ઉસ્માનભાઈને ઘેર ‘મહેમાં નવાઝી’ ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 21 ) ~ પૂર્વી મોદી મલકાણ

ઉસ્માનભાઈને ઘેર ‘મહેમાં નવાઝી’ ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 21 ) ~ પૂર્વી મોદી મલકાણ

દરેક ઘર એક નવી વાર્તા કહેતું જાય છે, એ કહેવત મારે માટે સાચી પડી રહી હતી તેથી જ એક બાજુ હું ઉસ્માનભાઈનાં ઘરે તેમની મહેમાં નવાઝી લેતી હતી, તો બીજી તરફ તેમનાં અબ્બાજાનનાં મુખેથી હિન્દુકુશ અને તેમનાં પૂર્વજોનો ઇતિહાસ માણી રહી હતી. આ બંને આનંદ માણતાં માણતાં જેની તરફ મારી વારંવાર નજર પાછી વળતી હતી તે હતી તેમનાં ઘરની વિશિષ્ટ ડિઝાઇન. મારે ઉસ્માનભાઈનાં અબ્બા નૂમાનભાઈને ઘરની આ ડિઝાઇન વિષે પણ ઘણું બધું પૂછવું હતું, પણ હવે અમારી વાતચીતમાં હવે માહૂની લાકડીઓનો સમાવેશ થઈ ચૂક્યો હતો.

ઓલ્ડ પેશાવરનાં ટ્રેડિશનલ ઘરોઉસ્માનભાઈ અને સબિહાબીબીનાં ઘરો 

 

 

 

 

માહૂ … આ શબ્દ નવો છે આપને માટે ખરું કે નહિઁ? બન્યું હતું એવું કે; મારી પાકિસ્તાનની ટૂર શરૂ થાય તેનાં ઘણાં સમય પહેલા મારી વાત બ્રિટિશ ઈતિહાસકાર ડો. માઈકલ વૂડ સાથે થયેલી. માઈકલ મારા ઘણાં લાંબા સમયનાં મિત્ર. તેથી જ્યારે પણ અમારી વાતચીત થાય ત્યારે પાક-ભારત વચ્ચે રહેલી સંસ્કૃતિ, ધર્મ, ખાણીપીણી, ઉત્સવો, રહેણીકરણી, દવાદારૂ, શસ્ત્ર, શાસ્ત્રો, પુરાતત્ત્વ, અને પુરાતત્ત્વ વચ્ચે રહેલ સમસ્ત કલાકારીગીરી અમારી વાતોમાં નીખરી આવતાં. એક સમયે આવી જ કોઈક વાતચીત દરમ્યાન આપે મને મારા પાકિસ્તાનનાં પ્રવાસ દરમ્યાન પેશાવર જવાનો અને માહૂ મેળવવાની વાત કરી હતી. પણ અમારી, આ વાતચીત પછી સમયનો મોટો અંતરાલ આવી ગયો પણ તેમની વાતથી મારામાં એક ઇચ્છાનો જન્મ થઈ ચૂકયો હતો. આજે કિસ્સાખ્વાની બજારમાં પ્રવેશતાં પહેલાં જ હકીમી સેઈપરમાં ગયાં અને ત્યાંથી “માહૂ” ની ખરીદી કરી ત્યારે સેઈપર ( દુકાન અને દુકાનદાર ) બોલી ઉઠ્યો કે; એક અંગ્રેજ પણ માહૂની ખરીદી કરવા આવેલો ને તમે ય આવ્યાં. આ સાંભળી ડો. માઈકલ વૂડ અહીંથી જ આવ્યાં હતાં તે મને ખ્યાલ આવી ગયો અને તે સાથે હું ખૂબ ઉત્સાહિત પણ થઈ ગઈ. આથી ડો. વૂડ સાથે મારો શું સંબંધ છે તે ઉલ્લેખ વિષે કરું તે પહેલા તે સેઈપર બોલી ઉઠ્યો કે; આ માહૂ કેમ? પણ માહૂ વિષે વધુ ઉલ્લેખ કરવાનો અહીં કોઈ ફાયદો ન હતો તેથી માહૂની ખરીદારી કરી અમે અહીંથી આગળ વધી ગયાં….પણ સેઈપરનાં તેમજ અમારા ગ્રૂપનાં લોકોનાં મન પર પ્રશ્ન આવી ગયો કે; પૂર્વીજી, પેલો અંગ્રેજ ને આ માહૂ વચ્ચે સંબંધ શું છે?

