જરા યાદ કરો કુરબાની (લેખ) ~ હિતેન આનંદપરા ~ કટાર: પલક ~ સૌજન્ય: ચિત્રલેખા

*
શિર ઉપર ઉન્નત વતનની રજ હશે
ઘોષ કરતી છાતીઓ ગજગજ હશે
દેહ ઘાયલ છો પડે વેરાનમાં
શિખરે અકબંધ તારો ધ્વજ હશે!

– ગુરુદત્ત

ઘરો જુદાં હોય છે, મકાનો જુદાં હોય છે, શહેરો જુદાં હોય છે, રાજ્યો જુદાં હોય છે, જ્ઞાતિ જુદી જુદી હોય છે, પણ જ્યારે આ બધા ભેદ એક થાય ત્યારે દેશનું નિર્માણ થાય. દેશનો ધ્વજ માત્ર કપડાનો ટુકડો કે રંગોનું મિશ્રણ નથી. એમાંથી દેશત્વ પ્રગટ થતું હોય છે.‌ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આપણે એ તમામ સૈનિકો અને સ્વાતંત્રસેનાનીઓને વંદન કરીએ જેમણે પોતાની જિંદગી દેશ માટે સમર્પિત કરી દીધી.‌

નામ જાણીતાં હોય કે ઓછા જાણીતાં, બધાની નિસબત એક જ રહી છે, વતન માટે મરી ફીટવાની. આપણને આઝાદી તાસકમાં મળી છે, પણ એ મેળવવા કેટલીય જિંદગીઓએ તરડાઈ જવું પડ્યું છે.‌

પદ્મવિભૂષણ અને ભારતરત્ન પ્રાપ્ત કરનાર સ્વાતંત્રસેનાની અરુણા અશફ અલીએ ભારત છોડો આંદોલનમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. પછી તેઓ શિક્ષણશાસ્ત્રી અને દિલ્હીના પ્રથમ મેયર બન્યાં હતાં.‌ ભારત છોડો આંદોલન વખતે ભૂમિગત રેડિયો ચલાવનાર ઉષા મહેતાનું પ્રદાન ક્યારેય નહીં ભૂલી શકાય.‌ સાવિત્રીબાઈ ફૂલે એવોર્ડ પ્રાપ્ત કરનાર ગોદાવરી પરુળેકરે બ્રિટિશ શાસનને કમજોર કરવા મુંબઈમાં મજૂર વર્ગનું યુદ્ધ વિરોધી આંદોલન છેડ્યું હતું.‌

જમનાલાલ બજાજ પુરસ્કાર પ્રાપ્ત કરનાર જુગતરામ દવેએ અલગ અલગ સત્યાગ્રહોમાં ભાગ લઈ કુલ નવ વર્ષ કારાગારમાં ગાળ્યાં હતાં.

જુગતરામ દવે

દાદાભાઈ નવરોજીનાં પૌત્રી પેરિનબહેન કૅપ્ટન ૧૯૧૧માં ભારત પાછા ફર્યા પછી તેમને ગાંધીજીને મળવાની તક મળી.‌ તેમના આદર્શોથી પ્રભાવિત થઈ ૧૯૧૯થી સાથે કામ કરવાનું શરૂ કર્યું.‌  ૧૯૨૦માં તેઓ સ્વદેશી આંદોલનમાં જોડાયા અને ખાદી પહેરવાનું શરૂ કર્યું. ૧૯૨૧માં, તેમણે રાષ્ટ્રીય સ્ત્રી સભાની સ્થાપના કરવામાં મદદ કરી.

 

રાજકીય સભાને સંબોધતા પેરિન કૅપ્ટન. બોમ્બેમાં ચોપાટી બીચ પર, 1930 (સ્ત્રોત: ભારતની મહિલા, તારા અલી બેગ)

પશ્ચિમ બંગાળના ભારતીય ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી બીના દાસ સંસ્થા જુગાંતર (યુગાંતર)નાં સભ્ય હતાં.

બીના દાસ
કલકત્તા  વિશ્વવિદ્યાલયના કુલપતિ સ્ટેનલી જેક્સનની હત્યા કરવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો.

ભક્તિબા દેસાઈએ ઈસવી સન ૧૯૨૩ના બોરસદ સત્યાગ્રહ અને નાગપુરના ધ્વજ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.‌ ૧૯૨૮ના પ્રસિદ્ધ બારડોલી સત્યાગ્રહમાં શરૂઆતમાં સ્ત્રીઓ આગળ આવવા શરમાતી હતી. ભક્તિબાએ મણિબહેન પટેલ અને મીઠુબહેન સાથે મળી તેમને આ સત્યાગ્રહમાં જોડાવા પ્રેરણા આપી, એના કારણે સ્ત્રીઓની સંખ્યા પુરુષોથી પણ વધી ગઈ.

વિનોદ કિનારીવાલા ગુજરાત કોલેજના વિદ્યાર્થી હતા. ભારત છોડો આંદોલનના પ્રથમ દિવસે એટલે કે ૯ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ ગુજરાત કૉલેજની સામે ભારતીય ધ્વજ ફરકાવતી વખતે બ્રિટિશ અફસર દ્વારા ગોળી મારીને તેમની  હત્યા કરવામાં આવી. બ્રિટિશ અફસરે તેમને ધ્વજ નીચે મૂકી દેવા કહ્યું હતું, પરંતુ કિનારીવાલાએ તેમ કરવાની ના પાડી. માત્ર ૧૮વર્ષની ઉંમરે એમનું નિધન થયું.

અમૃત મહોત્સવ પ્રસંગે દેશનો પાયો નાખનાર અને આ પાયાને સધ્ધર કરનાર સર્વ નામી-અનામી, નાના-મોટા માણસો  તિરંગાંજલિના અધિકારી છે. આજે આપણે શાંતિથી તિરંગો ફરકાવી શકીએ છીએ એના મૂળમાં સદીઓની લડત સમાયેલી છે.‌ આ ધ્વજની શાન અને શૌકત વધે એ માટે પ્રત્યેક દેશવાસીએ પ્રયત્ન કરવો પડે.

પ્રદાન નાનું કે મોટું હોય એનો પ્રશ્ન નથી, પ્રશ્ન પ્રામાણિકતા અને નિષ્ઠાનો છે. હવે પ્રજાને ભ્રષ્ટાચારથી આઝાદી જોઈએ છે, વારસાગત ગાદી ભોગવતા નિરર્થક શાસકોથી આઝાદી જોઈએ છે, ધર્મને નામે ચાલતા ધતિંગોથી આઝાદી જોઈએ છે, અનિર્ણાયકતા અને અરાજકતાથી નુકસાન કરનાર ઉપદ્રવીઓથી આઝાદી જોઈએ છે.

૭૫ વર્ષનું કામ આવનારા ૨૫ વર્ષમાં કરવાનું લક્ષ્યાંક સાધવા પ્રવૃત્ત થઈએ તો એ આઝાદીના અમૃત મહોત્સવની સાર્થકતા લેખાશે.
***

આપનો પ્રતિભાવ આપો..