ગઝલ ~ અંજના વેગડા  ‘અંજુ’

૧. થઈ
આખરે તો વેદના સરભર થઈ,
બેયનાં દિલની દશા બદતર થઈ.
આંખ મારી જ્યારથી તરબોળ છે,
એમની આંખો નરી પથ્થર થઈ.
કે પ્રતીક્ષા આજે પણ તારી મને,
યાદ સાથે આંખ પણ ઝરમર થઈ.
કર દુઆ કે આશરો એને મળે,
લાગણીઓ આજથી બેઘર થઈ.
ટૂકડામાં આ હૃદય તબદીલ જો,
જિંદગી શ્વાસો ઉપર નિર્ભર થઈ.
             ~ અંજના વેગડા  ‘ અંજુ ‘
2. થાય શું?
આ સરી જાતાં સમયનું થાય શું?
ને વિચારોનાં વલયનું થાય શું?
કે સતત ચાલ્યાં કરે સ્મરણ હવે,
ને વિરહનાં એ વિષયનું થાય શું?
આંખનાં વરસાદમાં યાદો વહે,
આંસુઓના એ પ્રલયનું થાય શું?
બંધ દરવાજા ભલે અંતર તણા,
તોય છલકાતાં પ્રણયનું થાય શું?
આખરી શ્વાસે ય આ જીવી રહ્યું,
ઝૂઝતા મારા હૃદયનું થાય શું?
~ અંજના વેગડા  ‘ અંજુ ‘

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. મારી રચનાઓને બ્લોગમાં સ્થાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર 🙏🙏