જેમ એ લોકોને પ્રશ્ન થયો હતો તેમ આપને પણ હવે પ્રશ્ન થતો હશે કે; ભઈ આ પૂર્વી, માઈકલ અને માહૂ વચ્ચેની ત્રિવેણી શું ચાલે છે? તો ચાલો ફોડ પાડીને પૂછું કે; શું આપને ઇન્દ્ર રાજા યાદ છે? આમ તો ઇન્દ્ર રાજા આપણાં, પણ અત્યારનાં પાકિસ્તાનીઓનાં મતે તેમના એવા ઇન્દ્રરાજા. જેઓ સોમરસનું સદાય પાન કરતાં, ચિરાયુ રહેતાં અને સાથે નશામાં પણ રહેતાં હતાં. આ ઇન્દ્ર રાજાનો સોમરસ જે પ્લાન્ટમાંથી બને છે તેને પશ્તૂ ભાષામાં “માહૂ” અને સંસ્કૃતમાં “સોમવલ્લી કે સોમ” તરીકે ઓળખવામાં આવે છે.

જ્યારે નૂમાનભાઈ સાથે માહૂ અંગે વાતચીત થઈ ત્યારે આપે કહ્યું કે; માહૂ કે પ્લાન્ટ પે પત્તે નહીં હોતે, સિર્ફ ડંથલ હોતે હૈ. યહ ડંથલ જબ સૂખતે હૈ તબ ઉસકી લકડી  બન જાતી હૈ. યહ લકડી કો ગર્મ પાની મે ઉબાલતે હૈ તબ પાની જામુની મરૂન રંગકા હો જાતા હૈ. દૂસરી બાત યહ કી; યહ પ્લાન્ટ રાત કી રાની કી તરહ ચાંદ કી છાંવ મે ઝૂમ ઉઠતાં હૈ, નૂમાન ભાઈની વાત સાંભળતાં જ હું બોલી ઉઠી કે; અમારા સંસ્કૃતમાં ચંદ્રને સોમ કહે છે અને રાત્રે આ પ્લાન્ટ ખીલે છે તેથી જ આ પ્લાન્ટને સોમ અથવા સોમવલ્લી કહેતાં હશે. મારી વાત સાંભળી બે ઘડી માટે નૂમાનભાઈ ચૂપ થઈ ગયાં, પછી અચાનક બોલી ઊઠ્યાં….હાં સોમ તો યાને ચંદ્ર તો આપકા હૈ, પર પતા હૈ નાં કી ઇન્દ્ર હમારા હૈ…ઇસી લિયે તો હમારી સંસ્કૃતિ કા નામ ઇન્ડ્સ વેલી હૈ…અને તેમની આ વાતનો ય હું કોઈ પ્રત્યુત્તર આપું તે પહેલાં તેઓ કહે પતા હૈ ? ઈરાન મે એક આર્કીયોલોજિકલ સાઇટ પે ખુદાઈ હો રહી થી તબ વહાં ભી માહૂ કા નૂસ્ન ( ઉલ્લેખ ) મિલા હૈ, લેકિન વોહ લૉગ પોપીસીડ્સ ( ખસખસ ), એફેદ્રા, કેનેબીસ, દાડમ ઔર ખજૂર સે બનાતે થે. મારા ઉત્તર-પ્રત્ત્યુતરની રાહ જોયા વગર સતત બોલતાં નૂમાનભાઈને હું સાંભળતી રહી, પણ એક વિચાર આવી ગયો કે; આ માહૂ તો કેવળ પ્લાન્ટ છે જેની અસર કદાચ ભાંગ જેવી હોઈ શકે પણ અગર ઈરાની સોમરસની વાત કરવામાં આવે તો તેમાં ખસખસ, એફેદ્રા, અને કેનેબીસ જેવી ત્રણ ત્રણ નશાકરક વસ્તુઓ હોવાથી ઇંદ્ર રાજા ચોવીસ કલાક નશામાં જ રહેતાં હોય તો તેમાં શું નવાઈ? આમ નૂમાનભાઈની વાતચીત, મારું મગજ અને કાન સતત ત્યાં સુધી બીઝી રહ્યાં જ્યાં સુધી જ્યાં સુધી અમારી વચ્ચેની વાતચીતમાં કોઈ ખલેલ ન પડી.

