અમૃત મહોત્સવ મુબારક ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

‘હર ઘર તિરંગા’નો નાદ જ્યારે સમગ્ર દેશમાં ગુંજી રહ્યો છે ત્યારે તમામ નાગરિકોને પંચોતેર વર્ષનાં સવાશેર અભિનંદન. જેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વતંત્રતાના યજ્ઞમાં યોગદાન આપ્યું, જેમણે તિરંગાને ફરફરતો જોવા પોતાની ઇચ્છાઓ સમેટી લીધી, જેમણે દેશ માટે ફના થવાનું સ્વીકાર્યું એ સત્યાગ્રહીઓ, સૈનિકો અને લડવૈયાઓને આ ક્ષણે વંદન કરી ખરા અર્થમાં ધ્વજવંદન કરીએ.

હેતલ મોદી જોષી પ્રાણ ન્યોચ્છાવર કરનાર વીરોને યાદ કરે છે…

સૌ મળી હળવે મને
ઉઠાવજોને આજ તો

ને તિરંગો આ મને
ઓઢાડજોને આજ તો

દેશ આખામાં ઊડે
ગુલાલ આઝાદીનો પણ

મારા રક્તબિંદુ ના
ભુલાવજોને આજ તો

જેમનું લોહી વતનની માટીમાં ભળી ગયું એવા અનેક નામી-અનામી લોકોએ આ ધરતીને સીંચી છે. ધર્મ-સંપ્રદાયના ભેદ ભૂલી સૌ એક થઈને લડ્યા હતા એ જ જજ્બો આજની તારીખમાં પણ જરૂરી છે. કમલેશ શુક્લ કહે છે એવી એકતા દેશનો આધાર છે…

દેશ માટે જોશમાં ને
જોશમાં એ નીકળ્યા

સ્વાભિમાને જાગતા
આવેશમાં એ નીકળ્યા

એક પણ હથિયાર ના,
ગાંધીભરોસે ચાલતા

એકસૂરે ગાજતા થઈ,
હોંશમાં એ નીકળ્યા

ટોપી ને પાઘડીના ફરક વગર, રંગ ને માન્યતાના ફરક વગર, પક્ષ ને વિપક્ષના ટંટાફિસાદ વગર સૌ એક થઈને ભારતમાતાની વંદના કરે એ અનિવાર્ય છે.

જળબિંદુ વિસાતમાં નાનું હોય છે, પણ જ્યારે અગણિત જળબિંદુઓ એકમેકમાં ભળે ત્યારે વિરાટ ધોધ સર્જાઈ શકે અને વિશાળ સાગર પણ બની શકે. આપણી નાની-નાની શક્તિ દેશભક્તિ પરત્વે સંનિષ્ઠ થાય તો વિરાટ સ્વરૂપ નિર્માણ થઈ શકે. કવયિત્રી સ્વરા વિસ્તારને આવરી લે છે…

સ્વાધીન હો સ્વાધીન હો
સ્વાધીન હો અંબર-ધરા

સ્વાધીન હો મા ભારતીની
આગવી ઋતંભરા

આઝાદ છે જંગલ, નદી,
ઝરણાંઓ, પંખી ને હવા

તોડીને આજે સરહદો,
માનવને દો પાંખો જરા

દોરીથી બંધાયેલી પાંખો લઈને ઊડી નથી શકાતું. ગુલામી બહુ ખરાબ ચીજ છે. ગુલામી સ્વીકારીને શ્વાસ ખેંચવા પડે એ સ્થિતિ દર્દનાક છે. આપણા દેશવાસીઓએ લાંબી ગુલામી ભોગવી. જેલવાસ ભોગવ્યો.

ઘર-પરિવારથી દૂર રહી જીવના જોખમે આંદોલનોમાં જોડાયા. આ બધું કરવું સહેલું નથી. આપણને એક ટંકની પાઉંભાજીનો ત્યાગ કરવાનો આવે તોય જીભ વિલાઈ જાય છે. ડૉ. સેજલ દેસાઈ સરહદને સાચવતા જાંબાઝોની લાગણી નિરૂપે છે…

છોડી બધી અમીરી, આ હિન્દ દેશ માટે
વ્હોરી તમે શહીદી, આ હિન્દ દેશ માટે
માની કસમ લઈને, એ સૈનિકો કહે છે
કે જન્મવું ફરીથી, આ હિન્દ દેશ માટે

