત્યાંથી નીકળેલા જોઈ તે પણ અમારી સાથે થયો, અને આજુબાજુનો ઇતિહાસ બતાવવા લાગ્યો.

આ કાબુલનદીનાં દરિયાનો ( અહીં કિનારાનો ) જે સૌથી સુંદર ભાગ મને લાગ્યો તે હતો છીછરી નદી પાસે રહેલી મસ્જિદનો. આ મસ્જિદનું બાંધકામ ૧૮૭૨ માં થયેલું, જે તે સમયનાં રાજા જહાનદાસે બનાવેલી હતી. લગભગ ૯૦ વર્ષ સુધી આ મસ્જિદમાં હિન્દુ અને મુસ્લિમ લોકો સાથે આવતાં હતાં. પણ જ્યારે આ જગ્યામાંથી લોકો શહેર તરફ વળવા લાગ્યાં ત્યારપછી આ મસ્જિદની રૌનક ઓછી થઈ ગઈ. આજે આ મસ્જિદનો ઉપયોગ કેવળ લોકલ લોકો કરે છે, પણ હાલનાં સમયમાં એક હિન્દુ તરીકે અમને એ મસ્જિદમાં જવા માટે મંજૂરી ન હતી તેથી દૂરથી જ તે મસ્જિદનાં અલ્લાહને યાદ કરી અમે તે ગ્રામવાસીનાં ઘર તરફ નીકળી પડ્યાં.

ગામડાનું ઘર કેવું હોય? એ પ્રશ્નનો જવાબ આંખ બંધ કરીને ય દઈ શકાય. જેને માથે નળીયા ગણાતાં હોય ને આંગણાનાં એક ખૂણામાં બે-ચાર બકરી, બે-ત્રણ ગાય બાંધેલ હોય…બીજે ખૂણે રસોઈનો ચૂલો હોય, ત્રીજા ખૂણે બે-ચાર ગાગરડી અને કૂવામાં નાખવાની ડોલ પડી હોય અને ચોથે ખૂણે સ્નાનની ચોકડી હોય…બસ આ છે ગામડાનું ઘર. અમારી આ કલ્પનાને સાકાર કરતું એ ગામડાનું ઘર હતું. ઘરનાં તે માલિકે અમને આવકાર આપી એક રૂમમાં બેસાડયાં, ત્યારે મને મારુ એ ગામડાનું ઘર યાદ આવી ગયું, જેની છાજલીએ ક્યારેક મોટી બાએ  ( મારા દાદીએ ) કાંસાં પીતળનાં વાસણો ચમકાવીને મૂક્યાં હતાં. અમારું પાકિસ્તાનમાં ફરવા આવવું તે તે ઘરનાં વડીલ માટે આશ્ચર્ય હતું, પણ તેણે અમને પ્રેમથી પૂછ્યું શું તમે ક્યારેય મિયાં મોદીને મળ્યાં છો? એક એવા ગામડામાં જ્યાં ગણ્યાં ગાંઠયાં લોકો રહે છે તેવી જગ્યામાં આ વડીલનો પૂછાયેલ પ્રશ્ન અમારે માટે આશ્ચર્યથી ઓછો ન હતો, પણ નકારમાં અમારા ધૂણાયેલાં માથા જોઈ તેના મો પર નિરાશાનાં ભાવ અમે સ્પષ્ટ જોઈ શક્યાં. અંતે મિયાં મોદીની અને અમારી ભાષા એક જ છે તે જાણીને તેમનો થોડો ઘણો આનંદે ય અમે અનુભવી શક્યાં. ભારતથી કોઈ લોકો આવ્યાં છે તે સમાચાર આજુબાજુ ફેલાતાં વાર ન લાગી, અને ખેતરમાંથી તેમજ આજુબાજુનાં ઘરમાંથી લોકો ભેગા થવા લાગ્યાં. તે આવેલાં મહેમાનો સાથે થોડીવાર વાતચીત કર્યા પછી પુરુષો માટે ચા-પાણી મૂકવામાં આવ્યાં અને તે દરમ્યાન અમે લેડીઝોએ ઘરની બહાર રહેલ ગેંદુઆનાં ખેતરોમાં લટાર મારી લીધી…ચા-પાણી કરીને ફ્રેશ થઈ અમે ઇસ્લામાબાદ તરફ નીકળી રહ્યાં હતાં ત્યારે તેમણે અમને ધર્મરાજિકાની અને ત્યાં રહેલ અન્ય ઇતિહાસની દિશા બતાવી જેથી કરીને અમે અહીંથી જ ધર્મરાજિકાનાં અંતરની માહિતી લઈ ત્યાંથી નીકળી પડ્યાં.

© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ

આપનો પ્રતિભાવ આપો..