અમારી વાતચીતમાં જ્યારે હોલો પડ્યો, ત્યારે મે મારું ધ્યાન નૂમાનભાઈ ઉપરથી હટાવી ઘરની એ વિશિષ્ટ ડિઝાઇન પર કેન્દ્રિત કર્યું, ત્યારે ખ્યાલ આવ્યો કે આ ઘર ક્યાંક જોયેલાં અતીતની યાદ કરાવી રહ્યું છે, પણ એ અતીત ક્યાંનો છે? મારી વાત પરથી આપને લાગશે કે; ભઈ ઘર તો ઘર હોય વસ્તુઓ, ઘરની દીવાલો અને માણસો સિવાય બીજું નવું શું હોય? પણ મગજ અને યાદો પર ભાર દેતાં સમજાયું કે; આ ઘરની ડિઝાઇન મને હિન્દી સિનેમામાં રહેલાં પાકીઝા, ઉમરાવ જાન, ચૌદવીકા ચાંદ, મેરે મહેબૂબ વગેરે જૂના ઈસ્લામિક પરિવારવાળા પ્લોટ ઉપર લઈ જાય છે. આ જૂની ફિલ્મોમાં જેમ તે સમયમાં મુસ્લિમ પરિવારો શી રીતે રહેતાં હતાં તે બતાવ્યું છે તે જ રીતે અહીં પણ છે. અહીં આ ઘરમાં જનાનીઓ માટે અલગ અને પુરુષોની જગ્યાને અલગ કરવા વાંસની ચટ્ટાઇનો ઉપયોગ કરવામાં આવેલો, ઘરમાં આવતાં જતાં લોકોને મિયાં અથવા બીબીનું સંબોધન, એજ રૂઢિચુસ્ત પહેરવેશ, ચટ્ટાઇ પાછળથી બોલતી જનાનીઓ, ખીંટી પર લટકતી મિયાં ટોપી, દુપટ્ટા  અને ફૂમતાં પાઘ, મુખ પરનાં પડદાની આડશ સાઈડમાં કરી બોલતી દીકરીઓ….અબ્બા હુઝૂર  … અમ્મીજાન બુલાતી હૈ…..આપ ના….મહેંમાં કો….

ઉસ્માનભાઈને ઘેર હું તેમનાં કેટલાક એવા સંબંધીઓને પણ મળી જેઓ એજ વખતે ઉમરા કરીને આવેલાં. આ પરિવારે હું હિન્દુ છું તે જાણવા છતાં યે મને આબે ઝમઝમનું પાક પાણી અને આજવાની ખજૂર આપી. ( -જે ખજૂરનાં બી નું વાવેતર મહમદ પયગંબરે કરેલું તેની ખજૂર તે આજવાની ખજૂર તરીકે ઓળખાય છે. ) ને આપણે ત્યાં જેમ ગંગોત્રી-જમનોત્રીનું પાણી પવિત્ર ગણાય છે તેમ આબે ઝમઝમનો મહિમા યે અનેરો છે. મારે માટે, એક હિન્દુને માટે જ્યાં હું પહોંચી શકતી નથી તેવા કાબે મક્કાની ભેંટ મેળવવી એ નાનીવાત ન હતી, પણ તેમણે ય હિન્દુ મુસ્લિમનો ભેદ પાડ્યાં વગર જે ભેંટ આપી તે મે પ્રેમપૂર્વક સ્વીકારી લીધી.

નૂમાનભાઈ સાથે વાતચીત જ્યારે થતી હતી ત્યારે કરતાં જાણવા મળ્યું કે અફઘાનિસ્તાનની બોર્ડર પેશાવરની પાસે જ છે અને હિંદુકુશની એ પહાડી જ્યાં એક સમયે અનેક હિન્દુઓ રહેતાં હતાં તે પણ પાસે છે. તેઓ કહે આજની રાત તમે રોકાઈ જાઓ આવતીકાલે સવારે વહેલાં નીકળી જજો. આ સ્થળો જોઈ સીધા સ્લામાબાદ નીકળી જજો. તેમની એ વાત સાંભળી હું પાક -અફઘાન બોર્ડર જોવાની મારી ઇચ્છાને રોકી ન શકી. પણ આ નિર્ણયમાં કેવળ મારી ઈચ્છા ચાલે તેમ ન હતી ને આમે ય પાકિસ્તાનનાં દરેક પ્રવાસે મારી યે ઈચ્છાઓ ય અજગરનું રૂપ ધારણ કરતું હતું, તેથી વધુ સમય અહીં રહેવાને બદલે અમે ઇસ્લામાબાદ તરફ નીકળી પડ્યાં કારણ કે હજુ અમારે પેશાવરની બહાર નીકળતાં પહેલાં બાલાહિસ્સાર ફોર્ટનાં ખુલ્લા દરવાજાઓને બાય બાય કહેવાનું હતું.

 © પૂર્વી મોદી મલકાણ -યુ.એસ. એ

purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..