૧૯૪૭ના ઇન્ડો-પાક યુદ્ધમાં તૂટેલા હાથે દુશ્મનો સામે ઝીંક ઝીલનાર મેજર સોમનાથ શર્મા, ૧૯૪૮માં એકલા હાથે પાકિસ્તાની પોસ્ટ પર કબજો મેળવનાર મેજર પીરુ સિંઘ શેખાવત, ૧૯૬૫માં ૬ પાકિસ્તાની ટૅન્કનો ખાતમો બોલાવનાર હવાલદાર અબ્દુલ હમીદ, ૧૯૬૫ની જ લડાઈમાં પોતાની ટુકડી સાથે ૬૦ પાકિસ્તાની ટૅન્કોનો ખાતમો બોલાવનાર લેફ્ટનન્ટ કર્નલ તારાપોર, ૧૯૭૧ના યુદ્ધમાં શ્રીનગરને દુશ્મન વિમાનોથી બચાવનાર ફ્લાઇંગ ઑફિસર નિર્મલજિત સિંહ, ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં અપ્રતિમ શૌર્ય દાખવનાર કૅપ્ટન વિક્રમ બત્રા જેવા અનેક પરમવીર ચક્રવિજેતા બહાદુર સૈનિકોએ દેશને કાજ પોતાનું જીવન સમર્પિત કરી દીધું.

તૃપ્તિ ભાટકરની પંક્તિઓ સાથે આવા સૌ જાંબાઝોનો ઋણસ્વીકાર કરીએ…

વતનની આન ખાતર
પ્રાણ ન્યોછાવર કરી દે છે

કફન થઈને તિરંગો,
ગર્વથી ચાદર ભરી દે છે 

તહે-દિલથી અમારા શ્વાસ
ઋણી છે શહીદોના 

અમારી આંખનાં આંસુ,
સલામી આખરી દે છે

તિરંગાની આન, બાન અને શાન આપણા મતભેદો અને વિચારભેદોથી પર અને પાર છે. એનું લહેરાવું ખેતરમાં લહેરાતા પાક જેવું પ્રસન્નકર છે. હવાની લહેરખીથી પડતી સળમાં આખી સ્વાતંત્ર્ય ચળવળ સમાયેલી છે. મીતા ગોર મેવાડાના શબ્દો સાથે અમૃત મહોત્સવ નિમિત્તે આપણી સંવેદનાને સમૃદ્ધ કરીએ…

માનવ્યનો ઉપાસક,
આ દેશને નમન છે

ઇન્ડિયા કહો કે ભારત
આ દેશને નમન છે

ગીતા, કુરાન, વેદો
વૈભવ છે જે ભૂમિના

છે સત્ય જેની તાકત,
આ દેશને નમન છે

————————–
|| લાસ્ટ લાઇન ||

વિદેશમાં વસતા દેશપ્રેમીઓને…

ચંદ્ર ધારીને જુઓ,
મૃગાંક દેખાશે જરૂર!
દેશના સુખદુઃખ તણા
ગતાંક દેખાશે જરૂર!

ત્યાં સુધી ના પૂર્ણ
જગ-ઈતિહાસની ગાથા હજી,
દેશના ઝળહળ ઘણા
દિનાંક દેખાશે જરૂર.

કેમ? ક્યારે? ક્યાં ગયા?
જ્યારે ગયા-છો ને ગયા.
એક દિન તો આવશે-
વળાંક દેખાશે જરૂર!

મૂળ ક્યાં છૂટે ભલા?
વિકસો વિદેશે-ગર્વ છે!
મા થકી ખુદનો ખરો
ગુણાંક દેખાશે જરૂર!

શું કમી સામર્થ્ય જેને
કોઈ ખૂણે વિશ્વમાં?
દેશપ્રેમે આર્દ્ર એ
કદિ રાંક દેખાશે, જરૂર!

જિંદગીનું રૂપ સઘળું
ક્યાં ગયું? ક્યારે ગયું?
પાસબુકનો ક્યાંક એમાં
વાંક દેખાશે જરૂર!

વૃદ્ધિની એ સાબિતી,
આપત્તિઓની ક્યાં કમી?
કોણ? ક્યાં શાથી શહીદ
એ આંક દેખાશે જરૂર.

કૈંક પૂણ્યો પાકશે,
છે દેશ યૌવનમાં હવે.
અમૃતે આ દેશના
માનાંક દેખાશે જરુર!

– પૃથા મહેતા સોની
***

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. kaha pe raho cha he england ya america, akhir dil he to hindustani, marenge bhi hindustan ke liye or jiyenege bhi mere deske liye her tarf thi help bhejata rehta hu her hamesh. dil to he hindustani. desh ko banayege duniye me number one ek hi desh or ek hi dharam vo ho ga manav vad dhram. ek hi prthvi -vasundhra, des mera bharat mahan.